08 December, 2024 03:09 PM IST | Mumbai | Rashmin Shah
સંગીતકાર કલ્યાણજી–આણંદજી
મહર્ષિ અરવિંદને કોઈએ પ્રશ્ન કર્યો, ‘આપણે શા માટે જીવીએ છીએ?’
જવાબ મળ્યો, ‘જન્મ અને મૃત્યુ વચ્ચેના અંતરાલને જીવી જવાની કળા શીખવા માટે.’
હકીકત એ છે કે આ કળા શીખવાની આપણે સૌ ભરપૂર કોશિશ કરીએ છીએ એમ છતાં મોટા ભાગના લોકો એમાં નિષ્ફળ જાય છે. આ કળા શીખવાની નથી. સંજોગો સ્વીકારીને, સમયને માન આપીને, વાણી-વર્તનનો યોગ્ય સમન્વય કરીને જિવાય તો આ કળા આપોઆપ હાથવગી થાય એમ જ્ઞાનીઓનું કહેવું છે. સીધીસાદી ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે ગમે તે પરિસ્થિતિને સ્વીકારી, કોઈ પણ જાતની ફરિયાદ વિના સહજતાથી જિવાય તો દરેક પ્રશ્નના ઉત્તર અનાયાસ મળી જાય.
આ વાત લખવાનું કારણ એટલું જ આવા સહજ યોગથી જીવતી વ્યક્તિ એટલે મશહૂર સંગીતકાર આણંદજીભાઈ. સાચા અર્થમાં મોટી વ્યક્તિ તેને કહેવાય જેના સાંનિધ્યમાં તમે હળવાશ અનુભવો. તેમની સાથેની મુલાકાતોમાં સંગીતકાર કરતાં એક ધીરગંભીર, ઠરેલ, અનુભવી, સંસારી સાધુ જેવા વ્યક્તિત્વનો અહેસાસ થાય. તેમની સાથેની વાતોમાં આવું જ કૈંક વ્યક્તિચિત્ર સંગીતકાર કલ્યાણજીભાઈનું ઊપસી આવે. આજે આ બે ભાઈઓના સંગીતકાર તરીકેના નહીં, પણ માનવીય પાસાની વાત કરવી છે.
આણંદજીભાઈ સાથેની વાતોમાં એક વાત સ્પષ્ટ તરી આવે. સંગીતકાર તરીકે આ જોડીને મળેલી સિદ્ધિ માટેનું શ્રેય તેઓ પિતાજીને આપે છે, ‘મારું ભણતર ઓછું પણ જે ગણતર પિતાજી પાસેથી મળ્યું એ અણમોલ છે. સ્કૂલમાંથી છૂટીને અને રજાના દિવસોમાં હું દુકાને જતો. (શાહ પરિવારની ઠાકુરદ્વારમાં કરિયાણાની મોટી દુકાન હતી). ત્યાં મને જીવનના ઘણા પાઠ શીખવા મળ્યા. Customer is always right આ સૂત્ર એ દિવસોમાં એવું સમજાયું કે ફિલ્મલાઇનમાં ખૂબ કામ આવ્યું. દુકાનમાં નવરો બેઠો હોઉં અને કંટાળો આવે એટલે અધા કહે, ‘બસ, ખાલી ઘરાકના હાવભાવ જો, હાલચાલ જો. તને સમજાશે કે કોણ ખાલી ભાવ પૂછવા આવે છે, કોણ માલ લેવા આવે છે. હ્યુમન બિહેવિયરના પાઠ શીખવા મળ્યા. દરેકને શેઠ કહેવો પડે. અહમને ઓગાળવાની આનાથી વધુ સારી પ્રૅક્ટિસ ક્યાં મળવાની હતી? દિવાળીના દિવસોમાં આઠ દિવસ દુકાન બંધ રહે પણ અમારે સાફસફાઈનું કામ કરવાનું. જાતમહેનતનો મહિમા ત્યારે સમજાયો.’
એક દિવસ વાળીઝૂડીને દુકાન સાફ કરી. અધાએ ચેક કર્યું તો એક જગ્યાએ મગના ત્રણ-ચાર દાણા પડેલા જોયા. કંઈ બોલ્યા નહીં, ઉપાડીને ડબ્બામાં નાખ્યા. બીજા દિવસે સવારે દુકાન પહોંચ્યો તો કહે, ‘ચંપલ કાઢીને બહાર ઊભો રહે.’ ધોમધખતા તડકામાં હું બહાર ઊભો હતો. પગ બળતા એટલે ઊંચાનીચા થાય. તરસ લાગી હતી. તેઓ ચૂપચાપ જોયા કરે. અડધો કલાક પછી અંદર બોલાવ્યો. કહે, ‘ધ્યાનથી સાંભળ. ખેડૂત જ્યારે ખેતી કરે છે ત્યારે ભૂખ્યો-તરસ્યો મહેનત કરે છે. કેવળ થોડા મગના દાણા લઈને પૂરા ખેતરમાં વાવે છે. એક-એક દાણો કીમતી છે. આ વાત કદી ભૂલતો નહીં.’
માર્ક ટ્વેન કહે છે, ‘I have never let my schooling interfere with my education.’ મોટે ભાગે આપણે સ્કૂલોમાં જે શીખીએ છીએ એમાં માહિતી વધુ અને મૂલ્યો ઓછાં હોય છે. ભણતર અને ગણતરનો સરખો સમન્વય થાય તો કૈંક વાત બને. પિતા વીરજીભાઈ આવી કોઠાસૂઝનો ભંડાર હતા. તેમની પાસેથી આવાં અનેક જીવનસૂત્રો કલ્યાણજી– આણંદજીને ગળથૂથીમાં મળ્યાં હતાં.
‘રજાના દિવસોમાં ફરવા લઈ જાય, નાટક જોવા લઈ જાય. એક દિવસ કહે, ‘આવતા રવિવારે મેળો જોવા જઈશું.’ હું તો રવિવારે વહેલો ઊઠી તૈયાર થઈ ગયો. રાહ જોતો હતો કે ક્યારે જઈશું. ત્યાં મને એક કામ આપ્યું અને તે પણ કામમાં ડૂબી ગયા. જવાની વાત જ નહીં. આખો દિવસ વીતી ગયો. હું ખૂબ નિરાશ થયો. આવું બેત્રણ વખત થયું. મને વિચાર આવે કે કેમ આવું કરે છે.’
એક દિવસ કહે, ‘સાંજે તૈયાર રહેજે, ચોપાટી જવાનું છે.’ સાંજે ઘેર આવ્યા ત્યારે હું ચૂપચાપ ઉદાસ બેઠો હતો. કહે, ‘શું થયું? તૈયાર નથી થયો?’ મેં ફિલ્મી સ્ટાઇલમાં જવાબ આપ્યો, ‘હર બાર ઉમ્મીદ જગાતે હો ઔર બાદ મેં નિરાશ કરતે હો. વૈસે ભી આજ મુઝે લેસન કરના હૈ.’ (અમે ઘણી વાર હિન્દીમાં વાત કરતા.)
મારો મૂડ જોઈ પાસે બેસાડી કહ્યું, ‘આજનું સાચું લેસન તને સમજાવું. જીવનમાં એવા ઘણા પ્રસંગો આવશે જ્યારે ઉમ્મીદ જાગશે, આશાઓ થશે. દરેક વાર એ પૂરી થાય એ શક્ય નથી. આવા સમયે નાસીપાસ ન થવું. સમય અને પરિસ્થિતિનો સ્વીકાર કરવો એમાં જ ભલાઈ છે.’
તેમને ઘણી વખત શરીરે માલિશ કરતો. એ સમયે પોતાના જમાનાની વાતો કરતા. હંમેશાં કહેતા, ‘નીતિનિયમ કદી છોડવા નહીં. ખોટું કરવું નહીં, બોલવું નહીં. એક જૂઠ સાચવવા દસ જૂઠ બોલવાં પડે. આપણી ઇજ્જત, આબરૂ જાય એવું કંઈ ન કરવું. પોતાની ભૂલ હોય તો તરત એકરાર કરી લેવો એ જ યોગ્ય છે.’
ફુરસદના સમયે સાઇકલ ફેરવતો હોઉં તો કહે, ‘દુકાને બેસ.’ હું પૂછું શું કામ છે? તો કહે, ‘અહીં આવ.’ પછી હિસાબના ચોપડા બતાવે. જમા–ઉધાર કોને કહેવાય એ સમજાવે. હું તેમની નકલ કરતો. માથે ટોપી પહેરી, કાનમાં કલમ ખોસી ગલ્લા પર બેસું. એક દિવસ જોયું કે એક ગ્રાહક, જેનું લાંબા સમયથી ઉધાર બાકી હતું, તે રૂઆબથી દુકાનની સામેથી જતો હતો. મને ગુસ્સો આવ્યો. ‘આની હિંમત તો જુઓ.’ નીચે ઊતરી તેને ઝાપટ મારવાનું મન થયું. મેં અધાને કહ્યું, ‘આને પકડું છું.’ તો મારા પર ગુસ્સે થઈ ગયા, ‘આવું કદી ન કરાય. કોઈની ઇજ્જત પર ક્યારેય હાથ ન નાખવો. તેના પેટમાં પાપ હોત તો સામેથી ન જાત, નજર ચૂકવી સામેની ગલીમાંથી જાત. તેનો સમય ખરાબ હશે. પોતાની મેળે આવીને ઉધાર ચૂકવી દેશે.’
સમય વીતતો હતો એમ કલ્યાણજી–આણંદજીનો રૂખ સંગીત તરફ વધતો જતો હતો. સંસ્કાર અને ઉછેર એવા હતા કે પરંપરાગત ધંધો છોડી બીજા કોઈ ક્ષેત્રમાં જવા માટે પિતા સાથે ઘર્ષણમાં ઊતરવાનો વિચાર ન આવે. જોકે વ્યવહારકુશળ પિતાએ બન્નેને કહ્યું, ‘હું ખેડૂતનો દીકરો. બાપા દેશમાં ખેતી કરતા પણ મેં ખેતી કરવાને બદલે મુંબઈ આવીને કરિયાણાનો વેપાર શરૂ કર્યો. હવે તમારે દુકાનને બદલે સંગીતના ક્ષેત્રમાં આગળ વધવું છે તો મને કોઈ વાંધો નથી. એક વાતનું ધ્યાન રાખજો. આ લાઇન લપસણી છે. કોઈ દિવસ નીચાજોણું થાય એવું કામ ન કરતા. મને તમારા પર પૂરો ભરોસો છે.’
પિતાએ મૂકેલો ભરોસો પુત્રોએ સાર્થક કર્યો. જીવનભર શરાબ અને નૉનવેજને હાથ ન લગાડ્યો. ફિલ્મલાઇનનાં અનેક દૂષણો છે. ડગલે અને પગલે તમારી પરીક્ષા થાય. અનેક પ્રલોભન આવ્યાં પણ જળકમળવત્ રહીને, જે કામ માટે અહીં આવ્યા હતા એ નિષ્ઠાથી નિભાવ્યું. પોતાનો સમય પૂરો થયો છે એનો સહજતાથી સ્વીકાર કરીને ખસી ગયા. સાથે-સાથે નવી પેઢીને તૈયાર કરી, જે આપણા સંગીત વારસાને આગળ વધારી શકે.
કલ્યાણજીભાઈ જેમના ચાહક હતા એવા રજનીશજી કહેતા, ‘દરેક પિતાને એવી ઇચ્છા હોય છે કે મારો પુત્ર મારી ઝેરોક્સ (કૉપી) બને. તે ભૂલી જાય છે કે પુત્રનું અલગ વ્યક્તિત્વ હોય છે. તેને બંધનમાં રાખીને કુંઠિત કરવાની ભૂલ કરવી એટલે દુઃખને આમંત્રણ આપવું.’ વીરજીભાઈની કોઠાસૂઝ કહેતી કે પુત્રોને પોતાની રીતે ખૂલવા અને ખીલવામાં અંતરાય નહીં પણ સહાય કરવી જોઈએ. મહદ્ અંશે જીવનમાં પિતા-પુત્રના ઘર્ષણની વાતોનું તારણ કાઢીએ તો એના કારણમાં સાદું સરળ સત્ય બહાર આવે. પિતાનો પુત્ર પરનો માલિકી હક અને પુત્રની સ્વતંત્રતા માટેની પ્રબળ ઇચ્છા વચ્ચેનો સંઘર્ષ જ આ સમસ્યાનું મૂળ છે. વીરજીભાઈની દૂરંદેશીને કારણે જ આપણને કલ્યાણજી–આણંદજી જેવા હોનહાર સંગીતકાર મળ્યા જેમણે નામ અને દામ મળ્યા છતાં સંસ્કાર અને સંસ્કૃતિ અને પરંપરાની જાળવણી કરતાં-કરતાં યાદગાર ગીતોની લહાણી કરી.