એક સાદું પાન ખાઈને રાતે લટાર મારી આવો

27 February, 2024 08:18 AM IST  |  Mumbai | Dr. Ravi Kothari

પાન ખાવાની આદત આમ તો પુરુષોને જ હોય છે, પર સ્ત્રીઓએ પણ સાદું પાન ખાવું જોઈએ.

સાદું પાન

બહેનો, પાછલી વયે હાડકાં નબળાં ન પડે એવું ઇચ્છતાં હો તો મેનોપૉઝની શરૂઆતમાં જ કૅલ્શિયમની પૂર્તિ થાય એવું કામ કરવું જોઈએ અને એ માટે રાતે સાદું પાન ખાઓ અને અડધો કિલોમીટર ચાલી નાખો. નાગરવેલના પાનનું આયર્ન અને ચૂનો તેમ જ ગુલકંદનું સંયોજન પ્રેગ્નન્ટ સ્ત્રીઓ માટે બેસ્ટ છે

પાન ખાવાની આદત આમ તો પુરુષોને જ હોય છે, પર સ્ત્રીઓએ પણ સાદું પાન ખાવું જોઈએ. એ તેમના સ્વાસ્થ્ય માટે પણ બહુ ગુણકારી છે. મુખવાસની વાત થતી હોય તો નાગરવેલના પાનને મુખવાસનો રાજા કહેવાય છે. જમ્યા પછી લોકો પાન વાળીને મોંમાં ભરવાની આદત રાખતા હતા. એને ધીમે-ધીમે ચાવ્યા કરવાનું અને રસ ઉતારવાનો. આયુર્વેદના ગુણધર્મો મુજબ નાગરવેલનું પાન મોં ચોખ્ખું કરે છે, રુચિકર છે અને જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે. કફ-વાયુને મટાડે પણ છે. અલબત્ત, દરેક સારી ચીજનું સેવન યોગ્ય માત્રામાં કરવામાં આવે તો જ હિતકર છે. નાગરવેલનાં પાન સાદાં લેવામાં આવે તો વાંધો નથી; પણ જ્યારે આપણે એમાં તમાકુ, સોપારી અને કાથો મેળવીને એનું મોટું પાન મોંમાં દબાવવા લાગીએ ત્યારે એ નુકસાનકારક નીવડે છે. તમાકુ વ્યસન લગાડનારી છે અને એનાથી શરીરને શું-શું નુકસાન થઈ શકે છે એ હવે જગજાહેર છે.

નાગરવેલનાં સાદાં પાનનું જ સેવન કરવામાં આવે અને એ પણ દિવસનાં ત્રણ-ચારથી વધુ નહીં એ જરૂરી છે. યાદ રહે, અહીં પાન એટલે માત્ર પાંદડાંની વાત થઈ રહી છે, એમાં બીજું કોઈ જ દ્રવ્ય ઉમેરવાની જરૂર નથી. ઑસ્ટિયોપોરોસિસનું રિસ્ક હોય, કૅલ્શિયમની કમીને કારણે હાડકાં નબળાં પડવાની શરૂઆત હોય અથવા તો પ્રેગ્નન્સીમાં ડેઇલી રૂટીન કરતાં શરીરને વધુ માત્રામાં કૅલ્શિયમની જરૂર હોય તો ચૂનો, ગુલકંદ અને કોપરાનું છીણ નાખીને બનાવેલું પાન જરૂર ખાવું જોઈએ. જોકે કૅલ્શિયમના પાચન માટે એ પછી થોડુંક વૉકિંગ પણ જરૂરી છે એટલે ખુરસીમાં બેઠાં-બેઠાં પાન ચાવ્યે જવાં નહીં. 

સ્ત્રીઓએ રોજ પાન ખાવું
પચાસ વર્ષથી મોટી ઉંમરની દર ચાર સ્ત્રીમાંથી એકને અને દર આઠ પુરુષમાંથી એકને નબળાં હાડકાંની તકલીફ હોય છે. આપણે ત્યાં સ્ત્રીઓની સરખામણીએ પુરુષો વધુ પાન ખાય છે. માત્ર પાન ન ખાવાને કારણે હાડકાં નબળાં પડે છે એવું ન કહી શકાય, પરંતુ સ્ત્રીઓને પ્રેગ્નન્સી દરમ્યાન તેમ જ મેનોપૉઝ પછી એસ્ટ્રોજનના લેવલમાં ગરબડ થવાને કારણે કૅલ્શિયમની ઊણપ થતી હોય છે. વળી પુરુષો કરતાં સ્ત્રીઓનાં હાડકાં પહેલેથી જ ઓછાં સ્ટ્રૉન્ગ હોય છે. એટલે સ્ત્રીઓએ મેનોપૉઝ પહેલાંથી જ હાડકાંની જાળવણી માટે સભાન થઈ જવું જરૂરી છે. એમાં નાગરવેલનું પાન બહુ સરળતાથી રૂટીનમાં ઉમેરી શકાય એવું ઔષધ છે. 

સાદાં પાન શા માટે ગુણકારી છે? મોટા ભાગનાં પાન નાગરવેલના પાનના કુળમાંથી બને છે. એમાં પુષ્કળ માત્રામાં આયર્ન અને કૅલ્શિયમ હોય છે. વળી કોઈ પણ પાન ચૂનો લગાવ્યા વિના ખવાતું નથી. ચૂનો એટલે કૅલ્શિયમ. વળી એમાં ગુલકંદ હોય છે અને એને કારણે કૅલ્શિયમ અને આયર્ન ખૂબ જ સરળતાથી શરીરમાં ઍબ્સૉર્બ થઈ શકે છે. જોકે એમાં તમાકુ ન જ હોવી જોઈએ. થોડીક કતરી સોપારી ચાવવા માટે જોઈતી હોય તો ચાલે, બાકી દોથો ભરીને સોપારી ન લેવી. 

આ વાંચીને જો તમને એમ લાગતું હોય કે હવે તો રોજ એક પાન ખાઈશું અને હાડકાં મજબૂત થઈ જશે તો એવું નથી. હાડકાં માટે બીજી પણ ઘણી ચીજો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જ્યારે પણ તમે હાડકાં મજબૂત કરવા માટે કૅલ્શિયમ રિચ ફૂડ ખાતાં હો ત્યારે કુમળો તડકો ત્વચા પર લેવાનું મસ્ટ છે. કૅલ્શિયમના પાચન માટે વિટામિન ડી-૩ની જરૂર હોય છે એટલે વધુ કૅલ્શિયમ લેતા હો ત્યારે વિટામિન ડી-૩નાં સપ્લિમેન્ટ્સ લઈ શકાય અથવા તો સવારે નવ વાગ્યા પહેલાંના કુમળા તડકાનાં કિરણો શરીર પર પડે એ રીતે દસથી પંદર મિનિટ ફરવું. 

પાન ઉપરાંત બીજું શું થઈ શકે?
રોજ સવારે ઊઠીને એક્સરસાઇઝ કરતાં પહેલાં એક મોટી ચમચી કાળાં તલ ચાવી-ચાવીને ખાવાં. 
બપોરના નાસ્તામાં સિંગ, ચણા, તલની ગોળમાં બનાવેલી ચિક્કી ખાવી. આ નાસ્તો કૅલ્શિયમ, પ્રોટીન અને આયર્નનો ઉત્તમ સ્રોત છે.
દૂધ, દહીં, છાશ, પનીર જેવી કૅલ્શિયમ મળે એવી ચીજોમાંથી કોઈ પણ એક ચીજ દિવસમાં બે વાર લેવી. 
વિટામિન સી માટે ઑરેન્જ, લીંબુ, દ્રાક્ષ અને પેરુ જેવાં ફળો વધુ પ્રમાણમાં લેવાં.
ફણગાવેલાં કઠોળ ચાવી-ચાવીને ખાવાં. એમાં મગ, મઠ અને સૂકી મેથી જેવી ચીજ વારાફરતી લઈ શકાય. 
ખોરાકમાં કેળું, સરગવાની 
શિંગનો સૂપ, દૂધી, મેથી, તાંદળજો, ગાયનું દૂધ અને ગાયનું ઘી, પનીર, માખણ, તાજી છાશ, આદું, લસણ, કંટોલા, સફેદ કાંદા, લીલું લસણ, ડોડીનાં પાનની ભાજી આ ખાદ્ય પદાર્થો લેવા.
પુષ્કળ પાણી પીવું અને રોજ સૂપ, ફ્રૂટ-જૂસ અને 
વિવિધ પ્રકારની લીલી શાકભાજી ખાવી. 
શાકભાજીમાં ધાણાજીરું અચૂક નાખવું. 

શું ન કરવું?
જન્ક ફૂડ, ફાસ્ટ ફૂડ, મેંદો અને મેંદામાંથી બનતી તમામ ચીજો જેવી કે બ્રેડ, બિસ્કિટ્સ, પીત્ઝા, 
બર્ગર ન લેવાં. પચવામાં ભારે એવાં કઠોળ ન લેવાં. જેમ કે ચણા, વટાણા, વાલ, રાજમા ન લેવા. પાપડ અને અથાણાં સદંતર બંધ. 
તીખું અને તળેલું, સોડા-ખારાવાળી વસ્તુ ન લેવી. ફ્રિજમાંથી તરત જ કાઢેલી હોય એવી બહુ ઠંડી ચીજો ન ખાવી. 
સ્મોકિંગ ન કરવું, કૉફી અને સૉફટ ડ્રિન્ક્સ વધુ માત્રામાં ન લેવાં.

columnists life and style health tips