ભાસ્કર અને પૂજા બન્યાં અમારાં લીડ સ્ટાર

20 November, 2023 07:05 PM IST  |  Mumbai | Sanjay Goradia

સિરિયલ ‘આ ફૅમિલી કૉમેડી છે’નું પ્રી-પ્રોડક્શન ચાલતું હતું ત્યારે ખર્ચો વધારે પડતો થઈ ગયો. મારે એ જ સમયે અટકી જવાની જરૂર હતી, પણ હું ચૅનલની વાતમાં હામાં હા કરતો રહ્યો

જેટલું ભાસ્કરને ભૂલવાની કોશિશ કરું છું એટલો જ ભાસ્કર વધારે તીવ્રતા સાથે યાદ આવે છે. હું ભાસ્કર માટે અને ભાસ્કર મારા માટે અનિવાર્ય હતા.

મેં પહેલી વાર એ છોકરીને જોઈ. ખૂબ જ સરસ અને દેખાવડી  હતી. મને છોકરી ગમી એટલે મેં ઑડિશન લઈ ચૅનલમાં દેખાડ્યું. ચૅનલને પણ છોકરી ગમી, તેનું કામ ગમ્યું એટલે અમને ચારુ મળી ગઈ. એ છોકરી એટલે પૂજા જોષી. પૂજાએ ઘણીબધી ગુજરાતી ફિલ્મો કરી, હમણાં સિદ્ધાર્થ રાંદેરિયા સાથે એ ‘હું અને તું’ ફિલ્મમાં જોવા મળી.
 
આપણે વાત કરીએ છીએ, અમારા નવા નાટક ‘પિક્ચર હજી બાકી છે દોસ્ત’ની, જેના કાસ્ટિંગની ચર્ચા મારે કરવાની હતી, પણ એ પહેલાં આપણે વાત કરીએ મારી ગુજરાતી સિરિયલની. મેં તમને કહ્યું હતું એમ, નાટકમાંથી સમય કાઢીને પણ હું મારી સિરિયલનું કામ કરતો હતો. સિરિયલ પ્રોડક્શનની એક મોટામાં મોટી મજબૂરી જો કોઈ હોય તો એ કે તમારે એને માટે ઑન-ટોઝ જ રહેવું પડે. જરાઅમસ્તા ગાફેલ રહો તો એ તમને તરત જ ખોટના ખાડામાં ધકેલી દે.
 
મારી ગુજરાતી સિરિયલ ‘તારી આંખનો અફીણી’ હવે બંધ થવાના આરે હતી અને ચૅનલ પણ હવે નવાં રંગરૂપ ધારણ કરવાની હતી. આજની આ કલર્સ ગુજરાતી જે ચૅનલ છે એ ચૅનલનું નામ પહેલાં ઈટીવી ગુજરાતી હતું, જે ઘણાને યાદ હશે. પૉલિસી લેવલે નક્કી થયું હતું કે હવે ચૅનલનું નામ બદલીને કલર્સ ગુજરાતી કરવું અને જ્યારે નામ બદલાય ત્યારે નવી સિરિયલો પણ લાવવી. અમારી સિરિયલ ‘તારી આંખનો અફીણી’ની રાઇટર બિનિતા દેસાઈ હતી અને હવે બિનિતાએ કલર્સ ગુજરાતી જૉઇન કરી લીધું હતું તો ચૅનલમાં સંજય ઉપાધ્યાય હતા, જે પ્રોગ્રામિંગ હેડ હતા, જ્યારે અનુજ બજાજ ચૅનલના કમર્શિયલ હેડ હતા. બિનિતાની પોસ્ટ તો મને અત્યારે યાદ નથી, પણ એ સંજય ઉપાધ્યાય પછીની એટલે કે પ્રોગ્રામિંગ સાઇડ પર સેકન્ડ નંબરની પોઝિશન પર હતી. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે છેલ્લાં થોડાં વર્ષોથી બિનિતા ન્યુ ઝીલૅન્ડમાં સેટલ થઈ ગઈ છે. 
 
‘તારી આંખનો અફીણી’ સિરિયલમાં અમે થોડો લૉસ કર્યો હતો, પણ એમ છતાં જ્યારે ચૅનલે મારી સામે કૉમેડી સિરિયલનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે મને થયું કે ચાલો હજી એક ટ્રાય કરી લઈએ અને મેં નવી સિરિયલ કરવાની હા પાડી. 
 
બિનિતાએ મને વનલાઇન સંભળાવી.
 
એ જે સિરિયલ હતી એનું નામ હતું ‘આ ફૅમિલી કૉમેડી છે’. સિરિયલની સ્ટોરીમાં બે ફૅમિલીની વાત હતી. એ ફૅમિલી એકબીજાની સામે રહે છે અને બન્ને ફૅમિલીને એકમેક સાથે રાઇવલરી છે. આવી રાઇવલ ફૅમિલીનાં છોકરા-છોકરી પ્રેમમાં પડે છે અને પછી ધમાલ ચાલે છે.
 
‘આ ફૅમિલી કૉમેડી છે’ માટે બે ઘર બનાવવાનાં હતાં એટલે મેં એક આખો નવો સેટ ઊભો કર્યો અને એક બહુ મોટી ઓસરી બનાવી. એની સામે એક ઘર બનાવ્યું જે માત્ર કટઆઉટ જેવું હતું અને આ બધું કરવામાં મારો ખર્ચો ખૂબ વધી ગયો. હકીકત તો એ છે કે મારે એ સમયે જ સમજી-વિચારીને અટકી જવાની જરૂર હતી, પણ હું અટક્યો નહીં અને મેં ચૅનલની ડિમાન્ડ પૂરી કર્યે રાખી, પણ હશે. જે થયું એ મેં ભોગવ્યું. આપણે ત્યાં એક કહેવત છે, ‘સાપ ગયા, પણ લિસોટા રહી ગયા.’ આ કહેવત મારા જેવા અખતરાબાજના કારણે જ પડી હશે. સિરિયલ પ્રોડક્શનમાં મેં કરેલા લૉસના લિસોટા આજે પણ અકબંધ છે! વાત આગળ વધારતાં પહેલાં કહી દઉં કે જો હું સિરિયલ પ્રોડક્શનમાં ન આવ્યો હોત તો આજે મારી આર્થિક સધ્ધરતા સાવ જુદી જ હોત. 
 
આપણે વાત પર આવીએ ‘આ ફૅમિલી કૉમેડી છે’ના કાસ્ટિંગની. ટીવીમાં દરેકેદરેક કાસ્ટિંગ તમારે ચૅનલ પાસેથી પાસ કરાવવું પડે એટલે આજે તમે જેકોઈ સિરિયલના ખરાબ કાસ્ટિંગ જુઓ છો એને માટે તમે પ્રોડ્યુસરને ગાળો ન આપતા, એને માટે ચૅનલ જવાબદાર છે, પણ જો તમારામાં સમજાવવાનું કૌવત હોય અને જો તમે વાતને ગળે ઉતારી શકો તો ચૅનલ બહુ વિરોધ નથી કરતી. અગાઉ મેં તમને કહ્યું હતું કે સિરિયલ પ્રોડક્શનમાં તમે માત્ર પ્રોડક્શન મૅનેજર જ હો છો. એવા પ્રોડક્શન મૅનેજર જે સાતેસાત દિવસ અને ચોવીસ કલાક ખડાપગે રહે અને તેની સામે ચૅનલ તો સોમથી શુક્ર જ કામ કરે, શનિ-રવિમાં તેમને ડિસ્ટર્બ કરવાની મનાઈ! 
 
ઍનીવે, આવી જઈએ કાસ્ટિંગ પર.
 
તમને વાર્તા કહી એ રીતે આ સિરિયલમાં દુશ્મન ફૅમિલીનાં જે છોકરા-છોકરી પ્રેમમાં પડે છે એ છોકરાના કૅરૅક્ટરમાં મેં મારા ફેવરિટ ઍક્ટર ભાસ્કર ભોજકને સોંપ્યું. ચૅનલ પણ ભાસ્કરનું ઑડિશન જોઈને ખુશ થઈ ગઈ. સિરિયલના અમુક એપિસોડ યુટ્યુબ પર છે, જો ટાઇમ મળે તો જોજો, ભાસ્કરની ઍક્ટિંગ જોઈને તમે પણ ખુશ થઈ જશો. ભાસ્કર હવે હયાત નથી. ૩૦ સપ્ટેમ્બરે ભાસ્કરનો હાર્ટ-અટૅકથી દેહાંત થયો.
 
ભાસ્કર જે છોકરીના પ્રેમમાં પડે છે એ છોકરીના કૅરૅક્ટરનું નામ ચારુ હતું. ચારુ માટે અમારી શોધખોળ ચાલતી હતી એ જ વખતે મારી પાસે સૌરભ ઠક્કર આવ્યો. સૌરભ અમારી સિરિયલનું પ્રોડક્શન સંભાળતો. સૌરભ પોતાની સાથે એક છોકરીને મળવા લાવ્યો હતો. તે જ્યાં ઍક્ટિંગ શીખવા જતો ત્યાં જ આ છોકરી પણ ઍક્ટિંગ શીખવા આવતી. સૌરભે આવીને મને કહ્યું, ‘સર, આપણે ત્યાં કોઈ કામ હોય તો આને કરવાની ઇચ્છા છે.’
 
મેં પહેલી વાર એ છોકરીને જોઈ. ખૂબ સરસ અને દેખાવડી છોકરી હતી. મને એ છોકરી ગમી એટલે મેં તેનું ઑડિશન લીધું અને ચૅનલમાં દેખાડ્યું. ચૅનલને પણ છોકરી ગમી, તેનું કામ ગમ્યું એટલે અમને ચારુ મળી ગઈ. એ છોકરી એટલે પૂજા જોષી. પૂજાએ હવે તો ઘણીબધી ગુજરાતી ફિલ્મો કરી લીધી છે. હમણાં જ સિદ્ધાર્થ રાંદેરિયાની સાથે તે ‘હું અને તું’ ફિલ્મમાં જોવા મળી હતી, તો મલ્હાર ઠાકરની સાથે પણ તેણે ઘણી ફિલ્મો કરી અને શેમારુમીની વેબ-સિરીઝ ‘વાત વાતમાં’ પણ તેણે કરી છે, જેમાં પણ તે મલ્હારની સાથે જ છે. આમ અમને લીડ પૅર મળી ગઈ એટલે હવે અમે લાગ્યા બીજા કાસ્ટિંગ પર. સિરિયલમાં ભાસ્કરની બહેનનું એક કૅરૅક્ટર હતું, જેને માટે અમે વિમ્મી ભટ્ટને લીધી. આ વિમ્મી અમારી સિરિયલ ‘તારી આંખનો અફીણી’માં ઑલરેડી હતી, તેણે તોરલ ત્રિવેદીનું રિપ્લેસમેન્ટ કર્યું હતું. ભાસ્કર અને વિમ્મીના પેરન્ટ્સ તરીકે અમે કૃષ્ણા ઓઝા અને વિનાયક કેતકરને લીધાં, તો સામેના કપલમાં અમે તુષાર કાપડિયા અને પ્રાર્થી ધોળકિયાને લીધી. પ્રાર્થી ઉંમરમાં નાની પણ રોલ તે બધા જ કરી શકે. મારી વેબ-સિરીઝ ‘ગોટી સોડા’માં  પ્રાર્થીએ મારી વાઇફનું કૅરૅક્ટર કર્યું છે.

સિરિયલ અને નાટકની બીજી વાતો હવે આગળ વધારીશું આવતા સોમવારે.

Sanjay Goradia columnists