બ્લાઇન્ડમાં ડબલ અને શો! રાણીનો ગુલામ, ગુલામનો બાદશાહ, બાદશાહનો જોકર (પ્રકરણ ૧)

10 June, 2024 07:30 AM IST  |  Mumbai | Lalit Lad

તમે જાણતા નથી કે હું કેવી મુસીબતમાં છું, આ ૩૬ કરોડ મારા માટે લાઇફ-લાઇન સમાન છે

ઇલસ્ટ્રેશન

‘૩૬ કરોડ?’

આ આંકડો બોલતી વખતે જતીનકુમાર ભાટિયાની આંખોમાં જે ચમક આવી ગઈ એ ઘરડા સૉલિસિટર દાસગુપ્તાથી અજાણી ન રહી શકી. તેમણે પોતાનાં જાડાં ચશ્માં સરખાં કરતાં ફરી કહ્યું:

‘જુઓ મિસ્ટર ભાટિયા, મામલો ૩૬ કરોડની વસિયતનો છે. મારે બહુ દૂરથી અહીં સુધી આવવું પડ્યું છે. જોકે મારી તબિયત બહુ સારી નથી રહેતી. ઘૂંટણના સાંધાઓમાં સતત કળતર થયા કરે છે અને કમરના મણકા ઘસાઈ ગયા છે છતાં તમારી આ ઑફિસમાં આવવા માટે હું ત્રણ માળના દાદરા જાતે ચડીને આવ્યો છું. ઘસાયેલા મણકાને કારણે હું સતત લાંબો સમય ખુરશીમાં બેસી શકતો નથી છતાં તમને મળવા માટે તમારી કૅબિનની બહાર પૂરા એક કલાક સુધી રાહ જોતો બેસી રહ્યો છું... જો તમે મને ઝડપથી અને સાચો જવાબ આપશો તો હું આ વસિયતની બહુ મોટી જવાબદારીમાંથી બને એટલો વહેલો મુક્ત થવા માગું છું.’

જતીનકુમાર ભાટિયા જરા છોભીલા પડી ગયા. માફી

માગતા હોય એવું સ્માઇલ આપતાં બોલ્યા : ‘આઇ ઍમ સૉરી, પણ અમુક લેણદારો એટલા વિચિત્ર હોય છે કે...’

‘હું અહીં ઉઘરાણી કરવા નથી આવ્યો.’ સૉલિસિટર દાસગુપ્તાને બોલતાં-બોલતાં ખાંસી ચડી ગઈ.

‘હું જરા પાણી પી શકું?’ ટેબલ પર પડેલા ગ્લાસ તરફ ઇશારો કરતાં તેમણે પૂછ્યું.

‘ઓહ શ્યૉર.’ ભાટિયાએ ગ્લાસ આગળ ધર્યો.

પાણીના બે ઘૂંટડા પીધા પછી ઘરડા સૉલિસિટર દાસગુપ્તાએ જાડા કાચની આરપાર જોતાં પૂછ્યું, ‘તમે ક્યારેય અગરતલા ગયા છો?’

‘અગરતલા?’ ભાટિયાનો ગોરો રૂપાળો છતાં ગોળમટોળ ચહેરો એકદમ ખીલી ઊઠ્યો, ‘અરે, મારી જિંદગીની પહેલી નોકરી જ મેં ત્યાં કરી હતી. વાત એમ હતી કે મારે કલકત્તામાં ભણવાનું થયું અને પછી...’

‘અગરતલામાં તમે ક્યાં નોકરી કરતા હતા?’

‘ડાયમન્ડ ટી એસ્ટેટમાં, પ્રિયરંજન બંદોપાધ્યાયને ત્યાં. કેમ?’

ઘરડા સૉલિસિટર દાસગુપ્તા તેમને થોડી ક્ષણો લગી ધારી-ધારીને જોતા રહ્યા. પછી અચાનક

સવાલ કર્યો:

‘પોલીસે તમારી ધરપકડ કરેલીને?’

‘અરે! કેવી વાત કરો છો?’ ભાટિયા પોતાની ૪૫ વરસની ગોળમટોળ કાયા સાથે ખુરશીમાંથી લગભગ ઊભા થઈ ગયા. ‘હું બહુ ઈમાનદાર હતો. પ્રિયરંજન બંદોપાધ્યાયનો હું ખાસ વિશ્વાસુ માણસ હતો અને પોલીસ-બોલીસની તો વાત જ...’

દાસગુપ્તાએ હથેળી ઊંચી કરીને તેમને અટકાવ્યા. પછી એક જૂનુંપુરાણું, ઘસાઈ ગયેલું, મોટું ચામડાનું પાકીટ જે તેમણે બગલમાં દબાવી રાખ્યું હતું એ કાઢીને ટેબલ પર મૂક્યું. એમાંથી

ચાર-પાંચ પીળી પડી ગયેલી તસવીરો કાઢીને ટેબલ પર મૂકવા માંડી.

ભાટિયાને સમજ નહોતી પડતી કે આ શું થઈ રહ્યું છે! તસવીરો ટેબલ પર વ્યવસ્થિત રીતે ગોઠવી લીધા પછી દાસગુપ્તાએ પેલું પાકીટ પાછું બગલમાં ગોઠવ્યું. પોતાનાં જાડાં ચશ્માં, જે લગભગ નાક નીચે સરકી આવ્યાં હતાં, એને ધ્રૂજતી આંગળી વડે સરખાં કરતાં બોલ્યાં:

‘આ તસવીરોમાંથી તમે પ્રિયરંજન બંદોપાધ્યાયને ઓળખી શકો ખરા?’

ભાટિયા હવે ખરેખર મૂંઝાયા.

દાસગુપ્તાએ પોતાની ધ્રૂજતી હથેળી બને એટલી સ્થિર રાખવાનો પ્રયત્ન કરતાં પેલી તસવીરોને સરખી કરતાં કહ્યું:

‘જુઓ, પ્રિયરંજન બંદોપાધ્યાય હવે આ દુનિયામાં રહ્યા નથી, પરંતુ મરતાં પહેલાં તેઓ જે વસિયત કરી ગયા છે એમાંથી ૩૬ કરોડ...’

દાસગુપ્તા રીતસર જાણી જોઈને અટક્યા, ખાંસી ખાવાના બહાને વાક્ય અધૂરું રાખ્યું અને પછી પાણીનો ઘૂંટડો પીધા પછી વાક્ય પૂરું કર્યું:

‘...કદાચ તમારા નામે

લખાયા છે!’

ભાટિયાની આંખો આ વખતે જે રીતે ચમકી એ જોઈને દાસગુપ્તાને મનોમન મજા આવી ગઈ. તીર બરોબર નિશાન પર લાગ્યું હતું! ભાટિયા પોતાની રિવૉલ્વિંગ ચૅરમાં ટટ્ટાર થઈ ગયા અને તસવીરોને ધારી-ધારીને જોવા લાગ્યા.

પૂરી બે મિનિટ પછી તેમણે ચાર-પાંચ તસવીરોમાંથી એક તસવીર પર આંગળી મૂકતાં કહ્યું, ‘આજે વીસ વરસ થઈ ગયાં અગરતલા છોડ્યાને, પણ પ્રિયરંજનજીને હું હજી ભૂલ્યો નથી. બોલો, તે... આ જ છેને?’

સૉલિસિટર દાસગુપ્તાએ હકારમાં માથું હલાવ્યું.

‘ઓહ!’ ભાટિયાના ગોરા ગોળમટોળ ચહેરા પર અચાનક રાહતની લહેર ફરી વળી. ‘મિસ્ટર દાસગુપ્તા, તમે મારી જિંદગીમાં ખરેખર ફરિશ્તા બનીને આવ્યા છો. તમે જાણતા નથી કે હું કેવી મુસીબતમાં છું. આ ૩૬ કરોડ મારા માટે ખરેખર લાઇફ-લાઇન

સમાન છે.’

‘હશે...’ દાસગુપ્તાએ ભાટિયાના ઉત્સાહ પર ઠંડું પાણી રેડી દીધું. ‘માત્ર એક ફોટો ઓળખવાથી તમે ૩૬ કરોડના હકદાર નથી થઈ જતા.’

‘તો બોલો, મારે શું કરવું પડશે?’

ભાટિયા જે રીતે થનગની રહ્યા હતા એ જોઈને સૉલિસિટર દાસગુપ્તાના મનમાં પણ ફટાકડા

ફૂટી રહ્યા હતા. છતાં તેમણે બહુ સાવચેતી સાથે જાળ બિછાવવાની શરૂઆત કરી.

તેમણે બગલમાં ગોઠવેલું પેલું જૂનું ચામડાનું પાકીટ ફરી બહાર કાઢ્યું. આ વખતે એમાંથી એક મોટો ગ્રુપ-ફોટો કાઢ્યો.

‘આ ડાયમન્ડ ટી એસ્ટેટના મકાનની બહાર લેવાયેલી એક તસવીર છે. આમાં સ્ટાફના લગભગ ત્રીસેક જણ ઊભા છે. તમે શાંતિથી આ ફોટો જુઓ અને મને કહો કે આમાંથી તમે કેટલા લોકોને ઓળખી શકો છો?’

ફોટો જોતાંની સાથે જ ભાટિયા નર્વસ થઈ ગયા, કપાળે પરસેવો બાઝી ગયો. બે-ત્રણ વાર આંખો ચોળીને ફોટો નજીક લીધો. દાસગુપ્તા સામે જોઈને ફિક્કું હસતાં તે બોલ્યા:

‘પચ્ચીસ વરસ પહેલાંની વાત છે, બધું તો ક્યાંથી યાદ હોય? પણ કોશિશ કરું...’

‘તમે તમને પોતાને તો ઓળખી શકશોને?’ દાસગુપ્તાએ નાક પરથી નીચે સરકી આવેલાં ચશ્માં સરખાં કરતાં એક બહુ જ સારી ‘ટિપ’ આપી.

‘બીજી લાઇનમાં ડાબેથી પાંચમા તમે છો.’

‘ઓહોહો... યસ યસ યસ!’ ભાટિયાનો ચહેરો ફરી ખીલી ઊઠ્યો. ટટ્ટાર થઈને હવે બરાબર ધ્યાનથી તસવીરના ચહેરા જોવા લાગ્યા. ભાટિયા તસવીર જોવામાં એટલા બધા મશગૂલ થઈ ગયા હતા કે સામે બેઠેલા દાસગુપ્તાના હોઠના ખૂણે જે ખંધું સ્માઇલ ઊપસી રહ્યું હતું એના પર તેમની નજર જ નહોતી.

‘આ તો પ્રિયરંજનજી પોતે છે! આ બાજુમાં તેમનાં પત્ની છે અને આ જુઓ... આ દીપેશ દત્તા છે. એસ્ટેટના સિનિયર મૅનેજર... અને આ પેલા... શું નામ, હા, યાદ આવ્યું... આ તો ચંદુલાલ મુનશી! એ જ દિવસે રિટાયર થવાના હતા!’

ભાટિયા ધીમે-ધીમે ઉત્સાહમાં આવી રહ્યા હતા.

‘તમને ખબર છે? સાત દિવસ પછી મુનશીજીએ મને જ્યારે બધાં કામનો હવાલો સોંપ્યો એ જ દિવસે પ્રિયરંજનજીનાં પત્નીને હાર્ટ-અટૅક આવ્યો હતો! હું ફાઇલો લઈને સાહેબના ઘરે પહોંચ્યો ત્યારે ખબર પડી કે તે તો કલકત્તા ગયા છે. આ બાજુ ઘરમાં ભાભીસાહેબ એકલાં! ઘરના નોકરો હાંફળા-ફાંફળા... બધા ગભરાઈ ગયેલા. મેં કહ્યું કે હવે રાહ જોવામાં સાર નથી, ગાડી કઢાવો! તમે નહીં માનો દાસગુપ્તાસાહેબ, ટી એસ્ટેટથી છેક અગરતલા સિવિલ હૉસ્પિટલ સુધીનું અંતર મેં જાતે પેલી ઍમ્બૅસૅડર કારને ડ્રાઇવ કરીને ફક્ત ૧૮ મિનિટમાં તેમને પહોંચાડી દીધાં હતાં. મિસિસ બંદોપાધ્યાય બચી ગયાં હતાં. સાહેબ જ્યારે કલકત્તાથી પાછા આવ્યા ત્યારે મારા બન્ને હાથ પકડીને બોલ્યા હતા કે ભાટિયા, યુ નૉટ ઓન્લી સેવ્ડ માય વાઇફ, બટ યુ સેવ્ડ માય લાઇફ!’

ભાટિયા સતત પંદર મિનિટ સુધી ઉત્તેજિત અવાજે બોલતા રહ્યા. તેમણે પેલા ફોટોમાંથી કમસે કમ અઢાર વ્યક્તિને નામથી ઓળખી બતાવી અને બીજા ચાર-પાંચ જણ કયા વિભાગમાં કામ કરતા હતા એ પણ જણાવ્યું. જોકે ભાટિયા ફરી-ફરીને એક જ વાત દોહરાવતા રહ્યા કે પેલા પ્રસંગ પછી તે પોતે પ્રિયરંજન બંદોપાધ્યાય સાહેબના ખાસ વિશ્વાસુ બની ગયા હતા.

ભાટિયા હજી ઉત્સાહમાં ને ઉત્સાહમાં બોલ્યે જાત, પણ સૉલિસિટર દાસગુપ્તાએ પોતાની હથેળી ઊંચી કરીને તેમને અટકાવ્યા. પોતાના જૂના કોટની બાંય ચડાવીને કાંડા પર પહેરેલું જૂનું ઘડિયાળ સરખું કરતાં તે ગંભીર અવાજે બોલ્યા:

‘મને ખરેખર અફસોસ છે મિસ્ટર ભાટિયા કે...’

ફરી તેમને ખાંસી ચડી આવી. ખાંસતાં-ખાંસતાં ઝીણી નજરે દાસગુપ્તાએ જોયું કે ભાટિયા બિચારા સાવ ઢીલા થઈ ગયા હતા! દાસગુપ્તા સમજી ગયા કે બસ, હવે લોઢું તપીને લાલચોળ થઈ ગયું છે એટલે ખાંસી અટકાવીને વાક્ય પૂરું કર્યું:

‘...કે આમાંની ઘણી વાતોની મને પણ ખબર નહોતી! યુ સી, હું તો છેલ્લાં પંદર વરસથી જ પ્રિયરંજનજી સાથે સંકળાયેલો હતો, પરંતુ તેમણે વસિયત બનાવતી વખતે મને તમારા વિશે જે વાતો કરી હતી એ બધી જ બંધબેસતી આવે છે.’

ભાટિયાનો ચહેરો ફરી ખીલી ઊઠ્યો! તરત જ રૂમાલ વડે પરસેવો લૂછતાં પૂછ્યું : ‘તો મને ૩૬ કરોડ મળી જશેને?’

દાસગુપ્તાના હોઠના ખૂણે એક લુચ્ચું સ્માઇલ રમી રહ્યું હતું...

lll

ધરમશાલા ટાઉનની ઊંચી-નીચી સડકો પર સૉલિસિટર દાસગુપ્તા શક્ય એટલી ઝડપથી ચાલી રહ્યા હતા; પરંતુ તેમની આગળ ઝૂકેલી કમર, માંડ-માંડ મોટાં ડગલાં ભરીને થાકી રહેલા પગ અને ધ્રૂજતા હાથે પકડેલી વૉકિંગ-સ્ટિક સાથે તે વધારે ઝડપથી ચાલી શકતા નહોતા. ઉપરથી ઝીણા-ઝીણા વરસાદી છાંટાને લીધે ભીની થયેલી સડક પરથી ક્યારેક લપસી જતા પગને કારણે તે અંદરથી ડરી ગયા હોય એવું પણ લાગતું હતું.

છેવટે જ્યારે તે પેલી સસ્તી હોટેલ શાલીમારમાં દાખલ થયા કે તરત રિસેપ્શન ટેબલની સામે ગોઠવેલા સોફામાં ફસડાઈ પડ્યા. થોડી વાર તે હાંફતા રહ્યા. રિસેપ્શન પર બેઠેલો છોકરો તેમને જોતો રહ્યો. તે મદદ કરવા ઊભો થયો, પણ દાસગુપ્તાએ હથેળી ઊંચી કરીને તેને અટકાવ્યો.

પછી જાતે જ લાકડીના ટેકે ઊભા થઈને હોટેલ શાલીમારનાં લાકડાનાં પગથિયાં ચડીને ઉપર પોતાની રૂમમાં દાખલ થયા.

પરંતુ અંદર દાખલ થતાંની સાથે જ જાણે ચમત્કાર થયો! પોતાની પાછળ દરવાજો બંધ કરતાં જ દાસગુપ્તા અચાનક ટટ્ટાર થઈ ગયા! ઝડપથી ચાલીને સીધા બાથરૂમમાં પહોંચી ગયા! અને...

‘શું થયું ડેવિડ? વાત બની

કે નહીં?’

દાસગુપ્તાની પાછળ આવીને એક સુંદર વળાંકોવાળી કાયા ધરાવતી યુવતીએ પીઠ પર ધબ્બો માર્યો! દાસગુપ્તા બોલી ઊઠ્યા:

‘યાર, આ ગામ બહુ ડેન્જરસ છે. અહીંના લોકલ લોકો બહારથી આવેલી દરેક વ્યક્તિનો ચહેરો ધ્યાનથી જુએ છે. તેમનો ધંધો જ ટૂરિસ્ટો પર ચાલે છે એટલે તેમને દરેક ચહેરા યાદ રહી જાય છે! સાલું, મારો ચહેરો આજે કમસે કમ દોઢસો જણની નજરે ચડી ગયો હશે!’

‘તો શું થઈ ગયું?’ એમ કહેતાં જુલીએ દાસગુપ્તાની દાઢીના વાળ ખેંચ્યા.

‘એક મિનિટ... એક મિનિટ...’ કહેતાં દાસગુપ્તાએ તેને અટકાવી અને પછી સંભાળીને અરીસામાં જોતાં-જોતાં પોતાના ચહેરા પર ચોંટાડેલી નકલી દાઢી ઉખાડવા માંડી!

દસેક મિનિટ પછી જ્યારે પોતાનો ચહેરો અને માથાના વાળ સરસ રીતે ધોઈ નાખ્યા પછી બ્લૅક ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેરીને તે બાથરૂમની બહાર આવ્યો કે તરત જુલીએ પૂછ્યું:

‘શું લાગે છે ડેવિડ? પંછી પાંજરામાં ફસાઈ જશે?’

‘ફસાઈ જ ગયું સમજ...’ ડેવિડે જુલીની કમરમાં હાથ નાખીને ગાલે ટપલી મારતાં કહ્યું : ‘મેં સ્ટોરી જ એવી ઊભી કરી છે કે પંછી સામે ચાલીને પાંજરામાં આવશે...’

 

(ક્રમશઃ)

columnists