17 November, 2024 04:22 PM IST | Mumbai | Sairam Dave
પ્રતીકાત્મક તસવીર
ગિજુભાઈ બધેકાએ સો વરસ પહેલાં જે અદ્ભુત બાળવાર્તાઓ આપી એ બાળકેળવણી માટે આજે પણ સચોટ છે. અહીં એ બાળવાર્તાઓ જરાક મોટાઓ માટે થોડા ફની ફેરફાર સાથે મૂકી છે. આ ઓરિજિનલ વાર્તાઓ ન સાંભળી હોય તો પહેલાં કો’ક વડીલ ગોતજો ને જો વડીલ મળે નહીં તો પછી ગૂગલબાબા ઝિંદાબાદ..!
વાર્તાઓનું એક હીર આપણે ઓળખવાનું ચૂકી ગયા છીએ.
વાર્તાઓ ઘડતર કરે છે. એનાથી બાળકોની કલ્પનાશક્તિ ખીલે અને સાથોસાથ વ્યવહારબુદ્ધિ વધે પણ આજે ક્યાં કોઈ માબાપને પોતાને વાર્તા આવડે છે કે તે બાળક પાસે બેસીને તેને વાર્તા સંભળાવે. અરે, નાનાં બાળકો માટેની વાર્તાઓ ક્યાંય કોઈ છાપામાં પણ આવે છે. દલીલ થાય છે કે હવે બાળકો છાપાં વાંચતાં નથી પણ ભલામાણસ, વાર્તા ભલે છોકરાવ ન વાંચે, છોકરાવનાં માબાપ તો એ વાંચીને પોતાના છોકરાવને એ વાર્તા સંભળાવી શકેને! મને તો સરકાર પર પણ ઘણી વાર ખાર ચડે. આમ ક્યે કે બાળકો આપણી આગામી પેઢી છે, દેશનું ભવિષ્ય છે, એનું ઘડતર કરવામાં ધ્યાન રાખવું જોઈએ પણ ઘડતર થવાની દિશામાં જો એકેય પગલું ભર્યું હોય તો મારું માથું ને એનું જોડું.
માબાપને તેના પેટના જણ્યાની પડી નથી ને સરકારને ભાવિ પેઢીની દરકાર નથી. ખેતરના સેઢે ઊગતા ગાંડા બાવળિયાની જેમ આ બાળકો જાતે-જાતેઊઉગતાં જાય છે ને પછી આ જ છોકરાવની આપણે ફરિયાદ કરવાના છીએ.
હશે, અંદરનો માસ્તર જાગી ગ્યો એટલે બળતરા નીકળી ગઈ. આ જગ્યા મને બળતરા કાઢવા માટે નઈ, તમને હસતરાં આપવા માટે દીધી છે એટલે આવીએ આપણે વાર્તા પર...
પહેલી વાર્તા અને એનું ટાઇટલ.
ન્યુ ચાંચુડી
એક કાગડો હતો. અસલ કાગડા જેવો. એક કાબર હતી, પણ કાબર જેવી નહીં. બન્નેએ ખેતર ખેડવાનું નક્કી કર્યું. કાગડો કહે,
ઠાગાઠૈયા કરું છું,
ચાંચુડી ઘડાવું છું,
જાવ કાબરબેન આવું છું...!
કાગડાનું બહાનું કાબર તો તરત સમજી ગઈ, કારણ કે કાબરબેન IPSની એક્ઝામમાં ત્રણ વાર નાપાસ થયેલા એટલે કાગડાઓને બરાબર ઓળખે.
કાબર તો તરત બોલી :
એકલી ખેતર ખેડું છું,
તારાં પાણી માપું છું,
ન્યુ ચાંચુડી આપું છું
કાબરબેને તો તરત ઍર ઍમ્બ્યુલન્સ બોલાવી. શહેરની મોટી હૉસ્પિટલમાં કાગડાની ચાંચની પ્લાસ્ટિક સર્જરી કરાવી. હવે ખેતીને બદલે મેડિક્લેમની રકમ માટે કાબર અને કાગડો બેય વીમાકંપનીએ ધક્કા ખાય છે. સર્જરીનું બિલ એટલુંબધું આવ્યું છે કે જો મેડિક્લેમ પાસ ન થાય તો ખેતર વેચીને હૉસ્પિટલનું બિલ ભરવું પડશે. પછી ખેતી કરશો ક્યાં? હાથનાં કર્યા હૈયે વાગ્યાં તે આનું નામ.
વાર્તા નંબર બે...
ઉંદર સત્તર પૂંછડીવાળો
‘સુંદર બે બાયડીવાળો’ ને ‘ત્રંબક ત્રણ બાયડીવાળો’ પછી નવું નાટક ‘ચંદિયો ચાર બાયડીવાળો’ આવે એ પહેલાં આ વાર્તા વાંચી લ્યો.
સાત પૂંછડીવાળો એક ઉંદર હતો. હવે તેનાં મા-બાપને એમ કે આપણા ઉંદરને સાત પૂંછડી છે તો તેને ઉચ્ચ શિક્ષણ આપવા માટે શહેરની કોઈ મોંઘીદાટ કૉર્પોરેટ સ્કૂલમાં ભણવા બેસાડીએ.
ભાઈસાબ-બાપા કરી કરી
ઢગલો ડોનેશન ભરી ભરી
ભલામણોથી જુરી જુરી
લીધું ઍડ્મિશન ફરી ફરી
સાત પૂંછડીવાળો ઉંદર તો વટથી નિશાળે ગયો. બધા તેને ખીજવવા લાગ્યા ‘ઉંદર ‘સાત પૂંછડીવાળો...’, ‘ઉંદર સાત પૂંછડીવાળો’
ઉંદર તો કાંઈ ન બોલ્યો. બીજા દિવસે પણ એ જ ઘટના ઘટી. ત્રણ દિવસ ઉંદરે બધું જોયું. પહેલા તો એને થયું કે પોક મૂકીને રોઈ લઉં, પણ પછી એને થયું કે રોવે એ તો માયકાંગલા કહેવાય.
ચોથા દિવસે ઉંદરે યુક્તિથી નિશાળમાં ખીજવતા ઉંદરોનું મોબાઇલમાં રેકૉર્ડિંગ કરી લીધું અને પછી
ચલાવ્યું ભાઈ ચલાવ્યું, ચૅનલોમાં ચલાવ્યું,
ફૉરવર્ડયુ ભાઈ ફૉરવર્ડયુ, મીડિયામાં ફૉરવર્ડયુ,
છપાવ્યું ભાઈ છપાવ્યું, છાપામાં છપાવ્યું,
કપાવ્યું ભાઈ કપાવ્યું, નાક કોણે કપાવ્યું?
ઉંદરે તો મુદ્દો ગજાવી મૂક્યો. જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલને નોટિસ ફટકારી સાત પૂંછડીવાળા ઉંદરને ખીજવનારા તમામ ઉંદરો પાસેથી માફીના વિડિયો લેવાયા અને સોશ્યલ મીડિયામાં ચલાવાયા. સાત પૂંછડીવાળા ઉંદરનો તો વટ પડી ગયો. બસ, પછી એ ઉંદર એ જ સ્કૂલમાં PhD સુધી ભણ્યો અને પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયો. પૂંછડી સાત હોય કે સત્તર, શું ફેર પડે છે?
પૂંછડી પરનો પ્રેમ અને પ્રતિકાર કરવાની હિંમત ઉંદર જેવી હોવી જોઈએ, બાકી ખીજવવાવાળા તો વેઇટિંગમાં જ હોય છે.