15 December, 2024 12:26 PM IST | Mumbai | Ruchita Shah
અતુલ સુભાષ
બૅન્ગલોરમાં રહેતા અને હાઇલી એજ્યુકેટેડ ૩૪ વર્ષના અતુલ સુભાષે પત્ની, તેના પરિવારજનો અને ભ્રષ્ટ ન્યાયવ્યવસ્થાથી ત્રાસીને આત્મહત્યા કરી લીધી એ ઘટનાના પડઘારૂપે અત્યારે સોશ્યલ મીડિયા પર જબરદસ્ત તરખાટ મચ્યો છે. સ્ત્રીને ફેવર કરતા કાયદાઓનો દુરુપયોગ કઈ રીતે પુરુષનું જીવવું દુષ્કર કરી શકે એની વિગતવાર વાતો આપઘાત પહેલાં ૮૨ મિનિટના વિડિયો અને ૨૪ પાનાંની સુસાઇડ-નોટમાં તેણે અભિવ્યક્ત કરી છે. અતુલે શૅર કરેલા વિડિયોના મહત્ત્વપૂર્ણ અંશ, સાડાત્રણ વર્ષ સુધી જેનો ચહેરો નથી જોવા દીધો એવા પોતાના સાડાચાર વર્ષના પુત્રને લખેલો પત્ર અને સુસાઇડ-નોટની ઉલ્લેખનીય વિગતો સાથે ઘટનાક્રમ સાથે જોડાયેલા લોકોનાં ઍક્શન-રીઍક્શન સાથેનો ડીટેલ અહેવાલ તમને હચમચાવી ન નાખે તો કહેજો
હેલો વર્લ્ડ,
મારું નામ અતુલ સુભાષ છે. હું બૅન્ગલોરમાં રહું છું. લગભગ ૩૪ વર્ષનો છું. આજે હું સુસાઇડ કરવા જઈ રહ્યો છે એનાં કારણમાં પાંચ લોકો છે.
પહેલાં જૌનપુર ફૅમિલી કોર્ટનાં પ્રિન્સિપલ જજ રીટા કૌશિક, બીજી મારી પત્ની નિકિતા સિંઘાનિયા જે દિલ્હીની ઍક્સેન્ચર કંપનીમાં કામ કરે છે, ત્રીજી મારી સાસુ નિશા સિંઘાનિયા, ચોથો મારો સાળો અનુરાગ સિંઘાનિયા ઉર્ફે પીયૂષ સિંઘાનિયા અને પાંચમા મારી પત્નીના અંકલ સુશીલ સિંઘાનિયા.
આ વિડિયોમાં હું કહીશ કે મારા પર, મારાં બુઢ્ઢાં માતા-પિતા અને મારા ભાઈ પર કેટલા કેસ નાખવામાં આવ્યા છે, અમને કેવી રીતે હૅરૅસ કરવામાં આવ્યા છે, કેવી રીતે અમારી પાસેથી પૈસા પડાવવાની કોશિશ કરવામાં આવી રહી છે, કેટલા પૈસાનો મામલો છે અને કેવી રીતે મને ડાયરેક્ટ્લી સુસાઇડ કરવા માટે ઉશ્કેરવામાં આવ્યો છે. એવા સંજોગો ઊભા કરવામાં આવ્યા છે જેમાં મને પોતાને ખતમ કરી નાખવો એ જ સાચો રસ્તો દેખાઈ રહ્યો છે. એમાં હું તમને એ પણ કહીશ કે આ પૈસાનો ખેલ છે એ કેટલા રૂપિયાનો છે, કેટલા રૂપિયાનો ગોરખધંધો છે. હું તમને એમાં દરેક કિરદાર વિશે કહીશ અને અંતમાં હું મારી કેટલીક છેલ્લી ઇચ્છાઓ વિશે પણ કહીશ. આ વિડિયોને જોઈને તમને એ શીખવા મળશે કે કેવી રીતે આજકાલ કોઈ પણ છોકરી કોઈ પણ પુરુષ અને તેના આખા પરિવારને બરબાદ કરી શકે છે આ કાનૂની વ્યવસ્થાનો ઉપયોગ કરીને. કેવી રીતે આ કાનૂની વ્યવસ્થા માત્ર કાનૂની રીતે જ પુરુષો વિરુદ્ધ જ નથી, પણ કેવી રીતે એ ભ્રષ્ટ પણ છે અને તમને એ વિચારવા પર મજબૂર પણ કરશે કે શું આપણે આપણી આસ્થા આવી વ્યવસ્થા પર રાખી શકીએ?
કોર્ટની તારીખોનું હૅરૅસમેન્ટ
તમને કહી દઉં કે અત્યાર સુધીમાં કોર્ટની ૧૨૦થી પણ વધારે ડેટ આવી છે છેલ્લાં અઢીથી ત્રણ વર્ષમાં. ચાલીસ વાર હું પોતે આ કોર્ટની ડેટ્સને અટેન્ડ કરવા માટે બૅન્ગલોરથી જૌનપુર જઈ ચૂક્યો છું. એ સિવાય મારાં માતા-પિતા અને ભાઈને પણ અવારનવાર કોર્ટના ધક્કા ખાવા પડે છે. કોર્ટ-કેસની એક તારીખ અટેન્ડ કરવામાં મને લગભગ બે દિવસનો સમય લાગે છે. બૅન્ગલોરથી જૌનપુર જવાનું, ડેટ અટેન્ડ કરવાની અને પછી પાછા આવવાનું. મને વર્ષમાં ૨૩ રજા મળે છે તો તમે અંદાજ લગાવી શકો છો કે શું આ કોર્ટ-કેસમાં લડી શકવાનું કોઈના પણ માટે પૉસિબલ છે કે નહીં. આ વાત જાણીને તમને આશ્ચર્ય ન થવું જોઈએ કે મોટા ભાગના સમયે આ કોર્ટ-કેસની ડેટ પર કંઈ જ નથી થતું. કાં તો જજ ઍબ્સન્ટ હોય, કાં તો લૉયરની હડતાળ હોય અથવા તો કન્ડોલન્સ હોય. કન્ડોલન્સનો મતલબ કે એ આખા જિલ્લામાં કોઈ પણ વકીલ કે જજનું મૃત્યુ થાય તો એ દિવસે કોર્ટમાં કોઈ કામ નથી થતું. ચોથું, કોર્ટમાં ધારો કે બધા જ હાજર છે છતાં સામેવાળો વકીલ આગળની તારીખની માગણી કરી શકે અને તેને ખૂબ જ આસાનીથી આગળની તારીખ આપી પણ દેવાય છે. આ બધા વચ્ચે તમે કોર્ટમાં જાઓ છો, તમારો સમય અને પૈસા બરબાદ કરો છો, હૅરૅસ થાઓ છે અને પાછા આવો છો.
કુલ નવ કેસ મારા પર
મારી પત્નીએ અત્યાર સુધીમાં કુલ નવ કેસ મારા પર નાખ્યા છે. છ લોઅર કોર્ટમાં અને ત્રણ હાઈ કોર્ટમાં. એક કેસ મેં હાઈ કોર્ટમાં નાખ્યો છે કાર્યક્ષેત્રનો. આ વાત જાણીને તમને ચોક્કસ નવાઈ લાગશે કે મારા પર, મારા પેરન્ટ્સ પર અને મારા ભાઈ પર મર્ડરની કલમ 302, અનનૅચરલ સેક્સ એટલે કે અપ્રાકૃતિક યૌન સંબંધની કલમ 377, કલમ 498A, 323, 406, 504, 506 હેઠળ કેસ નોંધાયા છે. આ બધી જ ઇન્ડિયન પીનલ કોડ (IPC)ની કલમો છે અને ડાઉરી પ્રોવિઝન ઍક્ટ અંતર્ગત મારા પર ૨૦૨૨માં કેસ નાખવામાં આવ્યો હતો જેને ત્રણ જ મહિના પછી પાછો પણ ખેંચી લેવામાં આવ્યો. તમે અંદાજ લગાવી શકો અને વિચારી શકો કે કોઈ પણ પરિવાર પર મર્ડર, ડોમેસ્ટિક વાયલન્સ જેવા ગંભીર આરોપો લાગે જેમાં બેઇલ મળવી પણ મુશ્કેલ છે તો તેમના પર શું વીતતું હશે. જોકે આપણી સિસ્ટમમાં અલાઉડ છે કે કોઈના પર કોઈ પણ કેસ નાખી દો અને ક્યારેય પાછો લઈ લો.
સસરાના મર્ડરનો આરોપ
હવે વાત કરીએ આ ધારાઓની તો મર્ડરના ગુનાની કલમ 302 અંતર્ગત મારા અને મારાં માતા-પિતા તથા ભાઈ પર આક્ષેપ મુકાયો હતો કે અમે મારા સ્વર્ગીય સસરા પાસે ૨૦૧૯માં દહેજ માટે ૧૦ લાખ રૂપિયા માગ્યા અને તેમને એનાથી બહુ જ ઊંડો આઘાત લાગ્યો અને તેમનું મૃત્યુ થઈ ગયું. જોકે મારી પત્નીએ કોર્ટમાં મારી આવક ૪૦ લાખ રૂપિયા અને પછી ૮૦ લાખ રૂપિયા કહી છે. તેનો એવો આરોપ છે કે ૧૦ લાખ રૂપિયા માટે મેં મારી પત્ની અને પુત્રને છોડી દીધાં.
મારી પત્નીએ ૨૦૨૩ના ઑક્ટોબર-નવેમ્બરમાં બીજા એક કેસના ક્રૉસ એક્ઝામિનેશનમાં કબૂલ્યું હતું કે તેના પિતાનું મૃત્યુ લાંબી બીમારી પછી થયું હતું. હકીકત એ છે કે મારા સસરા લાંબા સમયથી બીમાર હતા અને એટલે જ અમારાં લગ્ન પણ જલદી થઈ ગયાં. તેમને હાર્ટની બીમારી અને ડાયાબિટીઝ હતો. એઇમ્સમાં તેમનો દસ કરતાં વધુ વર્ષથી ઇલાજ ચાલતો હતો. તેઓ
બ્લડ-થિનરની દવા લેતા હતા. ડૉક્ટરે તેમને બહુ જ ઓછો સમય આપ્યો હતો, જેને લીધે અમારાં લગ્ન ૨૦૧૯માં જ થઈ ગયાં. અમારાં લગ્નના થોડાક જ મહિના પછી ઑગસ્ટ ૨૦૧૯માં તેમનું મૃત્યુ થઈ ગયું. તેમનું મૃત્યુ બ્લડ-ક્લૉટ બ્રેઇનમાં જવાથી થયું. આ કેસ અમારા પર ૨૦૨૨માં લગાવવામાં આવ્યો. તેના પિતાના મૃત્યુનાં અઢી વર્ષ પછી આ કેસ મારા પર લગાવવામાં આવ્યો. તમે પોતે જ અંદાજ લગાવી શકો છો કે આ શું હતું.
અનનૅચરલ સેક્સનો આરોપ
હવે વાત કરીએ મારા પર લાદવામાં આવેલી બીજી કલમ 377 વિશે જે છે અનનૅચરલ સેક્સ. મને નથી ખબર કે મેં કયું અનનૅચરલ સેક્સ કર્યું છે. અમારો એક દીકરો છે એટલે નક્કી અમારી વચ્ચે સેક્સ થયું છે, પણ એમાં શું અનનૅચરલ છે એ મને નથી ખબર. મારી પત્ની પાસે આ પ્રૂવ કરવા માટે કોઈ મેડિકલ પ્રૂફ, કોઈ મેડિકલ એક્ઝામિનેશન નથી. હું કહેવા માગું છું કે આ અનનૅચરલ સેક્સની વાત તો દૂર રહી, જે નૅચરલ સેક્સ હોય છે એ છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી મારી અને મારી પત્ની વચ્ચે નથી થયું. એનું કારણ તમને કહું તો એ છે કે મારી પત્ની ચાર-ચાર, પાંચ-પાંચ દિવસ સુધી નહાતી નહોતી. બાળકને જ્યારે દૂધ પિવડાવવાનું છે, બ્રેસ્ટ-ફીડિંગ કરાવવાનું છે ત્યારે પણ સાફસફાઈની કોઈ વાત નહીં. તેની બાજુમાં સૂઈ જઉં ત્યારે તેને મારી આર્મપિટ એટલે કે બગલ ચાટવાની આદત હતી. તમે વિચારી શકો છો કે કોઈ પણ વ્યક્તિને એ કેટલું અજીબ અને ગંદું લાગશે. એ સિવાય મારી પત્નીની મારી પાસેથી અપેક્ષા હતી કે હું તેના મળમૂત્રના એરિયાને ચાટું. આ મારાથી નહોતું થઈ શકતું. આવું હું નહીં કરી શકું. દરરોજ જ્યારે તે સેક્સ માટે ઇનિશ્યેટ કરવાની કોશિશ કરતી હતી ત્યારે હું બહાનાં કાઢતો કે આજે મારું માથું દુખે છે કે આજે હું થાકી ગયો છું. એટલે જે એક સામાજિક ધારણા છે કે પત્નીની પાછળ પતિ માત્ર સેક્સ માટે હોય છે અને પત્નીએ માથાનો દુખાવો કે થાકવાનાં બહાનાં કાઢવાં પડે છે તો આવું માત્ર સ્ત્રી સાથે નહીં, પુરુષ સાથે પણ થાય છે. પુરુષોનાં પણ અમુક મિનિમમ સ્ટાન્ડર્ડ હોય છે સેક્સ કરવા માટે. કલમ 377 માટે તો હું આટલું જ કહેવા માગું છું. અલબત્ત, ઘણીબધી વાતો છે જેને આ પબ્લિક ફોરમ પર ન બોલવી જોઈએ.
છ મહિનામાં કેસ પાછો, પણ...
મારા પર હિન્દુ મૅરેજ ઍક્ટ અંતર્ગત ડિવૉર્સનો કેસ નાખ્યો. આ કેસ પણ જજ રીટા કૌશિકની કોર્ટમાં હતો. આ કેસ છ મહિના લડ્યા પછી એક ઍપ્લિકેશન નાખીને મારી પત્નીએ પાછો ખેંચી લીધો. એમાં તેણે કારણ એ આપ્યું કે તેના વકીલે તેને ભોળવીને આ કેસ નખાવ્યો હતો. તેને ખબર જ નહોતી કે તેના વકીલે આ કેસ પણ નાખ્યો છે. અહીં એ વાત જાણવી જરૂરી છે કે મારી પત્ની BTech ઇન કમ્પ્યુટર સાયન્સ, MBA ઇન ફાઇનૅન્સ અને ઍક્સેન્ચર જેવી મલ્ટિનૅશનલ કંપનીમાં AI એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. બધા જ ડૉક્યુમેન્ટ્સ પર મારી પત્નીની સહી છે. જે કેસ કોર્ટમાં છ મહિના સુધી ચાલ્યો એમાં મારી પત્ની આવતી રહી હતી. ત્યાં તેની સહી છે. એ દરમ્યાન ઘણા ડૉક્યુમેન્ટ્સ સબમિટ થયા છે, કેટલાય રિપ્લાય સબમિટ થયા છે. એ બધા વખતે તે હાજર હતી. આ દરમ્યાન સેક્શન ૨૬ અંતર્ગત મેં મારા બાળકને મળવા માટેનું આવેદન કર્યું હતું, પણ એમાં કોઈ કાર્યવાહી ન થઈ. કોર્ટનો સમય બરબાદ કર્યો, વકીલો પર ખર્ચ કર્યો, આવવા-જવામાં સમય બરબાદ કર્યો, કો-ઑર્ડિનેશનમાં મગજમારી થઈ એ બાબત માટે કોઈ દંડ ન લાગ્યો કે જજ તરફથી ઠપકો સુધ્ધાં ન મળ્યો. બસ હૅરૅસમેન્ટ કરીને કેસ પાછો ખેંચી લીધો.
અન્ય કેસ
મારા પર, મારાં માતા-પિતા અને ભાઈ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયલન્સનો કેસ નાખ્યો. ૨૦૨૨માં કેસ નાખ્યો અને લગભગ બે વર્ષ સુધી ન મારી પત્ની કે ન તેનો વકીલ આ કેસની પેરવી માટે કોર્ટમાં આવ્યાં અને આ કેસ ૨૦૨૪માં થોડાક મહિના પહેલાં રદ થઈ ગયો. એ પણ મને ઈ-કોર્ટ ઍપ્લિકેશનથી ખબર પડી. કોર્ટનો બે વર્ષનો સમય બરબાદ કર્યા પછી ફરીથી ડોમેસ્ટિક વાયલન્સનો કેસ નાખ્યો છે જેના પર હવે તારીખો મળી રહી છે. અમુક કેસને ફાસ્ટ કરવા માટે તેમણે હાઈ કોર્ટમાં ત્રણ કેસ નાખ્યા છે છતાં એને સ્પીડઅપ કરવાનાં કોઈ પગલાં ન લેવાયાં. જેમ કે CrPC 125ના કેસને ફાસ્ટ કરવા માટે હાઈ કોર્ટમાં કેસ નાખ્યો હતો. હાઈ કોર્ટમાંથી તેમને ડિરેક્શન પણ મળ્યું કે છ મહિનામાં આ કેસને પૂરો કરવામાં આવે. આ કેસને નાખવાનું ઇન્ટેન્શન એ હતું કે મને હજી વધારે હૅરૅસ કરવામાં આવે. મારે બૅન્ગલોરથી આવવું-જવું પડે છે એ રીટા કૌશિકને ખબર હતી છતાં બે દિવસ, ત્રણ દિવસ, સાત દિવસ, પંદર દિવસ આવી સ્પીડથી ડેટ્સ આપવાનું શરૂ કર્યું. એટલે કે રીટા કૌશિકે પૂરો સહયોગ આપ્યો મને હૅરૅસ કરવા માટે. શું કામ એ વિશે પણ વાત કરીશું.
એ જ દિશામાં હાઈ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો કે 498Aને પણ ફાસ્ટ ટ્રૅક પર લડવામાં આવે. ફરીથી હાઈ કોર્ટે લોઅર કોર્ટને ડિરેક્શન આપ્યું કે આ કેસને એક વર્ષમાં પૂરો કરવામાં આવે. આ ડિરેક્શન તેમને જાન્યુઆરી ૨૦૨૪માં જ મળી ગયું હતું, પણ ટ્વિસ્ટ એમાં એ છે કે તેમણે એનો ઉપયોગ જાન્યુઆરી ૨૦૨૪માં ન કર્યો. લગભગ આઠથી નવ મહિના પછી તેમણે આ ઍપ્લિકેશન લોઅર કોર્ટમાં નાખી. એનું કારણ એ હતું કે મને વધારે હૅરૅસ કરવામાં આવે. પહેલાં એક કેસને ફાસ્ટ કરવામાં આવે. જો બે કેસ ફાસ્ટ પર ચાલી રહ્યા છે તો તમે એક જ ડેટ પર બે કેસને અટેન્ડ કરી શકો. એટલે પહેલાં એક કેસને ફાસ્ટ કરવામાં આવે અને પછી બીજા કેસને ફાસ્ટ કરાય એટલે તમે સતત ડેટ્સને અટેન્ડ કરતા રહો, હૅરૅસ થતા રહો. જો આ કાયદાનો દુરુપયોગ નથી તો મને નથી ખબર કે શું છે કાયદાનો દુરુપયોગ?
CrPC 125 અંતર્ગત જે કેસ રીટા કૌશિકની કોર્ટમાં ચાલતો હતો ત્યાં તેમણે ઑર્ડર આપી દીધો કે મારે દર મહિને ૮૦,૦૦૦ રૂપિયા (૪૦ હજાર ભરણપોષણના અને ૪૦ હજાર બાકીની રકમ) મારા બાળકના ભરણપોષણ માટે આપવાના. મારી વાઇફે છુપાવવાની બહુ કોશિશ કરી, પણ મેં સફળતાપૂર્વક પ્રૂવ કરી દીધું કે મારી વાઇફ કમાઈ રહી છે અને સારા પદ પર છે એટલે તેને તો રીટા કૌશિક મેઇન્ટેનન્સ ન અપાવી શકી, પણ મારા બાળક માટે મેઇન્ટેનન્સ અપાવી દીધું. મેઇન્ટેનન્સ એ ઍલિમનીથી અલગ હોય છે. આ માત્ર મેઇન્ટેનન્સની વાત થઈ રહી છે. મારી પત્નીને જે આ ૮૦,૦૦૦ રૂપિયા મળ્યા છે એ પણ ઓછા લાગે છે એટલે હવે તે હાઈ કોર્ટમાં ગઈ છે કે તેને હજી વધુ પૈસા જોઈએ છે. આ નવમો કેસ હાઈ કોર્ટમાં ચાલે છે.
એક કેસ મેં અલાહાબાદની હાઈ કોર્ટમાં નાખ્યો છે CrPC 125 અંતર્ગત ક્ષેત્રાધિકારના સંદર્ભમાં. કાયદા પ્રમાણે જે પ્લેસ પર તેનાં લગ્ન થયાં હોય અથવા જ્યાં તેનું મૅટ્રિમોનિયલ હોમ હોય અથવા જ્યાં તે લાસ્ટ હસબન્ડ સાથે રહી હોય એ ત્રણ જગ્યાએથી કેસ કરી શકાય. જૌનપુરમાં આ ત્રણમાંનું કંઈ જ નથી થયું. જૌનપુર ક્ષેત્રની કોર્ટને અધિકાર જ નથી આ કેસ ચલાવવાનો. એમ માની પણ લઈએ કે સ્ત્રીને સહૂલિયત હોવી જોઈએ કે અત્યારે તે જ્યાં રહી રહી છે ત્યાંથી કેસ ફાઇલ થાય તો જ્યારે આ કેસ ફાઇલ થયો ત્યારે પણ તે જૌનપુરમાં નહોતી રહેતી પણ લખનઉમાં રહેતી હતી, જે તેણે CrPC 125ના ક્રૉસ એક્ઝામિનેશન વખતે કબૂલ્યું છે. એના અમે પૂરતા ડૉક્યુમેન્ટરી એવિડન્સ આપ્યા છે. પછી ૨૦૨૪માં ક્રૉસ એક્ઝામિનેશન થયું ત્યારે તેણે કહ્યું કે હવે તે લખનઉથી દિલ્હી શિફ્ટ થઈ ગઈ છે. તો આખરે જૌનપુરથી કેસ કરવાનું શું ઔચિત્ય છે? ચમત્કાર એ છે કે હાઈ કોર્ટમાં જ્યારે મોટા ભાગના જજ સામે આ કેસ રજૂ થાય છે તો અમને કહેવામાં આવે છે કે તમે તમારું મેઇન્ટેનન્સ ચાલુ રાખો, અમે આ રિજેક્ટ કરી દઈશું. વકીલ અમારા બિચારા હાથ-પગ જોડીને તારીખ લે છે કે કદાચ કોઈ જજ સાંભળી લે. જે જજ આ સાંભળે છે તે કહે છે કે પહેલાં તો મધ્યસ્થી કરાવો, મધ્યસ્થી માટે પત્નીને ૫૦,૦૦૦ રૂપિયા આપો કે તે જૌનપુરથી અલાહાબાદ આવી શકે. આવાં ત્રણ વાર મિડિયેશન થઈ ચૂક્યાં છે જે ફેઇલ રહ્યાં હોય. એ પછી પહેલાં મિડિયેશન થશે, એ પછી સાંભળશે; મેરિટ પર નહીં સાંભળે. અમારા વકીલ હાથ જોડીને ડેટ લઈ રહ્યા છે.
પૈસાનો ખેલ
જ્યારે કેસિસ નહોતા નાખ્યા અને સોશ્યલી અમે સેટલમેન્ટ કરી રહ્યા હતા ત્યારે તેમની ડિમાન્ડ એક કરોડ રૂપિયાની હતી. એક કરોડ રૂપિયા આપો, નહીં તો અમે કેસિસ નાખીને તને અને તારા પરિવારને હૅરૅસ કરીશું અને કોર્ટનાં ચક્કર ખવડાવીશું. હું માનતો હતો કે મને કેટલું હૅરૅસ કરશે કરી-કરીને... હું ભણેલો-ગણેલો માણસ છું અને મારી પાસે બધા જ પુરાવા છે અને જો મેં ખોટું નથી કર્યું તો મારી સાથે તો ક્યાં કંઈ ખોટું થઈ શકવાનું... જોકે હું ખોટો હતો. એક કરોડની ડિમાન્ડ ત્યારે હતી. જજ રીટા કૌશિક સામે પણ એક કરોડની ડિમાન્ડ થઈ. જ્યારે રીટા કૌશિકે ઇન્ટરિમ મેઇન્ટેનન્સ મારા બાળક માટે ૨૦,૦૦૦ રૂપિયા કર્યું ત્યારે ડિમાન્ડ એક કરોડથી ત્રણ કરોડ થઈ ગઈ. અત્યારે તો રીટા કૌશિક દ્વારા ૮૦,૦૦૦ રૂપિયા મેઇન્ટેનન્સનું જજમેન્ટ આપવામાં આવ્યું. એટલે હવે આ ત્રણ કરોડની રકમ આગળ કેટલા કરોડ પર અટકશે એ મને નથી ખબર. બે લાખ રૂપિયા તેમને જૌનપુર જેવી જગ્યાએ મેઇન્ટેનન્સ માટે જોઈએ છે. આ રીતે પૈસાનો મામલો છે. જ્યાં સુધી હું આપીશ નહીં ત્યાં સુધી હૅરૅસ થતો રહીશ.
હવે માની લો કે હું ૮૦,૦૦૦ રૂપિયા મેઇન્ટેનન્સ આપી પણ દઉં તો તેઓ ફરીથી કેસ નાખી શકે છે ચેન્જ ઑફ સર્કમસ્ટન્સિસ. દર ત્રણ કે છ મહિનામાં પત્ની ફરીથી કેસ નાખી શકે છે કે મારો અને મારા બાળકનો ખર્ચ વધી ગયો છે. હવે તમે ૮૦,૦૦૦ રૂપિયા આપી રહ્યા છો એટલે તમે પ્રૂવ કરી રહ્યા છો કે તમારી ૮૦,૦૦૦ રૂપિયા આપવાની ત્રેવડ છે. ફરીથી ઍરિયર લાગશે, ફરી અમાઉન્ટ વધશે. આ સાઇકલ ચાલુ જ રહેશે. કાં તો તમે કેસ લડીને બરબાદ થઈ જાઓ અથવા તેઓ જે મોટી અમાઉન્ટ માગે છે એ આપી દો અથવા તમે તમારો જીવ લઈ લો. આ જ રસ્તો છે. હા, એ સિવાય તેઓ દરેક કેસ માટે રિવિઝન માટે હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે. એટલે ઘણાબધા રસ્તા છે. આ પૈસાનો મામલો છે.
જજ રીટા કૌશિક પર આરોપ
સૌથી પહેલાં વાત કરીએ જજ રીટા કૌશિકની, જે જૌનપુરનાં પ્રિન્સિપલ ફૅમિલી કોર્ટ જજ છે. રીટા કૌશિક માત્ર ભ્રષ્ટ અથવા કરપ્ટ જજ નથી, ઇનકૉમ્પિટન્ટ જજ પણ છે જેમને પોતાનું કામ નથી આવડતું અને બહુ જ ઈવિલ (ભયાનક અથવા ક્રૂર) જજ પણ છે. હું તમને કહું કે કઈ રીતે. રીટા કૌશિકની કોર્ટમાં જે કરપ્શન શરૂ થાય એ ૫૦,૦૦૦ રૂપિયાથી શરૂ થાય. તેમની કોર્ટમાં એક પેશકાર છે જેનું નામ છે માધવ. તે જજની એકદમ બાજુમાં બેસે છે. આ માધવ બધા પાસેથી - પછી તે ઘરડો હોય, પુરુષ હોય, સ્ત્રી હોય, ગરીબ હોય, અમીર હોય - પૈસા લે છે. મોટા ભાગે ૫૦ રૂપિયા લે, પણ મારા જેવા જે મોટા મુર્ગા છે જે બૅન્ગલોરમાં સૉફ્ટવેર એન્જિનિયર છે તેમની પાસેથી તેની ડિમાન્ડ ૫૦૦થી ૧૦૦૦ રૂપિયાની હોય છે આગલી તારીખ આપવા માટે. હું દૂર રહું છું એટલે દૂરની તારીખ જોઈતી હોય અથવા તો ઑફિસમાં રજા હોવાથી એક દિવસ બચી શકે એ માટે શનિવારની તારીખ જોઈતી હોય તો આવી બાબતો માટે તેને પ૦૦થી ૧૦૦૦ રૂપિયા જોઈએ. તમે ત્યાં કાકલૂદી કરો તો પણ આરામથી નહીં આપે, તમારી મશ્કરી કરીને આપશે. તેમના એક્સપ્રેશન હોય કે તમને તો અમે બુધવારે જ આપીશું, સાત દિવસમાં જ આપીશું, બે દિવસમાં જ આપીશું. તમે તેને સર... સર... કહીને બહુ કાકલૂદી કરશો અને પૈસા આપશો તો તમને તારીખ આપશે, પણ જો એ દરમ્યાન સામેવાળા વકીલે કે મારી સાસુએ વચ્ચે કંઈ બોલી દીધું તો પૈસા આપીને પણ તમને અનુકૂળ તારીખ તે નહીં આપે. તે કોર્ટમાં જજ રીટા કૌશિકની સામે જ પૈસા લે છે. જૌનપુરમાં રીટા કૌશિક અને તેના પતિ લાંચ લઈને જજમેન્ટ આપે છે અને આ બહુ જ કૉમન સાંભળવામાં આવ્યું છે. તેના પતિ વિશે મને નથી ખબર, પૂરી જાણકારી વગર કંઈ નહીં કહું; પણ રીટા કૌશિક જે જજ છે તે કરપ્ટ છે એની મને ખબર છે, કારણ કે તેમણે પોતે મારી પાસે લાંચના પૈસા માગ્યા છે.
હવે હું તમને એ પણ કહીશ કે શું કામ હું સુસાઇડ કરું છું
૨૦૨૪ની ૨૧ માર્ચના રોજ કોર્ટની તારીખ હતી. લંચના સમયે હું કોર્ટમાં બેઠો હતો ત્યારે જજ દ્વારા મને અંદર બોલાવવામાં આવ્યો. મેં જોયું કે મારી પત્ની પહેલેથી જ અંદર બેસેલી હતી.
જજે કહ્યું, ‘તું આ કોર્ટ-કેસને સેટલ કેમ નથી કરી લેતો.’
મેં કહ્યું, ‘મૅમ, ૨૦,૦૦૦ રૂપિયા ઇન્ટરિમ મેઇન્ટેનન્સનો તમારો ઑર્ડર છે. એ પછી પહેલાં તે એક કરોડ માગતી હતી, પણ હવે ત્રણ કરોડ માગે છે.’
ત્યારે જજનો રિપ્લાય હતો, ‘એનો મતલબ એ કે તારી પાસે ત્રણ કરોડ હશે તો જ તો માગતી હશે.’
હું બિલકુલ શૉક્ડ હતો સાંભળીને કે આવું તે કઈ રીતે કહી શકે. જોકે હજી તો મારે વધારે શૉક્ડ થવાનું બાકી હતું.
એ પછી મેં કહ્યું, ‘તેણે મારા પર, મા-બાપ અને ભાઈ પર આટલા બધા કેસ નાખી દીધા છે. તમે પિટિશન વાંચો કે બધા જ ખોટા આરોપો લગાવ્યા છે.’
તો જજ કહે, ‘તો શું થઈ ગયું એમાં. તારી પત્ની છે. તારા પર ખોટા કેસ નાખી દીધા તો શું થઈ ગયું. આમ જ થતું હોય છે.’
આ સાંભળીને હું હજી વધારે શૉક્ડ હતો. મેં ફરી કહ્યું, ‘મૅમ, તમને ખબર ન હોય તો આ ખોટા કેસિસને કારણે લાખો પુરુષો સુસાઇડ કરે છે.’
ત્યાં મારી પત્ની કહે છે... ‘તો પછી તું શું કામ નથી કરી લેતો સુસાઇડ?’
આ સાંભળીને પેલી જજ હસી પડે છે. આ સાંભળ્યા પછી હું સ્પીચલેસ હતો.
પછી તેણે મારી પત્નીને બહાર મોકલી દીધી અને મને કહ્યું, ‘જો આ કેસિસ આમ જ થતા હોય છે. બધા કેસ આમ ખોટા જ નાખવામાં આવતા હોય છે. ખોટા હોય છે એ બધાને ખબર છે. સિસ્ટમ જ એવી છે. તું આને સેટલ કરી નાખ. હું તને સેટલ કરાવી આપીશ. પાંચ લાખ રૂપિયા તું મને આપ, હું તને આ જ કોર્ટમાં કેસ સેટલ કરાવી આપીશ. નહીં તો જીવનભર આ જ રીતે તું અને તારો પરિવાર કોર્ટના ધક્કા ખાતા રહેશો.’
આ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ કે એક જજ ઓપનલી મારી પાસે લાંચ માગી રહી છે, ડાયરેક્ટ્લી.
મેં કહ્યું, ‘મૅમ, તમે અમારું જજમેન્ટ મેરિટ પર આપો. તેનું ક્રૉસ એક્ઝામિનેશન થયું જેમાં કેટલી બધી વાતો પ્રૂવ થઈ રહી છે. મારું ક્રૉસ એક્ઝામિનેશન પૂરું થઈ રહ્યું છે. પુરાવા છે મારી પાસે.’
તો જજ કહે છે, ‘ઠીક છે, આપણે તારો કેસ મેરિટ પર જ લડીશું.’
હું બહાર આવ્યો. ક્રૉસ એક્ઝામિનેશન થયું અને હું પાછો આવી ગયો. જોકે આ પહેલી ઘટના નહોતી. ૨૦૨૨માં પણ આવું બન્યું હતું. આ જજ આવ્યા પછી કોર્ટના પેશકાર માધવે મારી પાસે મારો નંબર માગ્યો હતો અને મને ફોન કરવાનું કહ્યું હતું. તેણે કહ્યું, ‘તમે આટલા દૂરથી આવો છો અને તમને આટલી તકલીફ થાય છે તો અમે કોશિશ કરીશું કે તમારે આટલું દોડવું ન પડે.’
મેં જ્યારે ફોન કર્યો તો પેશકાર માધવે મારી પાસે ત્રણ લાખ રૂપિયા માગ્યા. મને કહે, ‘હું જજ સાથે વાત કરી લઈશ અને અમે તમારો કેસ સેટલ કરી દઈશું.’
આ ૨૦૨૨ની ઘટના છે. જજ જ્યારે નવાં-નવાં આવ્યાં હતાં ત્યારે પેશકારે પૈસા માગ્યા હતા. ત્યારે મેં માન્યું હતું કે પેશકાર પોતે જ પૈસા ખાવાના ચક્કરમાં છે અને મેં તેને કહ્યું હતું કે નહીં, મારી પાસે ત્રણ લાખ રૂપિયા આપવા માટે નથી અને મારી પાસે એવિડન્સ ઘણા છે એટલે જોઈએ. હવે જ્યારે હું એ વાતને યાદ કરીને આજની ઘટનાઓના તાર જોડવાની કોશિશ કરું છું તો સમજાય છે કે એ સમયે પણ જજનો જ હાથ હતો, કારણ કે એ કૉલ પછી જ્યારે હું ગયો ત્યારે જજનું બિહેવિયર એ હતું કે હવે હું ઇન્ટરિમ મેઇન્ટેનન્સનો ઑર્ડર પાસ કરીશ. ત્યારે અમે વિડિયો કૉન્ફરન્સિંગની ઍપ્લિકેશન નાખી હતી. મારી વાઇફે ઇન્ટરિમ મેઇન્ટેનન્સ પહેલાં સુપ્રીમ કોર્ટના ડિરેક્શન મુજબ પોતાની આવક, આવકનો સ્રોત, લાયબિલિટીઝ, ઍસેટ વગેરેને ડિક્લેર કરવાં પડે. એ પછી હસબન્ડને થોડાંક અઠવાડિયાંનો ટાઇમ મળે સબમિશનનો અને પછી ઇન્ટરિમ મેઇન્ટેનન્સ મળે. મારી પત્નીએ જ્યાં પોતાની વિગત ભરવાની હતી એને બદલે મારી વિગતો નાખી. જેમ કે મારી આવક મારી વાઇફની દૃષ્ટિએ શું છે? મારી ઍસેટ તેની દૃષ્ટિએ શું છે? મારા પરિવારની મિલકત તેની દૃષ્ટિએ શું છે? પોતાની વિગતને બદલે બધી જ મારી વિગત ભરી. તેનું એજ્યુકેશન ક્વૉલિફિકેશન પણ તેણે ખોટું ભર્યું. એમાં તેણે ગ્રૅજ્યુએટ લખ્યું જે મેં આગળ જતાં પ્રૂવ કર્યું કે તે ગ્રૅજ્યુએટ નહીં, પોસ્ટ-ગ્રૅજ્યુએટ છે. જોકે એના પર પણ કોઈ ઍક્શન નહીં. જજે ચોખ્ખું કહ્યું કે કોઈ પણ કમ્પ્લાયન્સ વિના હું ઇન્ટરિમ મેઇન્ટેનન્સનો ઑર્ડર પાસ કરી રહી છું. આજે મને લાગે છે કે ત્યારે જે પૈસા નહોતા આપ્યા એને કારણે આ કાર્યવાહી હતી. તેમણે પોતાના ઑર્ડરમાં પણ ખોટું લખ્યું હતું. અહીં તમને જાણવા મળ્યું કે કેવી રીતે ૫૦ રૂપિયામાં કરપ્શન શરૂ થયું, કઈ રીતે પેશકાર જજના બિહાફ પૈસા માગે. જજ પૈસા માગે, ન આપો તો કઈ રીતે હૅરૅસ કરે. જૌનપુરમાં તો આ સાર્વજનિક વાત છે.
આ તો માત્ર કરપ્શનની વાત છે, પણ હવે ઇનકૉમ્પિટન્સની વાત પણ કરીએ. એક કૉમન સેન્સ છે કે એવિડન્સ ક્રૉસ એક્ઝામિનેશન પહેલાં સબમિટ થાય. એ બીજા વકીલ સાથે શૅર થાય અને પછી ક્રૉસ એક્ઝામિનેશન થાય. વધારેમાં વધારે કોઈ વકીલ ઓવરસ્માર્ટ હોય તો એ જ મોમેન્ટ પર એવિડન્સ રજૂ કરે અને સામેવાળાને સરપ્રાઇઝ કરીને સવાલ-જવાબ કરે. કોર્ટ એ એવિડન્સને માન્ય રાખે કે અમાન્ય કરે એ ડિપેન્ડ. જોકે મહાન જજ રીટા કૌશિકની કોર્ટમાં એવિડન્સ વિના ક્રૉસ એક્ઝામિનેશન થાય. એ ક્રૉસ એક્ઝામિનેશનમાં બધું જ પૂછી લો પછી ગમે એ એવિડન્સ સબમિટ કરો. એ એવિડન્સ પર ક્યારેય ક્રૉસ એક્ઝામિનેશન થાય નહીં. આ તેમની રીત છે. એક જગ્યાએ મેં જજને પૂછ્યું કે શું આ કાયદા માત્ર હસબન્ડ માટે છે કે બન્ને માટે? તો ઓપનલી જજ કહે છે, ‘માત્ર હસબન્ડ માટે છે, જે કરવું હોય એ કરી લે.’
મારી સાસુ ત્યાં હતી અને હસી રહી હતી. બહાર નીકળી રહ્યો હતો ત્યારે મને વાઇફ કહે, ‘તેં સુસાઇડ ન કર્યું હજી સુધી. ગયા વખતે તો તું કહેતો હતો કે સુસાઇડ કરી દઈશ. હજી સુધી જીવે છે. મને તો એમ હતું કે આ વખતે તારા સુસાઇડની વાત આવશે...’
આવા સમયે આપણે તો કાનૂનના દાયરામાં આવતા લોકો છીએ એટલે શું કરી શકીએ. વધુમાં વધુ ગુસ્સામાં પગ પછાડી શકીએ અને ત્યાંથી નીકળી શકીએ.
સુસાઇડ જ બેસ્ટ
બહુ વિચાર્યું ત્યારે મને એ સમજાયું છે કે મારી પત્ની, મારી સાસુ, આ જજ જે ઇચ્છે છે એ જ સાચું છે. હું મારો જીવ લઈ લઉં એનાથી જ બધું બંધ થશે. ઠીક છે, આ પગલું પણ હું લઈ લઈશ. જે મારું કર્તવ્ય છે મારા પરિવાર, માતા-પિતા અને ભાઈ માટે એ હું પૂરું કરી રહ્યો હતો. હું મારાં બધાં જ કામ નિપટાવી ચૂક્યો છું એટલે હવે મારો જીવ લઈ શકું છું અને આ જ સાચો રસ્તો છે. જ્યાં સુધી હું જીવતો રહીશ ત્યાં સુધી મારાં માતા-પિતાને હજી વધુ હૅરૅસ કરતા રહેશે, મારા ભાઈને હૅરૅસ કરતા રહેશે. એટલે એ જ સારું છે કે હું હવે આ ખતમ કરું. હવે તમને સમજાયું હશે કે કેવી રીતે આ કરપ્ટ પણ છે, ઇનકૉમ્પિટન્ટ પણ છે. કોર્ટનું ડિરેક્શન, કાયદો, પ્રોસીજર કંઈ જ નથી માનવું તેમને. ખરેખર આ ક્રૂર છે કે નહીં એ હું તમારા પર છોડું છું. આ કહાની હતી જજ રીટા કૌશિકની.
શાકાહારી સામે હાડકાં ફેંકવા
હવે વાત કરું મારી પત્ની નિકિતા સિંઘાનિયા, મારી સાસુ નિશા સિંઘાનિયા અને મારા સાળા અનુરાગ ઉર્ફે પીયૂષ સિંઘાનિયાની, જે દયાને પાત્ર પણ છે. તેને તેની મા અને બહેન હંમેશાં નાલાયક કહેતાં રહ્યાં છે. મારાં લગ્ન ૨૦૧૯ના એપ્રિલ મહિનામાં થયાં. મારી મુલાકાત આ પરિવાર સાથે Shaadi.comના માધ્યમથી થઈ હતી. ૨૦૧૯ના જાન્યુઆરીમાં અમારી સગાઈ થઈ હતી. સગાઈ અને લગ્ન પહેલાં સુધી મારી પત્ની વધારે બોલતી નહોતી, બહુ જ વિચારીને બોલતી. હું બોલકણો છું એટલે એમ માનતો કે ઓછું બોલવું અને વિચારીને બોલવું એ સમજદારીનું સૂચક છે, વિઝડમનું પ્રતીક છે. જોકે સત્ય એ છે કે મને મારી પત્નીએ પછીથી કહેલું કે તેની મમ્મી અને ભાભીઓએ તેને સમજાવ્યું હતું કે લગ્ન પહેલાં ઓછું બોલવાનું, નહીં તો લગ્ન તૂટવાનો ભય રહે છે. હવે મને સમજાય છે કે આવું કેમ કહ્યું હતું, કારણ કે છોકરી જો વધારે બોલે તો ઘણી સાચી વાતો બહાર આવી જાય. અમારાં લગ્ન બહુ જલદી-જલદીમાં થઈ ગયાં, કારણ કે તેના પિતાની હેલ્થ સારી નહોતી અને ડૉક્ટરોએ તેમને બહુ જ ઓછો સમય આપ્યો હતો. લગ્ન પછી અમે બિહારમાં જ્યાં મારા પેરન્ટ્સ રહે છે ત્યાં માત્ર બે દિવસ માટે રહ્યાં હતાં. માત્ર બે જ દિવસ સિવાય અમે ક્યારેય બિહાર નથી ગયાં, કારણ કે પછી કોરોના થયો હતો. મારો ભાઈ માત્ર બે દિવસ નિકિતાને મળ્યો છે જે તેણે કોર્ટમાં કબૂલ પણ કર્યું છે અને છતાં મારા ભાઈ પર પણ મર્ડર, મારપીટ અને દહેજનો કેસ છે. મારા પિતાજી જેમને ચાલવામાં તકલીફ પડે છે, પૂજાપાઠ કરતી વ્યક્તિ જેમને ભગવાન પર બહુ જ ભરોસો છે તે બે દિવસ મારા ઘરે અને બે દિવસ મારી પત્નીના પિતાના મૃત્યુ વખતે જૌનપુર ગયા હતા તેમના પર પણ મર્ડર, મારપીટ અને દહેજનો ઇલઝામ છે. બે દિવસ પછી અમે પાછાં બૅન્ગલોર આવ્યાં. એ પછી મૉરિશ્યસ ગયાં હનીમૂન માટે. ત્યાં ખબર પડી કે તે તો લગ્ન જ નહોતી કરવા માગતી. કોઈ રીતે પરિવારવાળાએ સમજાવ્યું કે લગ્ન કરી લે એટલે તેણે લગ્ન કરી લીધાં. હું તો શૉક્ડ હતો સાંભળીને. ત્યાં પણ તેનાં કારનામાં હતાં. ત્યાં પણ અમારો ઝઘડો થઈ ગયો. સામાન ખોઈ દેવો, બસ છોડી દેવી અને પછી હસવું. દરરોજ લગભગ પચાસ કિલોમીટર મોટરસાઇકલ ચલાવીને તેને ઑફિસ મૂકવા-લેવા જતો. ધીમે-ધીમે તેનો નેચર પહેલાં કરતાં બદલાયો. પછી તે પ્રેગ્નન્ટ થઈ, પિતાનું મૃત્યું થયું, નેચર બદલાયો, નોકરી જતી રહી કારણ કે ડિસિપ્લિન ઇશ્યુ થયા. એ પછી વસ્તુઓ બહુ જ ખરાબ થઈ. નોકરી ગયા પછી કલાકો સુધી તેણે મા સાથે વાતો કરવાનું શરૂ કર્યું. તેની માએ તેને અમુક વસ્તુઓ સમજાવવાની શરૂ કરી. મિત્રો સાથે વાતો કરતી. આખો દિવસ કોરિયન રોમૅન્ટિક ડ્રામા જોતી. તેની અપેક્ષા હતી કે હું પણ કોરિયન વ્યક્તિ જેવો થઈ જાઉં. હું ઇન્ડિયન પુરુષ છું અને હું એવો જ સારો છું. થૅન્ક યુ, મારે કોરિયન હસબન્ડ નથી બનવું કારણ કે કામધામ પણ કરવાનાં હોય છે આપણે.
જો કોઈને એવું લાગતું હોય કે અમે અમારી પત્નીને પ્રતાડિત કરીએ છીએ કે બહુ કામ કરાવીએ છીએ તો હું કહેવા માગું છું કે અમારા ઘરે અહીં કામ કરવા માટે હાઉસહેલ્પ હોય. અમારા ઘરે અમ્મા આવતી કામ માટે. કુક આવતો. જે અમ્મા આવતી તે ઝાડુ, પોતાં, વાસણ, બાથરૂમ ધોવી, બેડશીટ લગાવવી, કપડાં ધોવાં જેવાં બધાં જ કામ કરતી. કુક ખાવાનું બનાવે. તેણે કોઈ કામ નહોતું કરવાનું. તે પ્રેગ્નન્ટ હતી ત્યારે ડૉક્ટરે કહ્યું હતું કે હેલ્ધી ખાઓ અને ફિઝિકલ ઍક્ટિવિટી કરો. મારી મમ્મી ડિસેમ્બરમાં અમારા ઘરે આવી ગઈ હતી ધ્યાન રાખવા માટે, કારણ કે વર્ષો પછી અમારા ઘરમાં બાળક આવવાનું હતું. મારા પિતા બરાબર ચાલી નહોતા શકતા છતાં પોતાની અગવડ બાજુ પર રાખીને તેમણે મારી મમ્મીને મોકલી. મારી મમ્મી આવ્યા પછી બીજાં જે કામ હોય છે પૂજા વગેરે થવાનું શરૂ થયું. મારાં મમ્મી વેજિટેરિયન છે, પણ હું એક સમયે કંઈક વધારે જ મૉડર્ન બની ગયો હતો અને મારી મમ્મી આવતાં પહેલાં ઘરમાં પણ નૉનવેજ આવતું. મારું એટલું જ માનવું હતું કે તને ભાવે છે તો ખા. મમ્મી ઘરે આવ્યા પછી ઘરે બનાવવાનું બંધ થયું એટલે તે બહારથી નૉનવેજ મગાવે. ચિકન ખાધું હોય તો તેની આદત કે થાળીમાં ન નાખે, ત્યાં જ ખૂણામાં ફેંકી દે; ડસ્ટબિનમાં પણ ન ફેંકે. તમે વિચાર કરો કે મારી મમ્મી જે વેજિટેરિયન છે તેની સામે આમ ખાઈને ફેંકેલાં હાડકાં આવે તો તે ડિસ્ટર્બ ન થાય? શું આ કરવું જરૂરી હતું? તમે ડસ્ટબિનમાં ન ફેંકી શકો?
કોઈ પણ પૂજાપાઠ થાય ત્યારે મારી મમ્મીએ તેને બે સાડી કે ચાંદીનો સિક્કો આપે તો એની સામે તેની મા તેને એમ સમજાવે કે આવી પૂજામાં તો બાકી લોકોને છ-છ ડ્રેસ, સોનાનો સેટ વગેરે મળે. તેને વૉમિટ થતી તો હું તેની વૉમિટ મારા હાથથી સાફ કરતો. એક હસબન્ડે જે રીતે પોતાની પ્રેગ્નન્ટ વાઇફનું ધ્યાન રાખવું જોઈએ એ રીતે હું રાખતો હતો. મારા પર એવો પણ આરોપ છે કે અમે તેને ખાવાનું નહોતા આપતા, જ્યારે બૅન્ગલોરની જે બેસ્ટ હૉસ્પિટલ છે ડિલિવરી માટે ત્યાં મારી વાઇફની ડિલિવરી કરાવી છે. જે પણ દવાઓ, ટેસ્ટ થઈ શકે એ બધું જ કર્યું. લગભગ બેથી અઢી લાખ રૂપિયાનો ખર્ચ તેની ડિલિવરીમાં થયો. બેસ્ટ મેડિકલ ટ્રીટમેન્ટ, બેસ્ટ કૅર અમે આપી છતાં અમે ખાવાનું નથી આપ્યું અને દવાઓ નથી આપી એવો આરોપ છે અમારા પર.
તેની મમ્મી ફોનમાં સતત તેને તેમના ખાનદાનમાં કોના કોની સાથે ઝઘડા થયા અને કેવા પ્રૉબ્લેમ થયા એ નેગેટિવ વાતો મારી પ્રેગ્નન્ટ વાઇફને કરતી. શું એક પ્રેગ્નન્ટ મહિલાએ આટલી નેગેટિવ વાતો જાણવી જોઈએ? એ બાળક માટે સારું કહેવાય? તેમનું જે ફ્રેન્ડસર્કલ છે એમાં પણ મોટા ભાગના લોકોના ડિવૉર્સ થઈ ચૂક્યા છે અથવા કોઈનાં લગ્ન નથી થયાં, લગ્ન નથી કરવાં અને લગ્ન થયાં હોય તો બાળક નથી કરવું. આવું તો તેમનું ફ્રેન્ડસર્કલ હતું.
બાળકની ડિલિવરી થઈ એ પછી એક મહિના પછી પૂજા હોય. એમાં તેની મમ્મી અને ભાઈ આવ્યાં. અમારું ઘર વન BHKનું હતું. હૉલમાં મારી મમ્મી સૂએ એટલે તેનાં મમ્મી અને ભાઈને અમે નજીકમાં જ એક ઠીકઠાક હોટેલમાં ઉતારો આપ્યો. લગભગ બેથી અઢી હજાર રૂપિયાના ભાડાવાળી હોટેલ. જૌનપુરમાં તેમનું ઘર તબેલાની પાછળ છે જેના માટે તેમને શરમ પણ આવતી હતી. એ લોકોને પ્રૉબ્લેમ હતો કે આ કેવી હોટેલમાં અમને ઉતારો આપ્યો? અમે અમારા બાળકને જે કપડાં, રમકડાં કે ગોલ્ડ આપ્યાં એ તેમને સારાં નહોતાં લાગતાં. તેમના આવ્યા પછી મારી મા ખાવાનું બનાવે છે. બહારથી જે મગાવી શકાય એ મગાવતા હતા. એમાં તેમનો આરોપ હતો કે અમે તેને વાસી ખાવાનું ખવડાવી રહ્યા છીએે.
મારી મમ્મી બહુ દુખી હતી, હું ખૂબ દુખી હતો. ચાલો, આ બધું જ ચલાવી લીધું. મારાં સાસુ અને સાળા ગયાં એના એક્ઝૅક્ટ બે દિવસ પછી કોરોનાનું લૉકડાઉન શરૂ થઈ ગયું. એ સમયે અમારા ઘરે કામ માટે બાઈ આવી શકે નહીં કે ન કોઈ બીજો નોકર આવી શકે. એ સમયે મારી વાઇફ કહે કે ‘મારાથી બાળક નહીં સંભાળી શકાય. હું નહીં સંભાળી શકું. મારે મારી નોકરી પણ કરવી છે.’ તેની પાસે નોકરી નહોતી તો પણ બાળક નહોતી સંભાળી શકતી. મેં કોઈક રીતે નજીકમાં એક બાઈ સાથે વાત કરી. સામાન માટે બધું ખૂલે ત્યારે તે છુપાઈને અમારી ઘરે આવતી અને સાંજે જતી રહેતી. કુક નહોતો અને કામવાળી બાઈ નહોતી એ સમયે તેની મમ્મી તેને શીખવાડે કે અત્યારે જેવી સિસ્ટમ બની જશે કામ કરવાની એ પછી હંમેશાં રહેશે એટલે તે કોઈ કામ નહોતી કરતી. આખો દિવસ કોરિયન ડ્રામા જોવા, મા સાથે વાતો કરવી, સૂવાનું અને બસ એ જ. સવારે મારે ઊઠીને ઝાડુ-પોતાં કરવાનાં, વાસણ ઘસવાનાં, બાકીની સાફસફાઈ કરવાની, બાથરૂમ ધોવાની, બાળકને નવડાવવામાં મદદ કરવાની, કપડાં ધોવામાં નાખવાનાં અને સુકાવવાનાં.
ખાલી કપડાં ગડી કરવાનું કામ તે પોતે કરતી, કારણ કે જો મેં ગડી કરવામાં કંઈક ગોટાળો કર્યો તો એ વાત પર પણ મહાભારત થતું. એના પર પણ પછી ઇશ્યુ બનાવ્યો. ખાવાનું ન બનાવે. હું પોતે સારું ખાવાનું નહોતો બનાવી શકતો એટલે બહારથી જ ખાવાનું ઑર્ડર થતું. એની વચ્ચે મારે મારું ઑફિસનું કામ કરવાનું. એ દરમ્યાન તે બાળકનું ડાયપર ગમે ત્યાં ફેંકી દે. હવે બાળક થોડું મોટું થયું એટલે હાથ-પગના સપોર્ટથી જમીન પર ચાલતું. એટલે તે ગંદકીમાં આળોટશે એનો મને ડર લાગે. ડસ્ટબિન સામે હોય તો પણ ડાયપર ડસ્ટબિનમાં ન ફેંકે. એટલે તે જેટલી વાર નીચે ફેંકે એટલી વાર મારે ત્યાં પોતું મારવાનું. જો હું કહી દઉં કે આ ડસ્ટબિનમાં કેમ નથી ફેંકતી? તો ફરી એ વાત પર મહાભારત. એટલે જો લોકો એમ માનતા હોય કે અમે પ્રતાડિત કરીએ છીએ કે ઘરકામમાં સપોર્ટ નથી કરતા વગેરે તો એ ખોટું છે અને એમાંથી અમુક વાતો તો વાઇફે ક્રૉસ એક્ઝામિનેશનમાં સ્વીકારી પણ છે.
ડિસિપ્લિનના અભાવે કોરોનામાં તેની નોકરી જતી રહી તો એની અલગ રો-કક્કળ શરૂ થઈ ગઈ. તેને પોતાના કઝિન સાથે પ્રતિસ્પર્ધા હતી કે તેઓ સારું કરી રહ્યા છે અને મારી નોકરી જતી રહી છે. હું તેને ભણવાનું કહેતો કારણ કે હું મારા ફીલ્ડમાં બહુ સારો છું. હું આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ફીલ્ડમાં કામ કરું છું અને એમાં હું સારો નહીં બહુ જ સારો છું. જે જવાબદારી મારી કંપનીમાં મને આપવામાં આવી છે એ મારી એજમાં કોઈને મળે એવી કદાચ જ કોઈ વ્યક્તિ હશે. મેં તેને પ્રોગ્રામિંગ કરતાં શીખવાડ્યું. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વિશે શીખવ્યું. ઇન્ટરવ્યુ આપતાં શીખવ્યું. બે ડઝન કંપનીમાં સિલેક્શન ન થયું. એપ્રિલ ૨૦૨૧માં ઍક્સેન્ચરમાં સિલેક્શન થયું. જૉઇનિંગના ૧૮-૧૯ દિવસ પછી જતી રહી.
ફાધરના ડેથના અમુક મહિના પછી તેની મમ્મી ઍક્ટિવેટ થઈ ગઈ. મારી વાઇફને પ્રેશરાઇઝ કરવાનું શરૂ કર્યું મારી પાસે પૈસા અપાવવા માટે. સૌથી પહેલાં ૩ લાખ રૂપિયા માગ્યા ૨૦૨૦ના મે મહિનામાં. વાઇફના પ્રેશરને કારણે આપી દીધા. ફરી વાર પૈસા માગ્યા. એ સમયે ૧૫ લાખ માગ્યા. માર્ચમાં ૯ લાખ રૂપિયા આપ્યા અને એપ્રિલમાં ૪ લાખ રૂપિયા. એપ્રિલ ૨૦૨૧ સુધીમાં ૧૬ લાખ રૂપિયા આપ્યા છે જેમાં તેમણે પોતાની દુકાન માટે ઍડ્વાન્સમાં માલ ખરીદવો હતો. પછી ડિમાન્ડ થઈ કે ૫૦ લાખ રૂપિયા જોઈએ છે તેમના ઘરના રિનોવેશન માટે. તેઓ તબેલા પાછળ રહેતા હતા. મારા સાળાને શરમ આવતી હતી.
મારા જ પૈસાથી મારા પર વાર
મારું માનવું છે કે મારે પોતે જ પોતાને ખતમ કરી દેવો એ જ બેસ્ટ રહેશે, કારણ કે હું જે પૈસા કમાઈ રહ્યો છું એનાથી જ હું મારા દુશ્મનોને બળવાન બનાવી રહ્યો છું. એ પૈસા મને જ બરબાદ કરવા માટે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. મારા જ પૈસાથી કોર્ટ, પોલીસ વગેરે મારા જ લોકોને હેરાન કરશે. જે વૅલ્યુની સપ્લાય છે એને જ ખતમ કરી દો. તેમણે સજેશન આપ્યું છે એ જ રાઇટ સૉલ્યુશન છે.
ક્યાં ભાગી ગયો નિકિતાનો પરિવાર?
નિકિતા સિંઘાનિયા તેનાં માતા-પિતા અને ભાઈ સાથે.
અતુલ સુભાષના સુસાઇડ પછી તેના નાના ભાઈ બિકાસ દ્વારા બૅન્ગલોરમાં નિકિતા અને તેના પરિવાર વિરુદ્ધ આપઘાત માટે ઉશ્કેરવાની ધારા હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. એ અંતર્ગત બૅન્ગલોર પોલીસે જૌનપુરમાં નિકિતાના ઘરની બહાર ત્રણ દિવસમાં બૅન્ગલોર પોલીસ પાસે હાજર થવાની નોટિસ લગાવી દીધી છે. જોકે નિકિતાનો પરિવાર તેમનું જૌનપુરનું ઘર છોડીને ભાગી ગયો છે. શરૂઆતમાં નિકિતાની મમ્મી નિશા સિંઘાનિયા મીડિયાના લોકોને પણ ધમકી આપતી અને ઉદ્ધતાઈથી વર્તતી દેખાઈ હતી. એ પછી બે દિવસ પહેલાં આવેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજમાં તે બાઇક પર તેના દીકરા સાથે ફરાર થતી હોય એવું દેખાયું હતું. એક અન્ય ફુટેજમાં નિશા સિંઘાનિયા મીડિયાવાળાને હાથ જોડીને માફી માગતી પણ નજરે ચડી હતી. એ પ્રાઇવેટ હોટેલના CCTV ફુટેજનો તેનો વિડિયો વાઇરલ થયો છે. નિકિતાની મમ્મી નિશા સિંઘાનિયા અને તેના અંકલ સુશીલ સિંઘાનિયાએ અતુલ સુભાષના બધા જ આરોપોને ખોટા ગણાવ્યા હતા અને તેઓ જલદી સબૂત સાથે બહાર આવશે એવું પણ એક નિવેદનમાં કહ્યું હતું. તેણે અતુલ વિરુદ્ધ ૨૦૨૨માં કરેલી ફરિયાદમાં અતુલ તેને દારુ પીને મારે છે અને રાક્ષસ જેવો બની જાય એવું ફરિયાદમાં કહ્યું પણ હતું. કોર્ટ કેસ દરમ્યાન અતુલ અને નિકિતાએ એકબીજા પર લગ્નેત્તર સંબંધનો આરોપ પણ લગાવ્યો હતો.
અતુલ સુભાષે પોતાની છેલ્લી ઇચ્છા માટે શું કહ્યું?
હું મારી વાઇફને કહીશ કે તેની પાસે કોઈ આદર્શો જ નથી તો તે મારા બાળકને તે શું મોટો કરશે? મારા દીકરાને મારા પેરન્ટ્સને સોંપી દે. તેણે મને દુખ પહોંચાડવા માટે મને મારા બાળકથી અલગ રાખ્યો છે અને આ બધું કર્યું છે. જોકે તેને પોતાને પણ ખબર છે કે બાળકને ઉછેરવા માટે તે સક્ષમ નથી. મારા પેરન્ટ્સને બાળક આપી દો. મારો છેલ્લો અંશ છે. મારા પેરન્ટ્સ બહુ જ પ્રેમથી તેને ઉછેરશે. મારો ભાઈ સારી વ્યક્તિ છે. તે પણ તેને ઉછેરશે.
હું મારાં મા-બાપ અને ભાઈને કહીશ કે કોઈ પણ કૅમેરા વિના મારી વાઇફ કે તેના પરિવારને ન મળે. તમારા પર પણ કોઈ કેસ લગાડવામાં આવી શકે છે. પબ્લિક પ્લેસ પર જ મળો.
મારી ડેડ-બૉડી પાસે મારી પત્ની કે તેના પરિવારને ન આવવા દેવામાં આવે.
જ્યાં સુધી મને હૅરૅસ કરનારા લોકોને સજા ન મળે ત્યાં સુધી મારું અસ્થિ-વિસર્જન ન થાય.
જો આટલાં પ્રૂફ આપ્યા પછી પણ કોર્ટનાં જજ અને બાકીના હૅરૅસરને સજા નથી મળતી તો મારાં અસ્થિ એ જ કોર્ટની બહારના ગટરમાં વહાવી દેજો.
જુડિશરીને રિક્વેસ્ટ છે કે મારાં મા-બાપ અને ભાઈ પર લાદવામાં આવેલા તમામ ખોટા આરોપોને રદબાતલ કરવામાં આવે અને મારા બધા જ હૅરૅસર, જજ અને આ માધવ પર પણ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે. તે પણ લાખો રૂપિયા કમાય છે. તે ૧૦૦ ટકા પકડાઈ જશે. ૫૦ રૂપિયા તો બધા જ આપે છે. આ સાર્વજનિક વાત છે. એ પણ ન પકડી શકો તો મારાં અસ્થિ ગટરમાં વહાવી નાખજો.
હવે થોડાંક આખરી કામ છે એ પૂરાં કરીને હું આનાથી મુક્તિ પામીશ. આની ફરિયાદ સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટમાં પણ ઈ-મેઇલ કરીશ. મા-બાપ અને ભાઈ સાથે અલગથી વાત કરીશ. શક્ય હોય તો મને માફ કરજો કે જે ઉંમરમાં મારે મારાં મા-બાપનો સહારો બનવાનું હતું એ ઉંમરમાં હંમેશ માટે દુખ આપીને જાઉં છું. સૉરી.
બાકી તમે જે જોઈ રહ્યા છો એમાં તમારું કલ્યાણ થાય.
થૅન્ક યુ.
વાઇફ મને ATMની જેમ વાપરી રહી છે: અતુલે મિત્રને કહેલું
અતુલ સુભાષ પુરુષોના હક માટે લડતી સંસ્થા સેવ ઇન્ડિયન ફૅમિલી સાથે જોડાયેલો હતો. આપઘાત પહેલાં તેણે તમામ પુરાવાના ડૉક્યુમેન્ટ્સ આ સંસ્થાને અને પોતાના ભાઈને ઈ-મેઇલ કર્યા હતા. બૅન્ગલોરમાં જ એક કંપનીમાં કામ કરતા અતુલના મિત્ર સુજિતે કહ્યું હતું કે ‘હું અને અતુલ છેલ્લાં ચાર વર્ષથી એકબીજાને ઓળખતા હતા. અમે બન્ને જુદી-જુદી કંપનીમાં કામ કરતા હતા, પણ અમારી વચ્ચે ખાસ દોસ્તી હતી. તે ખૂબ જ હસમુખો અને ઇન્ટેલિજન્ટ હતો અને દિમાગથી બહુ જ શાર્પ પણ હતો. તે ખૂબ જ ક્લિયરલી વિચારી શકતો હતો. તેણે મને કહ્યું હતું કે મારી વાઇફ મને ATMની જેમ વાપરી રહી છે. પહેલાં તેની પત્નીએ ક્લાઉડ કિચન ખોલવા માટે ૫૦ લાખ રૂપિયા માગ્યા હતા. ઘર ખરીદવા માટે એક કરોડ રૂપિયા માગ્યા હતા. અતુલ તેને પંદરથી ૨૦ લાખ રૂપિયા આપી ચૂક્યો હતો અને છતાં તેને તેના દીકરા સાથે મળવા નહોતો દેવાતો.’
નિકિતાને નોકરીમાંથી કાઢો
અતુલ સુભાષની પત્ની નિકિતા સિંઘાનિયા મલ્ટિનૅશનલ કંપની ઍક્સેન્ચરમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. સોશ્યલ મીડિયા યુઝર્સ ઉપરાંત IT ફીલ્ડમાં કામ કરતા કર્મચારીઓએ પણ અતુલ સુભાષને પોતાનો સપોર્ટ જાહેર કર્યો હતો. ગુરુવારે બૅન્ગલોરમાં ૧૦૦ જેટલા IT કર્મચારીઓએ ઍક્સેન્ચરની ઑફિસની બહાર ‘જસ્ટિસ ફૉર સુભાષ’ના બૅનર સાથે પ્રદર્શન કર્યું હતું. દિલ્હીના જંતરમંતર પર પણ સૌને ભેગા થવાનું આહવાન કરવામાં આવ્યું છે. ઍક્સેન્ચરની કલકત્તા અને હૈદરાબાદની ઑફિસની બહાર પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે લોકોની ટીકાથી કંટાળીને ઍક્સેન્ચર કંપનીએ પોતાનું ઑફિશ્યલ કંપની અકાઉન્ટ અને CEO સુધ્ધાંનાં અકાઉન્ટ પણ પબ્લિક માટે બંધ કરી દીધાં છે.
સ્ટેપ બાય સ્ટેપ ઘટનાક્રમ
2019
Shaadi.com પર મૂળ બિહારના સમસ્તીપુરનો વતની પણ બૅન્ગલોરની એક IT કંપનીમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ફીલ્ડમાં કામ કરતા અતુલ સુભાષ અને જૌનપુરની વતની નિકિતા સિંઘાનિયા એકબીજાને મળ્યાં અને નિકિતાના પિતાની હેલ્થ ખરાબ હોવાથી તાત્કાલિક એપ્રિલમાં તેમનાં લગ્ન લેવાયાં.
2020
તેમના ઘરે દીકરા વ્યોમનો જન્મ થયો અને સાથે જ કોરોનાકાળમાં ઝઘડા પણ શરૂ થયા.
2021
એક વર્ષના દીકરા સાથે કોરોનાની બીજી વેવમાં નિકિતા સિંઘાનિયા પૈસાના મામલે તેની મમ્મી નિશા સિંઘાનિયા સાથે બૅન્ગલોરનું ઘર છોડીને નીકળી જાય છે.
2022
મર્ડર, ડોમેસ્ટિક વાયલન્સ, દહેજ, અનનૅચરલ સેક્સ જેવા નવ જેટલા કેસ નિકિતા સિંઘાનિયા અતુલ અને તેના પરિવાર પર કરે છે.
2022-2024
આટલા સમયમાં ૧૨૦થી વધારે કોર્ટની તારીખો વિવિધ કેસ માટે પડી જેમાં ૪૦ વાર અતુલે ઑફિસમાંથી રજા લઈને બૅન્ગલોરથી જૌનપુર જવું પડ્યું અને જુડિશરી સિસ્ટમમાં ચાલતા ભ્રષ્ટાચારને કારણે માનસિક યાતનામાંથી પસાર થવું પડ્યું. આ દરમ્યાન તેને એક પણ વાર પોતાના દીકરાને મળવા ન મળ્યું. અતુલ સુભાષના ભાઈના સ્ટેટમેન્ટ મુજબ નિકિતાએ અતુલ પાસે દીકરાને મળવું હોય તો ત્રીસ લાખ રૂપિયાની માગણી કરી હતી.
2024
માનસિક, સામાજિક, શારીરિક, આર્થિક અને ભાવનાત્મક એમ દરેક બાજુના હૅરૅસમેન્ટથી કંટાળીને ૯ ડિસેમ્બરે અતુલ સુભાષે પોતાના બૅન્ગલોરના મકાનમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો અને પોતાની ૨૪ પાનાંની સુસાઇડ-નોટ તેમ જ ૮૨ મિનિટના અંતિમ વિડિયોમાં અતુલે વિગતવાર પુરાવા સાથે નિકિતા, તેની મમ્મી, ભાઈ, કાકા અને જૌનપુર ફૅમિલી કોર્ટનાં પ્રિન્સિપલ જજ રીટા કૌશિકને એ માટે જવાબદાર ગણાવ્યાં. નિકિતાનો પરિવાર અત્યારે ફરાર છે.
અતુલનો આપઘાત આ લોકોના કારણે?
નિશા સિંઘાનિયા
અનુરાગ સિંઘાનિયા
સુશીલ સિંઘાનિયા
જજ રીટા કૌશિક
અતુલ સુભાષે પોતાના પુત્રને લખેલા પત્રના અંશ
ન્યાય હજી બાકી છે
(પત્રનું ટાઇટલ)
To
પુત્ર વ્યોમ,
મારે તને અમુક વાતો કહેવી છે. હું આશા રાખું છું કે એક દિવસ આ બધું સમજી શકે એટલો સમજણો તે થઈ જશે.
દીકરા, મેં જ્યારે તને પહેલી વાર જોયો ત્યારે મને વિચાર આવેલો કે હું મારું જીવન તારા પર ન્યોછાવર કરી દઈશ, પણ દુખની વાત એ છે કે અત્યારે તારા કારણે હું મારું જીવન આપી રહ્યો છું. મને તો તારો ચહેરો પણ યાદ નથી, કારણ કે મારી પાસે એ જ ફોટો છે જ્યારે તું એક વર્ષનો હતો. ક્યારેક થોડીક પીડાને બાદ કરતાં મને તારા માટે કંઈ ફીલ પણ નથી થઈ રહ્યું. અત્યારે તો તું મને બ્લૅકમેઇલ કરવાનું સાધન છે જેના થકી મારી પાસેથી વધારે ને વધારે ખંડણી વસૂલ કરવામાં આવશે.
મને ખબર છે કે આ જાણીને તને હર્ટ થશે, પણ વાસ્તવિકતા એ છે કે અત્યારે તું મને મેં કરેલી એક ભૂલ સમાન લાગે છે. બહુ જ દુખદ વાત છે કે આ નિર્લજ્જ સિસ્ટમ એક પિતા માટે તેનું બાળક બોજ અને લાયબિલિટી સમાન બનાવી શકે છે. પોતાના પુત્રથી અલગ કરી દેવાયેલા એવા ઘણા પિતાઓને હું મળ્યો છું અને લગભગ દરેકને આ જ અનુભૂતિ થઈ છે. કેટલાક ઇમોશનલ પિતા પોતાના સંતાનની લાઇફનો હિસ્સો બનવાના પ્રયાસમાં મૃત્યુને ઘાટ પહોંચી જતા હોય છે. આપણી કાનૂન-વ્યવસ્થાને દરેક પિતા સાથે આ જ કરવું છે. જોકે હું હવે આ બધું વધુ નહીં ચલાવી શકું. જ્યાં સુધી હું જીવતો છું અને પૈસા બનાવી રહ્યો છું ત્યાં સુધી મારી પાસેથી વધુ ને વધુ પૈસા પડાવવા માટે એ લોકો તારો સાધન તરીકે ઉપયોગ કરીને તારાં દાદા-દાદી, કાકા અને મને પજવતા રહેશે. હું આ બધું આગળ નહીં ચલાવી શકું, તારા માટે પણ નહીં. હું મારા પિતા માટે તારા જેવા ૧૦૦ પુત્રોનું બલિદાન આપી શકું અને તારા માટે હું મારા જેવા ૧૦૦૦નું બલિદાન આપી શકું, પણ હવે હું મારા પિતાને થઈ રહેલી હૅરૅસમેન્ટનું કારણ નહીં બનું.
મને શંકા છે કે તું ક્યારેય સમજી શકશે કે પિતા શું હોય? જોકે મને એક્ઝૅક્ટ્લી ખબર છે કે પિતાનું મૂલ્ય શું હોય. એ તમને મળેલી સૌથી મોટી ભેટ છે. એ તમારું સન્માન છે. પિતા એ છે જેમના જેવા થવાના મેં હંમેશાં પ્રયાસ કર્યા છે. પિતા એ છે જેમને ગર્વ મહેસૂસ કરાવવા પુત્ર કંઈ પણ કરે. પિતા-પુત્રના સંબંધને ક્યારેય લખીને સમજાવી ન શકાય કે સમજી ન શકાય. જોકે હવે એ સમજાવવાનો કોઈ અર્થ નથી. તું મને ક્યારેય નહીં ઓળખે. આઇ વિશ કે હું તારી સાથે રહી શક્યો હોત. હું જે સમજ્યો, શીખ્યો અને જાણતો હતો એ બધું જ મારે તને પાસ-ઑન કરવું હતું. તારો વારસો પૈસા નહોતો પણ આદર્શો, પ્રેમ, બલિદાન, સંસ્કાર, સંસ્કૃત, ઇતિહાસ, બૌદ્ધિકતા, નૉલેજ, વર્ક-એથિક્સ, ફૅમિલી, ફ્રેન્ડ્સ, ફ્રીડમ, વ્યક્તિગત સર્વોપરિતા, ક્રીએશન, ડિસ્ટ્રક્શન, ઇચ્છાશક્તિ, ઉત્સાહ હતો.
છેલ્લાં ત્રણ વર્ષમાં દુનિયામાં આવી રહેલા બદલાવો અનુભવવાની કોશિશ મેં કરી છે. હું માનતો હતો કે વુમન એમ્પાવરમેન્ટ ખૂબ જ સારી બાબત છે અને કોઈ પણ સાક્ષર સમાજ માટે હિતકારી છે; પણ ના, એવું નથી. આ મૂવમેન્ટ ખોટી દિશામાં જતી રહી છે. આ મૂર્ખતાભરી પહેલ સમાજના તમામ આદર્શોનો સર્વનાશ કરી બેસે એ પહેલાં એનો અંત આવવો જોઈએ.
તને ખબર છે કે મેં સાઇડમાં તું જ્યારે કૉલેજમાં જઈશ એના માટે પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું હતું. હું પણ કેવો મૂર્ખ હતો.
(આ પછી પણ કઈ રીતે વુમન એમ્પાવરમેન્ટના સ્ટુપિડ પ્રોગ્રેસિવ એજન્ડાથી પુરુષોના જીવનને દુષ્કર બનાવ્યું છે એ વિશે વિગતવાર લખ્યું છે જેને અહીં લિમિટેડ જગ્યાને કારણે સમાવી શકાયું નથી. સાથે જ અતુલ તેના દીકરા વ્યોમ માટે ગિફ્ટમાં એક એન્વલપ છોડી ગયો છે જેને ૨૦૩૮માં ખોલવું એમ પણ લખાયું છે.)
સુપ્રીમ કોર્ટમાં યાચિકા
અતુલ સુભાષના આપઘાત પછી દહેજ અને ઘરેલુ હિંસાના અત્યારના કાયદામાં જરૂરી સંશોધન કરીને બદલાવ લાવવામાં આવે એવી એક જનહિત યાચિકા સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ નાખી છે. યાચિકામાં ડિમાન્ડ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એક કમિટી બને અને આ કાયદામાં સુધારો લાવવા માટેનાં સજેશન આપે તેમ જ લગ્ન સમયે જે પણ ગિફ્ટ અને પૈસા આપવામાં આવ્યાં હોય એને મૅરેજ રજિસ્ટ્રેશન દરમ્યાન રેકૉર્ડમાં ઉલ્લેખ કરવામાં આવે.