ચીનમાં ચંદ્રકો જીતવા ગયાં છે આપણાં ખેલરત્નો

17 September, 2023 02:30 PM IST  |  Mumbai | Ajay Motivala

૨૩ સપ્ટેમ્બરે શરૂ થતી એશિયન ગેમ્સમાં ભારતને ૬૫૫ ઍથ્લીટ્સ અપાવશે રેકૉર્ડબ્રેકિંગ મેડલ્સ?

સ્પોર્ટ્સના સિતારોઓની ફાઇલ તસવીર

‍સ્પેસ અને સ્પોર્ટ‍્સ તદ્દન ભિન્ન ક્ષેત્ર છે, પણ એટલું કહેવાનું મન તો થાય જ છે કે ચંદ્ર પર આપણે અનેરી સફળતા મેળવી અને હવે ચંદ્રક પર સૌની નજર છે.

શનિવાર, ૨૩ સપ્ટેમ્બરે ચીનના હાન્ગજૉ શહેરમાં શાનદાર ઓપનિંગ સેરેમની બાદ ૧૯મી એશિયન ગેમ્સ (એશિયાડ) શરૂ થશે જેમાં પોતાનું કૌશલ્ય તથા ક્ષમતા બતાવવા અને નસીબ ચમકાવવા આપણા સેંકડો ઍથ્લીટ તૈયાર થઈ ગયા છે. આંતરરાષ્ટ્રીય ફલક પર જેમ ઑલિમ્પિક ચૅમ્પિયન, વર્લ્ડ ચૅમ્પિયન અને કૉમનવેલ્થ ચૅમ્પિયનની અનેરી પ્રતિષ્ઠા છે એમ એશિયન ચૅમ્પિયનની પણ બોલબાલા છે. વિશ્વસ્તરીય જીતવામાં આવતા મેડલ જેટલું જ મહત્ત્વ તથા મૂલ્ય એશિયન ગેમ્સના ચંદ્રકનું પણ છે. એટલું જ નહીં, એશિયામાં ચૅમ્પિયન બનતા ઍથ્લીટને કે ખેલાડીને ઑલિમ્પિક કે વર્લ્ડ ચૅમ્પિયન બનતાં વાર નથી લાગતી હોતી. આપણા નીરજ ચોપડાની જ વાત કરીએ. ૨૦૧૮ની જકાર્તાની એશિયન ગેમ્સમાં જીતેલા ગોલ્ડ મેડલથી પ્રેરાઈને જ નીરજ ૨૦૨૧માં ટોક્યો ઑલિમ્પિક્સમાં ઐતિહાસિક ગોલ્ડ જીત્યો હતો અને તાજેતરમાં તે પહેલી વાર વર્લ્ડ ચૅમ્પિયન બન્યો ત્યારે તેણે ૨૦૧૮ની એશિયાડમાંના પોતાના સુપર પર્ફોર્મન્સનો ફરી ઉલ્લેખ કર્યો હતો.

આપણા ઍથ્લીટ‍્સ રાહ જોઈને બેઠા છે

કોઈ ઍથ્લીટ વર્લ્ડ ચૅમ્પિયન બને તો ઘણાને વિચાર આવે કે હવે તેણે વધુ કંઈ જ મેળવવાનું બાકી નથી, વર્લ્ડ ચૅમ્પિયન તો બની ગયો. જોકે એવું નથી હોતું. તેને વધુ સારા પર્ફોર્મન્સથી બીજી સ્પર્ધાઓમાં મેડલ જીતવાની તમન્ના હોય છે અને પોતાની રમત સાથે જોડાઈ રહેવાનું પૅશન હોય છે. ભારતીય લશ્કરના સૂબેદાર નીરજ ચોપડાનું એવું જ છે. જૅવલિન-થ્રોમાં તે ફરી એક વાર એશિયન કિંગ બનવા ઉત્સુક છે. વેઇટલિફ્ટ‍ર મીરાબાઈ ચાનુને તો એશિયન ગેમ્સમાં પહેલી વાર મેડલ જીતવાની એટલી બધી ઉત્સુકતા છે કે તેણે એની તૈયારી પર જ બધી એકાગ્રતા રાખવા બે અઠવાડિયા પહેલાં વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં પણ ભાગ નહોતો લીધો. કૉમનવેલ્થમાં પાંચ-પાંચ ગોલ્ડ મેડલ જીતી ચૂકેલી મીરાબાઈ વર્લ્ડ ચૅમ્પિયન પણ બની ચૂકી છે અને ટોક્યો ઑલિમ્પિક્સમાંથી પણ સિલ્વર મેડલ લઈ આવી છે, પણ એશિયન ગેમ્સમાં ચંદ્રક અને એ પણ સુવર્ણચંદ્રક જીતવાની અધૂરી ઇચ્છા તેને ગમેએમ કરીને પૂરી કરવી છે.

લૉન્ગ જમ્પમાં ભારતનો શ્રીશંકર પ્રખ્યાત છે. કૉમનવેલ્થ ગેમ્સ અને એશિયન ચૅમ્પિયનશિપ્સમાં કુલ મળીને બે સિલ્વર અને એક બ્રૉન્ઝ જીતી ચૂકેલા શ્રીશંકરનું પણ એશિયન ગેમ્સમાં પીળો ચંદ્રક જીતવાનું સપનું છે. પિતા એસ. મુરલી ટ્રિપલ જમ્પના ઍથ્લીટ હતા અને તેમની પાસેથી જ તાલીમ લઈને વિશ્વસ્તર સુધી પહોંચેલા ૨૧ વર્ષના શ્રીશંકરે થોડા જ દિવસ પહેલાં વર્લ્ડ ઍથ્લેટિક્સમાં અને ડાયમન્ડ લીગમાં નિરાશ થવું પડ્યું હતું, પરંતુ હવે તે એશિયન ગેમ્સમાં પહેલો મેડલ જીતવાનું સપનું સાકાર કરવા દૃઢ છે.

બૅડ‍્મિન્ટનનો એક સમયનો વર્લ્ડ નંબર-વન કિદામ્બી શ્રીકાંત આ વખતની એશિયન ગેમ્સમાં ‘થર્ડ ટાઇમ લકી’ બનવા માગે છે. ૨૦૧૪માં તે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો અને ૨૦૧૮માં તો ત્યાં સુધી પણ નહોતો પહોંચી શક્યો. જોકે આ વખતે મેડલ જીતવા મક્કમ છે.

ભારતના ૬૫૫ ઍથ્લીટ‍્સ, ૨૬૦નો સ્ટાફ

ચીનની એશિયન ગેમ્સમાં ભારતના કુલ ૬૫૫ ઍથ્લીટ‍્સ ભાગ લેવાના છે. અત્યાર સુધીની તમામ એશિયન ગેમ્સનો રેકૉર્ડ જોઈએ તો ભારતનો આ વખતનો ઍથ્લીટ‍્સનો સંઘ સૌથી મોટો છે. ભારતીયો કુલ ૩૯ રમતોની હરીફાઈઓમાં ભાગ લેશે અને એ માટેની તાલીમ આપવા ૨૬૦ કોચ તથા સપોર્ટ સ્ટાફના મેમ્બર્સ પણ તેમની સાથે જઈ રહ્યા છે.

ડીડી સ્પોર્ટ‍્સ પર તથા સોની સ્પોર્ટ‍્સ નેટવર્કની કેટલીક ચૅનલો પર ૨૩ ઑક્ટોબરથી ૮ ઑક્ટોબર સુધી જીવંત પ્રસારિત થનારી હરીફાઈઓ લાઇવ જોવા મળશે.

૨૦૧૮માં ભારત ૭૦ મેડલ જીતેલું

છેલ્લા એક દાયકામાં ભારતના ઍથ્લીટ‍્સ અને પ્લેયર્સ વિશ્વસ્તરે ખૂબ ચમક્યા છે. એ ખાસ કરીને કૉમનવેલ્થ ગેમ્સ, ઑલિમ્પિક્સ અને વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સને કારણે બન્યું છે; પરંતુ ભારતીયોની સૌથી વધુ બોલબાલા એશિયન ગેમ્સમાં થતી હોય છે. ૨૦૧૮ની ગઈ એશિયન ગેમ્સની જ વાત કરીએ. એશિયન ગેમ્સમાં ભારત સૌથી વધુ મેડલ છેલ્લે ૨૦૧૮માં જકાર્તામાં જીત્યું હતું. ભારત ત્યારે ૧૬ ગોલ્ડ, ૨૪ સિલ્વર, ૩૦ બ્રૉન્ઝ સહિત કુલ ૭૦ ચંદ્રક જીતીને આઠમા નંબર પર રહ્યું હતું.

lll

ગુરુદત્ત સોંઢી એશિયાડના ફાઉન્ડર મેમ્બર

ભારતના યુનિવર્સિટી પ્રોફેસર અને ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટીના સભ્ય ગુરુદત્ત સોંઢી એશિયન ગેમ્સના સ્થાપક સભ્ય તરીકે ઓળખાય છે. ૧૯૫૧ની પહેલી એશિયન ગેમ્સ ભારતમાં યોજાઈ હતી.

૧૬ દિવસનો ખેલો, ૪૮૧ ઇવેન્ટ્સ

પાંચમી ઑક્ટોબરે ભારતમાં ઓડીઆઇ વર્લ્ડ કપ શરૂ થશે એ પહેલાં ચીનમાં આપણા અનેક ઍથ્લીટ્સ મેડલ જીતી ચૂક્યા હશે. ૨૩ સપ્ટેમ્બરથી ૮ ઑક્ટોબર સુધી ચાલનારા ૧૬ દિવસના એશિયાડમાં કુલ ૪૦ રમતો સાથે સંકળાયેલી ૬૧ પ્રકારની હરીફાઈઓ નક્કી થઈ છે જેમાં ટોટલ ૪૮૧ મેડલ ઇવેન્ટ્સ યોજાશે.

રશિયાનો સમાવેશ અટકી ગયો

૪૫ દેશો તો આ વખતના એશિયાડમાં ભાગ લઈ જ રહ્યા છે. રશિયા અને બેલારુસનો પણ સમાવેશ થવાનો હતો, પણ યુક્રેન સાથેના યુદ્ધના મુદ્દાને ધ્યાનમાં લેતાં અને ટેક્નિકલ કારણસર બન્ને દેશનો સમાવેશ ન થઈ શક્યો. નૉર્થ કોરિયા લૉકડાઉન પછી પહેલી વાર મોટી સ્પર્ધામાં ભાગ લેવા આવ્યું છે. એશિયાડમાં એના ઍથ્લીટ્સ ખાસ કરીને સાઉથ કોરિયા સામે ઉગ્ર હરીફાઈમાં ઊતરશે. ચીન, સાઉથ કોરિયા અને જપાન મેડલ ટેબલમાં ટૉપ-થ્રીમાં આવશે એ લગભગ નક્કી છે અને ચોથા-પાંચમા સ્થાન માટે ભારત, ઈરાન, કઝાખસ્તાન, ઉઝબેકિસ્તાન, ચાઇનીઝ તાઈપેઈ તથા થાઇલૅન્ડ વચ્ચે તીવ્ર હરીફાઈ જોવા મળશે.

એશિયામાં હોવા છતાં એશિયાડમાં નહીં

આઠ દેશ એવા છે જેમનો થોડો પ્રદેશ એશિયામાં હોવા છતાં તેઓ એશિયાડનો હિસ્સો નથી : રશિયા, ટર્કી, જ્યૉર્જિયા, સાયપ્રસ, આર્મેનિયા, અઝરબૈજાન, ઇજિપ્ત અને ઇઝરાયલ.

ચીનમાં ભારત-પાકિસ્તાનની ક્રિકેટમાં ટક્કર

એશિયન ગેમ્સમાં ક્રિકેટના મુકાબલા ઘણો રોમાંચ જગાડશે. ખાસ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ પછી હવે એશિયન ગેમ્સમાં ટક્કર થવાની પાકી શક્યતા છે. એ મુકાબલો જેવો તેવો નહીં હોય. જો બન્ને દેશ પોતપોતાની શરૂઆતની મૅચો જીતશે તો ૭ ઑક્ટોબરે ગોલ્ડ મેડલ માટેની ફાઇનલમાં સામસામે આવી જશે. આઇસીસીના રૅન્કિંગ મુજબ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બંગલા દેશને ક્વૉર્ટર ફાઇનલમાં આવવા મળ્યું છે. બીજા ૧૦ દેશ પણ ક્રિકેટ-સ્પર્ધા રમવાના છે. ઋતુરાજ ગાયકવાડ ભારતીય ટીમનું સુકાન સંભાળશે. વિમેન્સ ટીમની સ્પર્ધા પણ થશે જેમાં હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં ભારત રમશે.

ભારતની મેન્સ ટીમ : ઋતુરાજ ગાયકવાડ (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રાહુલ ત્રિપાઠી, રિન્કુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર, શાહબાઝ અહમદ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, આવેશ ખાન, શિવમ માવી, મુકેશકુમાર, શિવમ દુબે, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર).

સ્ટૅન્ડબાય પ્લેયર્સ : દીપક હૂડા, યશ ઠાકુર, આર. સાઈ કિશોર, વેન્કટેશ ઐયર, બી. સાઈ સુદર્શન.

ભારતની વિમેન્સ ટીમ : હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ કૅપ્ટન), શેફાલી વર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), અમનજોત  કૌર, દેવિકા વૈદ્ય, અંજલિ સરવાની, તિતાસ સાધુ, રાજેશ્વરી ગાયકવાડ, મિન્નુ મની, કનિકા આહુજા, ઉમા ચેટ્રી (વિકેટકીપર), અનુશા બારેડી.

સ્ટૅન્ડબાય પ્લેયર્સ : હર્લીન દેઓલ, કેશવી ગૌતમ, સ્નેહ રાણા, સાઇકા ઇશાક, પૂજા વસ્ત્રાકર.

ભારતને કોના પર સૌથી વધુ આશા?
ભારતીયો ૩૯ જેટલી રમતોની હરીફાઈઓમાં ભાગ લેશે અને દેશને મેડલ માટેની સૌથી વધુ આશા આ સ્પોર્ટ્સપર્સન્સ પર છે : નીરજ ચોપડા (ભાલાફેંક), મીરાબાઈ ચાનુ, બિંધ્યારાની દેવી, (વેઇટલિફ્ટિંગ), મુરલી શ્રીશંકર તથા જેસ્વિન ઓલ્ડ્રિન (લૉન્ગ જમ્પ), તેજિંદર પાલ સિંહ તૂર (ગોળાફેંક), જિનસન જૉન્સન (૧૫૦૦ દોડ), અવિનાશ સાબળે અને પારુલ ચૌધરી (૩૦૦૦ મીટર સ્ટીપલચેઝ), ૪x૪૦૦ રિલે દોડ, તીરંદાજી, ક્રિકેટ (ટી૨૦-મેન્સ અને વિમેન્સ), હૉકી, શૂટિંગ, ઍથ્લેટિક્સ, કબડ્ડી, ચેસ, બૅડમિન્ટન, બૉક્સિંગ, રેસલિંગ, ફેન્સિંગ વગેરે.

મને પૂરી આશા છે કે ભારત આ વખતે એશિયન ગેમ્સમાં મેડલ જીતવાનો પોતાનો રેકૉર્ડ તોડશે. કેટલીક રમતોમાં આપણા ઍથ્લીટ્સ અને ખેલાડીઓ એશિયામાં બેસ્ટ છે એટલે તેઓ ભારતને રેકૉર્ડબ્રેકિંગ પર્ફોર્મન્સ અપાવશે જ. : પી. ટી. ઉષા (ઇન્ડિયન ઑલિમ્પિકસ અસોસિએશનનાં પ્રમુખ)

૪૫ દેશો આ વખતના એશિયાડમાં ભાગ લેશે અને એમના કુલ ૧૦,૦૦૦ કરતાં પણ વધુ ઍથ્લીટ્સ મેડલ જીતવાની રેસમાં ઝંપલાવશે.

columnists sports sports news