અમેરિકામાં રહેતી સ્પૅનિશ ડિવૉર્સી યુવતી સાથે બનાવટી લગ્ન કરીને વિઝા મળી શકે?

01 December, 2023 03:36 PM IST  |  Mumbai | Dr. Sudhir Shah

અમેરિકાના ‘ધ મૅરેજ ફ્રૉડ એમેન્ડમેન્ટ ઍક્ટ’ હેઠળ આવી છેતરપિંડી માટે પાંચ વર્ષની જેલ અને ૫૦,૦૦૦ ડૉલર સુધીનો દંડ ઠરાવવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

મારી મધર માટે મારા મામાએ ફૅમિલી ફોર્થ પ્રેફરન્સ કૅટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરી છે. એ પ્રોસેસ થઈને અપ્રૂવ્ડ થઈ ગઈ છે, પણ એની હેઠળ વિઝા મળતાં દસેક વર્ષ યા એથી પણ વધુ સમય લાગી શકે એવું અમારો વિઝા કન્સલ્ટન્ટ જણાવે છે. આ પિટિશનમાં મારા ફાધર, હું અને મારી નાની સિસ્ટર ડિપેન્ડન્ટ છીએ. મારી ઉંમર આજે ૨૧ વર્ષની છે. પિટિશન બે વર્ષની અંદર જ પ્રોસેસ થઈને અપ્રૂવ્ડ થઈ ગઈ છે એટલે ‘ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન ઍક્ટ’ હેઠળ મારી ઉંમરમાંથી ફકત બે વર્ષ જ બાદ મળી શકશે. આ મુશ્કેલીના કારણે અમારા વિઝા કન્સલ્ટન્ટે એક રસ્તો સુઝાડ્યો છે. અમેરિકામાં એક સિટિઝન યુવતી છે. એ  ઇન્ડિયા આવીને મારી જોડે લગ્ન કરશે. ત્યાર બાદ ઇમિજિયેટ રિલેટિવ કૅટેગરી હેઠળ મારા માટે ગ્રીન કાર્ડની પિટિશન દાખલ કરશે. એ પિટિશન છ-બાર મહિનામાં પ્રોસેસ થઈને અપ્રૂવ્ડ થઈ જશે કે મને ઇમિગ્રન્ટ વિઝા મળી જશે. હું અમેરિકામાં પ્રવેશું એટલે મને બે વર્ષની મુદતનું કન્ડિશનલ ગ્રીન કાર્ડ આપવામાં આવશે. બે વર્ષ પછી અમે બન્ને સાથે અરજી કરીએ એટલે મારું ગ્રીન કાર્ડ કાયમનું કરી આપવામાં આવશે. ત્યાર બાદ હું એ યુવતીને છૂટાછેડા આપી શકું છું અને મારું નવું જીવન અમેરિકામાં શરૂ કરી શકું છું. મુશ્કેલી એ છે કે એ યુવતી સ્પૅનિશ છે. તેને અંગ્રેજી ભાષા આવડતી નથી. એ નિર્દોષ ડિવૉર્સી છે. ગયા વર્ષે જ તેણે લગ્ન કર્યાં હતાં પણ તેના વર જોડે ન ફાવતાં તેમણે મ્યુચ્યુઅલ કન્સેન્ટથી ડિવૉર્સ લીધા છે. આમ એ યુવતી નિર્દોષ ડિવૉર્સી છે. મારી જોડે બનાવટી લગ્ન કરવા માટે મારે તેને ઇન્ડિયા આવવા-જવાનો બધો ખર્ચો આપવાનો રહેશે. ઉપરાંત ૨૦,૦૦૦ ડૉલર તે ગ્રીન કાર્ડની પિટિશન દાખલ કરે ત્યારે આપવાના રહેશે. પિટિશનની ફાઇલિંગ ફી અને ઍટર્નીનો ખર્ચો પણ મારે જ આપવાનો રહેશે. બે વર્ષ પછી છૂટાછેડા લઈએ ત્યારે બીજા ૨૦,૦૦૦ ડૉલર આપવાના રહેશે. અમારો વિઝા કન્સલ્ટન્ટ કહે છે કે આ રસ્તો સેફ અને સાઉન્ડ છે. શું આવી રીતે ગ્રીન કાર્ડ મેળવવા એ સેફ અને સાઉન્ડ છે?

બિલકુલ નહીં. સૌપ્રથમ તમે એ યુવતીને મળ્યા નથી. તમારું ઇમિજિએટ રિલેટિવ કૅટેગરી હેઠળ દાખલ કરેલી પિટિશન કદાચ અપ્રૂવ્ડ થઈ જાય પણ અહીં મુંબઈમાં કૉન્સ્યુલર ઑફિસર વિઝા આપતાં પહેલાં બે વાર વિચાર કરશે કે શા માટે તમે જેને જિંદગીમાં ક્યારે પણ મળ્યા નથી, જે યુવતી તમારી ભાષા બોલતી નથી એની જોડે તમે લગ્ન કરવા શા માટે તૈયાર થયા છો? એ યુવતી સિટિઝન છે અને એના થકી તમને ગ્રીન કાર્ડ મળી શકે એમ છે એટલે તમે એની જોડે લગ્ન કરવા તૈયાર થયા છો. એ ડીવૉર્સી છે એટલે પણ કૉન્સ્યુલર ઑફિસરને શંકા આવશે કે એ વાતની શું ખાતરી કે તમે તેને ૨૦,૦૦૦ ડૉલર આપશો એટલે એ તમારા લાભ માટે પિટિશન દાખલ કરશે. ગ્રીન કાર્ડ કાયમનું કરવા માટે જે જૉઇન્ટ પિટિશન કરવી પડે છે એ સમયે નક્કી કરેલા ૨૦,૦૦૦ ડૉલરને બદલે ૨૫,૦૦૦ યા ૫૦,૦૦૦ ડૉલર નહીં માગે એની શું ખાતરી?તમે જે કરવા ઈચ્છો છો એ છેતરપિંડી છે. અમેરિકાના ‘ધ મૅરેજ ફ્રૉડ એમેન્ડમેન્ટ ઍક્ટ’ હેઠળ આવી છેતરપિંડી માટે પાંચ વર્ષની જેલ અને ૫૦,૦૦૦ ડૉલર સુધીનો દંડ ઠરાવવામાં આવ્યો છે. મહેરબાની કરીને તમારા વિઝા કન્સલ્ટન્ટની આવી વાતમાં ફસાતા નહીં. તમે જે કરવા ઇચ્છો છો એ બિલકુલ સેફ ઍન્ડ સાઉન્ડ નથી.

united states of america columnists