આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ તમને ન વાપરે એનું ધ્યાન રાખો

10 February, 2023 06:09 PM IST  |  Mumbai | Bhavini Lodaya

આજકાલ મૉડર્ન ઘરોમાં ઍલેક્સાનો અને ગૂગલ અસિસ્ટન્ટ વપરાય છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) રોબોની દુનિયામાં એક મોટું આવિષ્કાર છે. એ વ્યક્તિની મગજશક્તિ કરતાં પણ વધારે સ્પીડથી વિચાર કરી તમને જવાબ આપી શકે છે. આજકાલ મૉડર્ન ઘરોમાં ઍલેક્સાનો અને ગૂગલ અસિસ્ટન્ટ વપરાય છે. દરેક નાનાં-મોટાં કામ જેમ કે ઍલેક્સા લાઇટની સ્વીચ બંધ કરો, ઍલેક્સા ફૅન ઑન કરો જેવા આદેશ આપણે આપીએ છીએ, પણ એની સામે આપણે એ નથી જોતા કે આપણે આપણા શરીરને સ્થૂળ બનાવી રહ્યા છીએ. આવા નાનાં-નાનાં કાર્યો માટે પણ આપણે એઆઇના આદિ થઈ રહ્યા છીએ અને એમાં ચૅટજીપીટી પણ ઍડ થઈ ગયું છે. તમારા તમામ સવાલના જવાબ તમને ચૅટજીપીટી પર મળી રહે, જેમ કે બિઝનેસ સ્ટાર્ટ કઈ રીતે કરવો? તો આનો તમને સ્ટેપ બાય સ્ટેપ જવાબ મળી જાય. નવાઈ તો એમાં છે કે તમને કોઈ ટૉપિક પર કવિતા લખવી હોય, ભાષણ આપવું હોય કે પછી સ્ક્રિપ્ટ બનાવવી હોય તો એ પણ તરત તૈયાર કરીને આપી દે છે. પણ સવાલ એ થાય કે શું આમાં તમારી મગજશક્તિનો ઉપયોગ યોગ્ય થઈ રહ્યો છે? શું તમારી વિચાર કરવાની અને સમજવાની ક્ષમતાનો વિકાસ સંભવ છે? 

આ પણ વાંચો: જાદુટોણા અને ચમત્કારિક અંધશ્રદ્ધામાંથી બહાર આવવું જરૂરી છે

એઆઇ સાધારણ માણસ કરતાં વધુ સારી રીતે કામ કરી શકે છે, પરંતુ પ્રોડક્શન વધારવા માટે કંપનીઓમાં લેબર કરતાં મશીન્સ અને રોબો વપરાવા લાગ્યાં છે. એમાં કોઈ શંકા નથી કે મશીનો ભૂલો કર્યાં વગર કામ કરે છે, પરંતુ એઆઇ માનવનું કામ જે ટીમ બનાવીને કરી શકે એ કરવાની ક્ષમતા સાથે કમ્પેર કરી શકતું નથી. ટીમ મૅનેજમેન્ટ કરીને કામ કરતી વખતે મશીનો માણસો સાથે બૉન્ડ બનાવી શકતા નથી, મશીનો ફક્ત એ જ કાર્યો કરી શકે છે જે એને કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા હોય અથવા પ્રોગ્રામ કરવામાં આવ્યા હોય છે. એઆઇની ઍપ્લિકેશન દ્વારા મોટા ભાગનાં કામને ઑટોમૅટિક કરીને માણસો પોતાની જાતને આળસુ બનાવી રહ્યા છે. માણસો આ શોધોના વ્યસની થવાનું વલણ ધરાવે છે, જે ભવિષ્યની પેઢીઓ માટે સમસ્યાનું કારણ બની શકે છે. એઆઇ મોટા ભાગનાં રિપીટેડ કાર્યો અને અન્ય કાર્યો રોબોને સોંપી રોજગાર ધોરણોમાં મોટી સમસ્યા ઊભી કરવાનું કારણ બની રહ્યું છે, પરંતુ આપણે કાળજીપૂર્વક વધુ સારી દુનિયા બનાવવા માટે શોધની પૉઝિટિવ બાજુઓનો ઉપયોગ કરવાની જરૂર છે. હવે સમય એવો આવશે જેમાં રોબો માણસ પર વર્ચસ ધરાવશે, તો આપણે આ રોબોટિક મશીનરીના વધુ પડતા ઉપયોગથી સાવચેત રહેવું જરૂરી છે.

શબ્દાંકન : ભાવિની લોડાયા 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists