18 November, 2024 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજે કોઈને પૂછો કે લગ્નનો મુખ્ય ઉદ્દેશ શું છે તો કોઈ ચોક્કસ જવાબની આશા ન રાખતા. ફાધર વૉલેસ લખે છે, ‘લગ્નસંસ્થાના ત્રણ મુખ્ય ઉદ્દેશ છે. પ્રજાવૃદ્ધિ, અન્યોન્યાશ્રય અને પ્રેમની સાધના. વંશવૃદ્ધિ લગ્નનું અનિવાર્ય અંગ છે. પ્રજાવૃદ્ધિ એટલે ફક્ત બાળકોને જન્મ આપવો એવું નથી હોતું પણ તેઓ આદર્શ નાગરિકો તરીકે ઊછરે એવી રીતે તેમનો ઉછેર કરવો એ માતાપિતાની પ્રથમ ફરજ છે. જેમ વંશવર્ધનની અવગણના ન કરી શકાય એમ એને લગ્નનો એકમાત્ર ઉદ્દેશ માનવામાં અતિશયોક્તિ છે.’
આજે મનુષ્યનું આયુષ્ય વધી રહ્યું છે ત્યારે લગ્નજીવનની આવરદા ઘટી રહી છે. હવે ‘આપનું લગ્નજીવન અખંડિત રહે’ એવી શુભેચ્છા આપવી પડશે.
આ પરિસ્થિતિનું મૂળ કારણ લગ્નની સમજણનો અભાવ છે એવું ડૉ. અમૂલ શાહે તારણ કાઢ્યું છે. તેઓ ‘સુખી લગ્નજીવન’ નામના પુસ્તકમાં લખે છે, ‘આપણા અભ્યાસક્રમમાં ઍલ્જિબ્રા, જ્યૉમેટ્રી વગેરે વિષયો છે પણ લગ્નજીવન કે પરસ્પરના સંબંધો વિશે કંઈ જ નથી. લગ્ન એક સંબંધ છે, સોદો નથી અને આ સંબંધ કેળવવા માટે બન્ને વ્યક્તિએ પ્રયત્ન કરવો પડે છે, એ કોઈ જગ્યાએથી વેચાતો મળતો નથી.’
લગ્નજીવનનો પ્રવાસ ખેડતાં એમાં આવતી મુશ્કેલીઓ, તકલીફો સમજવી જરૂરી છે. ધારો કે આપણે એક પ્યુનને ઝાડુ પકડાવીએ તો તેને એ કામ માટે તૈયાર કરી શકીએ પણ સ્ટેથોસ્કોપ આપીને ડૉક્ટર તૈયાર કરી શકાય? એ જ રીતે લગ્ન કરતાં પહેલાં લગ્ન માટેની પાત્રતા મેળવવી પડે.
Marriage is not about finding the right person, it is about becoming the right person.
જ્યારે આપણા સમાજમાં એમ માનવામાં આવે છે કે ચાર ફેરા ફર્યા એટલે પારંગત થઈ ગયા, આથી વધારે લાયકાતની જરૂર નથી. સાચી હકીકત એ છે કે લાયક જીવનસાથીની શોધ કરવા કરતાં વધારે મહત્ત્વનું છે લાયક જીવનસાથી બનવાનું. જેમ કુમળા છોડને શરૂઆતના દિવસોમાં ખાસ માવજતની જરૂર પડે છે એમ સહજીવનમાં પ્રારંભના સમયે વધુ કાળજી, જતન, લાગણી, હૂંફ અને પ્રેમની આવશ્યકતા રહે છે. મારી દૃષ્ટિએ યુનિવર્સિટીમાં ‘પરસ્પરના સંબંધો’નો ખાસ વિષય રાખવો જોઈએ. અંતમાં દંપતી સાથે આનંદથી જીવે, ‘હું’ માંથી ‘અમે’નું ઐક્ય અનુભવે, સુગંધિત દ્રવ્યો જેવાં કે પ્રેમ, મિત્રો, રમૂજ, સહિષ્ણુતા, વિશ્વાસ વગેરેથી લગ્નજીવનને મઘમઘતું બનાવે તો દામ્પત્યજીવન ઝૂમી ઊઠે અને જીવ્યાનો એક અદ્ભુત અનુભવ પ્રાપ્ત થાય. પ્રેમની સાધના આકરી સાધના છે. માણસના સ્વાર્થને ભુલાવે છે. પ્રેમ એટલે સ્નેહ, સમર્પણ અને સંવેદના નામના ત્રણ તૃણથી બનતું ઘાસ દૂર્વા.
- હેમંત ઠક્કર