કોવૅક્સિન વૅક્સિન કેવી રીતે બની અને એ માટેનું રિસર્ચ વર્ક કેવું હતું તો આ વૅક્સિન માટે કેટલા લોકોએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો એની વાત ‘ગોઇંગ વાઇરલ’માં કહેવામાં આવી છે
બલરામ ભાર્ગવ અને ગોઇંગ વાઇરલ બુક
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે આ વાત ‘ગોઇંગ વાઇરલ’માં કહી છે. કોવૅક્સિન વૅક્સિન કેવી રીતે બની અને એ માટેનું રિસર્ચ વર્ક કેવું હતું તો આ વૅક્સિન માટે કેટલા લોકોએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો એની વાત ‘ગોઇંગ વાઇરલ’માં કહેવામાં આવી છે
‘ગોઇંગ વાઇરલ’ વિશે વાત કરતાં પહેલાં કહેવાનું કે આ બુક કોઈ સામાન્ય વાચક માટે લખવામાં નથી આવી, આ બુકનો હેતુ પણ એ પ્રકારનો નહોતો. ભારોભાર મેડિકલ ટર્મિનોલૉજી ધરાવતી ‘ગોઇંગ વાઇરલ’માં કોઈ મનોરંજક કથા નથી પણ કોરોના વાઇરસના અટૅક પછી જ્યારે વૅક્સિનની વાત આવી ત્યારે ભારત કેવી રીતે એ વૅક્સિન માટે આપબળે ઊભું થયું અને ફૉરેનની કંપની પાસેથી વૅક્સિન લેવાને બદલે હજારો અબજોનું હૂંડિયામણ બચાવવાની જહેમતમાં લાગ્યું એની વાત કહેવામાં આવી છે.
‘ગોઇંગ વાઇરલ’ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે લખી છે અને તેમણે ઇન્ડિયન વૅક્સિન કોવૅક્સિનના જન્મની આખી સફર પોતાની બુકમાં કહી છે. કોવૅક્સિનની આખી સર્જનયાત્રા બલરામ ભાર્ગવની નજર સામેથી પસાર થઈ છે તો સાથોસાથ કોરોના વાઇરસ અને એને લીધે સરકાર દ્વારા લેવામાં આવેલી તમામ ત્વરિત ઍક્શન માટે પણ બલરામ ભાર્ગવને જશ જાય છે. બલરામ ભાર્ગવ શબ્દો ચોર્યા વિના કહે છે, ‘ભારત જેવા દેશ માટે આ પ્રકારની મહામારી સૌથી મોટું જોખમ ઊભું કરી શકે છે પણ એમ છતાં આપણા દેશમાં સૌથી ઓછામાં ઓછું નુકસાન થયું છે અને એની માટે જો કોઈ કારણભૂત હોય તો એ સરકારની તૈયારીઓ.’
ભાર્ગવની વાત બિલકુલ ખોટી નથી. આજે પણ કોરોનાના પાપે ચાઇના હેરાન થઈ રહ્યું છે. હજી હમણાં રવિવારે જ ઑફિશ્યલ ન્યુઝ આવ્યા કે કોરોનાના કારણે મરનારા લોકોની સંખ્યા ફરી એક વાર ચાઇનામાં બેફામ ઝડપે વધતી જાય છે, પણ ઇન્ડિયા એ ખોફમાંથી બહાર નીકળી ગયું છે અને એ માટે જો ખરેખર કોઈને જશ મળવો જોઈએ તો ઇન્ડિયન સાયન્ટિસ્ટ્સ, જેણે જગત આખાને ધ્રુજારી લાવી દેનારી મહામારી માટે અત્યંત વેગવાન રીતે વૅક્સિન શોધી અને એ લોકો સુધી પહોંચાડી. ભાર્ગવે અગાઉ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘જો ઇન્ડિયન વૅક્સિન ન આવી હોત તો આજે આપણો દેશ દેવાળિયો બની ગયો હોત એ વાત કોઈ નકારી નહીં શકે.’ દેશને દેવાળિયો નહીં બનાવવાનું કામ આપણા દેશના મેડિકલ એક્સપર્ટ્સ અને સાયન્ટિસ્ટ્સે કર્યું છે.
‘ગોઇંગ વાઇરલ’ અને ‘ધ વૅક્સિન વૉર’ | બલરામ ભાર્ગવે લખેલી આ બુકના રાઇટ્સ આઠેક મહિના પહેલાં જ ફિલ્મ ડિરેક્ટર-પ્રોડ્યુસર વિવેક અગ્નિહોત્રીએ લીધા અને હવે તેમણે એના પરથી ફિલ્મ અનાઉન્સ કરી ઑલરેડી શૂટ પણ શરૂ કર્યું. ‘ધ વૅક્સિન વૉર’નું શૂટ અત્યારે લખનઉમાં ચાલે છે, જે ફિલ્મ ઑગસ્ટમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.
‘ગોઇંગ વાઇરલ’ના રાઇટ્સ ખરીદવા ઑલરેડી ફરહાન અખ્તર પણ તૈયાર હતો પણ ફરહાનની ઇચ્છા એના પરથી વેબ-સિરીઝ બનાવવાની હતી, જ્યારે વિવેક અગ્નિહોત્રી પહેલેથી જ ફિલ્મ માટે વિચારતા હતા. વિવેકની ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ની સક્સેસ જોયા પછી અને સાથોસાથ વિવેક અગ્નિહોત્રીની દેશદાઝ અનુભવ્યા પછી બલરામ ભાર્ગવે નક્કી કર્યું કે તે ‘ગોઇંગ વાઇરલ’ના રાઇટ્સ વિવેકને જ આપશે.
માત્ર બુક નહીં, બુકથી પણ વિશેષ | ‘ગોઇંગ વાઇરલ’ પરથી બનનારી ફિલ્મમાં માત્ર એ બુકને જ આધાર નથી આપવામાં આવ્યો અને એ રીતે આપી પણ ન શકાય, કારણ કે એ બુકમાં વ્યક્તિગત વાતો બહુ ઓછી છે. દેશ પર અચાનક આવી પડેલી ત્રાસદી, એ ત્રાસદી સામે લડવા માટે બનાવવામાં આવતી જતી સ્ટ્રૅટેજી, એ સ્ટ્રૅટેજી મુજબ આગળ વધતો જતો દેશ, વિરોધ પક્ષ, વિરોધ પક્ષની નીતિ તો સાથોસાથ ચાલતાં રહેતાં સંશોધન અને એ બધામાં આવતી અડચણો વિશે ‘ગોઇંગ વાઇરલ’માં કહેવામાં આવ્યું છે. પણ આ જ બુક પરથી બનતી ફિલ્મમાં બલરામ ભાર્ગવને કૅરૅક્ટર બનાવવામાં આવ્યા છે તો સાથોસાથ દેશનાં અનેક એવાં કૅરૅક્ટર પણ પસંદ કરવામાં આવ્યાં છે જેણે કોરોના પિરિયડમાં દેશ માટે એવું કામ કર્યું હતું, જે ક્યારેય ભૂલી ન શકાય.
‘ગોઇંગ વાઇરલ’માં કોવૅક્સિનની શોધ કેવી રીતે થઈ અને એ માટે શું જહેમત ઉઠાવવામાં આવી હતી એ વાત કરવામાં આવી છે. આ બુકમાં વૅક્સિન બનાવતી વખતે સાયન્સની જે ઇક્વેશન બનાવવામાં આવી હોય એના ઓરિજિનલ ફોટોગ્રાફ્સ પણ મૂકવામાં આવ્યા છે. તમને યાદ હશે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોવૅક્સિન જ લીધી છે. આ કોવૅક્સિનને દેશની સૌથી સેફ વૅક્સિન માનવામાં આવે છે.
ગોઇંગ વાઇરલ : સ્ટોરી શૉર્ટકટ
એની વાત કોરોનાકાળના પ્રારંભથી શરૂ થાય છે. ૨૦૨૦ની ૩૦ જાન્યુઆરીએ દેશમાં કોરોનાનો પહેલો કેસ આવ્યો અને કેરળના એક સ્ટુડન્ટને આઇસોલેટ કરવામાં આવ્યો. હિન્દુસ્તાનમાં અહીંથી કોવિડ-19 વાઇરસની અસર દેખાવી શરૂ થઈ અને એ અસર આગળ વધતાં-વધતાં સેકન્ડ વેવ સમયે તો એ સ્તર પર પહોંચી ગઈ કે લોકો ઍમ્બ્યુલન્સની સાઇરન માત્રથી ધ્રૂજી જતા. આજે હિન્દુસ્તાન જો તન, મન અને ધનથી સુરક્ષિત હોય તો એની પાછળનું સૌથી મોટું કારણ ઇન્ડિયન વૅક્સિન છે. જો એ સમયે ભારતીય વિજ્ઞાનિક, તબીબો અને મેડિકલ એક્સપર્ટ્સે પોતાનો જીવ જોખમમાં મૂકીને વૅક્સિન પર સંશોધન ન કર્યું હોત તો આજે હિન્દુસ્તાન દેવાળિયો બની ગયો હોત અને વિદેશી હૂંડિયામણના નામે દેશની તિજોરી તળિયાઝાટક થઈ ગઈ હોત, પણ નરેન્દ્ર મોદીએ આપેલા પીઠબળનો પૂરતો લાભ લઈ અને પોતાના જીવની પરવા કર્યા વિના કોરોના વાઇરસ પર કામ કરવામાં દિવસ-રાત મચી પડેલા વૈજ્ઞાનિકોએ દેશ અને દેશવાસીઓને બચાવી લેવાનું કામ કર્યું, જેની વિગતવાર અને ઑથેન્ટિક વાતો ‘ગોઇંગ વાઇરલ’માં છે.