11 June, 2024 07:22 AM IST | Mumbai | Lalit Lad
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઘરડા સૉલિસિટર દાસગુપ્તાએ સંભાળીને અરીસામાં જોતાં-જોતાં પોતાના ચહેરા પર ચોંટાડેલી નકલી દાઢી ઉખાડવા માંડી.
દસેક મિનિટ પછી જ્યારે પોતાનો ચહેરો અને માથાના વાળ સરસ રીતે ધોઈ નાખ્યા પછી બ્લૅક ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેરીને તે બાથરૂમની બહાર આવ્યો કે તરત જુલીએ પૂછ્યું :
‘શું લાગે છે ડેવિડ? પંછી પીંજરામાં ફસાઈ જશે?’
‘ફસાઈ જ ગયું સમજ...’ ડેવિડે જુલીની કમરમાં હાથ નાખીને ગાલે ટપલી મારતાં કહ્યું, ‘મેં સ્ટોરી જ એવી ઊભી કરી છે કે પંછી સામે ચાલીને પીંજરામાં આવશે.’
‘અચ્છા? શું છે સ્ટોરી?’
‘સાંભળ...’ ડેવિડે દોઢ કલાક પહેલાંની મુલાકાતનો છેડો
રિવાઇન્ડ કર્યો.
‘તો મને ૩૬ કરોડ મળી જશેને?’
પિસ્તાળીસેક વરસની ઉંમરે ગોળમટોળ કાયા અને ગોરો રૂપાળો ચહેરો ધરાવતા જતિનકુમાર ભાટિયાને માટે ૩૬ કરોડની રકમ એક લાઇફલાઇન સમાન હતી. તેઓ ઑલરેડી બહુ મોટા કરજામાં ડૂબી ચૂક્યા હતા. ઘરડા સૉલિસિટર દાસગુપ્તા તો જાણે તેમને માટે ફરિશ્તા બનીને આવ્યા હતા! તેઓ હજી તલપાપડ હતા.
‘જુઓ, તમે બતાવેલા ફોટોમાંથી મેં પ્રિયરંજન બંદોપાધ્યાયને ઓળખી બતાવ્યા. તેમના ટી-એસ્ટેટના સ્ટાફના ગ્રુપ-ફોટોમાંથી પણ મેં પંદર-વીસ જણને ઓળખી બતાવ્યા. હું પોતે જ જતિનકુમાર ભાટિયા છું એવું ખાતરીથી કહેનારા આ ધરમશાલા ટાઉનમાં તમને બે હજારથી વધુ લોકો મળી જશે. તમે કહેતા હો તો હું વકીલ દ્વારા ઍફિડેવિટ પણ આપી શકું છું કે હું જ જતિનકુમાર ભાટિયા...’
દાસગુપ્તાએ ફરી હથેળી ઊંચી કરીને તેમને અટકાવ્યા.
‘એક નાનકડી સમજૂતી હજી બાકી છે.’
‘સમજૂતી?’ ભાટિયાએ તરત જ પોતાનો અવાજ ધીમો કરી નાખ્યો, ‘એમાં સમજવાનું શું છે? તમે કહેશો એમ સમજી લઈશું...’
દાસગુપ્તાએ ટટ્ટાર થઈને તરત જ જે રીતે ખોંખારો ખાધો એ જોઈને ભાટિયા ફરી નર્વસ થઈ ગયા.
દાસગુપ્તાએ જોયું કે હવે લોઢું ખરેખર ગરમ થઈને લાલચોળ બની ચૂક્યું છે એટલે તેમણે મોટા હથોડાના પ્રહાર પછી છીણી-હથોડીના નાના-નાના પ્રહાર વડે આખી વાતને ઘાટ આપવાની શરૂઆત કરી.
‘વાત એમ છે મિસ્ટર ભાટિયા કે પ્રિયરંજન બંદોપાધ્યાયની એક ભાણી છે. પ્રિયંવદા સાન્યાલ... આ પ્રિયંવદા તો તમને બહુ સારી રીતે ઓળખે છે! તે કહેતી હતી કે તે નાની હતી ત્યારે પોતાના મામાને ત્યાં એટલે કે પ્રિયરંજનજીના બંગલે, દરેક વેકેશનમાં આવતી હતી અને તમારી સાથે તે ટી-એસ્ટેટની ઑફિસમાં આવીને તમને સંતાકૂકડી રમવાની ફરજ પાડતી હતી!’
‘ઓહ, અચ્છા! એ?’ ભાટિયા હસી પડ્યા.
જોકે ભાટિયાને હસવા સિવાય છૂટકો જ નહોતો, કેમ કે એવી કોઈ નાની નટખટ છોકરી તેમને યાદ જ નહોતી! પણ અહીં સવાલ પૂરા ૩૬ કરોડનો હતો. તેમણે ઝાંખું સ્માઇલ ટકાવી રાખતાં કહ્યું,‘બહુ વરસો પહેલાંની વાત છે એટલે થોડી યાદો ઝાંખી પડી ગઈ છે, પણ ઍનીવે, એ પ્રિયંવદા સાન્યાલનું શું છે?’
‘એવું છે...’ દાસગુપ્તાએ હવે મુદ્દાની વાત કરી, ‘વસિયત એ રીતે બની છે કે અમુક જમીન અને કંપનીનાં અમુક ગેસ્ટહાઉસનાં મકાનો તમારા બન્નેના ભાગે ફાળવવામાં આવ્યાં છે. કુલ મળીને ૭૨ કરોડની પ્રૉપર્ટીઓ છે. હવે તમે તો અહીં ધરમશાલામાં સેટ થઈ ગયા છો. તો પછી ત્યાં અગરતલામાં પ્રૉપર્ટી રાખીને શું કરશો? એટલે જો...’
આ વખતે દાસગુપ્તાએ ખાંસીનો સહારો લીધા વિના વાક્ય અધૂરું મૂક્યું. ભાટિયાની આંખોમાં હવે જે ઉત્સુકતા હતી એ પંદર ફુટ દૂરથી
પણ સ્પષ્ટ રીતે વાંચી શકાય એવી હતી. તેઓ તરત જ બોલ્યા,
‘કરવાનું શું છે?’
‘વેલ, પ્રિયંવદા સાન્યાલ પોતે અહીં આવ્યાં છે. અહીં ધરમશાલાની એક પૉશ હોટેલમાં ઊતર્યાં છે. તેમની ઇચ્છા એવી છે કે જો તમે એક વાર તેમને મળી લો અને તેમના કહેવા મુજબ પેપર્સ પર સહી કરી
આપો તો...’
‘તો?’
‘તો તમને ૩૬ કરોડ રોકડા
આપી શકાય!’
દાસગુપ્તાએ પોતાના નાક પર લપસી પડેલાં ચશ્માંની ઉપરથી જોયું કે ‘રોકડા’ શબ્દ સાંભળતાં જ ભાટિયાના ગોરા ગોળમટોળ ચહેરા પર નવી ચમક આવી ગઈ હતી!
‘સવાલ થોડી ફૉર્માલિટીઝનો જ છે.’ દાસગુપ્તા જરા મુશ્કેલી સાથે ખુરસીમાંથી ઊભા થયા અને પેલા જૂના પાકીટમાંથી વધુ એક ફોટો
ટેબલ પર મૂકતાં કહ્યું, ‘આ છે પ્રિયંવદા સાન્યાલ... કાલે સાંજે સાતેક વાગ્યે હોટેલ હિલટૉપ, રૂમ નંબર ૨૦૩માં... ફાવશે?’
‘શ્યૉર!’
ભાટિયાએ હાથ મિલાવતી વખતે પોતાનો ચહેરો ગંભીર કરી નાખ્યો, પણ દાસગુપ્તા જાણતા હતા કે આ ગંભીરતા સાવ નકલી હતી!
‘વાઉ!’ જુલી આખી વાત સાંભળીને ડેવિડને વળગી પડી, ‘યાર, તું છેને, પંછીઓને ફસાવવામાં ચૅમ્પિયન તો ખરો, હોં?’
‘જુલી, મેં તો માત્ર દાણા જ નાખ્યા છે. હવે એ પંછી જ્યારે આવે ત્યારે તારી બ્યુટીની જાળમાં ફસાવવાનું કામ તારું.’
‘તો તને શું લાગે છે, તે નહીં ફસાય?’
‘નૉટ શ્યૉર... માણસ પિસ્તાળીસ વરસનો થઈ ગયો છે. પરણેલો છે, આ ધરમશાલા ટાઉનમાં બધા તેને ઓળખે છે... જો તે પોતાની ઇજ્જત બચાવવાના ખ્યાલમાં હશે તો...’
‘ઓયે ડેવિડ!’ જુલીએ ડેવિડનું ટી-શર્ટ ખેંચીને તેને પોતાની પાસે ખેંચતાં પોતાની છાતી તેની છાતી સાથે ભીંસતાં કહ્યું,
‘તું ફિકર ના કરીશ... મેં ભલભલા મરદોની ઇજ્જત લૂંટી છે!’
અંધારું થયા પછી લગભગ રાતે નવેક વાગ્યે ‘હોટેલ શાલીમાર’માંથી ઘરડા સૉલિસિટર દાસગુપ્તાએ રિસેપ્શન પર પોતાના જૂના ચામડાના પાકીટમાંથી એક ઘસાયેલું પર્સ કાઢીને એમાંથી એક-એક નોટ સાવચેતીથી ગણી-ગણીને હોટેલનું બિલ ચૂકતે કર્યું. છૂટા રૂપિયા પાછા લેતી વખતે પણ બરાબર ધ્યાનથી ગણ્યા. બિલમાં ફરીથી આંકડો જોયો. ફરી હાથમાં પકડેલા રૂપિયા ગણ્યા. છેવટે જૂનું પર્સ પેલા જૂના ચામડાના પાકીટમાં મૂકીને કહ્યું,
‘ગુડ નાઇટ. હોટેલ ઠીકઠાક હતી. ફરી ક્યારેક આવીશું.’
દરમ્યાનમાં વાળની અડધોઅડધ લટો સફેદ થઈ ગઈ હોય એવાં મિસિસ દાસગુપ્તા પણ લાકડાનાં પગથિયાં ઊતરીને નીચે આવ્યાં. તેમના હાથમાંથી મોટી બૅગ દાસગુપ્તાએ લઈ લીધી, પછી હાથના ટેકે મિસિસ દાસગુપ્તાને નીચે ઉતાર્યાં. બન્ને ધીમા પગલે ‘હોટેલ શાલીમાર’ની બહારનાં પગથિયાં ઊતરી ગયાં.
થોડી મિનિટો પછી ધરમશાલાના ધુમ્મસિયા અંધારામાં તેમના આકાર પણ દેખાતા બંધ થઈ ગયા.
બીજા દિવસે સવારે ભાટિયા ઊઠ્યા ત્યારે એ પ્રૉપર્ટીનાં પેપર્સમાં શું શરતો હશે એ વિચારમાં હતા, પણ પેલો ‘પ્રિયંવદા’નો ફોટો જોયા પછી તેમના વિચારો બીજી દિશામાં ઘૂમરાવા લાગ્યા. પ્રિયરંજન બંદોપાધ્યાયની એ ભાણી કેવી હશે? ફોટોમાં તો યુવાન લાગતી હતી. રિયલમાં પણ એવી જ હશે? પરણેલી હશે? કે કુંવારી હશે? આમેય જતિનકુમાર ભાટિયા અંદરખાને જરા રંગીન સ્વભાવના હતા.
મામલો ૩૬ કરોડનો હતો એટલે અને એક અજાણી સ્ત્રીને પહેલી વાર મળવાનું હતું એટલે પણ ભાટિયા તેમનાં બેસ્ટ વસ્ત્રો ધારણ કરીને, પરફ્યુમ વગેરે છાંટીને ‘હોટેલ હિલટૉપ’ પર પહોંચ્યા.
દરવાજા પર ટકોરા માર્યા પછી ધીમે રહીને દરવાજો ખૂલ્યો ત્યારે સામે ઊભેલી પ્રિયંવદાને જોઈને ભાટિયા એક ધબકારો ચૂકી ગયા. ગોરી ચમકતી ત્વચા, બ્લૅક કલરનું સ્લીવલેસ બ્લાઉઝ, બ્લડ રેડ કલરની અર્ધ-પારદર્શક શિફોન સાડી અને એમાંથી ઊભરી રહેલાં ઉત્તેજક
અંગ-ઉપાંગોના વળાંક જોવામાં ભાટિયા બે ઘડી માટે પોતાનો પરિચય આપવાનું પણ ભૂલી ગયા!
‘મિસ્ટર ભાટિયા?’ જ્યારે એક હસ્કી અને માદક અવાજ સંભળાયો ત્યારે ભાટિયા જાણે ઝબકીને જાગ્યા, ‘યસ, માયસેલ્ફ જતિનકુમાર ભાટિયા... તમે જ પ્રિયંવદા?’
‘સાન્યાલ’, તે હસીને પોતાનાં ભરાવદાર અંગોને લચકાવતાં બોલી, ‘હું કોઈ સાન્યાલને નથી પરણી! આ સરનેમ મારા ડૅડીને કારણે છે.’
ભાટિયા હસી પડ્યા, ‘હું અંદર આવી શકું?’
‘ઓ શ્યૉર!’ પ્રિયંવદાએ તેમને આવકાર્યા.
ભાટિયાની નજર પ્રિયંવદાના શરીર પર જ ચોંટી ગઈ હતી. ભલે તે ત્રીસેક વરસની હોય પરંતુ માદક કાયા કહી આપતી હતી કે તે પણ રંગીન મિજાજની હશે.
પરંતુ ભાટિયા અંદરથી નર્વસ થઈ રહ્યા હતા. આ ધરમશાલા ટાઉનનો દરેક માણસ તેમને ઓળખતો હતો. ઉપરથી પોતે પરણેલા હતા. ભૂલેચૂકેય કોઈને ખબર પડે કે...
‘કમ ઍન્ડ બી રિલૅક્સ્ડ મિસ્ટર ભાટિયા!’ પ્રિયંવદા તેમનો હાથ પકડીને અંદર લઈ આવી. ‘તમારાં તો મૅરેજ પણ થઈ ગયાં હશે નહીં? શું ઉંમર છે તમારાં વાઇફની?’
‘વાઇફ તો...’ ભાટિયાની હથેળીમાં ‘વાઇફ’નું નામ પડતાં પસીનો ફૂટી નીકળ્યો.
પ્રિયંવદાને એ પસીનાની તરત જ ખબર પડી ગઈ. તે બહુ ચાલાક હતી. અનેક પુરુષોને રમાડી ચૂકી હતી. તેણે તરત જ વાત બદલી નાખી!
‘યાદ છે મિસ્ટર ભાટિયા? તમે મારી સાથે જ્યારે ટી-એસ્ટેટમાં સંતાકૂકડી રમતા હતા ત્યારે તમારા માથા પર એક કાગડો ચરકી ગયો હતો? અને તમે ડંકી પાસે ધોવા
ગયા ત્યારે કીચડમાં તમે લપસી પડ્યા હતા?’
પ્રિયંવદા ખડખડાટ હસી રહી હતી, પણ આ બાજુ ભાટિયાને એ ઘટના છોડો, પ્રિયંવદા નામની સાહેબની કોઈ ‘ભાણી’ જ યાદ નહોતી આવતી! પરંતુ અહીં સવાલ ૩૬ કરોડનો હતો. એ યુવતીની ‘હા’માં ‘હા’ મિલાવ્યા સિવાય
છૂટકો નહોતો!
‘અને યાદ છે મિસ્ટર ભાટિયા? એક વાર તમે ટી-એસ્ટેટમાં પતરાના શેડ વડે બનાવેલા ટૉઇલેટમાં બેઠા હતા અને મેં આવીને બહારથી બારણું ખોલી નાખ્યું હતું? એ
વખતે તો મારી મામી પણ ત્યાં
હતી! તમારી હાલત જોઈને બધા શું હસ્યા હતા...’
ભાટિયા ફરી એક વાર બનાવટી રીતે હસ્યા. આ પ્રિયંવદા એક પછી એક એવા કિસ્સા યાદ કરી રહી હતી જે કદી બન્યા જ નહોતા! ભાટિયાને ડર લાગી રહ્યો હતો કે સાલો ક્યાંક ભાંડો ફૂટી ન જાય!
અચાનક પ્રિયંવદાએ કહ્યું, ‘ભાટિયા, યુ લુક નર્વસ! વુડ યુ કૅર ફૉર અ ડ્રિન્ક?’
‘ડ્રિન્ક?’ વ્હિસ્કીનો એકાદ પેગ મળે તો કેવું સારું લાગે એ વિચારે ભાટિયાએ હા પાડી દીધી.
પ્રિયંવદાએ બે પેગ બનાવી નાખ્યા. પહેલો ઘૂંટ ઉતારતાં જ ભાટિયાને ખરેખર સારું લાગ્યું.
અચાનક પ્રિયંવદા નજીક આવી ગઈ, ‘મિસ્ટર ભાટિયા, વિલ યુ ડાન્સ વિથ મી? યાદ છે, તમે જ મને ડાન્સ કરતાં શીખવાડ્યું હતું?’
શીખવાડ્યું હોય કે ન હોય, પણ આઇડિયા ખોટો નહોતો!
ભાટિયાએ પાણી પહેલાં પાળ બાંધવાના ઇરાદે કહ્યું, ‘વેલ, હવે તો હું પહેલાં જેવો ડાન્સ નથી કરી શકતો, પણ – વાય નૉટ?’
બીજી જ ક્ષણે પ્રિયંવદાએ ભાટિયાનો હાથ ઝડપી લીધો! ભાટિયા ધીમે-ધીમે વ્હિસ્કી ઉપરાંત પ્રિયંવદાના નશામાં ડૂબતા ગયા. પ્રિયંવદાએ બીજું ડ્રિન્ક બનાવ્યું... પછી ત્રીજું... પછી...
જ્યારે ભાટિયાની આંખો ખૂલી ત્યારે રૂમમાંથી પ્રિયંવદા ગાયબ હતી! ભાટિયા બેડ પરથી ઊભા થવા ગયા ત્યારે તેમને અચાનક ભાન થયું કે તેમના પગમાં બૂટ-મોજાં નહોતાં! અરે, પૅન્ટ પણ નહોતું!
(ક્રમશઃ)