મૃત્યુને આંખ સામે જોયું એ પછી જીવનનાં સપનાં પૂરાં કરવાનું શરૂ કર્યું આ બહેને

15 May, 2024 07:39 AM IST  |  Mumbai | Rajul Bhanushali

૪૨ વર્ષનાં ભાવિકા પટેલ આજે ભારતભરમાં બ્યુટિશ્યન બનીને દુલ્હનને શણગારવા જાય છે

ભાવિકા પટેલની તસવીર

૨૮ વર્ષની ઉંમરે બન્ને કિડની ફેલ થયા પછી જીવનની અનિશ્ચિતતાનો અંદાજ આવી ગયો હતો થાણેમાં રહેતાં ભાવિકા પટેલને. ત્રણ વર્ષ ડાયાલિસિસ કરાવ્યા પછી અને કિડની-ડોનર તરીકે મમ્મી તૈયાર હતાં એ પછીયે હેલ્થ-ગ્રાઉન્ડ પર અનેક અડચણો વચ્ચે બીમારી સામે જંગ જીત્યાં અને એ પછી મેકઅપ-આર્ટિસ્ટ બનવાનું સપનું પૂરું કર્યું. ૪૨ વર્ષનાં ભાવિકા પટેલ આજે ભારતભરમાં બ્યુટિશ્યન બનીને દુલ્હનને શણગારવા જાય છે

બહુ ઓછા લોકોનું જીવન સીધી લીટી જેવું હોય છે, બાકી મોટા ભાગનાની જીવનલીટી તો વાંકીચૂંકી જ હોય છે અને એમાંથી પણ કેટલાક લોકો અપવાદ હોય છે જેમના જીવનમાં એવા વળાંક આવે છે જે પોતાની સાથે ઝંઝાવાત લઈને આવે છે. થાણે-વેસ્ટમાં રહેતાં ભાવિકા પટેલના જીવનમાં એક-દોઢ દાયકા પહેલાં આવો જ એક વળાંક આવ્યો હતો અને તેમના જીવનમાં ભયંકર ઊથલપાથલ થઈ હતી. ભાવિકાબહેન કહે છે, ‘હું ૨૮ વર્ષની હતી અને મારી બન્ને કિડની ફેલ થઈ ગઈ હતી. શરૂઆતમાં મારું માથું ભયંકર દુખતું, સ્વેલિંગ આવતું. હું ડૉક્ટર પાસે જતી તો તેઓ આમ છે, તેમ છે, આ ટેસ્ટ કરાવીએ, પેલી ટેસ્ટ કરાવીએ એવું કહ્યે રાખતા. મેં બધી જ ટેસ્ટ કરાવી, પરંતુ ખબર ન પડી કે ઍક્ચ્યુઅલી થયું છે શું. પછી મને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી. હું મોટા ડૉક્ટર પાસે ગઈ. તેમણે જે રિપોર્ટ કરાવ્યા એમાં આવ્યું કે મારી બન્ને કિડની ખરાબ થઈ ગઈ છે. મારા માથે આભ તૂટી પડ્યું.’

બહુ જ આકરા દિવસો
કિડની-ફેલનો રિપોર્ટ આવ્યા પછીનાં ત્રણ વર્ષ સતત ડાયાલિસિસ કરાવવું પડ્યું. એ દિવસો કેવી રીતે નીકળ્યા એને યાદ કરતાં ભાવિકાબહેન કહે છે, ‘હું ત્રણ વર્ષ સુધી ડાયાલિસિસ પર રહી. એ દિવસો ખૂબ અઘરા હતા. એ વખતે મારો દીકરો પાંચ વર્ષનો હતો. તેના વિશે વિચારીને મારું કાળજું કંપી જતું. મારી મમ્મી મને કિડની આપવા તૈયાર થઈ અને ફરીથી ડૉક્ટરોના ધક્કા શરૂ થયા. મુંબઈમાં અમે અનેક જગ્યાએ ટેસ્ટ કરાવી, પણ ડૉક્ટરોએ મમ્મીની કિડની લેવાની ના પાડી દીધી. તેમનું કહેવું હતું કે તેમનું હાર્ટ નબળું છે એટલે તેમની કિડની ન લઈ શકાય. કોઈકે નડિયાદના એક ડૉક્ટર પાસે જવાનું કહ્યું એટલે અમે ત્યાં પણ ગયાં, પરંતુ ત્યાં પણ ઇનકાર થયો. મેં આશા છોડી દીધી અને બ્રેઇન ડેડ ડોનર પાસેથી કિડની મેળવવા માટેના લિસ્ટમાં નામ નોંધાવી દીધું.’

આશાનું કિરણ
સતત ચાલતાં ડાયાલિસિસનાં સેશન અને ટકી રહેવાની મથામણ વચ્ચે એક દિવસ નવી આશા લઈને આવ્યો એ વિશે વાત કરતાં ભાવિકાબહેન કહે છે, ‘ફ્રેન્ડ-સર્કલમાંથી કોઈકે અમને કોકિલાબેન અંબાણી હૉસ્પિટલ જવાનું કહ્યું. અમે ત્યાં ગયાં અને ડૉક્ટરને મળ્યાં. ડૉક્ટરે મમ્મીના રિપોર્ટ ફરીથી કરાવ્યા અને સારા સમાચાર આપ્યા કે મમ્મીની કિડની લઈ શકાશે. ત્યાર બાદ ટ્રાન્સપ્લાન્ટ માટેની આખી પ્રોસેસ શરૂ થઈ અને એક દિવસ સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ થઈ પણ ગયું. ઑપરેશન પછી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ થઈ ગઈ. પછી મેં જીવન રીસ્ટાર્ટ કરવાનો નિર્ણય લીધો.’

નવું જીવન મળ્યા પછીના સમય વિશે વાત કરતી વખતે ભાવિકાબહેનના અવાજમાં નવો ઉત્સાહ વર્તાયો અને તેમણે કહ્યું, ‘લગ્ન પહેલાંથી જ મને મેકઅપ વગેરેનો શોખ હતો, પણ લગ્ન થઈ ગયાં એટલે એ શોખ સાઇડમાં મુકાઈ ગયો. લગ્ન પછી તરત જ દીકરો જન્મ્યો અને તેના ઉછેરમાં પરોવાઈ ગઈ. દીકરો નાનો હતો ત્યારે જ કિડની-ફેલ્યરની મુસીબત આવી એટલે એ શોખ પાછળ છૂટી ગયો હતો. સ્વસ્થ થયા પછી નવેસરથી મેં બ્યુટિશ્યનનો કોર્સ કર્યો. મારી આવડતને અપડેટ કરી અને ઑર્ડર લેવાનું શરૂ કર્યું. આજની તારીખે હું દેશભરમાં બ્રાઇડલ મેકઅપના ઑર્ડર લઉં છું. બ્યુટિશ્યનનું કામ કરું છું અને ઘર પણ સંભાળું છું. કોઈ ફેશ્યલ કે બ્લીચ કે એવી કોઈ વસ્તુ માટે ઘરે બોલાવે તો જાઉં છું. ટૂંકમાં કહું તો હું હોમ-સર્વિસ પણ આપું છું. અત્યારે મારી ઉંમર ૪૨ વર્ષ છે. ત્રણ વર્ષ ડાયાલિસિસનાં અને ટ્રાન્સપ્લાન્ટ પછીનાં ૧૦ વર્ષને પાછળ વળીને જોઉં છું ત્યારે એવું થાય છે કે હિંમત રાખી તો આ બધું શક્ય બની શક્યું. જ્યારે ડૉક્ટરોએ મમ્મીની કિડની લેવાની ના પાડી દીધી અને કિડની મેળવવા માટેના ડોનર લિસ્ટમાં નામ લખાવ્યું ત્યાર પછી મેં ફિકર મૂકી દીધી હતી, સામેથી ફોન આવશે ત્યારે વાત. થશે તો થશે, પરંતુ હોપ નહોતી છોડી. મને સતત એવું લાગતું હતું કે માતાજીનો સાથ છે એટલે મને કાંઈ નહીં થાય, બસ પૉઝિટિવ રહેવાનું અને આગળ કશું વિચારવાનું નહીં. હમણાં જીવવાનું છે અને જે થયું છે અને જે થશે એને ફેસ કરવાનું. સતત હું બીમાર છું, બીમાર છું એવો વિલાપ નહીં કરવાનો અને ખરેખર માતાજીએ સાંભળી લીધું.’

જીવનનું મહત્ત્વ
છેલ્લાં ૧૦ વર્ષથી ભાવિકાબહેન સ્વસ્થ જીવન જીવી રહ્યાં છે. ઉત્સાહપૂર્વક બહારગામના ઑર્ડર લેતાં અને પૂરાં કરતાં. તેઓ કહે છે, ‘હવે કોઈ પ્રૉબ્લેમ નથી. હા થોડી કૅર કરવી પડે છે. હું જ્યાં જાઉં ત્યાં ઘરનું પાણી સાથે જ હોય, બેકરીનું બિલકુલ નહીં ખાવાનું, બહારનું પણ કશું નહીં ખાવાનું. લાઇફટાઇમ દવા ખાવાની છે જે હું રેગ્યુલર લઉં છું. દર ચારેક મહિને રેગ્યુલર ચેકઅપ હોય છે. આ બધા છતાં લાઇફ સ્વસ્થ ચાલી રહી છે.

કોકિલાબેન અંબાણી હૉસ્પિટલના નિરંજન કુલકર્ણી ખૂબ સારા ડૉક્ટર છે અને તેમણે અમને ખૂબ કો-ઑપરેટ કર્યું છે. તેમના અને મારાં મમ્મી દેવકાબહેનને કારણે હું આજે સ્વસ્થ જીવન જીવી રહી છું. મારાં મમ્મી એકદમ ફિટ છે. આ બધી તકલીફો દરમ્યાન હસબન્ડનો સારો સપોર્ટ રહ્યો છે. આજે દીકરો ૧૮ વર્ષનો થઈ ગયો છે અને હું તેને મોટો થતો જોઉં છું એનો આનંદ છે. જીવનમાં સમજો કે આવો કોઈ ઝંઝાવાત આવે તો એનો સામનો કરવાનો, જીવવાનું છોડવું નહીં. કોઈ પણ પ્રૉબ્લેમ હોય, કંઈક ને કંઈક ઍક્ટિવિટી કરતા રહેવાનું. પોતાનાં ડ્રીમ પૂરાં કરવાનાં. આવેલી મુસીબતનો સામનો કરવાની ભરપૂર હિંમત રહેશે.’  

life and style columnists gujaratis of mumbai