રાજકારણમાં યુવા કાર્યકર્તા એટલે શું શાકમાં નાખેલો લીમડો?

20 January, 2023 06:15 PM IST  |  Mumbai | Bhavini Lodaya

યુવા કાર્યકર્તાઓમાં યોગ્ય-અયોગ્યની પૂરતી સમજશક્તિનો અભાવ જોવા મળે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

કોઈ પણ રાજકીય કામ હોય, એને પાર પાડવા માટે ડેડિકેટેડ કાર્યકર્તાઓની જરૂર પડે છે; પણ એ કાર્યકર્તાઓના સમર્પણભાવની કોઈ કદર નથી થતી. આજે આપણા દેશમાં યુવાનોની ખૂબ જ ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેમ વઘાર કરતી વખતે નાખેલા કડીપત્તાને આપણે દાળ કે શાકમાંથી જમતી વખતે બહાર કાઢી નાખતા હોઈએ છીએ એવી જ પરિસ્થિતિ આજે આપણા દેશના યુવાનોની જોવા મળી રહી છે.

રાજકારણમાં યુવાનોનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે એ ખરેખર ભારતના ભવિષ્ય માટે ચિંતા કરાવે એવો છે. યુવા કાર્યકર્તાઓમાં યોગ્ય-અયોગ્યની પૂરતી સમજશક્તિનો અભાવ જોવા મળે છે. સમાજમાં આવા યુવાન કાર્યકર્તાઓનો સામાજિક અને રાજનૈતિક કાર્યમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે. નારા લગાવવા, રસ્તારોકો આંદોલન કરવા, સામાન્ય લોકોને એકબીજાના ધર્મ વિરુદ્ધ ભડકાવવા તથા સામાજિક સંગઠનો તેમ જ સરકારી પ્રશાસનની પ્રવૃત્તિમાં યુવાનોને ફોસલાવીને અને તેમને ઉત્તેજિત કરીને તેમનો મોટા પ્રમાણમાં દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આજના યુવાનો પણ એટલા ભોળા હોય છે કે તેઓ પૈસા અથવા વસ્તુની લાલચમાં આવીને આવાં કાર્યોમાં જોડાય છે. 

આ પણ વાંચો :  આૅનલાઇન ગેમિંગ એ જુગારથી વિશેષ કશું નથી

એક તરફ આપણા દેશમાં ટૅલન્ટેડ યુવાનોની કોઈ કમી નથી અને બીજી તરફ કેટલાય યુવાનો એવા છે જેઓ કામ અને સાચી દિશાના માર્ગદર્શનના અભાવે ભટકી ચૂક્યા છે. એ જ કારણ છે કે આજે આપણા દેશમાં યુવા બેરોજગારી મોટા પ્રમાણમાં જોવા મળે છે. તેમની પાસે ટૅલન્ટ અને ભણતર હોવા છતાં નોકરીઓ મળતી નથી. આવી પરિસ્થિતિમાં આ યુવાનોને વડાપાંઉ, બિરયાની અને માત્ર ૨૦૦થી ૫૦૦ રૂપિયાની લાલચ આપીને તેમનો સમાવેશ કરવો એ મારા વિચાર પ્રમાણે યોગ્ય નથી. 

 આજે ગામડાંના યુવાનોને શું ખાતરી છે કે તેમને રોજગારી મળશે જ? યુવાનો માટે રોજગારીની પૂરતી તકો ઊભી થાય એ માટેના ખાસ પ્રોજેક્ટ્સ શરૂ કરવા જોઈએ જેનો ઘણો જ અભાવ જોવા મળે છે. રોજગારના અભાવે જ લોકોને અમુક-તમુક રૂપિયાની લાલચ આપીને ભીડ ભેગી કરવાના કામમાં જોડવાનું સંભવ બને છે. 

 આજે આપણા દેશમાં યુવા બેરોજગારી અને મોંઘવારીના વધતા જતા પ્રમાણને લીધે યુવાનોની વિષમ પરિસ્થિતિ જોવા મળી રહી છે. સરકારે દેશમાં જોવા મળતી બેરોજગારી પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. યુવાનોને યોગ્ય દિશા મળે અને તેઓ ખોટે રસ્તે જતા અટકે એટલા માટે સરકારે આ બાબત પર ધ્યાન આપવું જોઈએ અને રોજગારની નવી તકો ઊભી કરવી જોઈએ.

શબ્દાંકન : ભાવિની લોડાયા

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists