ફૉરેવર યંગ મૅન

16 January, 2023 05:32 PM IST  |  Mumbai | Aparna Shirish

પહેલાં યંગ દેખાવાની લાય માત્ર સ્ત્રીઓમાં જોવા મળતી હતી, પણ હવે કૉસ્મેટોલૉજિસ્ટના ક્લિનિકમાં ઍન્ટિ-એજિંગ ટ્રીટમેન્ટ કરાવતા પુરુષોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. જાણીએ પુરુષો કેવી ટ્રીટમેન્ટ્સ વધુ કરાવે છે

પ્રતીકાત્મક તસવીર

ઍન્ટિ-એજિંગ ક્રીમ્સ કે પછી ઍન્ટિ-એજિંગ પ્રોસીજર્સ કરી આપતા ક્લિનિકની જાહેરાતોમાં મોટા ભાગે સુંદર યુવતીઓ જ દેખાડવામાં આવે છે. યંગ ઍન્ડ હૅન્ડસમ છોકરાઓ આવી ક્લિનિકના બ્રૅન્ડફેસ હોય એવું જવલ્લેજ જોવા મળે છે, પણ સમય બદલાઈ રહ્યો છે, હવે પુરુષો પણ બદલાઈ રહ્યા છે અને પોતાનો લુક બદલવાની ચાહના રાખી રહ્યા છે. આ વિશે વાત કરતાં ડર્મેટોલૉજિસ્ટ અને કૉસ્મેટોલૉજિસ્ટ ડૉ. મેઘના મોર કહે છે, ‘સમયમાં આવેલા બદલાવ સાથે પુરુષો ગ્રૂમિંગનું મહત્ત્વ સમજી ગયા છે અને વાળ-સ્કિન પ્રત્યે પહેલાં કરતાં વધુ સભાન છે.’
પર્સનાલિટી મહત્ત્વની

આજે વિશ્વભરના કૉસ્મેટોલૉજિસ્ટ્સનો અહેવાલ કહે છે કે પોતાના લુક અને પોતાની પર્સનાલિટીને સુધારવા તેમ જ મેઇન્ટેન કરવા પાછળ ખૂબ મહેનત કરતા જોવા મળી રહ્યા છે. પછી એ જિમમાં થોડા વધુ કલાક વિતાવવાની વાત હોય કે પછી નૉન-સર્જિકલ ઍન્ટિ-એજિંગ પ્રોસીજર કરવાની. પુરુષો હવે આ બાબતને ‘આ તો સ્ત્રીઓનું કામ’ એવું કહી ટાળતા નથી. 

કેવી ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે પુરુષો?

પુરુષો પોતાના વાળ માટે ખૂબ જ ટચી હોય છે અને માટે જ કૉસ્મેટિક પ્રોસીજર્સમાં પુરુષો દ્વારા કારાવવામાં આવતી ટ્રીટમેન્ટ એટલે હેર-ટ્રાન્સપ્લાન્ટ અને હેર ગ્રોથ એવું જણાવતાં ડૉ. મેઘના મોર કહે છે, ‘યુવકો મોટા ભાગે ઍન્ટિ એક્ને, પિગમેન્ટેશન, ચહેરા પર જો નાનપણની કોઈ ઇન્જરીના ડાઘ રહી ગયા હોય તો એ બિયર્ડ અને આઇબ્રો શેપિંગ જેવી ટ્રીટમેન્ટ્સની ડિમાન્ડ કરે છે, જ્યારે થોડી મોટી ઉંમરના પુરુષો ચહેરાની કરચલીઓ ન દેખાય એ માટેની બોટોક્સ, ફિલર્સ, નૉન સર્જિકલ ફેસ લિફ્ટ જેવી ટ્રીટમેન્ટ કરાવે છે.’

પુરુષો પણ હવે પોતાની સાથીદારની જેમ જ ફૉરેવર યંગ રહેવા માગે છે. એક્સેપ્ટિંગ ધ એજિંગનો જમાનો હવે ગયો. ચહેરાની દેખભાળ કરવામાં હવે પુરુષો પણ પાછળ નથી રહેવા માગતા. ચહેરા પર કરચલી ન પડે એ માટે બોટોક્સ અને ફિલર્સનાં ઇન્જેક્શન લેવાં પડે તો હવે એ પણ લેવા માંડ્યા છે. 

લેસર હેર રિમૂવલ

શરીર પરના વાળથી છુટકારો મેળવવાની હરોળમાં હવે પુરુષો પણ છે. વારંવાર વૅક્સિંગ કરાવવાની ઝંઝટથી મુક્તિ મેળવવા માટે લેસર હેર રિમૂવલ જેવી ટ્રીટમેન્ટ્સ કરાવતા થયા છે. પુરુષો મોટા ભાગે આ ટ્રીટમેન્ટ્સ છાતી કે પીઠ પરના વાળ માટે, કાન પર ઊગતા વાળ માટે અને કેટલીક વાર હાથ-પગના વાળ માટે પણ કરાવે છે. 

આ પણ વાંચો :  સૅલોંમાં જઈને ફેશ્યલ કરાવવાનો સમય નથી?

ફૅટ લૉસ અને વેઇટ લૉસ

કૉસ્મેટિક પ્રોસીજરમાં ફક્ત ચહેરાનો જ સમાવેશ નથી. શરીરનાં બાકીનાં અંગોને પોતાની ઇચ્છા મુજબ કરેક્ટ કરી શકાય છે એ વાત પુરુષો હવે એક્સેપ્ટ કરી રહ્યા છે. આ વિશે ડૉ. મેઘના કહે છે, ‘હવે પુરુષોની ટ્રીટમેન્ટ્સ ફક્ત હેર અને સ્કિન સુધી સીમિત નથી. જો પેટની એક્સ્ટ્રા ચરબી તેમને નડતી હોય તો એને માટે પણ તેઓ ટ્રીટમેન્ટ કરાવે છે.’

લિપો સક્શન, ઇંચ લૉસ, ઈએમએસ એટલે કે ઇલેક્ટ્રિક મસલ સ્ટિમ્યુલેશન, સિક્સ પૅક ઍબ સારાં લાગે એ માટે ફૅટ ફ્રીઝ જેવી પ્રોસીજર પુરુષો કરાવે છે.

 ‘સમયમાં આવેલા બદલાવ સાથે પુરુષો ગ્રૂમિંગનું મહત્ત્વ સમજી ગયા છે. આજના પુરુષો પોતાના વાળ અને સ્કિન પ્રત્યે પહેલાં કરતાં વધુ સભાન છે.’ : ડૉ મેઘના મોર

કેવી ટ્રીટમેન્ટ્સ છે ટ્રેન્ડમાં

બોટોક્સ, ફિલર્સ, હેર ગ્રોથ અને ટ્રાન્સપ્લાન્ટ, ફૅટ લૉસ, લેસર હેર રિમૂવલ, નૉન સર્જિકલ ફેસ લિફ્ટ

columnists beauty tips skin care