બીબીસી અને હિ‍ંડનબર્ગ : ભારત પર હુમલાની સાઝિશ?

05 February, 2023 01:45 PM IST  |  Mumbai | Raj Goswami

આ બંને રિપોર્ટ મોદી સરકાર માટે તકલીફવાળા છે. બીબીસીના રિપોર્ટમાં ખેર સીધું નરેન્દ્ર મોદી પર નિશાન છે અને સરકારે ઇમર્જન્સી પાવરનો ઉપયોગ કરીને એના પર પ્રતિબંધ મૂકી દીધો છે. ટેક્નિકલી હિ‍ંડનબર્ગ રિપોર્ટ સેબી અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના દાયરામાં આવે છે

ફાઈલ ફોટો

ગયા અઠવાડિયે ભારતમાં શાહરુખ ખાનની તાજી ફિલ્મ ‘પઠાણ’નો હાથે કરીને ઊભો કરેલો ‘ટેક્સ્ટબુક’ વિવાદ ચાલતો હતો (એમાં તો ખુદ વડા પ્રધાને ટકોર કરવી પડી હતી કે ફિલ્મોને લઈને બિનજરૂરી ટીકાટિપ્પણીઓ કરવી ન જોઈએ) ત્યારે અચાનક જ જાણે સિલેબસની બહારનો પ્રશ્ન પુછાયો હોય એમ બીબીસીની ડૉક્યુમેન્ટરી અને હેન્ડેનબર્ગનો રિપોર્ટ આવી પડ્યો. અંગ્રેજીમાં એના માટે ‘આઉટ ઑફ બ્લુ’ શબ્દ છે. આકાશ એકદમ ચોખ્ખુંચણક હોય અને અચાનક જ વરસાદ આવી જાય. બંને રિપોર્ટના રાજકીય અને આર્થિક સૂચિતાર્થ છે.
પહેલાં એ બંને રિપોર્ટ શું છે એની થોડી વાત. ૧૭ જાન્યુઆરીએ લંડનસ્થિત બ્રિટિશ બ્રૉડ્કાસ્ટિંગ કૉર્પોરેશને ‘ઇન્ડિયા : ધ મોદી ક્વેશ્ચન’ નામની બે ભાગની ડૉક્યુમેન્ટરીનો પહેલો ભાગ રિલીઝ કર્યો. એમાં ૨૦૦૨નાં ગુજરાતનાં તોફાનોની વાત હતી. એ વખતે નરેદ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. ડૉક્યુમેન્ટરીએ બ્રિટિશ સરકારના રિપોર્ટ સહિત અન્ય દસ્તાવેજોની છાનબીન કરીને એવો દાવો કર્યો કે તોફાનોમાં લઘુમતી કોમને નિશાન બનાવાતી હતી ત્યારે સરકારે આંખ આડા કાન કર્યા કરીને ઉત્તેજન પણ આપ્યું હતું. આ પહેલા ભાગમાં મોદી કેવી રીતે રાજકારણમાં મોટા થયા અને કેવી રીતે તોફાનો થયાં એની વિગતો હતી. બીજા ભાગમાં (જે ૨૪ જાન્યુઆરીએ રિલીઝ થયો હતો) ૨૦૧૯માં મોદી વડા પ્રધાનપદે ફરીથી ચૂંટાયા પછી કાશ્મીરની ૩૭૦ની કલમ, સિટિઝનશિપ કાનૂન, કૃષિકાનૂન અંગેના મોદી સરકારના નિર્ણયો અને ૨૦૨૦નાં દિલ્હીનાં તોફાનોની વાત છે. બંને ભાગનું ફોકસ ભારતના મુસ્લિમો સાથે મોદીના સંબંધ પર છે. આ ડૉક્યુમેન્ટરી ‘બીબીસી-2’ પર રિલીઝ કરવામાં આવી હતી, જે ભારતમાં ઉપલબ્ધ નથી. (ભારતમાં બીબીસી-1 જોવાય છે). 
ભારત સરકારે આ ડૉક્યુમેન્ટરીને ભારતવિરોધી પ્રોપેગેન્ડા ગણાવીને પ્રતિબંધ મૂકી દીધો તેમ જ યુટ્યુબ સહિતની સોશ્યલ મીડિયા સાઇટ્સને આ ડૉક્યુમેન્ટરીની લિન્ક ઉતારી લેવાનો આદેશ કર્યો. જોકે દેશની અમુક યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓએ પ્રતિબંધમાં છીંડાં પાડીને લૅપટૉપ પર એના શો કર્યા. પોલીસે વિદ્યાર્થીઓ પર કાર્યવાહી પણ કરી. બીબીસીએ પ્રતિબંધના જવાબમાં કહ્યું કે એની ડૉક્યુમેન્ટરી કડક રીતે રિસર્ચ કરાયેલી છે અને એમાં ભાજપ સહિતના અગ્રણી લોકોના અભિપ્રાય પણ છે. 
દરમિયાન, જનહિતની અરજીઓ કરવા માટે જાણીતા એમ. એલ. શર્મા નામના એક વકીલે સરકારના પ્રતિબંધને એકપક્ષી અને ગેરબંધારણીય ગણાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે તો બીજી તરફ પત્રકાર એન. રામ અને વકીલ પ્રશાંત ભૂષણે પણ ડૉક્યુમેન્ટરીની લિન્કવાળી ટ્વીટ દૂર કરી દેવાના આદેશ સામે સુપ્રીમમાં અરજી કરી છે. આ બંને અરજીઓ પર સોમવાર, ૬ ફેબ્રુઆરીએ વિચાર કરવા માટે ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ તૈયાર થયા છે.
૨૫ જાન્યુઆરીએ હિ‍ંડનબર્ગ રિસર્ચ નામની ન્યુ યૉર્કસ્થિત ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ગ્રુપ પર એક રિપોર્ટ જારી કર્યો. એનું શીર્ષક હતું, ‘અદાણી સમૂહ : વિશ્વનો ત્રીજા નંબરનો ધનિક કેવી રીતે કૉર્પોરેટના ઇતિહાસમાં સૌથી મોટી ઠગાઈ કરી રહ્યો છે’. હિ‍ંડનબર્ગ ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ કૉર્પોરેટ કંપનીઓ એમના બિઝનેસમાં કેવી ઘાલમેલ કરે છે અને શૅરોમાં શૉર્ટ-સેલિંગ કરે છે એના પર રિપોર્ટ જાહેર કરતી રહે છે. અગાઉ એણે નિકોલા, ક્લોવર હેલ્થ, કાંડી ટેક્નૉલૉજી, લૉર્ડ્સટાઉન મોટર્સ અને ટેક્નોગ્લાસ નામની કંપનીઓના ગોટાળા ઉજાગર કર્યા હતા.
એના તાજા રિપોર્ટમાં હિ‍ંડનબર્ગે અદાણી સમૂહ પર મુખત્વે પાંચ આરોપ મૂક્યા છે : (૧) અદાણી સમૂહની કંપનીઓએ શૅરોની કિંમતમાં ઘાલમેલ (મૅનિપ્યુલેટ) કરી છે અને અકાઉન્ટ ફ્રૉડ કર્યું છે. (૨) અદાણી સમૂહે વિદેશમાં અનેક કંપનીઓ બનાવીને ટૅક્સ બચાવવાનું કામ કર્યું છે. (૩) મૉરિશ્યસ અને કૅરિબિયન ટાપુઓ જેવા ટૅક્સ-હેવન દેશોમાં ઘણી બેનામી કંપનીઓ છે, જેમાં અદાણી સમૂહની કંપનીઓની ભાગીદારી છે. (૪) અદાણીની લિસ્ટેડ કંપનીઓ પર ઘણું દેવું છે, જેનાથી આખું સમૂહ આર્થિક રીતે અસ્થિર છે. (૫) ઊંચા વૅલ્યુએશનને કારણે કંપનીના શૅરોની કિંમત ૮૫ ટકા જેટલી વધુ બતાવવામાં આવી રહી છે. 
આ રિપોર્ટ પછી અદાણીના શૅરોમાં કડાકો બોલ્યો અને માર્કેટમાં ગભરાટ ફેલાયો. કંપનીએ બે તબક્કે આ રિપોર્ટનું ખંડન કર્યું. પહેલી વાર કંપનીના ચીફ ફાઇનૅન્શિયલ ઍફિસર જગશિંદર સિંહે વિડિયો મારફત નિવેદન જાહેર કરીને કહ્યું કે ‘હેન્ડેનબર્ગે રિપોર્ટ અદાણીના એફપીઓને ખોરંભે પાડવાની બદઇરાદાવાળો છે.’ સીએફઓએ આ વિડિયોમાં તેના ડેસ્કની બાજુમાં ત્રિરંગો ધ્વજ ગોઠવ્યો હતો. 
હેન્ડેનબર્ગે એને નિશાન બનાવીને વળતા બયાનમાં કહ્યું કે અમે જે સવાલો ઊભા કર્યા છે એના તાર્કિક જવાબો આપવાને બદલે અદાણી એની ગોલમાલને રાષ્ટ્રવાદમાં છુપાવે છે. બીજા દિવસે સમૂહે ૪૧૩ પાનાંનો જવાબ આપ્યો. એમાં સમૂહની આર્થિક ચોખ્ખાઈની વાતો તો હતી જ, પરંતુ અદાણીએ એમાં એક મહત્ત્વનો ઇશારો કર્યો હતો. તેણે કહ્યું કે ‘આ કોઈ એક કંપની પર અનુચિત હુમલો છે એટલું જ નહીં; એ ભારતની સંસ્થાઓની સ્વતંત્રતા, નિષ્ઠા અને ગુણવત્તા પર અને ભારતની પ્રગતિની કહાની અને મહત્ત્વાકાંક્ષા પર હુમલો છે.’ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કોઈ કંપનીએ એની આર્થિક ઘાલમેલના આરોપોને સમગ્ર ભારત પરના હુમલા તરીકે ઓળખાવ્યા હોય એવી આ પહેલી ઘટના છે.
આ બંને, બીબીસી ડૉક્યુમેન્ટરી અને હિંડનબર્ગ રિપોર્ટ, મોદી સરકાર માટે તકલીફવાળા છે. બીબીસી રિપોર્ટમાં ખેર સીધું નરેન્દ્ર મોદી પર નિશાન છે અને સરકારે ઇમર્જન્સી પાવરનો ઉપયોગ કરીને એના પર પ્રતિબંધ મૂકી દીધો છે. ટેક્નિકલી હેન્ડેનબર્ગ રિપોર્ટ સેબી અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના દાયરામાં આવે છે અને બંને સ્વાયત્ત સંસ્થાઓ છે, પરંતુ આ રિપોર્ટ પણ વડા પ્રધાનને એટલા માટે ‘અડે’ છે કારણ કે વિરોધ પક્ષો લગાતાર આરોપ મૂકતા રહ્યા છે કે અદાણીની પ્રગતિ તેમની મોદી સાથેની ઘનિષ્ઠતાનું પરિણામ છે.
ત્યાં સુધી કે ખુદ ગૌતમ અદાણીએ એનું ખંડન કરવું પડ્યું છે. તાજેતરમાં જ તેમણે પત્રકાર રજત શર્માના ‘આપ કી અદાલત’ કાર્યક્રમમાં સફાઈ આપતાં કહ્યું હતું કે તેમને કોઈ એક સરકારે મદદ નથી કરી. તેમણે કહ્યું હતું કે કૉન્ગ્રેસના શાસનમાં  રાજીવ ગાંધીની, નરસિંહ રાવની અને ગુજરાતમાં ભાજપની કેશુભાઈની સરકારની નીતિઓથી અદાણીની પ્રગતિ થઈ છે.
એટલે આ બંને વિવાદના આર્થિક અને રાજકીય તાણાવાણા એકબીજામાં જોડાયેલા છે. બંને રિપોર્ટ એકસાથે જ જાહેર થયા એ માત્ર યોગાનુયોગ છે કે ગણતરીપૂર્વકની યોજના? એક વર્ગ, ખાસ કરીને સરકારનો સમર્થક વર્ગ, એવું માને છે કે નરેન્દ્ર મોદીની સરકાર અમુક લોકો અને વર્ગને પસંદ નથી એટલે આ બંને રિપોર્ટ જાહેર કરવાનો સમય જાણી જોઈને પસંદ કરવામાં આવ્યો છે.
કેરલાના રાજ્યપાલ આરિફ મોહમ્મદે એવો આરોપ મૂક્યો કે આ વર્ષે ભારતને જી-૨૦નું અધ્યક્ષપદ મળ્યું છે ત્યારે જ આપણા પર બસો વર્ષ સુધી રાજ કરનારાઓ તરફથી આવો મિથ્યા રિપોર્ટ આવ્યો છે.  લોકસભાની ચૂંટણી પહેલાં આવેલા બીબીસીના રિપોર્ટને મોદી સરકારે ભારતને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું છે અને અદાણી સમૂહે પણ હિંડનબર્ગ રિપોર્ટને ભારત પર હુમલો ગણાવ્યો છે. 
પ્રશ્ન એ છે કે બીબીસી કે હેન્ડેનબર્ગને મોદી પાછા સત્તામાં આવે કે ન આવે એમાં શું રસ હોય? ડિપ્લોમસીને જાણતા લોકોને આખી વાતમાં રશિયા-યુક્રેનના યુદ્ધનો ઍન્ગલ દેખાય છે. આ યુદ્ધમાં ભારત ખુલ્લેઆમ રશિયાના પડખે છે. પશ્ચિમના દેશો યુક્રેનને મદદ કરી રહ્યા છે. પશ્ચિમે રશિયા સામે અનેક પ્રતિબંધો લગાવી રાખ્યા છે, પણ ભારતે એના હિતમાં અમુક લે-વેચ ચાલુ રાખી છે. આનાથી ભારત તરફ નારાજગી પ્રવર્તે છે. ઇન ફૅક્ટ, બીબીસી રિપોર્ટના મુદ્દે રશિયા ભારતની તરફેણમાં  બહાર આવ્યું છે. સોમવારે રશિયન વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું હતું કે ‘આ વધુ એક પુરાવો છે કે બીબીસી માત્ર રશિયા જ નહીં, પરંતુ સ્વતંત્ર નીતિઓ પર ચાલતી વૈશ્વિક તાકાતો વિરુદ્ધ અલગ-અલગ રીતે ઇન્ફર્મેશન યુદ્ધ કરી રહ્યું છે. અમુક વર્ષોથી બીબીસી બ્રિટિશ સત્તાની અંદર પણ અમુક જૂથો વતી બીજાં જૂથો સાથે લડાઈ કરી રહ્યું છે.’
એક વાત સાફ છે કે બીબીસી ડૉક્યુમેન્ટરી નરેન્દ્ર મોદીની ઇમેજને નુકસાન કરે એવી નથી. અત્યારે સુધીનો રેકૉર્ડ છે કે જ્યારે પણ હિન્દુ-મુસ્લિમ ધ્રુવીકરણ થયું છે ત્યારે તેમને રાજકીય ફાયદો જ થયો છે. ઊલટાની આ ડૉક્યુમેન્ટરી તો તેમના સમર્થકોમાં ‘મજબૂત નેતા’ની તેમની ઇમેજને વધુ મજબૂત કરે છે. અદાણીનો મામલો વધુ ગંભીર છે અને એટલી ઝડપથી ઠંડો પણ નહીં પડે. માર્કેટ અને મતદારોનો વ્યવહાર સરખો નથી હોતો. માર્કેટે તો એ સાબિત કરી દીધું. હેન્ડેનબર્ગ રિપોર્ટના પગલે અદાણીના શૅર્સનું એટલું ધોવાણ થયું કે બજેટના દિવસે જ તેમણે પૂરો ભરાઈ ગયેલો આઇપીઓ પાછો ખેંચી લીધો. 

columnists narendra modi gujarati mid-day raj goswami