19 February, 2023 01:13 PM IST | Mumbai | Chandrakant Sompura
ફાઇલ તસવીર
૧૯૮૩માં દાદર મંદિરનું પ્રમુખસ્વામીના હસ્તે લોકાર્પણ થયું અને એ મંદિર લોકોને બહુ પસંદ આવ્યું. આર્કિટેક્ચર સેન્સથી પણ એ મંદિરે વિશેષ પ્રભાવ ઊભો કર્યો હતો તો સ્વામીનારાયણ સંપ્રદાયના ભાવિકોને પણ મંદિર બહુ ગમ્યું. તમને અગાઉ કહ્યું હતું એમ, એ સમયે ભાગ્યે જ આ રીતે પથ્થરનાં મંદિરો બનતાં. મંદિરોનું બાંધકામ પણ સિમેન્ટ-કૉન્ક્રીટના સ્તર પર જ થતું અને એવા જ મંદિરનું ચલણ હતું. અગાઉ બનેલાં સ્વામીનારાયણ સંપ્રદાયનાં મંદિરો પણ એ જ પ્રકારનાં હતાં પણ પ્રમુખસ્વામીને થયું કે આપણે નવું કશું કરીએ અને પથ્થરનું મંદિર સમાજને આપીએ. તેમના આ વિચારને મૂર્તિમંત કરવાનું કામ પેપર પર થયું અને દાદર મંદિરનું નિર્માણ થયું.
તમને ખબર છે એમ, મંદિર મુખ્ય માર્ગ પર હતું જેને લીધે જગ્યાના કારણે પણ એ મંદિરનો ઉઠાવ સાવ અલગ જ બન્યો તો મંદિર પ્રત્યેની આસ્થા પણ ખૂબ કામ કરી ગઈ. મારે એક વાત કહેવી છે, સ્વામીનારાયણ સંપ્રદાયની એક ખાસ વાત તમને કહું. નવું કરવા માટે પ્રમુખસ્વામી હંમેશાં તૈયાર હોય. નવું કંઈ તમે મૂકો તો એ બહુ ધ્યાનથી સાંભળે અને પછી ધીમેકથી સ્માઇલ કરીને કહે, આગળ વધો. સામેની વ્યક્તિ પર વિશ્વાસ મૂકવાની જે તૈયારી પ્રમુખસ્વામીમાં છે એવી ભાગ્યે જ કોઈમાં જોવા મળે.
સિત્તેરનો દશક પૂરો થયો અને મંદિરનું કામ શરૂ થયું. બંસીપહાડપુર પથ્થરોનું ઘડતરકામ રાજસ્થાનમાં પણ ચાલે અને મુંબઈમાં પણ ચાલે, જેને લીધે મારે બન્ને જગ્યાએ જતા રહેવું પડે. મુંબઈમાં ચાલતા કામ માટે તો અનેક વખત એવું પણ બન્યું છે કે સવારે અમદાવાદથી મુંબઈ આવ્યો હોઉં અને રાતે પરત થઈ બીજા દિવસે અમદાવાદથી રાજસ્થાન જવા માટે નીકળવાનું બન્યું હોય. એ સમયે ફ્લાઇટની કનેક્ટિવિટી ઓછી હતી પણ ટ્રેનો સરળતાથી મળી જતી એટલે આ અપડાઉનનું કામ શક્ય બનતું હતું.
દાદર મંદિર જે પ્રકારનું પેપર પર હતું એ જ પ્રકારનું બન્યું છે. એની ડિઝાઇન કે એની સાઇઝમાં કોઈ ચેન્જ કરવામાં નથી આવ્યો. તમને કહ્યું એમ, પ્રમુખસ્વામીની વાત કહું તો એ સામેવાળા પર પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા રાખે. હા, તમને પોતાની આવશ્યકતા વર્ણવી દે અને પછી એટલું જ કહે, એવું કામ કરવું કે લોકો જોઈને તમને યાદ કરે! ક્વૉલિટીની બાબતમાં પણ લેશમાત્ર બાંધછોડ નહીં કરવાની એ પણ સ્વામીનારાયણ સંપ્રદાયનો નિયમ છે, જે આજ સુધી અકબંધ રહ્યો છે. આયોજનબદ્ધતા તેમની એવી કે તમે ધાર્યું પણ ન હોય. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની જે શિસ્તબદ્ધતા છે એ પણ ક્યાંય તમને જોવા ન મળે. આ સ્તરનું આયોજન અને શિસ્તતા માત્ર અને માત્ર આર્મીમાં જોવા મળે એવું મારું અંગત માનવું છે.
મુંબઈ મંદિરની વાત કરું તો એમાં જાળીઓ અને એની આસપાસ પરંપરાગત ડિઝાઇન બનાવવામાં આવી છે. સારામાં સારી ડિઝાઇનની તેમની અપેક્ષા હોય પણ પ્રમુખસ્વામી ક્યારેય કશું રિજેક્ટ કરે નહીં. એક વખત મેં તેમને રિજેક્ટ નહીં કરવાનું કારણ પૂછ્યું હતું ત્યારે તેમણે સરસ રીતે સમજાવ્યું હતું કે તમે આ કામના નિષ્ણાત છો તો કંઈક તો વિચારીને જ તૈયાર કર્યું હોય, તમારા એ વિચાર સાથે મારે શું કામ ઘર્ષણ ઊભું કરવું અને એમાં ચંચુપાત કરવી.
આ પ્રકારની વિભૂતિ જો સામેવાળાના વિચારોને આટલું માન આપે અને સન્માન આપી એ વિચારોને સ્વીકારે એવું પ્રમુખસ્વામી સિવાય બીજે ક્યાં જોવા મળે?
જો મારી ભૂલ ન થતી હોય તો દાદરનું સ્વામીનારાયણ મંદિર મુંબઈનું કદાચ પહેલું સ્ટોન મંદિર બન્યું. સિદ્ધિવિનાયક મંદિર પણ પથ્થરનું મંદિર નથી. એ કૉન્ક્રીટનું છે જેમાં ફ્લોરિંગ અને દીવાલોમાં માર્બલ જડવામાં આવ્યો છે. જો મારી ભૂલ ન થતી હોય તો કદાચ એ સાત કે આઠ મજલાનું મંદિર છે. જૂનું છે અને એટલે જ એ ઊંચું છે, કારણ કે એ સમયે પ્રભાદેવી વિસ્તારમાં બહુ મકાનો નહોતાં એટલે પરમિશન મળી હશે એવી ધારણા મૂકું છું પણ એથી વધારે મારી કોઈ એ મંદિર વિશે જાણકારી નથી. કહેવાનો ભાવાર્થ એટલો કે સ્વામીનારાયણ મંદિર સાથે પથ્થરના મંદિરનું મુંબઈમાં ચલણ વધ્યું અને એ પછી તો ઘણાં મંદિર બન્યાં.