પ્રકૃતિ અને પ્રાણીના રક્ષણ માટે જીવ ન્યોછાવર કરવા સદા તત્પર રહેતા બિશ્નોઈ સમાજનો જોટો નહીં જડે

27 October, 2024 12:36 PM IST  |  Mumbai | Aashutosh Desai

વિશ્નોઈ સમાજના લૉરેન્સ વિશ્નોઈ દ્વારા ત્યાર બાદ ધમકીઓ અપાઈ અને શું-શું થયું એ બધી જ ઘટનાઓથી આપણે ભલીભાંતિ વાકેફ છીએ.

લૉરેન્સ બિશ્નોઈ

બાબા સિદ્દીકીની સનસનાટીભરી હત્યા કરીને એની જવાબદારી લેનારા લૉરેન્સ બિશ્નોઈના હિટ લિસ્ટમાં સૌથી મોખરે સલમાન ખાન પણ છે. ચિંકારાના શિકાર બદલ જો ભાઈજાન માફી નહીં માગે તો તેને પણ પતાવી દેવાની ધમકીઓના ભણકારા હજીયે ગૂંજી રહ્યા છે ત્યારે સવાલ એ થાય કે બિશ્નોઈ સમાજ શા માટે એક પ્રાણીની હત્યા માટે આટલી તીવ્ર પ્રતિક્રિયા આપે છે? પર્યાવરણ માટે થઈને મરવા-મારવા પર ઊતરી આવવું એ બિશ્નોઈ સમુદાયના લોકોને ગળથૂથીમાં મળેલું છે. આ વાત કેટલી સાચી છે? બિશ્નોઈ સમાજ કઈ રીતે બન્યો એનો ઇતિહાસ ખરેખર રસપ્રદ છે

બિશ્નોઈ સમુદાયના સ્થાપક ગુરુ જંભોજી.

વિશ્વની તો આપણને ખબર નથી, પણ પર્યાવરણ માટે ભારતમાં સૌથી પહેલું આંદોલન ક્યારે થયું હતું એ વિશે આપણે સ્વમાનભેર કહી શકીએ છીએ. ભારતનો એક એવો સમુદાય છે જેમના પૂર્વજોએ વર્ષો પહેલાં એક પ્રજાતિનાં વૃક્ષોને બચાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી હતી. એ જાતિસમુદાય એટલે બીજું કોઈ નહીં પણ બિશ્નોઈ સમાજ.

સાલ હતી ૧૭૩૦ની. આપણે જેને ગ્રેટ ઇન્ડિયન ડેઝર્ટ તરીકે ઓળખીએ છીએ એવા થારના રણપ્રદેશમાં ખેજડીનાં ઝાડો કપાઈ રહ્યાં હતાં. ગુજરાતીમાં આપણે જેને સુમરીનાં ઝાડ કહીએ છીએ એ જ. હા, તો સુમરીનાં કપાઈ રહેલાં એ ઝાડોના સંરક્ષણ માટે એ સમયે એકસાથે ૩૬૩ જેટલા લોકોએ વિરોધ કર્યો, વિદ્રોહ કર્યો અને એ આંદોલન દરમ્યાન પોતાના પ્રાણની આહુતિ આપી દેતાં પણ તેઓ અચકાયા નહીં. પ્રકૃતિપ્રેમી એવા એ ૩૬૩ શહીદો બીજા કોઈ નહીં પણ ક્યારેક થારના રણપ્રદેશમાં જ કેન્દ્રિત એવા જનસમુદાયના લોકો હતા અને એ અત્યંત ધાર્મિક અને પ્રકૃતિપ્રેમી સમુદાય એટલે બિશ્નોઈ સમાજ. અચ્છા, એવું પણ નથી કે આ લોકો માત્ર વૃક્ષો કે જંગલોના રક્ષણને જ પોતાનો જીવનધર્મ માને છે. પર્યાવરણને સમગ્રતાના અર્થમાં સ્વીકારતા આ સમુદાય માટે વન્યજીવો, વૃક્ષો, પાણી, હવા વગેરે બધું જ પૂજનીય અને સંરક્ષણયોગ્ય છે. પર્યાવરણનો અભ્યાસ અને રક્ષણ તેમની વિરાસત છે, તેમના લોહીમાં છે, ગળથૂથીમાં મળતા સંસ્કાર છે એમ કહો તો ખોટું નથી.

બિશ્નોઈ : સમુદાયથી સમાજરચના સુધી

ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના સિપાહસાલાર જેવા આ લોકોને તેમનો આ વારસો પંદરમી સદીમાં તેમના ગુરુ મહારાજ જંભોજી પાસે મળ્યો હતો. ૧૪૫૧ની સાલમાં નાગૌર જિલ્લાના પીપાસર ગામમાં જન્મેલા મહારાજ જમ્ભેશ્વરે પોતાના સમાજના લોકોને પર્યાવરણ પ્રત્યે કરુણા, અહિંસા અને સંરક્ષણના સિદ્ધાંતો શીખવ્યા. બિશ્નોઈ સમાજના જ વયોવૃદ્ધોની વાત માનીએ તો ૧૪૮૫ની સાલની આસપાસના સમયમાં રાજસ્થાનના મારવાડ ક્ષેત્રના એક રાજવી હતા મહારાજા જમ્ભેશ્વર, જેઓ કાળક્રમે જંભોજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. તેમના દ્વારા અથવા તેમના માર્ગદર્શન અનુસાર જીવતા હોવાને કારણે જ આ લોકોને તેમની ઓળખ તરીકે ‘બિશ્નોઈ’ અથવા ‘વિશ્નોઈ’ નામ મળ્યું એમ કહીએ તો ખોટું નહીં કહેવાશે.

જોકે બિશ્નોઈ નામ હિન્દીભાષી છે એમ કહીએ તો ચાલે. ગુજરાતીમાં આપણે એને વિશ્નોઈ સમાજ કહીએ તો સાચું કહેવાશે. સૌથી પહેલી રસપ્રદ વાત તો એ છે કે તેમના સમુદાયને આ નામ વિશ્નોઈ કઈ રીતે મળ્યું? તો વીસ અર્થાત્ ૨૦ અને નોઈ મતલબ ૯. અર્થાત્ જે સમુદાયની રચના ૨૦ નિયમ + ૯ યમના આધારે થઈ. યમ એટલે વ્યક્તિએ બીજા જીવો સાથે શું કરવું એની ગાઇડલાઇન્સ અને નિયમ એટલે વ્યક્તિએ પોતાના આંતરિક જીવનમાં શું કરવું એની ગાઇડલાઇન્સ. જે લોકો આ ૨૦+૯ યમ-નિયમનું પાલન કરે છે એ વિશ્નોઈ સમુદાયના લોકો છે એમ કહેવાય.

અમૃતાદેવીએ ખેજડલી ગામે વૃક્ષ બચાવવા ‘ચિપકો આંદોલન’ની શરૂઆત કરેલી.

હવે આવું જાણ્યા પછી આપણને પહેલો વિચાર એ આવે કે એવા તે કયા ૨૯ નિયમો છે જેને આ સમાજના લોકો અનુસરે છે? વળી શા માટે આવા નિયમો અને કેમ એ નિયમોને માનનારા જ લોકો વિશ્નોઈ કહેવાયા? તો બીજા પ્રશ્નનો જવાબ પહેલાં શોધવાનો પ્રયાસ કરીએ, ત્યાર બાદ પહેલા પ્રશ્ન પર આવીશું. મૂળ કારણ કંઈક એવું છે કે તેમના મહારાજ જંભોજી મારવાડના રાજવી હતા. અર્થાત્ મૂળતઃ સૂકી ભૂમિ (રણપ્રદેશ)ના વતની. હવે સ્વાભાવિક છે કે જો તમારે રણપ્રદેશના કઠોર વાતાવરણમાં રહેવું હોય તો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવું પડે. પ્રકૃતિનું સન્માન નહીં કરો તો રેતાળ સૂકાભઠ પ્રદેશમાં પ્રકૃતિ પણ તમારું સન્માન નહીં કરે. આથી જંભોજી મહારાજે તેમની પ્રજા કે તેમના સમુદાયને આ વિશે માર્ગદર્શન આપવા હેતુ કેટલાક નિર્દેશ કર્યા જે અનુસરવાલાયક સિદ્ધાંતો કે નિયમો તરીકે પ્રખ્યાત થયા. આ નિર્દેશોની સંખ્યા ૨૯ હોવાથી જ તેમનું નામ પડ્યું વિશ્નોઈ.

વળી આ નિર્દેશો જંભોજી મહારાજે શા માટે રચ્યા એની પાછળ પણ એક કહાણી છે. તેમના આ નિર્દેશોમાં સૌથી મહત્ત્વના એવા બે નિર્દેશ ગણાવાય છે. એક, લીલાં ઝાડોને કાપવાં નહીં અને જીવિત પ્રાણીઓ પ્રત્યે દયાળુભાવ રાખવામાં આવે એટલે કે મારવામાં ન આવે, ઊલટાનું એમનું સંરક્ષણ કરવામાં આવે. તો હવે આ બે મુખ્ય નિર્દેશો જંભોજી મહારાજ દ્વારા અપાયા હોવાની કથા શું છે?                                       

અમૃતાદેવી વિશ્નોઈની હાકલ

જંભોજીએ આવા નિર્દેશો સમુદાયને આપવા પાછળનું એક કારણ એ હતું કે તેમને તેમના જીવનકાળ દરમ્યાન એક સમયે જબરદસ્ત દુકાળની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. એ સમયે પરિસ્થિતિ એટલી વિકટ થઈ ગઈ હતી કે જંભોજીને એ સત્ય સમજાયું કે જો લીલાં ઝાડોની આપણે રક્ષા કરીશું તો એના પર નિર્ભર એવા બધા જીવો અને માણસોનું પણ સંરક્ષણ થશે. આથી તેમણે નિયમ ગણો કે નિર્દેશ પણ એવાં ૨૯ કથનો કહ્યાં જે તેમના રાજ્યની પ્રજાને અનુસરવા માટે તેમણે પ્રેરણા આપી. 

હવે તેમના આ નિર્દેશોનાં લગભગ ૨૪૫ વર્ષ બાદ એટલે કે ૧૭૩૦ની સાલની ૧૧ સપ્ટેમ્બરે ફરી એક વાર રાજસ્થાન મોટી દારુણ ઘટનાનું સાક્ષી બન્યું. રાજસ્થાનના જોધપુરના એ સમયના રાજવી અભયસિંહ પોતાના માટે એક વિશાળ મહેલનું નિર્માણ કરી રહ્યા હતા. એ માટે તેમને ખૂબ મોટા પ્રમાણમાં લાકડાંની જરૂર હતી. તેમણે પોતાના કેટલાક સૈનિકોને જોધપુર નજીકના ખેજડલી ગામે મોકલ્યા અને આદેશ કર્યો કે ખેજડી (સુમરી)નાં ઝાડોને કાપી લાકડાં લઈ આવવામાં આવે. અભયસિંહના સૈનિકોના પ્રતિનિધિ ગિરધર બાંધારી તેમના કાફલાને લઈને જ્યારે ખેજડલી ગામે પહોંચ્યા અને વૃક્ષો કાપવા માંડ્યા ત્યારે એ ગામનાં નિવાસી એવાં અમૃતાદેવી વિશ્નોઈને ખબર મળ્યા કે તેમના ગામનાં અનેક વૃક્ષો રાજવીના આદેશને કારણે કપાવા જઈ રહ્યાં છે. અમૃતાદેવીએ એ સમયે વૃક્ષોને બચાવી લેવા માટે પોતાની દીકરીઓ અને ગામના લોકોને હાકલ કરી. વૃક્ષ બચાવોના એ આંદોલન સ્વરૂપે તેઓ બધાં એક-એક વૃક્ષને ગળે વળગાડીને ઊભાં રહી ગયાં જે ‘ચિપકો આંદોલન’ તરીકે જાણીતું થયું હતું. આવું કરવા પાછળનો આશય એ હતો કે જો સૈનિકોએ વૃક્ષો કાપવાં હશે તો પહેલાં તેમણે આ વૃક્ષને બાથમાં ભરીને ઊભેલા લોકોનો વધ કરવો પડશે અને જીવહત્યાના ડરથી કદાચ સૈનિકો વૃક્ષો કાપતાં અટકી જશે.

રાજસ્થાનમાં આવેલું મુક્તિધામ મુકામ મંદિર. 

અમૃતાદેવીની આ હાકલ દરમ્યાન તેમણે ઘોષણા કરી...

सर सते रुख़ रहे तो भी सस्तो जान

અર્થાત્ જો કોઈ વૃક્ષને બચાવવા માટે માથું વાઢી આપવું પડે તો એ પણ મંજૂર છે.

આ ઘટના બાદ માત્ર એ ગામના જ નહીં, આજુબાજુના પણ અનેક ગામલોકોએ અમૃતાદેવીના ઉદાહરણનું અનુસરણ કરવા માંડ્યું અને ખેજડીનાં અનેક વૃક્ષોને ગળે વળગાડી લીધાં. જોકે અભયસિંહના એ નિર્દય સૈનિકો ગામલોકોની તમામ દલીલોની અવગણના કરીને નિર્દયતાપૂર્વક વૃક્ષો કાપવા માંડ્યા અને માત્ર અમૃતાદેવી જ નહીં, તેમની દીકરીઓ સહિત અનેક ગામલોકોએ એ વૃક્ષોને બચાવી લેવાના પ્રયાસરૂપે પોતાનો જીવ ગુમાવવો પડ્યો. અંદાજે ૩૬૩ જેટલા લોકો આ વૃક્ષસંરક્ષણ દરમ્યાન માર્યા ગયા.

પવિત્ર આશયનો સ્વીકાર

આખરે મહારાજ અભયસિંહને જ્યારે આ નરસંહાર વિશે ખબર પડી ત્યારે તેમણે તરત વૃક્ષોની કાપણી રોકવાનો આદેશ આપ્યો અને ગામલોકોની માફી માગી એટલું જ નહીં, પ્રાયશ્ચિત્તના ભાગરૂપે તેમણે ખેજડલી ગામને રાજ્યના પૂર્ણ સંરક્ષણની પણ ખાતરી આપી. રાજવીએ એક તામ્રપત્ર દ્વારા શાહી આદેશ બહાર પાડ્યો કે આખા ખેજડલી ગામ અને એની આસપાસના વિસ્તારોમાં એક પણ વૃક્ષ કોઈએ કાપવું નહીં અને કોઈ પણ જાનવરનો પણ શિકાર કરવો નહીં. આજે પણ આ ગામ અને એની આસપાસના વિસ્તારોમાં આ રીતની કોઈ પણ ગેરમાનવીય પ્રવૃત્તિઓ અનેક પ્રકારના સરકારી કાયદાઓ દ્વારા સંરક્ષિત છે.

આ તો થઈ એ સમયની ઘટના અંગેની વાત અને રાજવીના ફરમાનની હકીકત, પરંતુ ભારત સરકાર દ્વારા પણ વિશ્નોઈ સમાજના એ બલિદાન અને પ્રકૃતિપ્રેમને બિરદાવવામાં આવ્યાં હતાં. સાલ હતી ૨૦૦૦ની જ્યારે ભારત સરકાર દ્વારા ‘અમૃતાદેવી વન્યજીવ સંરક્ષણ પુરસ્કાર’ (ADWPA) શરૂ કરવામાં આવ્યો અને ૨૦૧૩માં ૧૧ સપ્ટેમ્બરના દિવસને ‘રાષ્ટ્રીય વન શહીદ દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો.

રાજસ્થાનના જમ્ભોલાવમાં આવેલું જંભેશ્વરધામ.

વર્તમાન પરિસ્થિતિ

આજે પ્રકૃતિપ્રેમી એવો વિશ્નોઈ સમાજ અનેક વિકટ અને કઠોર પર્યાવરણીય પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યો છે. જંગલોમાંથી વૃક્ષોની કાપણી, વિવિધ વન્યજીવોનો અવૈધ શિકાર, જમીન ખનન, વિકાસના નામે જંગલો પર થતું અતિક્રમણ વગેરે અનેક વિકટ પરિસ્થિતિઓ સામે આજે પણ વિશ્નોઈ સમાજ થારના રણપ્રદેશમાં પોતાના જંગલનું સંરક્ષણ કરવાના પ્રયત્નો કરી રહ્યો છે એટલું જ નહીં, પોતાની ધાર્મિક માન્યતાઓના આધારે તેઓ વન્ય અને પાળતુ પ્રાણીઓની પણ જાળવણી કરવાનો પ્રયાસ કરે છે. તેમના ગુરુ અથવા મહારાજ જંભોજીએ શીખવેલા પાઠ અનુસાર આજે પણ આ સમાજ માત્ર જરૂરિયાત અનુસાર જ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરે છે.                         

વૃક્ષો અને વનસ્પતિઓના ખાદ્ય અને ઔષધ તરીકે ઉપયોગથી લઈને ઊંટ, ગાય-બકરીઓને ઝાડપત્તીઓ ખવડાવવા સુધી તેઓ પ્રકૃતિની મહત્તા બખૂબી સમજે છે. વળી આ સમાજ પ્રકૃતિ અને અન્ય જીવો પ્રત્યે એટલી કરુણા ધરાવે છે કે ઘાયલ, બીમાર અને નબળાં જાનવરોની દેખભાળ માટે તેઓ સામૂહિક પશુ દેખભાળ કેન્દ્ર પણ ચલાવે છે. કોઈ અપ્રિય પરિસ્થિતિને કારણે ધારો કે કોઈ હરણ જેવા પ્રાણીના બચ્ચાની માનું મૃત્યુ થઈ ગયું હોય તો વિશ્નોઈ સમાજની મહિલાઓ તે બાળપ્રાણીને સ્તનપાન સુધ્ધાં કરાવતી હોવાનાં અનેક દૃષ્ટાંતો ઉપલબ્ધ છે.   

રણથી હરિયાળી તરફ

આપણે બધા જાણીએ છીએ કે છેક અફઘાનિસ્તાનથી પાકિસ્તાન થઈને સૂકી તપ્ત હવાઓ અને વૃક્ષોના નિકંદનને કારણે રણપ્રદેશ રાજસ્થાનના ઉત્તરીય વિસ્તારોથી ભારતમાં ફેલાતો જાય છે. આ વિશાળ પ્રાકૃતિક પરિસ્થિતિ સામે ઝીંક ઝીલતો વિશ્નોઈ સમાજ તેમનાં ખેજડીનાં વૃક્ષો સહિત બીજાં ઝાડોને પણ રક્ષણ આપવાની પ્રવૃત્તિ કરતો રહે છે. એ માટે મોટેરાંઓ સતત તેમના પછીની જનરેશનને ટ્રેઇનિંગ આપે છે અને પ્રકૃતિ પ્રત્યેની પોતાની ભાવનાઓ પણ સમજાવે છે. ખેજડીનાં નવાં વૃક્ષોનું વાવેતર કરવાથી લઈને આ સમાજ બીજાં વૃક્ષો, પાણી, વન્યજીવો વગેરેની સુરક્ષા માટે પણ કાર્યરત રહે છે. હવે તો પ્રકૃતિ સાથેનું તેમનું આ સાયુજ્ય એટલું ગહેરું થઈ ચૂક્યું છે કે દરેક વિશ્નોઈ ગામમાં કેટલાંય નિર્દોષ વન્યપ્રાણીઓ નિર્ભીકપણે મુક્ત ફરતાં દેખાય છે. એમાં કાળાં હરણ, ઇન્ડિયન ડિયર, ચિંકારા, મોર, બસ્ટર્ડ, તીતર જેવા અનેક જીવોને ગણાવી શકાય.

વાત કંઈક એવી છે કે ધીરે-ધીરે આપણા દેશમાં વિસ્તરી રહેલો આ રણપ્રદેશ માનવીય જ નહીં પરંતુ દરેક જીવમાત્ર માટે ભવિષ્યમાં ખૂબ મોટી મુશ્કેલી સર્જી શકે એવી ભીતિની જાણ થતાં ભારત સરકાર અને બીજી સંસ્થાઓ દ્વારા અનેક વાર કેટલાક અભ્યાસ અને સર્વે હાથ ધરવામાં આવ્યા. તમે નહીં માનો પણ આ દરેક પ્રાથમિક સર્વે દરમ્યાન એ જાણવા મળ્યું છે કે થારના રણપ્રદેશના બીજા હિસ્સાઓની સરખામણીએ વિશ્નોઈ સમાજ જ્યાં વસે છે અથવા વિશ્નોઈ ગામોમાં પ્રાકૃતિક વનસંપત્તિ અને વન્યજીવોની આબાદી વધુ છે. એમાં પણ ખાસ કરીને ખેજડી (સુમરી)નાં ઝાડો અને કાળાં હરણોની સંખ્યામાં તો અન્ય રણપ્રદેશની સરખામણીએ દેખીતો ફરક જણાય છે.                     

હા, એ વાત સાચી કે આ સમાજ પ્રકૃતિ પ્રત્યે જે સહાનુભૂતિ અને સમજ ધરાવે છે એ વાસ્તવમાં તો આખા દેશભરમાં નહીં પરંતુ વિશ્વઆખામાં ફેલાવવી જોઈએ અને વિશ્નોઈ સમાજ આજ સુધી આ માનસિકતા માતબર ફેલાવવામાં અસફળ રહ્યો છે. જોકે એટલું તો ચોક્કસ છે કે આ સમાજની વર્તમાન પેઢી તેમના આ જ સંસ્કારો સાથે જીવે છે.

ભારતની મહાન સંસ્કૃતિ એની મહાનતા સાથે જીવિત રહે એવા સક્રિય પ્રયત્નો સાથે જીવતો આ સમાજ ખરેખર તો ભારતના પર્યાવરણના સિપાહસાલાર છે એમ કહીએ તો ખોટું નથી. લૉરેન્સ બિશ્નોઈ કોણ છે અને શું કરે છે? તેને ખરેખર ગુંડો કે ગૅન્ગસ્ટર ગણવો કે બીજું કંઈક? તે અને તેના નામ સાથે સંકળાયેલી અને ઘટેલી કેટલીક ઘટનાઓ પાછળની સાચી કહાણી શું છે? રાજકારણ પણ એમાં કેટલું અને કઈ રીતનું છે? આ બધા વિશેની પળોજણમાં આપણે નહીં પડીએ તો પણ આજે એ ઘટનાઓને કારણે આ સમાજને જાણવાનો અને તેમના વિશે આટલી વાતો કરવાનો મોકો મળ્યો એ કંઈ ઓછું તો નથી જ. શું કહો છો?

જાતિને મળીએ-ઓળખીએ

બિશ્નોઈ સમાજના લોકો તરીકે આ જે જનસમુદાયને ઓળખવામાં આવે છે એમની વિશ્વઆખામાં અંદાજે માત્ર સાડાસાત લાખ (૭,૫૦,૦૦૦) જેટલી જ વસ્તી છે. તેઓ વિશ્વઆખામાં માત્ર બે દેશમાં વસ્યા છે. એમાં મુખ્ય છે આ સમુદાયનું જન્મસ્થાન એવું ભારત અને બીજું પાકિસ્તાન. જોકે પાકિસ્તાનમાં તેમની વસ્તી નહીંવત્ છે. એ નહીંવત્ પણ હવે તો એ વિકૃતિની સીમાએ પહોંચી ચૂકેલા ધર્મઝનૂની દેશમાં બચ્યા હશે કે નહીં એ પ્રશ્ન છે. ભારતમાં તેમની અંદાજિત વસ્તી લગભગ ૭ લાખ ૪૮ હજાર જેટલી છે અને પાકિસ્તાનમાં (જો બચ્યા હોય તો) અંદાજે ૧૭૦૦ જેટલી.

બિશ્નોઈ સમાજના લોકો ભારતનાં કુલ દસ રાજ્યોમાં વસ્યા છે. એમાંથી સૌથી વધુ ૩,૯૬,૦૦૦ જેટલા રાજસ્થાનમાં, ઉત્તર પ્રદેશમાં ૧,૫૧,૦૦૦, ઓડિશામાં ૧,૧૩,૦૦૦ અને હરિયાણામાં ૮૦,૦૦૦ જેટલા છે. તો વળી નાની સંખ્યામાં બીજાં જે રાજ્યોમાં વસ્યા છે એમાં મધ્ય પ્રદેશમાં ૪૪૦૦, દિલ્હીમાં ૧૫૦૦, પંજાબમાં ૧૩૦૦, હિમાચલ પ્રદેશમાં ૬૦૦, ગુજરાતમાં ૪૦૦ અને ચંડીગઢમાં ૯૦ જેટલા બિશ્નોઈ વસ્યા હોવાનું મનાય છે.

તેમનું મુખ્ય ધાર્મિક સ્થળ રાજસ્થાનમાં આવેલું મુકામ નામનું ગામ હોવાનું માનવામાં આવે છે. સફેદ શર્ટ, ધોતી અને પાઘડીના પહેરવેશમાં મહદંશે જોવા મળતા આ સમાજના લોકો પોતાનાં ઘરોમાં સાફસફાઈનું વિશેષ ધ્યાન રાખતા હોય છે. ચોમાસા દરમ્યાન મોટી બાજરીની ખેતી કરતા આ ખંતીલા સમાજના લોકો ખેતરની આસપાસ ઝાડીઓ ઉગાડે છે જેથી એ ખેતરોમાં ઊગતા અનાજને રેતીના તોફાનથી પણ બચાવે અને વળી વરસાદની મોસમ ચાલી ગયા બાદ એ જ ઝાડી જાનવરોના ચારા તરીકે પણ ઉપયોગમાં આવે.      

બિશ્નોઈ સમાજના લોકો જે સમૂહમાં રહે છે એ ‘ધન્ની’ નામની વસ્તી તરીકે ઓળખાય છે. અધિકાંશ ફુસકી કે ઘાસની છતવાળા ગોળ નાનાં ઘરોમાં રહેતા આ લોકો તેમના ઘરને છાણ-માટીએ લીપતા હોય છે જેથી કીડા-મંકોડા દૂર રહે. આ જ નાનાં ઘરોમાં તેમણે અનાજ અને પાણીના સંગ્રહ માટે પણ અલગ વ્યવસ્થા બનાવી હોય છે.

આ સમાજના લોકો પોતાની જાતિમાં લગ્ન કરવા સિવાય હરિયાણામાં મહદંશે જોવા મળતી વસ્તી જાટ અને રાજપૂતો સાથે પણ વિવાહ-સંબંધ બાંધે છે અને પ્રકૃત્તિદત્ત જીવન જીવતા બિશ્નોઈ સમાજના લોકોએ ઉત્તમ ખેડૂત તરીકે પણ ભારતમાં પ્રસિદ્ધિ મેળવી છે.

ચિંકારા હરણ અને હત્યાનો કેસ 
પ્રકૃતિને જ ઈશ્વર માનતા આ સમાજ માટે વૃક્ષો, પર્યાવરણ અને વન્યજીવો તો મહત્ત્વનાં છે જ; પરંતુ કાળું હરણ જેને આપણે કાલા હિરન કે ચિંકારા તરીકે ઓળખીએ છીએ એ વિશેષ મહત્ત્વનાં ગણાય છે. ધાર્મિક દૃષ્ટિએ વિશ્નોઈ સમાજના લોકો કાળા હરણને પ્રકૃતિ અને વન્યજીવો વચ્ચેના સંતુલનનું પ્રતીક માને છે. આથી જ તેઓ આસ્થાપૂર્વક કાળા હરણને પૂજે છે. આ હરણ તેમના માટે એટલું ખાસ અને પૂજનીય છે કે એની રક્ષા માટે સમાજના લોકો પોતાનો જીવ આપી દેતાં પણ ખચકાતા નથી, કારણ કે આ સમાજ માટે પ્રકૃતિપ્રેમ અને હરણ એ માત્ર સમર્પણ કે પરંપરાનો હિસ્સો જ નથી બલ્કે તેમના માટે આ તેમના જીવનનો જ એક અભિન્ન હિસ્સો છે.   હવે ૧૯૯૮ની સાલમાં એક ફિલ્મના શૂટિંગ માટે ગયેલા કહેવાતા સુપરસ્ટારને શિકારનો વિકૃત શોખ થયો અને ભાઈસાહેબે વિશ્વ જીતવા નીકળ્યા હોય એમ એક નિર્દોષ કાળા હરણને મારી નાખ્યું. આ કેસ વિશે આપણને બધાને ખબર છે. કઈ રીતે ત્યાર બાદ તે સો કૉલ્ડ અભિનેતા વિરુદ્ધ ફરિયાદ થઈ અને કોર્ટકેસ ચાલ્યો વગેરે બધું જ. વિશ્નોઈ સમાજના લૉરેન્સ વિશ્નોઈ દ્વારા ત્યાર બાદ ધમકીઓ અપાઈ અને શું-શું થયું એ બધી જ ઘટનાઓથી આપણે ભલીભાંતિ વાકેફ છીએ.

બિશ્નોઈના ૨૯ યમ-નિયમ 

હવે આવીએ એ પહેલા પ્રશ્નના જવાબ પર કે વિશ્નોઈ સમાજ માટે જીવનના પથદર્શક ગણાતા જંભોજી મહારાજે દર્શાવેલા એ ૨૯ નિર્દેશો કયા છે જેને આ સમાજ પોતાના રોજિંદા જીવનમાં વણી ચૂક્યો છે.

ગુજરાતી ભાષાના તજજ્ઞો કહેશે કે ૨૦નો સાચો ઉચ્ચાર તો ‘વીસ’ થાય તો પછી નામ વિસ્નોઈ હોવું જોઈએ. તો જણાવી દઈએ કે ૨૦ને સ્થાનીય મારવાડી ભાષામાં ‘બીશ’ અને ૯ને ‘નોઈ’ કહેવામાં આવે છે. આથી જ તેમના સમાજને એટલે કે આ ૨૦+૯ નિયમોને અનુસરનારા લોકોના સમૂહને નામ મળ્યું બિશ્નોઈ. અને તેઓ જે ૨૯ યમ-નિયમનું પાલન કરે છે એ કંઈક આ પ્રમાણે છે:

 પ્રસવના ૩૦ દિવસ સુધી મા અને નવજાત શિશુને અલગ રાખવાં (માતા અને બાળક બન્નેમાંથી એકેયને કોઈ ઇન્ફેક્શન ન લાગે એટલા માટે, કારણ કે શરૂઆતના ૩૦ દિવસ બાળક અને માતા બન્ને બહારના સંક્રમણ બાબતે અત્યંત સંવેદનશીલ હોય છે).

 માસિક ધર્મ (મેન્સ્ટ્રુઅલ સાઇકલ) દરમ્યાનના પાંચ દિવસ મહિલાને તમામ પ્રકારની ગતિવિધિઓથી દૂર રાખવામાં આવે (મહિલા માટે આ સમયે જે અનિવાર્ય છે એ આરામ તેને મળી રહે એ માટે).

 
દરરોજ સવારે વહેલા સ્નાનાદિ પ્રક્રિયા પૂર્ણ કરી લેવી.               

 
સંતુષ્ટ રહેવું અને બાહ્ય તથા આંતરિક સફાઈ જાળવી રાખવી (શુદ્ધ આચાર-વિચાર, વિનમ્ર વ્યવહાર અને સ્વચ્છ ચરિત્ર).

  
દિવસમાં બે વાર સવારે અને સાંજે ધ્યાન કરવું.

 
પ્રતિદિન સંધ્યાકાળે ઈશ્વરનું મહિમાગાન કરવું અને તેમના ગુણોનો પાઠ કરવો.

 
કલ્યાણ, પ્રેમ અને ભક્તિની ભાવનાથી ભર્યા હૃદયે પવિત્ર અગ્નિને રોજ આહુતિ આપવી.

 
ફિલ્ટર કરેલા પાણી, દૂધ અને ઈંધણનો મર્યાદામાં અને સાવચેતીથી ઉપયોગ કરવો.

 
વાણીનો ઉપયોગ કરવા પર ધ્યાન આપવું, બોલવા પહેલાં વિચારવું.

 
ક્ષમાશીલ સ્વભાવ રાખવો

 દયાળુ બનવું

 ચોરી ન કરવી.

 નિંદા કે આલોચના ન કરવી 

 જુઠ્ઠું ન બોલવું

 
કોઈ પણ બિનજરૂરી દલીલ કે ચર્ચામાં સામેલ ન થવું.

 
અમાસના દિવસે ઉપવાસ રાખવો અને ધ્યાન કરવું.

 
ભગવાન વિષ્ણુનાં નામોનું સતત પઠન કરતા રહેવું.

  તમામ જીવમાત્ર પ્રત્યે દયાળુ બનવું.

 
લીલાં વૃક્ષોને ક્યારેય કાપવાં નહીં. પર્યાવરણ બચાવવું.

કામ, ક્રોધ, લોભ અને મોહનું દમન કરવું.

 
માત્ર જાતે બનાવેલું અથવા ધાર્મિક દૃષ્ટિએ શુદ્ધ હોય, વ્યક્તિ દ્વારા બનાવાયેલું ખાવાનું જ ખાવું.

 
બકરીઓ/ગાય-ભેંસ વગેરે પ્રાણીઓને બચાવવા માટે એમને એક સામાન્ય આશ્રયસ્થાન પ્રદાન કરવું.

  બળદની ક્યારેય નસબંધી નહીં કરવી.

  અફીણનો ઉપયોગ કરવો નહીં.

  ધૂમ્રપાન અથવા તમાકુનું સેવન કરવું નહીં.

  ભાંગની ખેતી કરવી નહીં.

  શરાબપાન કરવું નહીં.

 માંસ કે માંસાહારી વ્યંજન ખાવાં નહીં. વન્યજીવોને ભોજન આપવું અને તેમનું રક્ષણ કરવું.

 ભૂરા રંગનાં કપડાં પહેરવાં નહીં (પ્રાચીન ભારતમાં ભૂરો રંગ ઝાડમાંથી મળતો હતો. આપણા ગુજરાતીઓમાં પહેલાંના સમયમાં કપડાંને ગળી કરવાનું ખૂબ ચલણ હતું. અહીં એ જ ગળીની વાત કરવામાં આવી છે. એ ગળી જેમાંથી પ્રાપ્ત થાય છે એ ઝાડને ઇન્ડિગોના ઝાડ તરીકે ઓળખવામાં આવે છે.) વળી ભૂરો રંગ મૃત્યુનું પણ પ્રતીક છે.

 

columnists lawrence bishnoi environment wildlife