20 September, 2024 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નિમિષા વખારિયા
ટેમ્પરરી એવા મારા ડ્રાઇવર અજયની વાઇફે સુસાઇડ કર્યું, જેનો ફોન મને આવ્યો એટલે મેં સ્ટોરી બનાવી અજયને કહ્યું કે મારે એક ઇમર્જન્સી આવી છે, ગાડી કૂપર હૉસ્પિટલ લઈ લે. તેણે ગાડી ફાસ્ટ કરી તો પણ મેં તેને ફાસ્ટ ચલાવવા માટે કહ્યા કર્યું.
કૂપર પહોંચીને તેણે એક જગ્યાએ બ્રેક મારતાં મને ઊતરી જવા કહ્યું એટલે મેં તેને ધીમેકથી કહ્યું કે ‘ભાઈ, મારે નહીં તારે ઊતરવાનું છે. તું અંદર જા. તારી વાઇફે સુસાઇડની ટ્રાય કરી છે. તે ઇમર્જન્સી વૉર્ડમાં છે.’ તે સાવ સુન્ન થઈને બેસી રહ્યો. મેં તેનો વાંસો થપથપાવ્યો. તેને કહ્યું કે પૈસાની ચિંતા નહીં કર, હું તને આપું છું, તું જલદી જા, પણ અજયે ઊંડો શ્વાસ લીધો અને પછી મને કહ્યું કે ‘મૅડમ, આપ બૈઠ જાઓ અંદર. મૈં આપકો છોડ દેતા હૂં.’ તેણે ગાડી ફરી શરૂ કરી એટલે મેં તેને રોક્યો કે ‘ભાઈ, હું મારી રીતે પહોંચી જઈશ. તું મારી ચિંતા ન કર. તું પહેલાં અંદર જા.’ અજયે મારી સામે જોયું અને રીતસર ચિલ્લાતો હોય એમ તે બોલ્યો, ‘મરને દો ઉસે. મુઝે નહીં જાના અંદર.’
મને થયું કે બન્નેને ઝઘડો થયો હશે એટલે અત્યારે તે આવું બોલે છે. મેં અજયને પાણી આપ્યું. જરા શાંત કર્યો અને કહ્યું કે શું થયું હતું કે તારી વાઇફે આવું પગલું ભર્યું? અજયે મને જે વાત કરી એ અત્યારે પણ મારા રૂંવાડાં ઊભાં કરી દે છે. તેણે મને કહ્યું કે ‘મારી નોકરી લાગી ગઈ એટલે મેં બાજુમાં પ્રોવિઝન સ્ટોરવાળાને કહી દીધું કે આ લોકોને જે જોઈએ એ તું આપી દેજે, હું મહિને હિસાબ આપી દઈશ. આજે ઘરમાં કંઈ ખાવાનું નહોતું એટલે મારો સૌથી નાનો દીકરો એ દુકાનવાળાને ત્યાં જઈને પાંચ રૂપિયાનું બિસ્કિટનું પૅકેટ લઈ આવ્યો. તેને બિસ્કિટ ખાતો જોઈને વચલો દીકરો પણ પાર્લે-જીનું પૅકેટ લઈ આવ્યો. વાઇફ એ જોઈ ગઈ. તેનો જીવ બળી ગયો કે છોકરાઓએ ફાલતુમાં ૧૦ રૂપિયા ખર્ચી નાખ્યા. મને ફોન કરીને પણ તેણે કહ્યું કે જો એ ૧૦ રૂપિયા હોત તો હું કાંદા-બટાટા લાવીને તમારે માટે મસાલાભાત બનાવી નાખત. મેં તેને કહી દીધું કે હશે, વાંધો નહીં. આજે નિમકવાળો ભાત ખાઈ લઈશ, પણ ના, તેના મનમાં પેલા ૧૦ રૂપિયા ચોંટી ગયા અને પોતાનો વાંક છે, પોતે છોકરાઓને સંસ્કાર નથી આપ્યા એવું બોલવા માંડી અને પછી આ સ્ટેપ લઈ લીધું.’
એ રાતે ઘરે આવીને મેં મારાં બન્ને બચ્ચાંઓને બાજુમાં બેસાડીને આખી વાત કરીને કહ્યું કે ‘મને ઓરિયો’ ને ‘મને કુકીઝ’ એવું બોલતી વખતે તમને એ નથી ખબર કે ભગવાને તમને કેટલી લક્ઝરી આપી છે! આ જ વાત હું તમને બધાને પણ કહીશ. જ્યારે તમારા મનમાં પણ ‘આ નહીં’ પણ ‘આ જોઈએ’ એવો વિચાર આવે ત્યારે વિચારજો કે તમારે માટે જે ઑપ્શન છે એ કોઈ માટે લક્ઝરીથી પણ ઉપર છે.
- નિમિષા વખારિયા (નિમિષા વખારિયા ગુજરાતી નાટકો ઉપરાંત હિન્દી ટીવી-સિરિયલ અને ફિલ્મોનાં બહુ જાણીતાં ઍક્ટ્રેસ છે)