12 June, 2024 09:58 AM IST | Mumbai | Sarita Joshi
સરિતા જોષી
જગતમાં ક્યાંય આર્ટને મજૂરી તરીકે જોવામાં નથી આવતી અને એટલે તો અનેક જગ્યાએ ચાઇલ્ડ આર્ટિસ્ટ આપણને જોવા મળે છે, પણ મને લાગે છે કે એ ચાઇલ્ડ આર્ટિસ્ટ માટે પણ કેટલાક નિયમ બની જવા જોઈએ. આમ તો હવે આપણે ત્યાં ઘણા નિયમ બની ગયા છે. અમારી વખતે તો એવું નહોતું, પણ હા, મને હજી પણ યાદ છે કે અમારી વખતે એક નિયમ તો હતો કે જે ચાઇલ્ડ આર્ટિસ્ટ હોય તેને પૈસા ન મળે, તેનાં માબાપને પૈસા આપવામાં આવતા. હું જે કંપનીમાં કામ કરતી એ કંપનીના માલિક ઈરાનીશેઠ દર મહિને મારી આઈને ઘરે પૈસા પહોંચાડતા. અમારે છોકરાઓએ પૈસાની લેતીદેતીમાં પડવાનું જ નહીં. હા, અમને હાથખર્ચીના પૈસા મળી રહે, જેમાં અમારે બિસ્કિટ કે પિપરમીટ કે એવું કંઈ લેવું હોય તો લેવાનું. હું તો એ પણ બચાવતી એ કહી દઉં.
આજે જે આપણા ચાઇલ્ડ આર્ટિસ્ટ છે તેમને માટે એવા નિયમ બનવા જોઈએ કે તેમણે વીક-એન્ડમાં જ કામ કરવાનું હોય, જેથી તે પોતાનું ભણવાનું સરસ રીતે પૂરું કરી શકે. ધારો કે કામ વધારે હોય તો ઍટ લીસ્ટ એવો નિયમ બનવો જોઈએ કે બાળકલાકારોએ સાંજે ૬ પછી કામ નહીં કરવાનું અને સ્કૂલના સમયે તો તેમણે કામ ન જ કરવાનું હોય એ સમજવા જેવી વાત છે. મને લાગે છે કે આપણે ત્યાં એવો પણ નિયમ બનવો જોઈએ કે જે ચાઇલ્ડ આર્ટિસ્ટ હોય તેને મળતું પેમેન્ટ જો બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટ કે નૅશનલ સેવિંગ્સની ફિક્સ્ડ ડિપોઝિટના ફૉર્મમાં આપવામાં આવે તો તેમનું ભવિષ્ય સુધરી જાય. મારી ભૂલ ન હોય તો આવો નિયમ બનાવવા વિશે થોડા સમય પહેલાં વાત શરૂ થઈ હતી, પણ એમાં કોઈ અસોસિએશનના હોદ્દેદારોને વાંધો પડ્યાનું મેં સાંભળ્યું હતું, પણ હું કહીશ કે સાહેબ, બીજાનું શું કામ વિચારવાનું? માબાપ પોતે જ પોતાનાં બાળકો માટે નિયમ બનાવે તો ચોક્કસપણે એ નિયમ પ્રોડક્શન-હાઉસથી લઈને ચૅનલ સુધીના સૌકોઈએ માનવા-પાળવા પડે અને એવું જ કરવું પડે.
મારા નિયમ હું બનાવું અને હું જ એને ફૉલો કરું. કામ કરવું હોય તો કરો, નહીં તો મને આરામ કરવા દો. માબાપ પણ જો બાળક માટે આટલું વિચારતાં થઈ જશે તો ચોક્કસપણે એનો ફાયદો બાળકલાકારોને થશે અને તેમને સમજાશે કે આર્ટ જ બધું નથી. આર્ટની સાથે ભણવું અને બીજું બધું શીખવું પણ મહત્ત્વનું છે અને આ વાત બીજું કોઈ નહીં, બાળકને તેનાં માબાપ જ શીખવી કે સમજાવી શકે. ઘણી વાર માબાપ આ વાત સમજાવવામાં ફેલ જાય છે, જેનું ખરાબ પરિણામ પછી બાળકે ભોગવવું પડે છે. મારું કહેવું છે કે દરેકે સમજવું જોઈશે કે દરેક વખતે માત્ર વર્તમાન નહીં, ભવિષ્ય પણ મહત્ત્વનું હોય છે અને એને પણ આંખ સામે રાખવાનું હોય છે.