અટલ બિહારી વાજપેયી પાસેથી શું આજના નેતાઓએ શીખવા જેવું છે?

25 December, 2024 09:08 AM IST  |  Mumbai | Ruchita Shah

પૉલિટિક્સના ક્યારેય ન જોયા હોય એવા રંગો છેલ્લા થોડાક અરસામાં જોવા મળ્યા છે. સરકાર અને વિપક્ષ વચ્ચેની હુંસાતુંસી પહેલાં પણ હતી.

અટલજીને કારગિલ ફન્ડ માટે શહીદની પત્નીએ આપેલા દાગીના આપી રહેલા રામ નાઈક.

પૉલિટિક્સના ક્યારેય ન જોયા હોય એવા રંગો છેલ્લા થોડાક અરસામાં જોવા મળ્યા છે. સરકાર અને વિપક્ષ વચ્ચેની હુંસાતુંસી પહેલાં પણ હતી. વિરોધ પક્ષોએ ભેગા થઈને સરકારનો વિરોધ કર્યો હોય અને સરકારની કાર્યપ્રણાલીની ટીકા કરી હોય એવી ઘટનાઓ પહેલાં પણ થતી, પણ એ પછીયે અટલ બિહારી વાજપેયીની કઈ શાલીનતાએ લોકોમાં પૉલિટિક્સ પ્રત્યેનું માન બરકરાર રાખ્યું હતું? વાજપેયીજીની આજે જન્મશતાબ્દી નિમિત્તે તેમના જીવનને નજીકથી જોઈ ચૂકેલા રામ નાઈક પાસેથી જાણીએ તેમના જીવનની ખાસિયતો વિશે

‘રામભાઉ ભારતીય જનતા પાર્ટી કે સંસદીય દલ કે એક પ્રમુખ સ્તંભ હૈં. રામભાઉ કુછ વિષય જિતની કુશલતા સે સમય પર ઉઠા સકતે હૈં વો ગુણ, વો કુશલતા, વો સમયસૂચકતા ઔર નિયમોં કા પ્રશ્ન ઉઠાને કે લિએ ઉપયોગ કરને કી સિદ્ધતા સબ મેં નહીં હોતી.’

ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન, વિરાટ વટવૃક્ષ સમાન વ્યક્તિત્વ ભારત રત્ન અટલ બિહારી વાજપેયીએ આ શબ્દો વર્ષો સુધી વિધાનસભ્ય, સંસદસભ્ય, કેન્દ્રીય પ્રધાન અને ઉત્તર પ્રદેશના ગવર્નર રહી ચૂકેલા મુંબઈકર રામ નાઈક માટે કહેલા. ના, વાત આપણે રામ નાઈકની નથી કરવાની, વાત આપણે લોકલાડીલા અટલજીની જ કરવાની છે કારણ કે આજે તેમની જન્મશતાબ્દીનો દિવસ છે. ભારતીય રાજકારણના ઇતિહાસમાં થયેલા આ મહાન નેતાની વાત જાણીએ રામ નાઈકના મુખેથી જેમણે વાજપેયીજી સાથે નોંધનીય સમય વિતાવ્યો છે, જેમના માટે વાજપેયીજીને પણ ખૂબ માન હતું જે લેખની શરૂઆતમાં લખાયેલા શબ્દોમાંથી વર્તાય છે. રામ નાઈકે પૉલિટિકલ કરીઅરમાં તેમણે વાજપેયીજી સાથે વિતાવેલી ક્ષણોના પ્રત્યક્ષ અનુભવોની ‘મિડ-ડે’ સાથે શૅર કરેલી રોચક વાતોને મમળાવીએ. 

૧૯૮૦માં ભારતીય જનતા પાર્ટીના કૅમ્પેન વખતે અટલજી સાથે રામ નાઈક.

વિરોધાભાસી વલણ નહોતું

પુણેમાં કૉમર્સ કૉલેજમાં ભણતા ત્યારે પહેલી વાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સમર કૅમ્પમાં અટલબિહારી વાજપેયીજીને જોનારા, તેમની કવિતાઓ સાંભળનારા રામ નાઈક એ જ સમયથી અટલજીના ફૅન હતા. અટલજીને શબ્દોના જાદુગર માનવામાં આવતા હતા. એક ખાસ કિસ્સો વર્ણવતાં રામ નાઈક કહે છે, ‘વર્ષ હતું ૧૯૮૪નું. ઇલેક્શનનાં પરિણામ આવ્યાં અને આખા ભારતમાંથી ભારતીય જનતા પાર્ટીના માત્ર બે જ ઉમેદવારો જીત્યા. એ સમયે અટલજી પોતે પણ હારી ગયા હતા. BJPના કાર્યકર્તાઓ હતાશ હતા. તેમને મોટિવેશનની જરૂર હતી. એ સમયે હું પાર્ટીમાં મુંબઈ અધ્યક્ષ હતો. મેં અટલજીને રિક્વેસ્ટ કરી કે તમે અહીં આવો અને કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરો. તેમણે કહ્યું પણ ખરું, ‘ક્યા રામભાઉ, મુંબઈ જૈસે શહેર મેં યે ઉચિત સમય કહાં હોગા.’ મેં કહેલું, ‘અટલજી, ઇસસે ઉચિત સમય નહીં હૈ. કાર્યકર્તા કો ઇસી સમય સબસે ઝ્યાદા માર્ગદર્શન કી ઝરૂરત હૈ.’ એ સભામાં અમે ધાર્યા કરતાં અનેકગણી સંખ્યા ભેગી થઈ કારણ કે સામાન્ય માણસને ઉત્કંઠા હતી કે આવી વસમી હાર પછી અટલજી શું બોલશે. હજારોની જનમેદની વચ્ચે અટલજી બોલવા માટે ઊભા થયા. તેમણે બોલવાની શરૂઆત કરી, ‘હમારે અધ્યક્ષજી બડે હોશિયાર હૈ. ઉન્હોંને મુઝે આજ માર્ગદર્શન કે લિએ બુલાયા હૈ. હું ખુદ હાર્યો છું, હું શું તમને માર્ગદર્શન આપું? જોકે આટલી મોટી સંખ્યામાં આજે તમે અહીં એકત્રિત થયા છો. મને કહો કે મતદાનના દિવસે તમે ક્યાં હતા?’ અટલજીના પ્રત્યેક શબ્દથી પ્રેક્ષકો તાળીઓના ગડગડાટથી ગ્રાઉન્ડને ગજવી રહ્યા હતા. આવી શાલીનતા ક્યાં હોય? પોતે બહુ જ ખરાબ રીતે હારી ચૂક્યા છે અને છતાં એક પણ નકારાત્મક વાત નહીં. બીજી કોઈ પાર્ટી પર દોષનો ટોપલો ઢોળ્યા વિના બહુ જ હળવાશ સાથે વ્યંગમાં તેમણે પ્રજાને સંબોધિત કરીને પૂછી લીધું કે શું કામ મતદાન વખતે તમારો સહયોગ ન મળ્યો. આજે જે રાજનીતિ ચાલે છે જેમાં પોતે જીતે ત્યારે EVMનું નામોનિશાન ન હોય અને પોતે હારે તો EVM પર દોષનો ટોપલો ઢોળી દેવામાં આવે. અટલજી આ પ્રકારના વિરોધાભાસથી પર થયેલા રાજનેતા હતા.’

BJP મહાઅધિવેશનની રૅલીમાં રામ નાઈક અટલજી સાથે કારમાં.BJP મહાઅધિવેશનની રૅલીમાં રામ નાઈક અટલજી સાથે કારમાં.

વચનબદ્ધતા અટલજી જેવી

‘મારી ઉંમર હશે લગભગ ૬૦ વર્ષની અને મને કૅન્સર ડિટેક્ટ થયું ત્યારે અટલજી મને ઘણી વાર મળવા આવેલા,’ એ કિસ્સો વર્ણવતાં રામભાઉ આગળ કહે છે, ‘એક વર્ષની મારી સારવાર પૂરી થઈ રહી હતી. રિકવરી હતી એ દરમ્યાન અટલજી છેલ્લી વાર મળવા આવેલા. ત્યારે હું પેટ્રોલિયમ પ્રધાન હતો. ટ્રીટમેન્ટની મારા પર પૉઝિટિવ અસર થઈ રહી હતી એટલે મેં અટલજીને કહ્યું, બસ અબ દો-તીન મહિને કે બાદ મૈં ફિર સે કામ પે લગ જાઉંગા. પેટ્રોલિયમ પ્રધાન તરીકે મારે ટ્રાવેલ ખૂબ કરવું પડતું. મારા શબ્દો સાંભળીને અટલજીએ કહ્યું કે રામભાઉ, તમે પાછા કામે લાગો અને મુંબઈની બહાર નીકળો એ પહેલાં આપણે મુંબઈમાં એક સરસ કાર્યક્રમ કરીશું, એમાં હું પણ હાજર રહીશ. મારી રિકવરી સંપૂર્ણ થઈ ગઈ. ડૉક્ટરે ગ્રીન સિગ્નલ આપી દીધું કે હવે તમે કામે લાગી શકો છો. એ દરમ્યાન હવે એક કાર્યક્રમનું આયોજન કરવાનું હતું. બધું નક્કી કરી લીધું અને હવે અટલજીના સેક્રેટરી શિવરાજને ફોન કર્યો. મેં તેમને બધી વાત કરી તો શિવરાજ, જે મારો સારો મિત્ર પણ હતો, તેણે કહ્યું કે અટલજી નહીં આવી શકે. તો મેં મજાકમાં કહ્યું કે અટલજીનું કામ હવે તમે કરી રહ્યા છો કે? હું કહી રહ્યો છું કે તેમણે મને કહ્યું છે કે હંા આવીશ. એટલે તેમણે કહ્યું કે અટલજી આવે એટલે હું વાત કરાવીશ. અટલજી પંડિત દીનદયાલ ઉપાધ્યાયને બહુ જ માનતા હતા. તેમની ટ્રેનમાં પ્રવાસ કરતા હતા ત્યારે હત્યા થઈ હતી. BJPમાં બધાને જ તેમના માટે ખૂબ માન હતું. તેમનું મૃત્યુ જે દિવસે થયું એ દિવસે અટલજી પંડિતજીના ગામમાં જતા અને આખો દિવસ ત્યાં રહેતા. એવું એક પણ વર્ષ નહીં હોય જ્યારે અટલજીએ પોતાનો આ નિયમ ન પાળ્યો હોય. તેમના સેક્રેટરીએ મને આ વાત નહોતી કરી. સાંજે મને અટલજીનો ફોન આવ્યો અને મેં તેમને આખી વાત કહી. અટલજી કહે, ‘આપકી બાત તો સહી હૈ કિ મૈંને યે કહા થા પર તીસ સાલ સે મૈંને શિવરાજ સે કહા હૈ કિ આજ કે દિન કી કોઈ ભી અપૉઇન્ટમેન્ટ લેના નહીં ક્યોંકિ આજ કે દિન મૈં પંડિત દીનદયાલ ઉપાધ્યાય કે ગાંવ જાકે વહાં કે લોગોં સે મિલતા હૂં. સેક્રેટરી ભી અપની જગહ સહી હૈ. અબ મુઝે રાસ્તા નિકાલના પડેગા’. એટલે ફાઇનલી તેમણે કહ્યું કે એક અપવાદ તરીકે હું બપોરે ત્રણ વાગ્યે ત્યાંથી નીકળીશ. સાડાચાર વાગ્યા સુધીમાં દિલ્હી પહોંચીશ અને ત્યાંથી હવાઈ જહાજથી સાડાછ-સાત સુધીમાં મુંબઈ આવી જઈશ. અને ખરેખર તેઓ સાડાછ સુધીમાં આવી ગયા. બહુ જ મોટી સભા થઈ અને એનો ઉદ્દેશ્ય તો મને સમર્થન આપવાનો, મારા માટે સારું બોલવાનો અને મને અભિનંદન આપવાનો જ હતો, પણ તેમણે છેલ્લે કહેલું વાક્ય તમને કહું : રામભાઉ ઉપર જઈને દરવાજો ખટખટાવીને પાછા આવ્યા છે એટલે દેશ તમારી પાસેથી વિશેષ ઇચ્છે છે, તમે જીવનમાં કામ કરવા માટે આવ્યા છો અને જ્યાં સુધી છો ત્યાં સુધી કામ કરતા રહેજો. આ અટલજીની ખૂબી હતી. તેમણે ક્યારેય પાર્ટીની
એક પણ વ્યક્તિને ઓછી નથી માની. તેઓ પોતાના વચનના આટલા પાક્કા હતા.’

૧૯૮૦માં મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સમાં યોજાયેલા ભારતીય જનતા પાર્ટીના પહેલા અધિવેશનમાં સ્ટેજ પરથી ભાષણ આપી રહેલા અટલ બિહારી વાજપેયી અને સ્ટેજની પૅનલમાં રામ નાઈક.

કલા પ્રત્યેનો પારાવાર પ્રેમ

અટલજી ગ્વાલિયરમાં જન્મ્યા હતા અને ગ્વાલિયરમાં મરાઠી ભાષા બોલનારા ઘણા છે એટલે અટલજીનું પણ મરાઠી ભાષા પરનું પ્રભુત્વ અદ્ભુત હતું. રામભાઉ એક કિસ્સો વર્ણવતાં કહે છે, ‘૧૯૮૫માં મુંબઈના ભિવંડીમાં હિન્દુ-મુસલમાનના દંગા થયા હતા. ઘણા લોકોની કતલ થઈ હતી. ઇન્દિરાજીના નિધન પછીનું વર્ષ હતું. અમે અટલજીને મુંબઈ બોલાવ્યા અને એક સભાનું આયોજન શિવાજી પાર્કમાં કર્યું. જોકે સભાની આગલી સાંજે મુંબઈ પોલીસ કમિશનરે વાતાવરણની ગંભીરતા જોઈને શિવાજી પાર્કનો કાર્યક્રમ રદ કરાવી દીધો. બીજા વેન્યુમાં તેમને વાંધો નહોતો. મહાલક્ષ્મીમાં આવેલી નૅશનલ સ્પોર્ટ્સ ક્લબમાં કુસ્તી માટેના વિશાળ ગ્રાઉન્ડમાં સભા આયોજિત થઈ. સભાને સંબોધન કર્યા પછી અટલજીનું મન ખૂબ જ વિચલિત હતું. તેમનું હૃદય દ્રવી રહ્યું હતું. એ સમયે એવું હતું કે અટલજી જ્યારે મુંબઈ આવે ત્યારે બે દિવસ રોકાય, જેમાંથી એક દિવસ પાર્ટીનું કામ કરે અને બીજા દિવસે કોઈ સારું મરાઠી નાટક જુએ અથવા ફિલ્મ જુએ. એ દિવસે તેઓ મનથી દુખી હતા. અમારું ભોજન મરાઠી કલાજગતના ખૂબ જ અદ્ભુત કલાકાર સુધીર ફડકેના ઘરે હતું. રામાયણને ગીતસ્વરૂપે રજૂ કરનારા અને એ માટે લોકોમાં ખૂબ નામ કમાનારા સુધીરને ભાવનાત્મક અવસ્થામાં અટલજીએ કહ્યું કે ભોજન તૈયાર થાય ત્યાં સુધી બે ગીતો સંભળાવો. એ સમયે ભોજન પછી પણ વાજપેયી આખા દિવસના ઘટનાક્રમને કારણે અપસેટ હોવાને કારણે સૂઈ નહોતા શકવાના એટલે તેમણે સુધીર ફડકે પાસે રામાયણનાં ગીતો સાંભળવાનો આગ્રહ કર્યો. સુધીર માટે પણ એ ધન્ય ક્ષણ હતી. રાતે શરૂ થયેલો એ સંગીતમય માહોલ બીજા દિવસે સવારે છ વાગ્યા સુધી ચાલ્યો. સંગીતમય રામાયણનાં ૬૦ ગીતો સુધીરે ગાયાં. એક નેતાની સંવેદનશીલતા અને કલા પ્રત્યેની આવી નિષ્ઠા મેં ક્યારેય કોઈનામાં નથી જોઈ.’

કૅન્સરની રિકવરી પછી ફરી પેટ્રોલિયમ મિનિસ્ટર તરીકે સક્રિય થનારા રામ નાઈકનું સન્માન કરી રહેલા અટલજી.

અટલજી સહુને સાંભળતા

રામભાઉ જણાવે છે, ‘૧૯૯૯માં તેર મહિનાની સરકાર માત્ર એક વોટ માટે પડી ભાંગી પણ અટલજીએ કોઈ નેતાને ખરીદીને એ એક વોટ મેળવીને સત્તાને બચાવી લેવાના વ્યર્થ પ્રયાસો નહોતા કર્યા. તેમને પાર્ટીના અમુક લોકોએ કહ્યું પણ ખરું કે અમુક રકમ આપીશું તો ફલાણા સંસદસભ્ય આપણી સાથે જોડાવા તૈયાર છે, પણ અટલજી અડગ હતા : મૂલ્યો સાથે બાંધછોડ કરીને હું સત્તાના મોહમાં આ નહીં કરી શકું, ધારો કે પાર્ટી આ નિર્ણય લેશે તો હું પાર્ટીમાંથી રાજીનામું આપી દેવા તૈયાર છું. આ અટલજીની મૂલ્યનિષ્ઠા હતી.’

કારગિલ વૉર પછી તમામ મિનિસ્ટરોની અટલજી સાથે એક મીટિંગ ગોઠવાઈ હતી જેમાં સુરક્ષાપ્રધાન જ્યૉર્જ ફર્નાન્ડિસે લડાઈમાં શહીદ થયેલા ૪૦૦થી વધુ જવાનોના પરિવાર માટે શું કરવું એ વિષય પ્રસ્તુત કર્યો. એ મીટિંગમાં હાજર એ સમયના પેટ્રોલિયમ પ્રધાન રામ નાઈક કહે છે, ‘પાકિસ્તાન હારી ગયું છે એવી સુરક્ષાપ્રધાન દ્વારા જાહેરાત કરવામાં આવી, પરંતુ એમાં આપણા ઘણા જવાનો શહીદ થયા હતા. એની ચર્ચા માટે યોજાયેલી કૅબિનેટ મીટિંગમાં આ શહીદોના પરિવારને શું આપવું એ વાત ચાલી રહી હતી ત્યારે અમુક રકમની રાહત કે પેન્શન વિશે વાત થઈ. બીજા કોઈ પાસે કોઈ સુઝાવ છે એવું અટલજીએ પૂછ્યું એટલે મેં હાથ ઊંચો કર્યો અને મેં કહ્યું કે પેટ્રોલિયમ મિનિસ્ટ્રી સાથે સંકળાયેલી કંપનીઓને આ કાર્યમાં જોડી શકાય, રાહતમાં રકમને બદલે દરેક પરિવારને પેટ્રોલ પમ્પ કે ગૅસની એજન્સી આપી શકાય જે તેમને લાંબા ગાળા માટે ઉપયોગી સાબિત થાય, પ્લસ સરકારી ખજાનાની આવકને ડિસ્ટર્બ કર્યા વિના આ કામ પાર પાડી શકાય. અટલજીને વાત જચી ગઈ છતાં તેમણે બધાને જ પૂછ્યું કે આ વિચાર સહુને સ્વીકાર્ય છે? ત્યાં એક પ્રધાન બોલ્યા કે જો આ એક યુદ્ધમાં આ પ્રકારનો રસ્તો અપનાવીશું તો આવનારા સમયમાં આ દાખલો કાયમ થશે અને દરેક વખતે શહીદ જવાનના પરિવારને આ જ પ્રકારના વળતરની અપેક્ષા જાગશે અને આપણે આટલા બધા પેટ્રોલ પમ્પ બાંધવામાં પહોંચી ન વળીએ. અટલજીએ આ સવાલને પણ વાજબી ગણાવ્યો અને મારી સામે જોઈને આનો જવાબ શું હોઈ શકે એ પૂછ્યું તો મેં કહ્યું કે આ વખતે પાકિસ્તાનને જે કરારી હાર મળી છે એ જોતાં ફરી આવું કારમું યુદ્ધ થાય એવી સંભાવના જ નથી કે આપણે આવો વિચાર કરવો પડે. અટલજીએ મારી વાત માન્ય રાખી. તેમની વિશેષતા એ હતી કે તેઓ પોતાના કલીગને બોલવા માટે પ્રેરતા. તેમનાં મંતવ્યોને મહત્ત્વપૂર્ણ ગણતા. પોતાની વાતો થોપી દેવાની માનસિકતાવાળા લીડર નહોતા તેઓ. આ તેમના વ્યક્તિત્વનું અદ્ભુત પાસું હતું.’

atal bihari vajpayee indian politics bharatiya janata party political news mumbai columnists ruchita shah gujarati mid-day