25 February, 2023 12:24 PM IST | Mumbai | Ruchita Shah
સ્પેસ સાયન્ટિસ્ટ પ્રો. નરેન્દ્ર ભંડારી
આજે ભારતમાં ટેક્નૉલૉજીની જે ક્રાન્તિ જોઈએ છીએ એમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO)નો બહુ જ મોટો ફાળો છે. એેની સ્થાપનાથી માંડીને આ સંસ્થા સાથે જોડાયેલા અને વૈશ્વિક સ્તરે નામના ધરાવતા સ્પેસ સાયન્ટિસ્ટ પ્રો. નરેન્દ્ર ભંડારી અમેરિકાના અપોલો મિશનમાં ચંદ્ર પરથી લાવવામાં આવેલાં મૂન સૅમ્પલ્સના અભ્યાસમાં નિયુક્ત કરાયેલા રિસર્ચરોમાં એકમાત્ર ભારતીય ગ્રુપના સદસ્ય હતા. ભારતના પહેલવહેલા સ્પેસ મિશન ‘ચંદ્રયાન-૧’માં તેઓ પાયાની ભૂમિકામાં હતા. રુચિતા શાહ સાથેની વાતચીતમાં અત્યારે પણ નાસા સાથેના એક પ્રોજેક્ટમાં સક્રિય પ્રો. નરેન્દ્ર ભંડારી એ વાતને ભારપૂર્વક દોહરાવે છે કે ઇસરોનું દૂરંદેશીપણું ભારતને સો ટકા વિશ્વમાં મુઠ્ઠીઊંચેરું કરશ નાસા સહિતની વિશ્વની ટોચની સ્પેસ સંસ્થાઓમાં ઇસરો કયા સ્થાને ગણાય?
નંબરિંગમાં ઊતરવાને બદલે ઇસરોના કાર્યની નોંધ લેવાઈ હોય અને જે રીતે વિશ્વના અમુક દેશો પણ આપણી સેવાનો લાભ લેવા માંડ્યા છે એવી ઇસરોની શોધ એ એની સક્સેસનું શ્રેષ્ઠ પૅરામીટર છે. આપણે જ્યારે પહેલું સૅટેલાઇટ લૉન્ચર રૉકેટ લૉન્ચ કર્યું ત્યારે દુનિયાનાં મોટા ભાગનાં સ્પેસ સેન્ટર મોંમાં આંગળાં નાખી ગયાં હતાં અને આજે પણ આપણો સક્સેસ રેશિયો ભલભલાને તાજુબ પમાડનારો છે. કદાચ નાસાએ આપણા કરતાં વધુ વૈવિધ્યસભર પ્રોજેક્ટ પર કામ કર્યું હશે, પરંતુ એટલું તો હું ગર્વથી કહીશ કે આપણા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશને બહુતાંશ જે પણ પ્રોજેક્ટ પર કામ કર્યું છે એમાં ઝંડો ગાડ્યો છે. યસ, જેમ કે સૅટેલાઇટ લૉન્ચરની મેં વાત કરી. ત્રીસથી વધુ દેશોને એમના સૅટેલાઇટ લૉન્ચ કરી આપવામાં પણ આપણા પોલર સૅટેલાઇટ લૉન્ચ વેહિકલ (PSLV) સૅટેલાઇટ લૉન્ચરની એક્સપર્ટાઇઝ કામ લાગી છે જે ભાગ્યે જ દુનિયાનું કોઈ સ્પેસ રિસર્ચ સેન્ટર કરી ચૂક્યું છે. પહેલવહેલી વાર નાસા અને ઇસરોએ ભેગા થઈને ‘નિસાર’ નામનો સૅટેલાઇટ પ્રોગ્રામ લૉન્ચ કર્યો છે એ પણ ઇસરોનો વિશ્વમાં વધી રહેલો દબદબો જ વર્ણવે છે.
સર, તમે ‘ચંદ્રયાન-૧’ના લૉન્ચ વખતે મુખ્ય ભૂમિકામાં હતા. હવે ઇસરો ‘ચંદ્રયાન-૩’ના લૉન્ચની તૈયારી કરી રહ્યું છે ત્યારે આ આખી જર્નીમાંથી શું ખાસ શીખવા જેવું?
એ દિવસ વિશે આપે પૂછ્યું એટલે થોડોક ફ્લૅશબૅક પણ કહી દઉં. હું મૂળ રાજસ્થાનનો છું અને મારા પિતા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ હતા. જોકે મને પહેલેથી જ ફિઝિક્સમાં રસ હતો. ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ જૉઇનકામ કરવાનું ખૂબ પ્રેશર હોવા છતાં આખરે મેં મારી પસંદગીનું ક્ષેત્ર પસંદ કર્યું. ફિઝિક્સમાં માસ્ટર્સ પૂરું કર્યું ત્યાં તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચમાંથી મને રિસર્ચર તરીકે જોડાવાનો ફોન આવ્યો. નૅચરલી, ભાવતું’તું ને વૈદે કીધું જેવી સ્થિતિ હતી મારા માટે. ૬૦ના દશકની વાત છે. ત્યારે હું તો સ્ટુડન્ટ તરીકે જોડાયો. એ સમયે વડાપ્રધાન પંડિત નેહરુ ઍટમિક એનર્જી ડિપાર્ટમેન્ટના મિનિસ્ટર હતા. હોમી ભાભા ઍટમિક એનર્જી કેન્દ્ર ડેવલપ કરી રહ્યા હતા એ ટાટા ઇન્સ્ટિટ્યુટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચનું ઉદ્ઘાટન કરવા પંડિત જવાહરલાલ નેહરુ આવેલા ત્યારે હું પણ ત્યાં હાજર હતો. હોમી ભાભા આ ઇન્સ્ટિટ્યુટના ડિરેક્ટર હતા. ૧૯૬૨માં રશિયાએ (USSR)એ બહુ જ મોટું ન્યુક્લિયર એક્સપ્લોઝન કર્યું હતું. ત્યારે આ રેડિયો ઍક્ટિવનો ટ્રેસર તરીકે ઉપયોગ કરીને ઍટ્મૉસ્ફિયર સર્ક્યુલેશન કેમ થાય એના પર મેં પીએચડી કર્યું. ત્યારે મારી થીસિસ અમેરિકાની યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયા, સૅન ડીએગો (UCSD)ના પ્રોફેસરે વાંચેલી. એના બેઝ પર તેમણે મને ત્યાં બોલાવી લીધો. ત્યાં તો પછી ફેકલ્ટી તરીકે કામ પણ કર્યું અને એ સમયે જ નાસાના અપોલો દ્વારા ચંદ્ર પરથી લાવવામાં આવેલાં કેટલાંક મૂન સૅમ્પલ્સ પર સ્ટડી કરવાની હતી. એમાં વર્લ્ડના ઘણા જાણીતા રિસર્ચરો હતા. એ ટીમમાં મને પણ સામેલ કરવામાં આવ્યો હતો. એના માટે મારે મૂન સૅમ્પલ્સમાં થતી રેડિયો ઍક્ટિવિટી માપી શકાય એવી લૅબોરેટરી બનાવવાની હતી. હું ત્યાંથી પાછો તાતા ઇન્સ્ટિટ્યૂટ આવ્યો અને મેં મૂન સૅમ્પલ્સનો અભ્યાસ શરૂ કર્યો. રશિયાના લુના નામના મિશન થકી લાવવામાં આવેલા મૂન સૅમ્પલ્સ પર કામ કરવાનો અવસર પણ મળ્યો. રેડિયો ઍક્ટિવિટી મારો મુખ્ય વિષય હતો. ૭૦ના દશકમાં કલ્પના પણ નહોતી કે આપણું પોતાનું પણ ક્યારેક મૂન મિશન હશે. જોકે ૧૯૯૪માં આપણું પોલર સૅટેલાઇટ લૉન્ચ વેહિકલ (PSLV) એટલે કે સૅટેલાઇટને અવકાશમાં પહોંચાડતું વાહન બન્યું અને એનો સક્સેસ-રેટ દુનિયા માટે અચંબા સમાન હતો. મિનિમમ ફેલ્યર-રેટને કારણે દુનિયામાં એનાં ખૂબ વખાણ થયાં એ પછી ચંદ્રયાન-૧ માટેના દરવાજા આપણા માટે ખૂલી ગયા. મને કદાચ એ જ વર્ષમાં ચંદ્રયાનની (જેને અમે ‘સોમયાન’ નામ આપેલું ત્યારે) ફિઝિબિલિટી અને એ શું કરશે એ વિશે એક રિપોર્ટ સબમિટ કરવાનું અને ઘણાં બધાં રિસર્ચ પેપર પબ્લિશ કરવાનું કહેવામાં આવેલું. એ પછીયે આખી પ્રોસેસને પાર પડતાં વર્ષો નીકળી ગયાં અને
૨૦૦૮ની બાવીસ ઑક્ટોબરે આપણું ચંદ્રયાન લૉન્ચ થયું. બહુ જ મોટી અચીવમેન્ટ હતી આ ઇસરો માટે. એ દૃષ્ટિએ પણ કે અહીં પહેલી વાર ચંદ્રને લગતી ત્રણ મોટી ભ્રમણાને આપણા ચંદ્રયાન મિશને ભાંગી હતી. આ મિશન પછી અમે પ્રૂવ કર્યું કે ચંદ્ર પર પાણી છે, ચંદ્ર વૉલ્કેનિકલી ઍક્ટિવ નથી અને ચંદ્રની જમીનની ખસકતી નથી. આપણા પહેલાં દુનિયામાં થયેલાં સંખ્યાબંધ મિશનો પણ આ ભ્રમણાની દિશામાં જે માહિતી લાવેલાં એની કાઉન્ટર માહિતી આપણે આપણા મિશનમાં પ્રોવાઇડ કરી શક્યા. પહેલી વાર આપણે પૃથ્વીની ઑર્બિટની બહાર ગયા હતા. બીજા ગ્રહની ગ્રૅવિટીનું આ પહેલું મિશન સુપરસક્સેસફુલ રહ્યું. એ પછી મંગલયાન આવ્યું, ચંદ્રયાન-૨ આવ્યું. હવે આદિત્યયાન, ગગનયાન, શુક્રયાન, ચંદ્રયાન-૩ જેવા પ્રોજેક્ટ્સ પર કામ ચાલુ છે. આપણા સાયન્સ્ટિો અભ્યાસ માટે પહેલી વાર ‘ગગનયાન’ હેઠળ અવકાશમાં જશે. ઇસરો અત્યારે સ્કાય ઇઝ ધ લિમિટને ડગલે ને પગલે સાબિત કરી રહ્યું છે.
આ બધા જ પ્રોજેક્ટની વાહવાહી બરાબર છે, પરંતુ એનાથી આમ જનતાના જીવનસ્તરને ક્યાં કોઈ ફરક પડવાનો... શું કામ નહીં. આજે તમે જે કોઈ મશીનો વાપરો છો - તમારી જીપીએસ સિસ્ટમ, તમારું ઇન્ટરનેટ, તમારાં વિવિધ ઇલેક્ટ્રૉનિક મશીનો, તમારું કમ્યુનિકેશન, તમારું ડિફેન્સ, તમારું હવામાન ખાતું - જેવું તમે નામ લો એ બધામાં જ ઇસરોનું યોગદાન છે. આજે ઇસરોએ લૉન્ચ કરેલા સૅટેલાઇટ આપણા કમ્યુનિકેશનથી લઈને ડિફેન્સ સેફ્ટી અને ટેક્નૉલૉજી ઍડ્વાન્સમેન્ટ એમ દરેકમાં કામ આવી રહ્યા છે અને આપણે આ વ્યવસ્થા સતત સઘન કરી રહ્યા છીએ. આપણે જે સર્જિકલ સ્ટ્રાઇક કરી એ કોના પ્રતાપે? ઇસરોએ લૉન્ચ કરેલા સૅટેલાઇટની માહિતી ખૂબ કામ લાગી આપણી ડિફેન્સ ટીમને. આપણી પોતાની જીપીએસ સિસ્ટમ છે. આજે ઇસરોના પ્રોગ્રામ હેઠળ રિમોટ ગામડામાં ટેલિ-એજ્યુકેશન પ્રોગ્રામ ચાલે છે. ક્યાં પાણીનો સ્રોત છે, કોઈ વાવાઝોડું આવવાનું છે, આપણું હવામાન કેવું રહેશે એની સચોટ માહિતી હવે જે ઉપલબ્ધ થઈ છે એ ઇસરોની જ કમાલ છે. આપણા દેશને ટેક્નૉલૉજીની દૃષ્ટિએ સ્વાવલંબી બનાવવા માટે ઇસરોનું યોગદાન આપણે કલ્પના ન કરી શકીએ એ સ્તરનું છે. આજે ચંદ્ર પર જવા માટે જે મશીનો બને છે એમાંનાં ઘણાં મશીનોની ટેક્નૉલૉજી રોજબરોજના જીવનમાં પણ અપ્લાય તો થાય જ છે. ધારો કે ચંદ્રની ભયંકર ગરમીમાં ટકી રહે એવું મશીન આપણે બનાવ્યું હોય તો એ જ ટેક્નૉલૉજી વાપરીને કચ્છની ગરમીમાં ટકી શકે એવું મશીન બનાવવામાં પણ મદદ તો મળશે જને.
સક્સેસ-મંત્ર : ૧૭
જાતમહેનત ઝિંદાબાદ. બેસ્ટ, કમિટેડ, ટૅલન્ટેડ અને દેશપ્રેમી સાયન્ટિસ્ટોથી યુક્ત આ સ્પેસ સંસ્થાએ આ દેશને ટેક્નૉલૉજિકલી સુપરપાવર બનાવવામાં ઉમદા ભૂમિકા ભજવી છે અને આગળ પણ ભજવશે.
આજે તમારાં મશીનો, જીપીએસ સિસ્ટમ, તમારું ઇન્ટરનેટ, વિવિધ ઇલેક્ટ્રૉનિક મશીનો, કમ્યુનિકેશન, ડિફેન્સ, હવામાન ખાતું - જેનું તમે નામ લો એ બધામાં જ ઇસરોનું યોગદાન છે.
પહેલું મિશન સુપરસક્સેસફુલ રહ્યું. એ પછી મંગલયાન આવ્યું, ચંદ્રયાન-૨ આવ્યું. હવે આદિત્યયાન, ગગનયાન, શુક્રયાન, ચંદ્રયાન-૩ જેવા પ્રોજેક્ટ્સ પર કામ ચાલુ છે.
વાહ, એ રીતે તો ઇસરોનો સક્સેસ ફોર્મ્યુલા પણ જાણવો પડે...
યસ, આપણી સ્ટ્રૅટેજી યુનિક છે. પહેલી વાત એ કે આપણી પાસે બીજા દેશોની જેમ બેહિસાબ રિસોર્સિસ નહોતા. આપણે ત્યાં જે પણ મશીન બનતાં અને જે પણ પ્રોજેક્ટ બનતા એમાં ટૉપ ટુ બૉટમ એક જ વ્યક્તિનું મેજર ઇન્વૉલ્વમેન્ટ રહેતું. ઓછા બજેટમાં કામ કરવાનું હોય ત્યારે તમે મેક્સિમમ ઍક્યુરસીને સ્વભાવ જ બનાવી દો. મને યાદ છે કે જપાનના સ્પેસ સેન્ટરે મને બોલાવેલો. ત્યારે ખબર પડી કે એમની મોટા ભાગની પ્રોસેસ આઉટસોર્સ થાય છે. મશીન કોઈ બનાવે, એનું ટેસ્ટિંગ કોઈ કરે, એના રિપોર્ટ જૂના લોકો બનાવે. આપણે ત્યાં આ બધા માટે ઇનહાઉસ સિસ્ટમ છે. મેં જ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું, મેં જ ટેસ્ટિંગ કરાવ્યું, મેં જ રિવ્યુ રિપોર્ટ બનાવડાવ્યા તો નૅચરલી એની સ્ટ્રેગ્થ અને લિમિટેશન મને ખબર હોવાની જ. આજે ઇક્વિપમેન્ટ્સ કરતાં પણ ટેસ્ટિંગ એક્સપેન્સિવ છે ત્યારે દરેક પ્રકારની ટેસ્ટમાં એક જ ટીમનું ઇન્વૉલ્વમેન્ટ હોય ત્યારે જવાબદારી વધી જાય. પ્લસ આપણી રિવ્યુ સિસ્ટમ ફૅન્ટૅસ્ટિક છે. આપણી ટીમ હાઇલી ડિવોટેડ છે. તેમનું કમિટમેન્ટ લેવલ એ સ્તરનું છે કે મોટા પ્રોજેક્ટ વખતે અઠવાડિયા સુધી ખાવું, પીવું, સૂવું બધું જ લૅબોરેટરીમાં હોય. કમિટમેન્ટ અને ટૅલન્ટ બન્ને છે આપણી પાસે. મિસ્ટેકનો અવકાશ ન રહે એવી ઉમદા વ્યવસ્થાઓ છે.
તસવીર : જનક પટેલ