જ્યારે મુંબઈ નજીક આવેલા વસઈમાં વસ્તી હતી પશુપંખીની

30 March, 2024 12:25 PM IST  |  Mumbai | Deepak Mehta

ઘોડાબંદર નદીમાં પણ મોટા-મોટા મગરનો વાસ. નદીકિનારાની ભીની માટીમાં મોટું જડબું ખોલીને પડ્યા હોય

ઘોડાબંદર નદી – આજની ઉલ્લાસ નદી - ઓગણીસમી સદીમાં.

શાંત, શાંત, સુશાંત આંહી સઘળું,
ધ્વનિ નહીં, નહીં શબદ કે નહીં 
ગણગણાટ પણ કોઈનો, 
સુણાય પડઘો અહીં સતત, વીતી ગયેલાં વરસો તણો 
અજ્ઞાત કવિ

મિસિસ પોસ્તાન્સ કહે છે કે અમે વસઈ પહોંચ્યાં ત્યારે અજ્ઞાત કવિની આ પંક્તિઓ મારા મનમાં પડઘાતી હતી. હિન્દુસ્તાનમાં રહેતા અંગ્રેજ સૈનિકો અને તેમના કુટુંબીજનો માટે ક્રિસમસનો તહેવાર એટલે મુંબઈથી ભાગી છૂટવાનો ઉત્સવ. મુંબઈની આસપાસ ઘણી રમણીય અને શાંત જગ્યાઓ છે. એમાંનું એક સ્થળ આજે સાવ ઉજ્જડ અને વેરાન બની ગયું છે, પણ અગાઉ તો એ પશ્ચિમ કિનારા પરનું દરિયાઈ વેપારનું મોટું થાનક હતું. વેપારની સાથોસાથ ધર્મપ્રસારથી પણ ધમધમતું હતું. જુદા-જુદા વખતે જુદા-જુદા નામે ઓળખાતું, પણ અસલ નામ વસઈ. ઉજ્જડ વેરાન પ્રદેશમાં જ્યાં માણસોની મોટી વસ્તી, એ જગ્યા વસઈ. ગુજરાત સલ્તનતના બહાદુરશાહે એ જીત્યા પછી નામ પાડ્યું બસઈ. પછી ગયું મરાઠાઓના હાથમાં. ત્યારે નામ પડ્યું બાજીપુર. પોર્ટુગીઝો અને અંગ્રેજોએ પણ અસલી નામને થોડું મચડ્યું, પણ લોકોના મનમાં વસેલું નામ તો વસઈ જ. મુંબઈથી આશરે ૩૦ માઇલ દૂર, ઘોડાબંદર નદીને કિનારે (સાધારણ રીતે જે આજે પણ ‘ઘોડબંદર’ તરીકે ઓળખાય છે એને લેખિકા ‘ઘોડાબંદર’ કહે છે. આજે પણ પશ્ચિમના લોકો ક્રિશ્ના, રામા બોલે છે એના જેવો આ ઉચ્ચાર? પણ ઘોડાબંદર નદી? એ વળી ક્યાં આવી? એ નદી આજે ‘ઉલ્લાસ નદી’ તરીકે જાણીતી છે. ઘોડાબંદર પાસે એનો એક ફાંટો દરિયાને મળે છે એટલે લેખિકા એને ઘોડાબંદર નદી કહેતાં હોય એમ બની શકે).

આ વરસે નાતાલના દિવસોમાં અમે વસઈ જવાનું નક્કી કર્યું. કારણ, એક તો ત્યાં કુદરતી સૌંદર્ય ભરપૂર. બીજું, ભલે બિસમાર, પણ ઐતિહાસિક સ્મારકો. ત્રીજું, જમીન પરની નહીં, પાણી પરની મુસાફરી. સૈનિકની પત્નીએ પગે પગરખાં નહીં, પૈડાં પહેરી રાખવાનાં હોય છે; કારણ ક્યારે, ક્યાં, બદલી થશે એ કહેવાય નહીં. પણ એને કારણે નાનીમોટી મુસાફરી પ્રમાણમાં સહેલાઈથી કરી શકાય છે. સૌથી પહેલાં તો અમારે માટે એક શઢવાળું વહાણ ભાડે કર્યું. અમે જ્યારે મુસાફરી કરીએ ત્યારે અમારી ‘કિટ’ અમારી સાથે જ હોય, પણ આ મુસાફરીમાં વહાણમાં ઝાઝો સામાન સાથે રખાય એમ નહોતું એટલે ખુરસી-ટેબલ, ખાટલા, રાંધવાનાં વાસણ અને તંબુઓ વગેરે અમે જોખમી અને લાંબા જમીન-રસ્તે ગાડામાં મોકલ્યાં. પછી જે સામાન વધ્યો એને એક તરાપા પર ચડાવ્યો અને તરાપાવાળાને અમારા વહાણની પાછળ-પાછળ બને એટલી ઝડપથી હંકારવા કહ્યું.

વહેલી સવારે અમે મુસાફરી શરૂ કરી. ઠંડો આહ્‍લાદક પવન વાઈ રહ્યો હતો. અમારા વહાણના ખારવાઓએ માથે રંગબેરંગી ફેંટા પહેર્યા હતા. એની ઝૂલ હવામાં આમતેમ ઊડીને કોઈ અનેરી ભાત રચતી હતી. મધદરિયાની સફર ખેડતાં વહાણ કરતાં નદી કે દરિયાકાંઠાની ખેપ ખેડતાં વહાણોની બાંધણી જરા જુદી હોય. મધદરિયે જતાં વહાણ પહોળાં અને ભારે હોય જેથી મોજાંઓની થપાટો સહેલાઈથી સહી શકે. જ્યારે નદી કે દરિયાકિનારાની સફર ખેડતાં વહાણ થોડાં સાંકડાં હોય અને એના શઢ ઝડપથી ખોલી-સંકેલી શકાય એવા હોય.

અમે મુસાફરી શરૂ કરી એ પછીના બીજા દિવસની સવારે તો તરાપો અમારા વહાણને આંબી ગયો! સવારના સૂરજના અજવાળામાં ઘોડાબંદર નદીનાં પાણી સોનેરી રંગે રંગાઈ ગયાં હતાં. અમારું વહાણ જેમ-જેમ આગળ વધતું જતું હતું એમ આંખ સામે સતત નવાં-નવાં દૃશ્યો આવતાં અને જતાં હતાં. ચારે બાજુ જાણે સોનેરી સમૃદ્ધિ રેલાઈ ગઈ હતી, મુલાયમ છતાં ઝગમગતી. 
ઘોડાબંદર નદી ઊંચા-ઊંચા પર્વતોની વચ્ચે થઈને વહે છે અને એ પર્વતો પાછા ગાઢ જંગલથી ઘેરાયેલા. વચમાં-વચમાં ક્યાંક તમને ભૂતકાળનું કોઈ ભગ્ન અવશેષ પણ દેખાઈ જાય, પણ ઘણુંખરું તો નકરા કાળા પાણા જ જોવા મળે. આ પાણા હોય જાતજાતના આકારના. ક્યાંક તમને હાથીના માથાનો આભાસ થાય તો ક્યાંક જમીનમાંથી જાણે લાંબી ધારદાર તલવાર ઉપર ઊઠીને આકાશને ચીરતી હોય એવું લાગે. તો ક્યાંક જોવા મળે વાંસનાં ઝુંડ. એના પર પાછા જાતભાતના વેલા વીંટળાયેલા હોય, એનાં ફૂલ વાંસને પણ રંગીન બનાવી દે. નદીકિનારે ઊગેલા વાંસ ઝૂકી-ઝૂકીને જાણે નદીના પાણીને ચુંબન કરતા હોય એવું લાગે.

વસઈમાં વહાણ નાંગરે એટલે થોડે દૂર, એક ટેકરી પર દેખાય પાદરીઓને રહેવા માટે બાંધેલા મઠના જીર્ણશીર્ણ અવશેષો. ત્યાં સુધી જવા માટે નદીકિનારાથી એક કેડી ઉપર જાય છે. એ મઠ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં અમારે માટે તંબુ તાણ્યા હતા એટલે અમે ઉપર પહોંચ્યાં. જઈને જોયું તો બગલાની પાંખ જેવા ધોળા-ધોળા તંબુઓ સજીધજીને અમને આવકારવા તૈયાર થઈને ઊભા હતા. મુસાફરીના થાક પછી આવા તંબુ જોઈને જે રાહત થાય એ તો અમારા જેવા ભટકુઓને જ સમજાય.

હિન્દુસ્તાનની એક ખાસિયત છે કે જે સગવડ ખૂટતી હોય એ વસ્તુઓ પણ હાજરાહજૂર છે એવો અભાસ ઊભો કરી દેવો! અહીંના લોકો એને ‘હાજર સો હથિયાર’ કહે છે. ઘરનાં સાધન-સગવડ છોડીને તમે બહાર પડો. કુદરતના ખોળે જાઓ ત્યારે ઘરની સગવડ તો ક્યાંથી મળે? છતાં આવા તંબુઓમાં નાનકડું, કામચલાઉ ઘર ઊભું થઈ ગયું હોય! તમે જ્યારે મુકામ પર પહોંચો ત્યારે ત્યાં ન હોય કોઈ વીશી અને વીશી જ ન હોય ત્યાં ગરમાગરમ જમવાનું તૈયાર રાખતી એની માલિકણ તો ક્યાંથી જ હોય? પણ કંતાનના તંબુમાં રોજિંદા વપરાશની બધી વસ્તુઓ ગોઠવેલી હોય. બે બામ્બુ પર ઊભો કરેલો મોટો તંબુ બને ડાઇનિંગ-રૂમ. એનાથી થોડે દૂર નાના-નાના તંબુમાં લશ્કરમાં વપરાતા ફોલ્ડિંગ ખાટલા ગોઠવી દીધા હોય એ તમારો બેડરૂમ. થોડે દૂરના એક તંબુમાં નાહવા-ધોવાની સગવડ કરી હોય. બાજુની રાવટીમાં નોકરો ભોજન બનાવવાની તૈયારી કરતા હોય. મોટા તંબુઓ કપડાના બારણાથી ઢંકાયેલા હોય. તંબુમાં ગાલીચા પાથર્યા હોય. દરવાજા પર લીલા રંગનાં ચક લગાડ્યાં હોય અને એક નોકર થોડી-થોડી વારે એના પર પાણી છાંટતો રહે. આ ચક આંખને વાગે એવા અજવાળાથી અને અંગને દઝાડે એવી ગરમીથી બચાવે નહીં, તોય થોડી રાહત તો આપે જ.

આવું હતું વસઈ ઓગણીસમી સદીની શરૂઆતમાં.

હિન્દુસ્તાનમાં મુસાફરી કરવી એટલે શું એનો ખ્યાલ વિલાયતમાં મુસાફરી કરવાથી ટેવાયેલા લોકોને ભાગ્યે જ આવે. હિન્દુસ્તાનમાં મુસાફરી કરનારાને થોડા જ વખતમાં સમજાઈ જાય છે કે ગમે એવી મુશ્કેલીમાં, ગમે એવા અભાવમાં પણ માણસ પોતાને માટે સગવડ ઊભી કરવાના નુસખા શોધી જ કાઢે છે. વાંસ મળે તો વાંસ, ઘાસ મળે તો ઘાસ. ખજૂરીનાં સૂકાં પાન મળે તો પાન, અહીં તો ‘હાજર સો હથિયાર...’ ઓહાયો નદીના કિનારા પરના વિગવામ (ઘુમ્મટવાળા ઝૂંપડાં) જુઓ કે થરના રણમાં ઊભા કરેલા વાંઢ જુઓ. અરબસ્તાનના તંબુ જુઓ કે લંડનના ગ્રોના સ્ક્વેરનાં આલીશાન મકાનો જુઓ. માણસ પોતાને જોઈતી સગવડ એક યા બીજી રીતે મેળવી જ લેતો હોય છે. કોઈ લઘરવઘર મુસાફરને ચીલમ પીવાથી સુખ મળે છે, તો કોઈ ઉમરાવને સુશોભિત ટેબલ-ખુરસી પર બેસીને શૅમ્પેન પીવામાં.

પોર્ટુગીઝોએ વસઈમાં બાંધેલા મઠની ઇમારત પર પછીથી મુસ્લિમ સ્થાપત્યની વિશિષ્ટતા જેવો ગુંબજ બાંધવામાં આવ્યો છે. એમાં રહેવા માટેની સારી સગવડ છે. મોટા, હવા-ઉજાસવાળા ઓરડા, મોટી બારીઓમાંથી નજરે પડતાં આસપાસનાં મનોરમ દૃશ્યો. એક બાજુ નજર કરો તો શાંતપણે વહેતી અલાસગમના નદી. એમાં અહીંતહીં પડેલા પથ્થર, કાંઠે ઊગેલાં ઝાડ અને એની પાછળ ખભેખભા મિલાવીને ઊભેલા ડુંગર. તો બીજી બાજુ નજર કરો તો ખુલ્લું, મોટું, સપાટ મેદાન. જોકે મેદાનમાં, જંગલમાં કે પહાડોમાં જતી વખતે સતત સાવધાન રહેવું પડે. ક્યારે, કઈ દિશામાંથી વાઘ કે ઝેરી નાગ આવી જાય એનું કાંઈ કહેવાય નહીં. અહીંતહીં ડાંગર અને શેરડીનાં ખેતરો અને એનાથી પણ દૂર નજર નાખો તો દેખાય વસઈનો કિલ્લો. આ જંગલ જાતભાતના પંખાળા જીવોને પણ પોષે છે. તમે પસાર થતા હો ત્યારે કાં બુલબુલનો મીઠો-મધુરો સ્વર સંભળાય કાં લક્કડખોદની ખુડ-ખુડ.

ઘોડાબંદર નદીમાં પણ મોટા-મોટા મગરનો વાસ. નદીકિનારાની ભીની માટીમાં મોટું જડબું ખોલીને પડ્યા હોય અને ભૂલેચૂકેય કોઈ જીવ એની પાસે પહોંચી ગયો તો ઘડી બે ઘડીમાં હતો નહોતો થઈ જાય! અમારામાંના કેટલાકે ત્યાંના ચોકિયાતની હથેળી ગરમ કરીને મગરનો શિકાર કરવા ધાર્યું, પણ હજી તો પહેલી ગોળી છૂટી ત્યાં તો મગરનું આખું ધાડું ચીલઝડપે નજીકના જંગલમાં અલોપ થઈ ગયું.

વિધિની વિચિત્રતા તો જુઓ. જે શહેરનું નામ જ ‘વસઈ’ એટલે કે જ્યાં માણસોની મોટી વસ્તી છે એવી જગ્યા, એ જ જગ્યા આજે વસ્તીવિહોણી, ઉજ્જડ ખંડિયેર જેવી બની ગઈ છે! એક વખત વેપારધંધાથી ધમધમતી જગ્યાએ આજે જોવા મળે રડ્યાખડ્યા માછીમારો અને શિકારીઓ. એક જમાનામાં અહીં સત્તા હતી, સમૃદ્ધિ હતી. આજે બચ્યાં છે માત્ર થોડાં ખંડિયેર. જે બજારોમાં એક વખત સતત કોલાહલ સંભળાતો એ આજે નીરવ, ચર્ચનો ઘંટનાદ દૂર-દૂર સુધી સંભળાતો. ઘંટનાદ સંભળાતાંવેંત એક જમાનામાં આસ્થાળુઓ ચર્ચ આવીને ઘૂંટણિયે પડી પ્રાર્થના કરતા. આજે ચર્ચના ખંડિયેરમાં લટકતો ભગ્ન ઘંટ પક્ષીઓના માળા બાંધવા માટે કામ લાગે છે. રણકવાનું તો આ ઘંટ ક્યારનોય ભૂલી ગયો છે. ચારે બાજુ એટલો તો સુનકાર છે કે કોઈ રડ્યાખડ્યા વટેમાર્ગુનાં પગલાંનો અવાજ સાંભળીને ઘુવડ, જંગલી ગરોળી અને નાગ સુધ્ધાં આઘાંપાછાં થઈ જાય છે.  
એક જમાનામાં જેમ વસઈ વેપાર-વણજનું મોટું થાણું હતું એમ ખ્રિસ્તી ધર્મનું પણ મોટું મથક હતું, પણ એ વિશેની વધુ વાતો હવે પછી. આજે તો જરા સંભાળીને આ જંગલમાંથી હેમખેમ  બહાર નીકળી જઈએ.

columnists ghodbunder road vasai mumbai news