હૃદયનાથ મંગેશકર પાસે સંગીત ઉપરાંત ધર્મ, સાહિત્ય અને ફિલોસૉફી જેવા અનેક વિષયોનું અગાધ જ્ઞાન છે

09 June, 2024 07:55 AM IST  |  Mumbai | Rajani Mehta

મંગેશકર પરિવાર પર મા સરસ્વતીની એટલી કૃપા રહી છે કે લતા મંગેશકર, આશા ભોસલે અને હૃદયનાથ મંગેશકર જેવા કલાકારોએ આપણને સંગીતથી સમૃદ્ધ કર્યા છે.

હૃદયનાથ મંગેશકર

મંગેશકર પરિવાર પર મા સરસ્વતીની એટલી કૃપા રહી છે કે લતા મંગેશકર, આશા ભોસલે અને હૃદયનાથ મંગેશકર જેવા કલાકારોએ આપણને સંગીતથી સમૃદ્ધ કર્યા છે. ઉષા મંગેશકર અને મીના મંગેશકર પણ આ ક્ષેત્રમાં કાર્યરત રહ્યાં. લતાજી અને આશાજીને ગ્રીનરૂમમાં નજીકથી જોયાં છે અને તેમની વાતો સાંભળી છે, પરંતુ નિરાંતે મળવાનો મોકો નથી મળ્યો. હૃદયનાથ મંગેશકર સાથે આ પહેલાં બે મુલાકાત થઈ છે. પહેલી વાર પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે તેમનો એક કાર્યક્રમ ૨૦૧૪માં પુણેમાં થયો ત્યારે ગ્રીનરૂમમાં ગપસપ થયેલી. બીજી વાર ૨૦૧૮માં પ્રિય મિત્ર રૂપકુમાર રાઠોડના ઘરે તેમની સાથે મુલાકાત થઈ જે વાતો મેં શૅર કરી હતી.

ગયા અઠવાડિયે ફરી એક વાર તેમની સાથે મુલાકાત થઈ. સોનાલી અને રૂપકુમાર રાઠોડ એક એવું મિત્ર-કપલ છે જેની સાથે લોહીનો નહીં, લયનો સંબંધ છે. અમારી વચ્ચે સંગીત સિવાય એક કૉમન કડી એ છે કે અમે સૌ ખાવાનાં શોખીન. થોડા સમયાંતરે અમારો એકમેકના ઘરે અથવા બહાર ખાણી-પીણીનો કાર્યક્રમ થાય. એ દિવસે ડિનર માટે તેમના ઘરે ભેગાં થયાં ત્યારે ધાર્યું નહોતું કે અચાનક હૃદયનાથજી આવી જશે. રાઠોડ પરિવાર સાથે તેમના નિકટના સંબંધ. ૮૬ વર્ષની ઉંમરે તેમની યાદશક્તિ જબરદસ્ત છે. મને તરત ઓળખી ગયા. એ રાતે લગભગ ત્રણ કલાક અમે સૌ મંત્રમુગ્ધ થઈને તેમની વાતો સાંભળતાં રહ્યાં.

સંગીત ઉપરાંત ધર્મ, સાહિત્ય, ફિલોસૉફી અને બીજા અનેક વિષયો પર તેમનું અગાધ જ્ઞાન જોઈને આપણને તાજુબ થાય. રામાયણ અને મહાભારતનાં પાત્રો અને પ્રસંગોનું તેમનું વિવેચન એક નવો આયામ રચી આપે. સંત જ્ઞાનેશ્વર રચિત લતાજીનું વિખ્યાત મરાઠી ભજન ‘મોગરા ફૂલલા’ની એક-એક પંક્તિનો જે બારીકાઈથી ભાવાર્થ સમજાવ્યો એ યાદગાર પળ હતી એટલું જ નહીં; કબીર, મીરાંબાઈ અને જ્ઞાનેશ્વરની રચનાઓ એકમેકથી કયા સ્તરે અલગ પડે છે એની છણાવટ તેમની જેમ ભાગ્યે જ કોઈ કરી શકે.

આ ગુફ્તગૂ ખૂબ ‘ટેક્નિકલ’ હતી, પરંતુ જે સરળતાથી તેમણે ટિપ્પણીઓ કરી કે પૂરી વાત આપણને શીરાની જેમ ગળે ઊતરી જાય. આ ચર્ચા દરમ્યાન ફિલ્મ-ઇન્ડસ્ટ્રી અને સંબંધિત કલાકારો ઉપરાંત લતાજીના અનેક કિસ્સા પણ તેમણે શૅર કર્યા હતા જે મોટા ભાગના ‘ઑફ ધ રેકૉર્ડ’ છે. લતાદીદી સાથેનાં સ્મરણોનું એક પુસ્તક તેઓ લખી રહ્યા છે અને એમાંના થોડા કિસ્સા તેમણે શૅર કર્યા છે જે તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે...

‘નાનો હતો ત્યારે દીદી ઘણી વાર મને રેકૉર્ડિંગમાં સાથે લઈ જાય. મને કહે કે મારી સાથે ચાલ, તને પણ નવું શીખવા મળશે. એક દિવસ કહે કે આજે પન્નાબાબુ (સુપ્રિસદ્ધ બાંસુરીવાદક પંડિત પન્નાલાલ ઘોષ) આવવાના છે, તારી ઓળખાણ કરાવું. અમે સ્ટુડિયો પહોંચ્યાં. શંકર-જયકિશનના એક ગીતનું રેકૉર્ડિંગ હતું. થોડાં રિહર્સલ થયાં. હું મંત્રમુગ્ધ થઈને બાંસુરીનો આસ્વાદ લઈ રહ્યો હતો. રેકૉર્ડિંગ શરૂ થયું. ગીતની શરૂઆતમાં બાંસુરીનો નાનો આલાપ હતો. ત્યાર બાદ હેવી ઑર્કેસ્ટ્રા અને પછી ફરી બાંસુરીના એક આલાપ બાદ દીદીએ ગીતની શરૂઆત કરી.

રેકૉર્ડિંગમાં પહેલો આલાપ પન્નાબાબુએ સૂરમાં વગાડ્યો, પણ હેવી ઑર્કેસ્ટ્રા બાદના આલાપમાં મારા કાન ચમક્યા. એ બેસૂરા થઈ ગયા હતા. જયકિશને ‘કટ’ કહ્યું અને ફરીથી રેકૉર્ડિંગ શરૂ થયું. જોકે ત્યાર બાદ એ જ ભૂલ થતી હતી. મ્યુઝિશ્યન્સને હજી સમજાતું નહોતું કે વારંવાર કેમ રીટેક થાય છે. જયકિશને અસિસ્ટન્ટને કહ્યું, પન્નાબાબુને સિંગરની કૅબિનમાં લઈ આવ. તેને નવાઈ લાગી. જયકિશને ફોડ પાડતાં કહ્યું, ‘તે બેસૂરા થઈ જાય છે એનું કારણ છે. તેઓ સ્ટેજના કલાકાર છે, હંમેશાં તાનપૂરા સાથે પર્ફોર્મ કરે છે. અહીં તે ઑર્કેસ્ટ્રામાં વગાડે છે એટલે સૂર નથી મળતા. કૅબિનમાં લતાજી સાથે વગાડશે એટલે હેવી મ્યુઝિક ઓછું સાંભળશે અને પાકો સૂર મળશે.’ મારા માટે આ એક નવો પાઠ હતો.’

 કિસ્સો પૂરો થયો એટલે મેં બાબાને કહ્યું, ‘મારી જાણ મુજબ આ ગીત ફિલ્મ ‘બસંત બહાર’ (૧૯૫૬)નું ‘મૈં પિયા તેરી તૂ માને યા ન માને’ હતું.’ આટલું કહીને મેં શરૂઆતનું આખું મ્યુઝિક ગુનગુનાવ્યું. તેમણે ખુશ થતાં કહ્યું, ‘આપ સહી હો ઔર સૂર મેં ભી હો.’ એ પછી તેમણે એક ચોંકાવનારી વાત કરી. એ વાત શરૂ કરતાં પહેલાં એક આડવાત. વિખ્યાત બાંસુરીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયા સાથે મારી મુલાકાત થઈ ત્યારે તેમણે નાની-મોટી સાઇઝની બાંસુરીની વાત કરતાં કહ્યું, ‘આ એક મોટો પરિવાર છે. સૌથી મોટી અને લાંબી બાંસુરી એ દાદાજી છે. હંમેશાં ધીરગંભીર વાગે. પછી પિતા, તેમના પુત્રો, તેમનાં બાળકો. દરેકની વય અનુસાર બાંસુરીની સાઇઝ અને સ્વર બદલાતા જાય. સૌથી નાની બાંસુરી એ નટખટ બાળક જેવી છે. મસ્તી-તોફાન અને ફાસ્ટ ગીતો માટે આ જ બાંસુરીનો પ્રયોગ થાય.’

હૃદયનાથજીએ આગળ વાત કરતાં કહ્યું, ‘પન્નાબાબુ જે ચપળતાથી આંગળીઓ ફેરવતા હતા એ જોઈને હું તો આશ્ચર્યચકિત થઈ ગયો. સામાન્ય રીતે ચાર ફુટ લાંબી બાંસુરી સરળતાથી વગાડવી અઘરી છે. બે કાણાં વચ્ચેના લાંબા અંતરને કારણે ઝડપથી આંગળીઓ ફેરવીને ઊંચા સ્વરથી નીચેના સ્વર સુધી પહોંચવું આસાન કામ નથી. તેમની સાથે વાત કરતાં તેમણે એક ચોંકાવનારી ઘટના કહી. આંગળીઓની મૂવમેન્ટ સરળ રીતે થાય એટલા માટે તેમણે બે આંગળીઓ વચ્ચેની ચામડી કપાવી નાખી હતી જેથી આંગળીઓની લંબાઈ વધી ગઈ. એક કલાકાર પોતાની કલાને વધુમાં વધુ નિખાર આપી શકે એ માટે કેટલી હદે કુરબાની આપી શકે એનું આ જીવતું-જાગતું ઉદાહરણ હતું.’

હજી હૃદયનાથજીએ કહેલા બીજા મજેદાર કિસ્સાઓ બાકી છે એ આવતા અઠવાડિયે.

columnists rajani mehta lata mangeshkar