અપની ખુદા સે હૈ યે દુઆ, મંઝિલ લગા લે હમકો ગલે

25 June, 2021 05:09 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

આયેશા ટાકિયાએ અત્યાર સુધીમાં જો કોઈ ફિલ્મમાં બેસ્ટ કામ કર્યું હોય તો એ છે ‘ડોર.’ એ ફિલ્મ રિલીઝ થયા પછી એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું કે હવે ફિલ્મોમાં કામ કરવાનું બહુ મન નથી થતું અને પછી ધીમે-ધીમે સાચે જ તેણે ઇન્ડસ્ટ્રીમાંથી ઇન્ટરેસ્ટ લેવાનું છોડી દીધું

આયેશા ટાકિયા

રાહ પે કાંટે બિખરે અગર

ઉસપે તો ફિર ભી ચલના હી હૈ,

શામ છુપા લે સૂરજ મગર,

રાત કો એક દિન ઢલના હી હૈ...

નાગેશ કુકુનૂરની ફિલ્મ ‘ડોર’ ર૦૦૬માં રિલીઝ થઈ. ફિલ્મની બે લીડ ઍક્ટ્રેસ હતી આયેશા ટાકિયા, ગુલ પનાગ અને બન્નેની સાથે શ્રેયસ તલપડે. ફિલ્મની વાત અને ફિલ્મની કથા સાથે એનું આ સૉન્ગ જબરદસ્ત ફિટ બેસતું હતું. ફિલ્મ લખી નાગેશે પોતે અને મ્યુઝિક આપ્યું સલીમ-સુલેમાને. સલીમ-સુલેમાનના મ્યુઝિકની એક ખાસિયત છે કે તમને આ મ્યુઝિકલ-બ્રધર્સના મ્યુઝિકમાં સુફિયાના ટચ દેખાયા વિના રહે નહીં. તમે એનું કોઈ પણ મ્યુઝિક જોઈ લો. જો તેમને સ્પેસ મળે તો તેઓ પોતાની ફેવરિટ ગલીમાં આરામથી દાખલ થઈ જાય અને પછી તો ભાઈ કહો તમે, સીધી સિક્સર. ઑડિયન્સ જોતી જ રહી જાય એવી ટાવરિંગ સિક્સર આવે સલીમ-સુલેમાનના મ્યુઝિકમાંથી. ‘ચક દે’નું ગીત યાદ કરો, ‘મૌલા મેરે લે લે મેરી જાન...’

ગીત સાંભળતાં જ તમે રીતસર કોઈ અલગ જ દુનિયામાં પહોંચી જાઓ. સૂફીની જે ખાસિયત છે એ ખાસિયત પણ સલીમ-સુલેમાને અદ્ભુત રીતે પકડી છે. ટ્રેડિશનલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને એ પણ સૉફ્ટ નોટ સાથે. ગીતના શબ્દો પણ ક્યાંય ભારે ન પડે. ‘ડોર’ના જે ગીતની આપણે વાત કરીએ છીએ એ ગીતમાં પણ સલીમ-સુલેમાને એ જ કમાલ દેખાડી છે તો એવી જ કમાલ આ કચ્છી મ્યુઝિકલ પૅરના ‘કાલ’ના સૉન્ગ ‘ખુદાયા વે...’માં પણ જોવા મળે છે અને ‘રબને બના દી જોડી’માં પણ જોવા મળે છે. હું કહીશ કે આપણે ત્યાં સલીમ-સુલેમાનને એટલું માન, એટલું સન્માન નથી મળ્યું જેટલું બીજા મ્યુઝિક-ડિરેક્ટરોને મળ્યું છે, પણ એને કારણે કંઈ એવું પુરવાર નથી થતું કે આ મ્યુઝિકલ ડ્યુઓ બીજાથી જરા પણ ઓછા ઊતરતા છે. ના, જરા પણ નહીં. બન્ને પાસે ઇન્ડિયન ટ્રેડિશનલ મ્યુઝિકનું જે નૉલેજ છે એવું નૉલેજ કદાચ ભારતીય મ્યુઝિક-ડિરેક્ટરોમાં બહુ ઓછા પાસે છે.

‘ડોર’માં રાજસ્થાની મ્યુઝિકની ઝલક તમને સતત દેખાયા કરે છે...

યે હૌંસલા કૈસે ઝૂકે,

યે આરઝુ કૈસે રુકે

મંઝિલ મુશ્કિલ તો ક્યા,

ધૂંધલા સાહિલ તો ક્યા,

તન્હા યે દિલ તો ક્યા.

આખા ગીતને તમે ધ્યાનથી સાંભળો, સૂફી ફ્લેવર અને એ પછી પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધા જ રાજસ્થાની ફોકની ઝલક તમને સતત આપ્યા કરે.

ફિલ્મમાં વાર્તા મીરા અને ઝિન્નતની છે. ઝિન્નતનો હસબન્ડ આમિર સાઉદી અરેબિયામાં જૉબ કરે છે, તો મીરાનો હસબન્ડ પણ સાઉદી અરેબિયામાં જૉબ કરે છે, પણ મીરા અને ઝિન્નત એકમેકને ક્યારેય મળી નથી. ડેસ્ટિની, તકદીરની વાત છે. કિસ્મત કેવી રીતે તમને એકબીજા સાથે જોડી દેતી હોય છે એનું બેસ્ટ એક્ઝામ્પલ ‘ડોર’ છે. એક ઘટના એવી ઘટે છે જેમાં રાજસ્થાની હિન્દુ એવી મીરાના હસબન્ડનું મોત થાય છે અને એનો આરોપ આવે છે આમિર પર. હવે આમિર તો જ બચી શકે જો મીરા આમિરને માફીપત્ર લખી આપે. આ પરંપરા છે અને આ પરંપરાનો લાભ લેવા માટે ઝિન્નત પોતાના હિમાચલ પ્રદેશના ઘરેથી નીકળીને રાજસ્થાન આવે છે. ઝિન્નત અને મીરાને દોસ્તી થાય છે, પણ મીરાને ઝિન્નતના આશયની ખબર નથી. વાત બહુ સરસ છે. એમાં પ્રેમ પણ છે અને લાગણી પણ છે. પોતાના પ્રિયજનને છોડાવવાની તલબ પણ છે તો બીજી તરફ પોતાના પ્રિય વ્યક્તિને ન્યાય મળે એને માટેની ખેવના પણ છે.

બન્નેએ સતત મહેનત કરતા રહેવાનું છે અને ક્યાંય હાર્યા વિના આગળ વધતા જવાનું છે.

યે હૌંસલા કૈસે ઝૂકે,

મંઝિલ મુશ્કિલ તો ક્યા

આપણી આત્મશ્રદ્ધા કેમ ડગે, કેવી રીતે હિંમત હારી શકાય.

ધૂંધલા સાહિલ તો ક્યા,

તન્હા યે દિલ તો ક્યા.

ગીત મીર અલી હુસેને લખ્યું છે અને એ ગાયું છે શફાકત અલીએ. મીર અલીએ નાગેશ કુકુનૂર સાથે જે કામ કર્યું એ કામ માઇલસ્ટોન રહ્યું. ગીત પણ ખરું અને શબ્દોની રંગોળી સાથે સરખાવી શકાય એવી શાયરી પણ ખરી. શફાકત અલીની વાત કરું તમને. શફાકત મૂળ પાકિસ્તાની, લાહોરમાં તેનો જન્મ. ગાયકી લોહીમાં પણ શફાકતે પાકિસ્તાનમાં બૅન્ડ શરૂ કર્યું, જેની ખ્યાતિ દુનિયાભરમાં પથરાઈ અને એ પછી શફાકતને આપણા મ્યુઝિક-ડિરેક્ટર બૉલીવુડમાં લાવ્યા. શફાકતે સૌથી પહેલાં કરણ જોહરની ફિલ્મ ‘કભી અલવિદા ના કહેના’ માટે ‘મિતવા...’ ગીત ગાયું અને એ પૉપ્યુલર થયું. પછી તો શફાકત માટે ડિમાન્ડ પણ નીકળી અને શફાકતે ગીતો પણ અદ્ભુત આપ્યાં.

હોગી હમેં તો રહમત અદા, ધૂપ કટેગી સાએં તલે

અપની ખુદા સે હૈ યે દુઆ,

મંઝિલ લગા લે હમકો ગલે

ઝુર્રત સૌ બાર રહે,

ઊંચા ઇકરાર રહે,

ઝિંદા હર પ્યાર રહે

તમે કોઈનું શોષણ કર્યું હોય તો તમારે એનું પરિણામ ભોગવવું જ પડે. ભૂલવું નહીં ક્યારેય કે જ્યારે આપણે કોઈનું પોષણ કરીએ ત્યારે પૉઝિટિવ વાઇબ્રેશન ઊભાં થાય છે અને જ્યારે શોષણ કરીએ ત્યારે નેગેટિવ વાઇબ્રેશન જન્મે છે. આપણે આ પૉઝિટિવ અને નેગેટિવ વાઇબ્રેશનને, એનર્જીને પાપ અને પુણ્યનું નામ આપી દીધું છે, પણ છે બન્ને એક જ અને લગભગ સરખાં જ.

જેને અંતર-આત્માનો અવાજ સંભળાતો હોય, ખોટું કર્યાનો થડકારો અનુભવાતો હોય, સારું કરવાનો પરિતોષ, આનંદ, સંતોષ, આહ્‍લાદ સંભળાતો હોય તેને પાપ કે પુણ્યના પ્રૂફની જરૂર નથી પડતી. અંતર-આત્માનો અવાજ હૃદયના ધબકારામાં અનુભવાય છે. પ્રિય પાત્રને જોતાં જેમ આવેગ અનુભવાય, પ્રિય ભોજનને જોતાં જેમ ભૂખ લાગે એમ સત્કાર્ય માટે પણ શારીરિક સંવેદન છે અને એ જાગે જ છે, પણ આપણે બહેરા થઈ ગયા છીએ. આ એક કરુણતા સાથે બીજી પણ એક કરુણતા છે આજની, જેમનામાં હજી પણ માણસાઈની જ્યોત પ્રગટે છે, બીજાના દુઃખને જોઈને અંતરમાં કરુણા જાગે છે, પોતાની જાત ઘસી નાખે એવા લોકોને પણ આજે મોટિવેશનની જરૂર પડે છે. આજુબાજુના નકારાત્મક વલણે સૌકોઈને તોડી નાખ્યા છે અને તોડી નાખવાનું આ કામ ક્યાંક ને ક્યાંક આપણા દ્વારા જ થયું છે. યાદ રાખજો કે સારું કામ કરનારા પણ શરીરથી, મનથી થાકે અને એ થાક દૂર કરવાનું કામ ક્યાંક ને ક્યાંક આપણું છે. સતત મૃત્યુના માહોલમાં તેના મનને સંતાપ થાય છે અને એ સંતાપને દૂર કરવાની જવાબદારી આપી છે. જે સતત બીજા માટે કામ કરે છે, તેના સંતાપને શાતા આપવાનું કામ કરે છે તેમને હું આ ગીત અર્પણ કરું છું અને નાગેશ કુકુનૂર જેવા દિગ્ગજને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ નવેસરથી જાગ ભાઈ, અમને તારા જેવા સંવેદનશીલ સર્જકની તાતી જરૂર છે.

columnists