બારીમાં આખ્ખું આકાશ! (પ્રકરણ - ૨૧) પિતા-પુત્રીના લાગણીસભર સંબંધોની સપ્તરંગી કથા

05 October, 2025 01:26 PM IST  |  Mumbai | Raam Mori

‘એક વાર આ ન્યુઝ વાઇરલ થયા તો મારી કરીઅર, મારી આટલાં વર્ષોની મહેનત બધા પર પાણી ફરી જશે.’ અચાનક તે બોલતાં અટકી ગઈ જાણે તેને પોતાની ભૂલ સમજાઈ હોય એમ રણજિત સામે જોઈને તે બોલી, ‘આઇઍમ સો સૉરી રણજિત. હું ફરી મારી જ વાત કરવા લાગી!’

બારીમાં આખ્ખું આકાશ! (પ્રકરણ - ૨૧) પિતા-પુત્રીના લાગણીસભર સંબંધોની સપ્તરંગી કથા

માણસ બદલાય છે, ક્ષણેક્ષણ. આ બદલાવ સમય અને અનુભવની દેન છે. જો તે નથી બદલાતો તો તે સ્થળ-કાળમાં મિસફિટ છે, તેની કોઈ જગ્યા નથી. ટકી રહેવા માટે અપડેટ થવું જરૂરી છે. માણસ ઇચ્છે કે ન ઇચ્છે, સમય તેને સમજદારીના લેયર્સ ભેટમાં આપી દે છે. આપણે મોટા ભાગે સ્મૃતિઓમાં જીવીએ છીએ. આપણે અલગ-અલગ સ્થળોમાં, અલગ-અલગ ઘટનાઓમાં, અલગ-અલગ વ્યક્તિઓ સાથે ધબકીએ છીએ. 

દરેક સ્થળમાં આપણે ટુકડે-ટુકડે સચવાયેલા છીએ. જેમ માણસ બે અલગ-અલગ વ્યક્તિ સાથે એકસરખો નથી એમ બે અલગ-અલગ સ્થળોએ પણ તે એકસરખો નથી. દરેક સ્થળ પાસે આપણને કહેવા માટે બહુ બધી વાતો છે. એવી વાતો જેનો અનુભવ હજી આપણને થયો નથી. એક જ સ્થાન પર સ્થિર માણસ કંટાળાજનક છે, એ જ માણસને રસપ્રદ બનાવે છે અલગ-અલગ સ્થળો.

દરેક સ્થળની પોતાની એક ઊર્જા છે. એ જગ્યા પોતે એક વાસણ જેવી છે જ્યાં તેના કદકાઠી મુજબ વ્યક્તિએ પાણી બનીને ગોઠવાઈ જવાનું છે. જે-તે જગ્યા પોતાની ઊર્જા નથી બદલતી, આપણે આપણી ઊર્જામાં વધારો-ઘટાડો કરીને એ જગ્યામાં ગોઠવાઈ જવાનું છે. જો આપણે એ સ્થાન માટે યોગ્ય નથી તો એ જગ્યા ધક્કો મારીને આપણને વર્તુળની બહાર ફેંકી દેશે. અમુક સંબંધો, અમુક સ્થળો અને અમુક સંજોગો સાક્ષીભાવે જોયા સિવાય માણસ પાસે છૂટકો નથી.

મેજર રણજિતને ઍરપોર્ટ સુધી મૂકવા આવેલી અનિકા આખા રસ્તે ચૂપ હતી. કૅબ આવી અને રણજિતે સામાન મૂક્યો ત્યાં સુધીમાં અનિકા કારનો દરવાજો ખોલી અંદર બેસી ગઈ. રણજિતને નવાઈ લાગી હતી કેમ કે અનિકા ઍરપોર્ટ આવવાની છે એવી કોઈ વાત આપસમાં નહોતી થઈ. ઘરથી ઍરપોર્ટ જતાં આખા રસ્તે રણજિતે એક-બે વાર તેને બોલાવવાનો પ્રયત્ન કર્યો પણ અનિકા પાસે બહૂ ટૂંકા જવાબો હતા. રણજિતે નોંધ્યું કે ટૅક્સીની બારીમાંથી આથમતા આકાશને અપલક જોતી અનિકા જાણે ફરી સાત વર્ષની એ અનિકા હતી જે ડલહાઉઝીવાળા લાકડાના ઘરની બારીમાંથી વાદળાંઓના ગુચ્છાઓ જોયા કરતી. 

ટૅક્સી જ્યારે ઍરપોર્ટ પર આવીને ઊભી રહી ત્યારે મેજર રણજિતે હિંમત કરીને પૂછી લીધું, ‘આર યુ ઑલરાઇટ અનિકા? સંજના સાથે જે બોલાચાલી થઈ એ વધારે પડતી...’

‘ઇટ્સ ઓકે બાબા. ચિલ. ઇટ વૉઝન્ટ ફૉર ધ ફર્સ્ટ ટાઇમ. અમારા બન્ને વચ્ચે આવા ઝઘડાઓ બહુ કૉમન છે. વી નો હાઉ ટુ ડીલ. તમે ચિંતા ન કરશો.’

‘બેટા, દરેક સંબંધ એક સમય પછી ફિગર આઉટ કરી જ લેતા હોય છે કે એણે એકબીજા સાથે કેવી રીતે ડીલ કરવું. ચિંતા મને તારી એકલતાની છે. હું હવે નથી અને તું...’

‘આમ પણ અત્યાર સુધી એકલી જ હતીને બાબા?’

રણજિત ટગર-ટગર અનિકાની આંખોમાં જોતા રહ્યા, ‘ના, આ ટૉન્ટ નથી બાબા. ખરેખર મને મારી સાથે જીવતાં ફાવી ગયું છે. બહુ અઘરું નથી પોતાને ઓળખીને જાત સાથે જીવવું.’

‘અનિકા, મારા અનુભવથી કહું છું બેટા, કે જાત સાથે જીવવાનું એક વાર ફાવી ગયું તો પછી બીજી વ્યક્તિ સાથે જીવવું અઘરું થઈ પડે છે. તમને જો તમારી એકલતા ગમી ગઈ તો એ એકલતા એકાંત બની જાય અને પછી જીવનમાં પ્રવેશતી કોઈ નવી વ્યક્તિ માટે બારણું તો શું, બારી ખોલવા પણ તમે રાજી ન થાઓ.’

‘બાબા, હું તમારી દીકરી છું. મા અને તમારી પાસેથી ટકી રહેવાના અને જાતને રાજી રાખવાના ગુણો મને વારસામાં મળ્યા છે. હું મને મૅનેજ કરી લઈશ. તમે મનમાં કોઈ ઉચાટ ન રાખશો.’

રણજિતે કારમાંથી સામાન કાઢ્યો, મીનવાઇલ અનિકાએ ટૅક્સીના પૈસા ચૂકવ્યા. મેજર રણજિતના હાથમાં ટિકિટની પ્રિન્ટ કૉપી આપીને અનિકાએ સ્મિત કરવાનો પ્રયત્ન કર્યો.

‘અનિકા, આજે મારા કારણે જે કંઈ થયું એના માટે સૉરી બેટા.’

‘બાબા, તમારો કોઈ વાંક નથી. તમે નેટ પર વાંચી-વાંચીને એવું નક્કી કરી લીધું કે લેસ્બિયન અને ગે લોકોને આવું ગમે જ. દરેક જણ રસ્તા વચ્ચે ઝંડા લઈને નીકળે, લોકોને સામેથી ઉકસાવે, સામાવાળો માણસ અન્કમ્ફર્ટેબલ ફીલ કરે એ હદ સુધીની નારેબાજી કે ચેનચાળા, છ રંગના પ્રાઇડ કલરનાં કપડાં પહેરવા, નખ અને વાળને તમામ રંગે રંગીને અભિવ્યક્તિમાં ખપાવવી દરેક વાત આ બધું ઍટ લીસ્ટ મારા માટે ઓવરરેટેડ છે બાબા. સ્ટિરિયોટાઇપ.’

‘પણ એનો અર્થ એ બિલકુલ નથી કે સંજના ખોટી છે અનિકા.’

‘અફકોર્સ નૉટ બાબા. મેં એવું ક્યારેય નથી કહ્યું કે સંજના ખોટી છે. હું બસ એ અભિવ્યક્તિ સાથે સહમત નથી એટલું જ. મને લાઉડ બિહેવિયર નથી પસંદ. મને નથી લાગતું એ રીતે લોકોનું ધ્યાન ખેંચીને કોઈ ક્રાન્તિ થઈ શકતી હશે. આવું બોલીને હું એ વાતને બિલકુલ અવૉઇડ નથી કરી રહી કે કમ્યુનિટી કેટલી અગત્યની છે. LGBTQA+ કમ્યુનિટી અને તેમની ઍક્ટિવિટી સમુદાયના લોકોને ટકાવી રાખવાની ઊર્જા પૂરી પાડે છે. ‘તમે જીવનમાં એકલા નથી’, ‘અમે તમારી સાથે છીએ’ એવી હૂંફ એ લોકો પૂરી પાડે છે. પણ એવું છે બાબા, ધીમે-ધીમે આખી ઍક્ટિવિટી પૉલિટિકલ થઈ રહી છે. ધર્મ અને રાજકારણ જે રીતે અમારા સમુદાયની પ્રવૃત્તિમાં એન્ટર થયા એ જોઈને હું પરેશાન છું. મોટા ભાગના કેસમાં જે થાય છે એવું જ કે ઍક્ટિવિસ્ટો સમાજ માટે ઓછું ને પોતાના માટે વધુ મથે છે એવું અહીં પણ થઈ રહ્યું છે.’

‘હું તો કાયમ એવું માનું છું કે ધર્મ, રાજકારણ, ક્રિકેટ અને બૉલીવુડ આ ચર્ચા ભલભલી મિત્રતા અને સંબંધોમાં ખટાશ લાવી દે છે.’

‘તો બાબા, ફરક માત્ર એટલો છે કે આ બધું મારા માટે ગૂંગળામણ છે તો સંજના માટે ખુલ્લી બારીમાંથી આવતો પ્રકાશ. તેને બહુ મજા પડે છે આ બધી પ્રવૃત્તિઓમાં. હું તેને રોકી નથી શકતી પણ મારી જાતને એમાં સમાવી પણ નથી શકતી.’

થોડી વાર ચુપ્પી રહી પછી ખોંખારો ખાઈ મેજર રણજિત બોલ્યા, ‘આ છ-સાત મહિનામાં જીવનને જે રીતે જોતાં શીખ્યો છું અનિકા એવી નજર તો મને આજ સુધી મળી નહોતી.’

‘લાઇફ ઇઝ ફુલ ઑફ સરપ્રાઇઝિસ બાબા. આગળની ક્ષણમાં હવે જે કંઈ થવાનું છે એ બધું નવું છે અને પહેલી વાર છે જો આપણે આંખ, કાન અને હૈયું ખુલ્લું રાખીએ તો.’

‘મને તો એવું સમજાયું છે કે જીવનના દરેક તબક્કે કોઈ એક વ્યક્તિ અને કોઈ એક સંબંધ એવો હોય છે જે આપણી રાહ જુએ છે.’

‘વાઉ બાબા, જસ્ટ લુક ઍટ યુ. મને આજે પણ એ દિવસ યાદ છે જ્યારે તમે પહેલી વાર મુંબઈ આવેલા. ધ બેસ્ટ ઑફ યુ એવા વર્ઝન સાથે તમે મા પાસે જઈ રહ્યા છો.’

જવાબમાં મેજર રણજિત એકદમ ગર્વથી પોતાની દીકરીને જોતા રહ્યા. અનિકાએ હિંમત કરી અને બાબાને ગળે મળવા આગળ વધી એ જ સમયે રણજિતે ગુડ બાય કહેવા શેકહૅન્ડ માટે હાથ લંબાવ્યો. અનિકા એકદમથી ભોંઠી પડી. હવે મેજર રણજિત ગળે મળવા આગળ આવ્યા ત્યાં અનિકાએ શેકહૅન્ડ કરવા હાથ લંબાવ્યો. બન્ને જણ હસી પડ્યાં. અંતે અરધું-પરધું કહેવાય એવું ગળે મળ્યાં બન્ને. બન્નેમાંથી કોઈને ખાસ ફાવ્યું નહીં પણ આલિંગન લીધું અને દીધું એ વાતનો સંતોષ બન્નેના ચહેરા પર હતો. 

‘બાબા, હું તમને મિસ કરીશ.’

રણજિતને આ સાંભળીને બહુ સારું લાગ્યું. તેમની આંખો ભીની થઈ.

‘તો બાબા, મુંબઈ ક્યારે પાછા આવશો?’

‘મારી દીકરી બોલાવે ત્યારે!’

અનિકાની આંખો છલકાઈ. 

‘થૅન્ક યુ બેટા. મને તારા ઘરમાં અને જીવનમાં ફરી પ્રવેશ આપવા માટે!’ રણજિતનું ગળું ભરાઈ આવ્યું. અનિકાએ પર્સમાંથી પાણીની બૉટલ કાઢી. બાબાને પાણી આપ્યું અને પોતાની આંખો લૂછી.

‘બાબા, મા સાથે ઝઘડો ન કરતા. શાંતિથી વાત કરજો.’

‘મારે તો ઝઘડો કરવાની કોઈ જરૂર જ નથી પડતી. મારે તો માત્ર નમસ્તે જ કહેવાનું છે, બાકીનું કામ તે આપોઆપ પૂરું કરી દેશે.’

‘ઓહ કમઑન બાબા.’ બન્ને બાપ-દીકરી હસ્યાં.

‘તારે તારી માને કોઈ મેસેજ આપવો છે?’

‘ના.’

‘આર યુ શ્યૉર?’

‘તેમને કહેજો કે મારા મોબાઇલમાં તેમનો નંબર હજી પણ સચવાયેલો છે.’

જવાબમાં મેજર રણજિતે હકારમાં માથું ધુણાવ્યું.

‘બાબા, આઇ થિન્ક નાઓ યુ શુડ ગો. છેલ્લી ઘડીએ દોડાદોડી થશે એના કરતાં શાંતિથી ચેકઇન કરી કૉફી લઈને લાઉન્જમાં નિરાંતે બેસજો.’

મેજર રણજિતે પોતાની બૅગ લીધી. અનિકાના માથા પર હાથ મૂક્યો અને એક ડગલું આગળ ચાલીને અચાનક અટક્યા. પાછળ ફરીને બોલ્યા, ‘અનિકા, તને ખોટું ન લાગે તો એક વાત કહું?’

અનિકાને નવાઈ લાગી કે હવે કઈ વાત કહેવાની બાકી રહી ગઈ હશે.

‘બોલોને બાબા.’

‘ડોન્ટ જજ મી જો તને ઑક્વર્ડ લાગે તો. અગાઉથી કહી દઉં છું.’

અનિકા અકળાઈને હસી, ‘બોલો હવે!’ 

‘તું અને સંજના ઘરમાં જ્યારે ઝઘડતાં હતાં પ્રાઇડ કલર્સ અને મન્થ બાબતે ત્યારે મને એક વિચાર આવેલો...’

આટલું કહી મેજર રણજિત અટક્યા અને અનિકાના ચહેરાને ધારી-ધારીને જોવા લાગ્યા.

‘આગળ તો બોલો. કેવો વિચાર?’

‘મને થયું કે જેમ અમે લોકો પતિ-પત્ની ઝઘડતાં હોઈએ એવા ઝઘડા તમારા લોકોમાં પણ થાય? એ કેવું નહીં?’

જવાબમાં અનિકા ખડખડાટ હસી પડી. તેને હસતી જોઈને મેજર રણજિતને પણ હસવું આવી ગયું તો પણ તે બોલ્યા, ‘ના, પણ તું જ કહે મને. શું ફાયદો તમે લેસ્બિયન છો કે ગે છો કે બીજું કંઈ પણ, જો તમારે અંતે તો સોસાયટીનાં બીજાં બધાં કપલની જેમ ઝઘડા જ કરવાના હોય તો? ફરક શું તમારામાં અને અમારામાં એમ!’

અનિકા એટલુંબધું હસી કે તેને પેટમાં દુખવા લાગ્યું. મેજર રણજિતે તાત્કાલિક પાણીની બૉટલ આપી તો હસતાં-હસતાં તે સરખું પાણી પણ ન પી શકી. અનિકાને છેલ્લે આટલી ખડખડાટ હસતી ક્યારે જોયેલી એ રણજિતને યાદ નહોતું. રણજિતના મનમાં કદાચ આવી જ વિદાય હતી. એ મુંબઈ છોડીને જતા હોય અને અનિકા હસતી હોય.

ગ્લાસ વૉલની આરપાર બાબા દેખાતા બંધ થયા ત્યાં સુધી અનિકા ત્યાં ઍરપોર્ટ પર ઊભી રહી.

આંખો ભીની હતી, ચહેરા પર સ્મિત અને હાથ હવામાં એવી રીતે હલતો હતો જાણે કોઈ પહાડી સફેદ વાદળથી અનિકા પોતાનું અંગત આકાશ લૂછી રહી હતી જ્યાં હવે કોઈ ડાઘ નહોતા.

મેજર રણજિત વારંવાર પાછું ફરીને જોતા હતા. જીવનમાં આજ સુધી પાછું ફરીને જોતાં તે શીખ્યા નહોતા.

તે જેમ-જેમ આગળ વધતા હતા એમ-એમ અનિકા વધુ ને વધુ નાની બની રહી હતી.

ભીની ધૂંધળી આંખોમાં રણજિતને ડલહાઉઝીનું બે માળનું લાકડાનું જૂનું ઘર દેખાયું જેની દીવાલોમાં લીલી કૂંપળો પાંગરી હતી.

અનિકાના રૂમની કાચની મોટી બારી દેખાઈ જેના પર મેઘધનુષ્યના સાતે રંગ ખીલી ઊઠ્યા. 

ધરમશાલાનું પોતાનું લાકડાનું વુડન હાઉસ દેખાયું જેમાં સફેદ વાદળોના ગુચ્છાઓ ઊભરાવા લાગ્યા.

ઘરના વરંડામાં ધુમ્મસની પેલે પાર પેઇન્ટિંગ કરતી કલ્યાણીના કૅન્વસને પાંખો ફૂટી.

દેહરાદૂનની બોર્ડિંગ સ્કૂલમાં જૂનાપુરાણા ચર્ચમાં લયબદ્ધ ઘંટારવ સંભળાય છે. મીણબત્તીઓની લાંબી જ્યોતિ ચર્ચની દીવાલોમાં લાગેલા ગ્લાસ પેઇન્ટિંગના રંગોમાં પ્રકાશ પૂરી રહી છે.

ચર્ચની વૃદ્ધ નન અને વૉર્ડન નૅન્સીની સાથે ઘૂંટણિયે બેસીને નાનકડી અનિકા આંખો બંધ કરી એક સૂરમાં પ્રાર્થના ગાઈ રહી છે.

સંજના અને ડૉ. આદિત્ય કશ્યપ પહાડોના ઢોળાવમાંથી વહેતી નદીમાં પગ બોળીને બેઠા છે. શેરા અને શિઝુકા પૂંછડી પટપટાવતા તેમની આસપાસ આંટા મારે છે. માણિક એ બધા માટે કાચની પ્યાલીમાં ગરમ-ગરમ ચા લઈને આવી રહ્યો છે. પહાડોમાંથી વહેતા ધોધનો અવાજ સંભળાયા કરે છે. દૂર કોઈ ઘેટાં ચરાવનાર ભરવાડ વાંસળી વગાડી રહ્યો છે.

આર્મીનાં કપડાંમાં સજ્જ મેજર રણજિત પોતાની આર્મી બૅગમાં સ્નોફૉલમાં વરસતા બરફને ભરી રહ્યા છે કેમ કે સાત વર્ષની દીકરી અનિકાએ બૅગ ભરીને બરફ મગાવ્યો છે.

ભારત-પાકિસ્તાનની બૉર્ડર પર પહાડી ઢોળાવના છેડે પથરાયેલા ગામની પેલી પહાડી બાળા ટગર-ટગર મેજર રણજિતને જોઈ રહી હતી. બૉર્ડર તાર ફેન્સિંગ ઓગળી ગઈ. મેજર રણજિત દોડીને આંસુ લૂછતી પહાડી બાળા સુધી પહોંચી ગયા. ઝાડીમાં ભરાયેલો બુરખો તેમણે હળવેથી કાઢી આપ્યો. પેલી પહાડી બાળાએ મેજર રણજિતના ગાલે ચુંબન કર્યું.

સિયાચીનના બર્ફીલા પહાડોના ઇગ્લૂમાં સૂતેલા રણજિતના શરીરમાં હૂંફ છલકાઈ. તેમણે આંખ ખોલી તો તેની છાતીની ડાબી બાજુ માથું મૂકીને સાત વર્ષની અનિકા સૂતી હતી. રણજિતની આંખો છલકાઈ. તેમણે નજર ફેરવી તો છાતીની જમણી બાજુ તેમના હાથના બાવડાનું ઓશીકું બનાવી કલ્યાણી લગોલગ સૂતી હતી. રણજિતને લાગ્યું કે જો સુખને સ્પર્શી શકાય, જોઈ શકાય, અડકી શકાય તો એ આ જ સુખ છે.  

બર્ફીલા પવનના સુસવાટા સંભળાય છે, દેવદાર અને ચીડનાં વૃક્ષો ડોલી રહ્યાં છે. વૃક્ષો પરથી શંકુ આકારનાં સૂકાં ફળો રસ્તાની બન્ને બાજુ વહેતા પવન સાથે ખરી રહ્યા છે.

 દૂર કાશ્મીરના પહાડની ટૂંક પર આર્મી બેઝ કૅમ્પની છાવણી બહાર મેજર રણજિતનો સાથીદાર ફૌજી કિરપાલસિંહ તાપણી સંકોરી રહ્યો છે. તેના ખિસ્સામાં ‘બૈસાખીએ ઘરે આવજો’ એવી વિનંતીવાળો ગર્ભવતી પત્ની કુલવિન્દરનો કાગળ હતો. ગળગળા અવાજે કિરપાલસિંહ ચિશ્તી સંપ્રદાયના સ્થાપક બાબા ફરીદની રચના ગાઈ રહ્યો છે, ‘કાગા સબ તન ખાઈયો, ચુન ચુન ખાઈયો માંસ દો નૈના મત ખાઈયો, પિયા મિલન કી આસ’ ...ને પછી બધું ધૂંધળું. ઍરક્રાફ્ટનો અવાજ. ફ્લાઇટમાં અવાજો. ઍર-હૉસ્ટેસની સૂચનાઓ. ઝીણી હવાના સુસવાટા. પેટમાં મોજાંની જેમ ઊછળતું કશુંક. બધું સ્થિર!

ઍર-હૉસ્ટેસે હળવેથી મેજર રણજિતનો ખભો થપથપાવ્યો. રણજિતની આંખ ખૂલી ત્યારે તેમને સમજાયું ફ્લાઇટમાં તે એકલા હતા.

‘એક્સક્યુઝ મી સર, આપણે દિલ્હી લૅન્ડ થઈ ચૂક્યા છીએ. તમારા માટે વ્હીલચૅર મગાવું?’

ઊંડા શ્વાસ લઈ રણજિતે હથેળી ઘસી અને તેમના શરીરમાં ગરમાટો આવ્યો, ‘નો થૅન્ક્સ. આઇ ઍમ ફિટ ઍન્ડ ફાઇન.’

રણજિત જ્યારે ફ્લાઇટની બહાર નીકળ્યા ત્યારે ચારેકોર દિલ્હીનું અંધારું તેમને ઘેરી વળ્યું.

lll

કલ્યાણીના ભવ્ય ફ્લૅટના અતિભવ્ય ડ્રૉઇંગ રૂમમાં સોફા બેસીને મેજર રણજિત કૉફી પી રહ્યા હતા. સામેના સોફા પર કોરી ખાદીનો ઑફવાઇટ કફતાન ડ્રેસ પહેરીને પગ વાળીને બેસેલી કલ્યાણી નિરાંતે ગ્રીન ટી પી રહી હતી. એ ગ્રીન ટીની બે સિપ વચ્ચે ગળામાં પહેરેલા ડાયમન્ડ નેકલેસને પંપાળી લેતી તો વળી ઉપર ઈરાની ઝુમ્મર તરફ જોઈ લેતી. અહીં તેની સામે મેજર રણજિત બેઠા છે એ વાતથી જાણે તેને કોઈ ફરક જ નથી પડી રહ્યો. વચ્ચે-વચ્ચે એક-બે આર્ટ ગૅલેરીના એક્ઝિબિશન્સના કૉલ્સ આવી ગયા, એક પ્રિન્ટ મીડિયાએ ઇન્ટરવ્યુ માટે કૉલ કરી લીધો. એક બિલ્ડર ગ્રુપ સાથે ડીલ ડન કરી. મેજર રણજિત શાંત બેઠા હતા.

આખરે કલ્યાણીથી ન રહેવાયું. તેણે રણજિત તરફ જોયું અને બોલી, ‘સી રણજિત. મારી લાઇફ કેટલી હૅપનિંગ છે. તું જોઈ શકે છે કે મારી પાસે બિલકુલ સમય નથી.’

‘હા, જોઈ શકું છું કે તું વ્યસ્ત છે એવું મને બતાવવા કેટલું મથી રહી છે.’

‘મારે શો-ઑફ કરવાની કોઈ જરૂર નથી. મને કોઈ ફરક નથી પડતો.’

‘આટલાં વર્ષો પછીયે મને નહીં સમજાય કે તને કેટલો ફરક પડે છેને કેટલો નહીં?’

કલ્યાણીએ ગુસ્સામાં ટેબલ પર ગ્રીન ટીનો કપ પછાડ્યો.

‘લેક્ચર માટે આવ્યો છે તું?’

‘આમ તો હા!’

‘મારી પાસે સમય નથી રણજિત.’

‘હવે તો કશુંક નવું લાવ કલ્યાણી. આટલાં વર્ષોથી તું આ એકની એક રેકૉર્ડ વગાડે છે કે તારી પાસે સમય નથી.’

‘યુ નો વૉટ રણજિત. યુ આર અ લૂઝર. લાઇફમાં કશું જ નથી કરી શક્યો તું. એક સ્ત્રીની સફળતા તને પચી નથી. તેનો રુઆબ તારાથી ક્યારેય સહન નથી થઈ શક્યો. ધ કલ્યાણી શ્રોફના હસબન્ડ તરીકે ઓળખાવામાં તને શરમ આવી છે કાયમ.’

‘નૉટ અગેઇન કલ્યાણી. બહુ થયું આ બધું. મારી ખામીઓ અને તારી ઉપલબ્ધિઓ વિશે વાત કરવા આ જન્મ ટૂંકો પડશે. એ બધું ફરી ક્યારેક. આજે આપણે અનિકા માટે ભેગાં થયાં છીએ. લેટ્સ ટૉક અબાઉટ હર.’

અનિકાનું નામ સાંભળીને કલ્યાણી જાણે એકદમથી છળી ઊઠી. સોફા પરથી ઊભી થઈ ગઈ અને અદબ વાળીને આમ-તેમ આંટા મારવા લાગી. તેણે દબાવી રાખેલો ગુસ્સો ભભૂકી ઊઠ્યો.
‘મારે તેના વિશે કોઈ વાત નથી કરવી.’

‘તેં મને મુંબઈ મોકલ્યો હતો.’

‘ઓહ યેસ. થૅન્ક ગૉડ તને યાદ છે. રિયલી? જે કામ માટે મોકલ્યો એ તો કશું કર્યું નહીં. વકીલ બનીને પાછો આવ્યો છે. ક્લિયરલી દેખાય છે મને કે તું તારી દીકરીનો પક્ષ લઈને મળવા આવ્યો છે.’
‘આપણી દીકરી. ફૉર ગૉડ્સ સેક ક્યારેક તો તેને આપણી દીકરી તરીકે ઓળખ.’

‘મેં કાયમ બધાનો વિચાર કર્યો છે. સોસાયટી શું વિચારે છે, બધાનું કેવું દેખાશે. મૅનર્સ ઍન્ડ સંસ્કાર બધું જ જાળવ્યું છે આજ સુધી. અનિકાએ જે બેજવાબદારીભર્યું પગલું લીધું છે એ ક્લિયરલી મારાં લક્ષણો નથી. તે તેના બાપ પાસેથી શીખી છે કે સેલ્ફ-સેન્ટર્ડ કેવી રીતે બની શકાય.’

મેજર રણજિત અકળાયા. તેમણે પોતાનું માથું પકડ્યું.

‘મી, માયસેલ્ફ ઍન્ડ માઇન. તને થાક નથી લાગતો કલ્યાણી?’

‘લાગે છે. જ્યારે મારા પોતાના લોકો મારી લાગણી સમજતા નથી ત્યારે બહુ થાક લાગે છે. અનિકા લેસ્બિયન પાર્ટનર બનાવી બેઠી. શું નામ છે એ ફકિંગ બાસ્ટર્ડ છોકરીનું જેણે અનિકાને ફસાવી છે?’

‘કલ્યાણી, તારું મોઢું સંભાળ. તેનું નામ સંજના છે.’

‘ઓહ વકીલાતનું ખાસ્સું મોટું કામ લઈને આવ્યા છો મેજર રણજિત.’

રણજિતે પોતાની મુઠ્ઠીઓ વાળી. હોઠ દબાવ્યા અને ગુસ્સા પર માંડ-માંડ કાબૂ મેળવ્યો. કલ્યાણીને પણ સમજાઈ ગયું કે થોડું વધારે પડતું આકરું વર્તન થઈ ગયું છે એટલે તેણે પોતાની જાતને રોકી. થોડી સ્વસ્થ થઈ. અવાજમાં બની શકે એટલી મીઠાશ રાખવાનો પ્રયત્ન કરી તે રણજિતની બાજુમાં બેસી ગઈ.

‘રણજિત, અનિકા કરી રહી છે એ બરાબર નથી. એમાં આપણા કોઈનું ભલું નથી. સૃષ્ટિ વિરુદ્ધની વાત છે. મેં નેટ પર વાંચેલું કે આ એક પ્રકારનું મહાપાપ છે. આપણી સંસ્કૃતિ તો કેટલી પવિત્ર છે યુ નો. અનિકાને આપણે નહીં રોકીએ તો કોણ અટકાવશે? તું મુંબઈ ગયો પણ ગૉડ નોઝ તેં શું કર્યું. મારા એક પણ પ્રશ્નના સરખા જવાબો નથી આપ્યા તેં. તારા મનમાં પણ શું છે મને ક્યારેય કશું સમજાતું નથી. હું એકલી-એકલી અહીં મનોમન બહુ જ રિબાઈ છું.’

કલ્યાણી બોલતી રહી અને મેજર રણજિત સોફા પરથી ઊભા થયા. સામેની દીવાલના ટેકે અખબારના કાગળોમાં વીંટળાયેલા કલ્યાણીનાં નવાં પેઇન્ટિંગ્સને કવરમાંથી બહાર કાઢી-કાઢીને તે ધારી-ધારીને જોવા લાગ્યા. કલ્યાણીને નવાઈ લાગી અને સારું પણ લાગ્યું કે રણજિતે મારા કામમાં આટલો રસ તો ક્યારેય નથી લીધો.

‘રણજિત? શું કરે છે તું?’

‘તારું કામ જોઉં છું.’

‘રિયલી? તને ગમ્યું? છેલ્લા એક વર્ષથી હું આ થીમ પર કામ કરતી હતી. ઇનર કેઓસ. માણસના મનમાં ચાલતી ગડમથલોમાં મને બહુ રસ પડ્યો છે. આવતા મહિને ન્યુ યૉર્કમાં મારું આ એક્ઝિબિશન લાગવાનું છે. ધી ઇનર કેઓસ બાય કલ્યાણી શ્રોફ.’

‘પણ આ બધું છે શું?’

‘સૉરી? હું તારો સવાલ સમજી નહીં.’

 કલ્યાણી સોફા પરથી ઊભી થઈ અને રણજિતની લગોલગ આવીને ઊભી રહી.

‘આઇ મીન આ શું છે? આને કંઈ પેઇન્ટિંગ થોડાં કહેવાય?’

‘ઓહ હેલો? હવે તું મને સમજાવીશ કે કોને પેઇન્ટિંગ કહેવાય રણજિત?’

કલ્યાણીનો ચહેરો ગુસ્સાથી તમતમી ઊઠ્યો.

‘એટલે સૉરી કલ્યાણી, તને હર્ટ થયું હોય તો પણ મેં નાનપણથી પેઇન્ટિંગ્સ વિશે જે કંઈ સમજ કેળવી છે એમાં તો હાથ, પગ, આંખ અને આખું શરીર સ્પષ્ટ દેખાય. આમાં તો કશી ખબર નથી પડતી.’

‘રણજિત, આ આર્ટ છે, રિયલ આર્ટ. આને ઍબ્સ્ટ્રૅક્ટ પેઇન્ટિંગ કહેવાય.’

‘પણ હું આને પેઇન્ટિંગ ગણતો નથી.’

‘જસ્ટ બિકૉઝ તને ખબર નથી પડતી એટલે એ પેઇન્ટિંગ નથી એમ? તને સમજ પડે કે ન પડે આ પેઇન્ટિંગ છે જ. તને ન સમજાય એટલે એનું અસ્તિત્વ જ ન હોય એ કેવું? તારા માનવા ન માનવાથી પેઇન્ટિંગને કોઈ ફરક નહીં પડે. એ તો છે અને રહેશે જ.’

રણજિતે કલ્યાણીનો હાથ પકડ્યો અને ઉષ્માસભર અવાજે કહ્યું.

‘હું પણ એ જ સમજાવવાનો પ્રયત્ન કરું છું કલ્યાણી. આપણી દીકરીની સેક્સ્યુઆલિટી ઍબ્સ્ટ્રૅક્ટ પેઇન્ટિંગ છે. આપણને સમજાય નહીં એટલે એનું અસ્તિત્વ જ ન હોય એ કેવું? આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ... આ સેક્સ્યુઆલિટી હતી, છે અને રહેશે. આકાશમાં ટમટમતા હજારો તારાઓની જેમ જેનું નામ આપણને આજ સુધી ખબર નથી પણ એ છે જ!’

કલ્યાણીની આંખો છલકાઈ. જાણે થાકીને તે જમીન પર ભાંગી પડી.

‘એક વાર આ ન્યુઝ વાઇરલ થયા તો મારી કરીઅર, મારી આટલાં વર્ષોની મહેનત બધા પર પાણી ફરી જશે.’ અચાનક તે બોલતાં અટકી ગઈ જાણે તેને પોતાની ભૂલ સમજાઈ હોય એમ રણજિત સામે જોઈને તે બોલી, ‘આઇઍમ સો સૉરી રણજિત. હું ફરી મારી જ વાત કરવા લાગી!’

રણજિત દરદભર્યું હસ્યા અને કલ્યાણીને જમીન પરથી ઊભી કરી.
‘ના. તું શું કામ સૉરી બોલે છે. હું સમજી શકું છું. કેટલાક લોકો એટલા બિચારા અને બદનસીબ હોય છે જે પોતાના સિવાય બીજા કોઈ વિશે વિચારી નથી શકતા. પણ તને એટલી બાંહેધરી આપું છું કે અનિકા બિચારી નથી. અનિકા પોતાની સેક્સ્યુઆલિટી વિશે જાહેરમાં હમણાં તો કોઈ નિવેદન નથી આપવાની. કમઆઉટ થવાનો હાલપૂરતો તો તેનો કોઈ પ્લાન નથી.’

કલ્યાણીને લાગ્યું કે છાતી પરથી જાણે ભવ-ભવનો ભાર ઓછો થયો. તે વિચારે ચડી કે આટલી હળવાશ તો છેલ્લે તેણે ક્યારે અનુભવેલી?

અચાનક રણજિકનો ફોન રણક્યો. તેમણે સ્ક્રીનમાં જોયું.

‘અનિકાનો ફોન.’

કલ્યાણીએ આ વાતે ખાસ કંઈ રસ ન બતાવ્યો નહીં. રણજિતે કૉલ રિસીવ કર્યો અને સામા છેડે અનિકાનું હૈયાફાટ રુદન સંભળાયું. રણજિત એક ધબકારો ચૂકી ગયા.

‘અનિકા? આર યુ ઑલરાઇટ?’

‘બાબા...બાબા તમે પ્લીઝ પાછા આવી જાઓ.’

‘હેલો, શું થયું બેટા?’

કલ્યાણીના કપાળની રેખાઓ તંગ થઈ. એ એક ડગલું આગળ આવી ફોન પાસે.

‘બાબા, ઇટ્સ ઓવર. મારી અને સંજના વચ્ચે બધું પૂરું થઈ ગયું.’

‘એટલે? હું સમજ્યો નહીં અનિકા. બેટા તું રડ નહીં. શાંત થા. મને સરખી રીતે વાત તો કર.’

‘બાબા, અમે છૂટાં પડી ગયાં!’

‘વૉટ? શું કામ? બે દિવસમાં એવું તે શું થઈ ગયું?’

અનિકા ક્યાંય સુધી રડતી રહી.

‘બાબા, આઇ જસ્ટ નીડ યુ. તમે પ્લીઝ મારી પાસે આવી જાઓ. થોડો સમય બસ. હું તમને વધારે નહીં રોકું.’

‘અનિકા. કામ ડાઉન. હું અત્યારે  જ ઍરપોર્ટ જવા નીકળું છું બેટા. રિલૅક્સ. હું આવું છું મારી દીકરી.’

મેજર રણજિતે ફોન કટ કર્યો. ટેબલ પર મુકાયેલા જગમાંથી પાણી પીધું. તેમના ધબકારા વધી ગયા હતા. આંખો ભીની હતી. કલ્યાણીને ખરેખર ચિંતા થઈ. તેણે રણજિતના ખભે હાથ મૂક્યો અને સંયત અવાજે બોલી, ‘રણજિત, બધું બરાબર છેને? શું થયું? અનિકા કેમ રડતી હતી?’

થોડી ક્ષણો રણજિત કલ્યાણીની આંખોમાં જોતા રહ્યા અને ધીરેથી બોલ્યા, ‘તને ખરેખર રસ નહીં પડે આખી વાતમાં. સાચું કહું તો તને સમજાવવાનો હવે મારી પાસે સમય પણ નથી.’

કલ્યાણી ડઘાઈ ગઈ. મેજર રણજિત ઊભા થયા. પોતાનો કોટ પહેર્યો અને દરવાજા તરફ ઉતાવળી ચાલે ભાગ્યા. કલ્યાણી રીતસરની ચિલ્લાઈ ઊઠી. એ અવાજમાં તિરાડો હતી, પીડા હતી.

‘રણજિત! તું અને તારી દીકરી મને આ રીતે તમારા જીવનમાંથી હાંકી કાઢશો? મારી કોઈ જગ્યા જ નથી?’

રણજિત એક ક્ષણ પૂરતા રોકાયા. ઊંડો શ્વાસ લીધો અને કલ્યાણી સામે જોયું.

‘તારી દીકરીએ તારા માટે એક સંદેશો કહેવડાવ્યો છે. તેના મોબાઇલમાં તારો નંબર સચવાયેલો છે, હજી પણ!’

અને મેજર રણજિતની પાછળ ફ્લૅટનો દરવાજો બંધ થયો.

વિશાળ લૅવિશ ડ્રૉઇંગ રૂમમાં વિશ્વનાં પ્રસિદ્ધ કલાત્મક શિલ્પો, ચિત્રો અને અવૉર્ડ્સના ઢગલા વચ્ચે મોંઘી કાર્પેટ પર ઍન્ટિક ઝુમ્મર નીચે એકલી ઊભેલી કલ્યાણીએ નક્કી કરવાનું હતું કે આ ક્ષણે અહીંથી દરવાજો બંધ થયો કે ખૂલ્યો?

(ક્રમશ:)

Raam Mori columnists exclusive gujarati mid day sunday mid day