શીશ મહલ અને રાજ‍ મહલ : કાચના ઘર જેવો દિલ્હીનો ચૂંટણીપ્રચાર - તારશે કે ડુબાડશે?

19 January, 2025 03:32 PM IST  |  New Delhi | Raj Goswami

AAPના ઘણા નેતાઓને જેલમાં મોકલવા છતાં BJP દિલ્હીમાં ભ્રષ્ટાચારને મુદ્દો બનાવી શકી નથી. શીશ મહલનું પણ એવું જ છે. મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનના સમારકામની તપાસમાં અત્યાર સુધી જોઈએ.

આમ આદમી પાર્ટીના સભ્યો

AAPના ઘણા નેતાઓને જેલમાં મોકલવા છતાં BJP દિલ્હીમાં ભ્રષ્ટાચારને મુદ્દો બનાવી શકી નથી. શીશ મહલનું પણ એવું જ છે. મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનના સમારકામની તપાસમાં અત્યાર સુધી જોઈએ તો ભ્રષ્ટાચારના કોઈ આક્ષેપ મળ્યા નથી એટલે BJP સામે હવે એ પડકાર છે કે AAPનો વિરોધ કેવી રીતે કરવો

દિલ્હીના મતદારો છેલ્લા એક દાયકાથી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને અને વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP-આપ)ને તેમનો મત આપતા આવ્યા છે. પાંચમી ફેબ્રુઆરીએ યોજાનારી રાજ્યની ચૂંટણીમાં આ પૅટર્ન તૂટશે કે ચાલુ રહેશે એ સવાલ દરેકના મનમાં છે. અલબત્ત, AAPના નેતાઓ જે રીતે ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહ્યા છે એ જોતાં BJP આ વખતે ‘વિધાનસભાનું વિઘ્ન’ દૂર કરવાનું સપનું સાકાર થતું જોઈ રહી છે.

AAPનો સામનો BJP ઉપરાંત કૉન્ગ્રેસ સામે પણ છે અને એને ખબર છે કે બન્ને પ્રતિદ્વંદ્વીઓ ભ્રષ્ટાચારને ચૂંટણીપ્રચારનું નિશાન બનાવી રહ્યા છે એટલે અરવિંદ કેજરીવાલે મતદારોને લલચાવવા માટે મફત અને કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી છે.

એક સમયે દિલ્હીના રાજકારણમાં મજબૂત તાકાત ગણાતી કૉન્ગ્રેસ છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં ખાતું પણ નહોતી ખોલાવી શકી. ૨૦૧૩માં નવી રચાયેલી AAP સરકાર બનતાં પહેલાં કૉન્ગ્રેસે ૧૫ વર્ષ સુધી દિલ્હીમાં શાસન કર્યું હતું.

ભ્રષ્ટાચારવિરોધી ચળવળમાંથી ઊભરી આવેલી AAP કૉન્ગ્રેસની રાજકીય શક્તિને નાબૂદ કરીને સત્તામાં આવી હતી. પાર્ટીએ મફત વીજળી, મફત પાણી, શિક્ષણમાં સુધારો અને આરોગ્ય સેવાઓ સુધારવાની યોજનાઓથી ગરીબ અને મધ્યમ વર્ગના મતદારોને આકર્ષ્યા હતા. મતદારોના આ વલણથી કૉન્ગ્રેસ દિલ્હીની રાજનીતિમાં વિમુખ થઈ ગઈ છે.

AAP ૧૦ વર્ષથી સત્તામાં છે. આટલા લાંબા શાસન પછી સામાન્ય રીતે સરકારવિરોધી ભાવના પણ રહે છે, પરંતુ હવે AAP પોતે જ ભ્રષ્ટાચારના કઠેડામાં ઊભી છે એટલે કૉન્ગ્રેસને પણ આ વખતે લાડવો દેખાઈ રહ્યો છે.

દિલ્હીમાં છેલ્લી બે ચૂંટણીમાં કૉન્ગ્રેસને એક પણ બેઠક મળી નથી. આવી સ્થિતિમાં પાર્ટી બે-ચાર બેઠકો જીતશે તો પણ એ કૉન્ગ્રેસ માટે સુધારો જ કહેવાશે. જો કૉન્ગ્રેસ કોઈક રીતે ૧૦ બેઠકો સુધી પહોંચવામાં સફળ થાય તો એ દિલ્હીમાં પક્ષ માટે મનોબળ વધારશે.

દિલ્હીમાં કથિત દારૂ-કૌભાંડમાં જેલમાંથી છૂટ્યા બાદ કેજરીવાલે ગયા સપ્ટેમ્બરમાં મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું અને જાહેરાત કરી હતી કે ‘જ્યાં સુધી લોકો પોતાનો ચુકાદો નહીં આપે ત્યાં સુધી હું મુખ્ય પ્રધાનની ખુરસી પર નહીં બેસું.’ ત્યારથી કેજરીવાલ દિલ્હીના લોકો સાથે બેઠક કરે છે અને યાત્રાઓ કરે છે.

તેમને લાગે છે કે કેન્દ્રની BJP સરકારે કાયદા અને એજન્સીઓનો દુરુપયોગ કરીને તેમને અને તેમના અન્ય નેતાઓને નિશાન બનાવ્યા છે એ જનતા જાણે છે અને આ વખતે પણ લોકો AAPને જ મત આપીને BJPને સબક શીખવાડશે.

BJPએ ઉમેદવારોની યાદી જાહેર કરતાં પહેલાં જ સ્ટાર પ્રચારક વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મેદાનમાં ઉતાર્યા છે જેમણે પહેલી ચૂંટણીસભામાં અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસ્થાન ‘શીશ મહલ’ને નિશાન બનાવીને AAP સરકારના ભ્રષ્ટાચાર પર આક્રમક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘હું પણ શીશ મહલ બનાવી શક્યો હોત, પણ મારું સ્વપ્ન હતું કે દેશવાસીઓને એક પાકું ઘર મળે. દેશ જાણે છે કે મોદીએ ક્યારેય પોતાને માટે ઘર નથી બનાવ્યું.’

એની સામે કેજરીવાલે વડા પ્રધાનના સત્તાવાર નિવાસ્થાનને ‘રાજ મહલ’ ગણાવીને વળતો પ્રહાર કર્યો હતો. AAPએ કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ૨૭૦૦ કરોડનો રાજ મહલ બનાવ્યો છે. પાર્ટીએ એમ પણ કહ્યું કે અરવિંદ કેજરીવાલ પોતાને માટે ઘરનું સમારકામ અને વૈભવી વસ્તુઓ નથી લાવ્યા. એ મુખ્ય પ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન છે. જે પણ મુખ્ય પ્રધાન બને છે તે એનો ઉપયોગ કરે છે.’

શીશ મહલના મુદ્દે BJP મૂંઝવણમાં છે, કારણ કે આ મુદ્દો BJPએ AAPના ભ્રષ્ટાચાર પર ઉઠાવ્યો હતો અને એના બદલામાં AAP સીધા મોદીને નિશાન બનાવે એ ઉચિત નથી લાગતું. દિલ્હીના ભણેલા-ગણેલા મતદારો શીશ મહલ-રાજ મહલના તમાશાને કેટલો પસંદ કરે એ એક પ્રશ્ન છે. એવું પણ મનાય છે કે BJP ટૂંક સમયમાં નકારાત્મક પ્રચારથી દૂર જઈને કેન્દ્ર સરકારની સિદ્ધિઓ અને સરકાર બનાવ્યા બાદ દિલ્હીના લોકો માટે એ શું કરશે એની નવી વ્યૂહરચના સાથે દિલ્હીમાં પ્રચાર કરશે.

AAPના ઘણા નેતાઓને જેલમાં મોકલ્યા છતાં BJP દિલ્હીમાં ભ્રષ્ટાચારને મુદ્દો બનાવી શકી નથી. શીશ મહલનું પણ એવું જ છે. મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનના સમારકામની તપાસમાં અત્યાર સુધી ભ્રષ્ટાચારના કોઈ આક્ષેપ મળ્યા નથી. એટલે BJP સામે હવે એ પડકાર છે કે AAPનો વિરોધ કેવી રીતે કરવો.

કાલે ટ્રમ્પની શપથવિધિમાં મોદી નહીં જાય

આવતી કાલે એટલે કે ૨૦ જાન્યુઆરીએ અમેરિકામાં નવનિર્વાચિત ડોનલ્ડ ટ્રમ્પ વિધિવત્ રીતે અમેરિકાની કમાન સંભાળશે. નોખો ચીલો ચાતરવા માટે જાણીતા ટ્રમ્પે આ કાર્યક્રમમાં વિદેશી પ્રમુખો અને વડા પ્રધાનોને આમંત્રિત કરીને એક બીજી પરંપરા પણ તોડી છે. ભારત સહિત અનેક મોટી વૈશ્વિક શક્તિઓ અને અમેરિકાના મુખ્ય સહયોગીઓને એમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભારત તરફથી વિદેશપ્રધાન એસ. જયશંકર એમાં હાજર રહેશે. મીડિયામાં એવી ગપસપ વહેતી થઈ હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવશે. જોકે આ આમંત્રણ વડા પ્રધાન માટે હતું કે જયશંકર તેમના વતી હાજર રહેવાના છે એની કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી.

ભારતના કોઈ વડા પ્રધાનને બીજા દેશના વડા પ્રધાનના શપથગ્રહણમાં આમંત્રણ મળ્યું હોય એવું ઇતિહાસમાં બન્યું નથી. ઈરાનના રાષ્ટ્રપતિ મોસુદ ખઝકિયાનનું આમંત્રણ મળ્યું ત્યારે પણ મોદી ગયા નહોતા. ત્યારે મોદીની જગ્યાએ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી ઈરાન ગયા હતા.

ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત કેટલાક નેતાઓને વ્યક્તિગત રીતે આમંત્રણ મોકલ્યું છે. જોકે રાષ્ટ્રપતિ આ કાર્યક્રમમાં ભાગ લેવાની શક્યતા નથી અને તેમના વતીથી ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ અથવા વિદેશ પ્રધાન વાંગ યીને અમેરિકા મોકલવામાં આવી શકે છે.

ટ્રમ્પે અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલે, ઇટલીના પ્રધાન જ્યૉર્જિયા મેલોની અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર માઇલીને પણ આમંત્રિત કર્યા છે. એ ઉપરાંત, વિશ્વના ત્રણ સૌથી ધનિક લોકો, ઈલૉન મસ્ક, જેફ બેઝોસ અને માર્ક ઝકરબર્ગ પણ આ શપથમાં ભાગ લઈ રહ્યા છે.

ભાગવતનાસાચી આઝાદીના બયાન પર તીખી નોંકઝોંક

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતના એક બયાનને લઈને કૉન્ગ્રેસ અને BJP વચ્ચે તીખી નોંકઝોંક થઈ છે. મોહન ભાગવતે સોમવારે ઇન્દોરમાં કહ્યું હતું કે રામ મંદિરના અભિષેકને પ્રતિષ્ઠા એકાદશી તરીકે ઊજવવો જોઈએ અને એ ભારતનો સ્વતંત્રતા દિવસ હોવો જોઈએ. તેમણે કહ્યું હતું કે ‘સદીઓથી દમનનો સામનો કરી રહેલા ભારતની સાચી સ્વતંત્રતા એ જ દિવસે સ્થાપિત થઈ હતી. સ્વતંત્રતા તો હતી, પ્રતિષ્ઠા થઈ નહોતી.’

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ બયાન સામે કડક વિરોધ કર્યો છે. નવી દિલ્હીમાં કૉન્ગ્રેસના નવા મુખ્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘મોહન ભાગવતના નિવેદનનો અર્થ એ છે કે બ્રિટિશ શાસન સામે લડવાથી પ્રાપ્ત થયેલી દરેક બાબત અર્થહીન છે. ભાગવત કહી રહ્યા છે કે ભારતને ૧૯૪૭માં આઝાદી મળી નહોતી. આવું કહેવું દરેક ભારતીયનું અપમાન છે. જો મોહન ભાગવતે આ નિવેદન બીજા કોઈ દેશમાં આપ્યું હોત તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હોત. આને રાજદ્રોહ કહેવામાં આવ્યો હોત અને તેમની ધરપકડ કરવામાં આવી હોત.’

રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે તેઓ (ભાગવત) દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનારાઓનું અપમાન કરી રહ્યા છે. તેલંગણના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ પણ ભાગવતના નિવેદનની ટીકા કરી હતી. છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ, રાજ્યસભાના સંસદસભ્ય ઇમરાન પ્રતાપગઢી અને સચિન પાઇલટે પણ RSSના  પ્રમુખના નિવેદન પર સખત વાંધો ઉઠાવ્યો છે અને એને સંઘની માનસિકતાનું પ્રતિબિંબ ગણાવ્યું છે. દેખીતી રીતે જ વિપક્ષને ફરી એક વાર સંઘ અને BJPની દુખતી નસ હાથમાં આવી ગઈ છે.

BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ રાહુલ પર નિશાન તાકતાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ પાસે નબળા ભારતને ઇચ્છતી તમામ શક્તિઓને સક્રિય કરવાનો ઇતિહાસ રહ્યો છે. સત્તા માટેના તેમના લોભનો અર્થ દેશની અખંડિતતા સાથે સમાધાન કરવાનો અને લોકોના વિશ્વાસ સાથે દગો કરવાનો હતો. એ વાત છૂપી નથી કે ગાંધી અને તેમના તંત્રનો અર્બન નક્સલવાદીઓ સાથે ઊંડા સંબંધ છે જે ભારતને અપમાનિત કરવા અને બદનામ કરવા માગે છે.’

રાજકીય વિશ્લેષકો માને છે કે મોહન ભાગવતે રામ મંદિરના અભિષેકના દિવસને ‘સાચી સ્વતંત્રતાનો દિવસ’ કહીને પોતાની ભૂલ સુધારવાનો પ્રયાસ કર્યો છે. વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક શરદ ગુપ્તાએ BBC હિન્દીને કહ્યું હતું કે ‘ભાગવતે થોડા સમય પહેલાં કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પછી કેટલાક લોકોને એવું લાગવા માંડ્યું છે કે આવા મુદ્દાઓ ઉઠાવીને તેઓ ‘હિન્દુઓના નેતા’ બની શકે છે. એ પછી તેમણે કહ્યું હતું કે આપણે દરેક મસ્જિદ નીચે મંદિર શોધવાનું બંધ કરવું જોઈએ. જોકે હવે મોહન ભાગવતે મંદિરના અભિષેકના દિવસને સાચી સ્વતંત્રતાનો દિવસ જાહેર કરીને ‘પોતાની ભૂલ સુધારી’ છે.’

bharatiya janata party aam aadmi party arvind kejriwal delhi elections congress political news national news news columnists raj goswami gujarati mid-day