બધી મમ્મીઓને એક ખુલ્લો પત્ર

12 May, 2024 02:00 PM IST  |  Mumbai | Sairam Dave

જો સાચે જ માને પત્ર લખવાનો આવે તો આંગળાંમાં ખાલી ચડી જાય ને મગજમાં શૂન્યાવકાશ સર્જાઈ જાય, કારણ કે માએ ક્યારેય એવું દેખાડ્યું જ નથી હોતું કે તે આપણા માટે જે કાંય કરે છે એ તેની જવાબદારી નહીં, તેનો પ્રેમ છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રિય મમ્મી,
મોબાઇલમાં લાગણીઓ વ્યક્ત નથી થતી એટલે પત્ર લખી રહ્યો છું. આજે તને પત્ર લખવાનાં આમ તો ઘણાં કારણો છે અને આમ જુઓ તો કોઈ કારણ નથી. સમય બદલાયો છે પણ સમય સાથે મા થોડી બદલે? હા, તારી આજુબાજુનું વાતાવરણ અને વ્યવસ્થા જરૂર બદલી છે. ટિપિકલ સાડીમાંથી તું ડ્રેસ પહેરવા લાગી એનો આનંદ છે. ક્યાંક જીન્સમાં પણ આજની આધુનિક મમ્મીઓને સ્કૂટી પર બંબાટ જાતાં જોઉં ત્યારે થાય કે નક્કી આ મમ્મી તેના સંતાનને લેવા ભાગતી હશે. કોઈ ગૅસ પર કુકર મૂકીને નીકળ્યું હશે, કોઈ તેના વૃદ્ધ સ્વજનની વ્યવસ્થા સાચવવા ભાગમભાગ કરતી હશે. મા હંમેશાં બીજા માટે દોડે છે, પરિવારને જોડે છે, સ્વસુખને છોડે છે ને તોય કેટલાંક નગુણાં સંતાનો માતાને વખોડે છે. ડ્રેસ-કોડ ચેન્જ થયા છે, પરંતુ માની ચિંતા તો એવી ને એવી જ રહી. આ પત્ર દ્વારા તમામ માતાઓને મારે ખાસ એકબે વાત કરવી છે. ઘર અને પરિવારનું ધ્યાન રાખવામાં તમારું પોતાનું ધ્યાન રાખવાનું ચૂકી ન જતાં, પ્લીઝ!

તમે તમારી તંદુરસ્તી માટે સભાન નહીં રહો તો એ જ ગૃહના કોઈ ખૂણામાં કણસવું પડશે. તમારાં સંતાનોની બધી લક્ષ્મી તમને સાજાં કરવામાં વપરાશે. મહેરબાની કરીને જેટલાં વરસ તમને થયાં હોય એટલી મિનિટ તમે તમારા સ્વાસ્થ્ય માટે કાઢજો.

પરિવારજનોને ગરમાગરમ જમાડી ગરવામાં વધેલી આગલા દિવસની રોટલી ન ખાતી. નોકરીએ સમય પર પહોંચવા માટે તારું જમવાનું સ્કિપ ન કરતી. જવાબદારીઓની બાણશૈયા વચ્ચે જીવવાનું ભૂલી ન જાતી મમ્મી! તારા હાથે બનાવેલી દાળ લાજવાબ જ હોય છે, પણ ઘરનાં પાત્રો સાથે ઘણીબધી વાર જમતી વખતે વાતું કરવામાં અમે દાળનાં વખાણ જ ભૂલી ગયાં છીએ. પણ ક્ષમા! સ્વાદિષ્ટ દાળ તારા માટે જ વધતી નહોતી અને તું કદી અમને જાણ પણ થવા દેતી નહોતી. ઝાઝા ભાગે તું સૌને જમાડીને છેલ્લે જમતી. તને આગ્રહ કરીને જમાડે એવું ઘરમાં કોઈ નહોતું. કદાચ તારી કુંડળીમાં આ-ગ્રહ નહીં હોય. તેં સહેલા રસોડાના તાપ સામે અમે સહેલો તડકો ક્ષુલ્લક છે. અમારી બાળોતિયાથી બ્લેઝર સુધીની યાત્રાની તું સાક્ષી છો.

પરિવારના દરેક સવાલનો તારી પાસે જવાબ હોવા છતાં તેં મૌન રહી સહન કર્યું તેથી જ પરિવાર તૂટતાં બચી ગયો. જોકે એના માટે તારું કોઈએ વિશેષ સન્માન ન કર્યું. અને તું પણ ક્યાં કોઈ શીલ્ડ કે શાલની મોહતાજ! સાચું કહું તો માનાં ત્યાગ અને મમતાને સન્માની શકે એવું શીલ્ડ આ જગતમાં હજી સુધી બન્યું જ નથી. સૌની રાહ જોઈ-જોઈ તું સ્વયં પ્રતીક્ષાસ્વરૂપ થઈ ગઈ. બસ, એ પ્રતીક્ષા અને પ્રત્યેકની ચિંતા કરવાનો તારો પ્રેમાળ સ્વભાવ આગળ જતાં તને પાર્કિન્સન્સના ઘાતકી સ્ટેજ પર ન લઈ જાય એ જોજે! સંતાનો માટે કરેલા ઉજાગરા તને માઇગ્રેન ન લાવી દે એ માટે ચેતજે! તારી લાગણી હાઈ બીપીની નાગણી થઈને તને જ ડંશ ન આપે એ માટે સભાન રહેજે! તમામને સારું જીવન આપવામાં તેં તારું જીવન ખર્ચી નાખ્યું છે. કામકાજના કરોળિયાના જાળામાં ગૂંથાયેલી હે જનેતા! તું થોડું-થોડું તારા માટે જીવતી જાજે! ગાતી રહેજે અને અરીસાની સામે છાનીમુની તૈયાર થઈને ક્યારેક શરમાતી રહેજે.

પરિવાર પર મુશ્કેલીનું આભ તૂટતું ત્યારે મા, તારામાં સુપરવુમન જેવો પાવર ક્યાંથી આવી જતો? તકલીફો વચ્ચે ફૂલ જેવી કોમળ માતા, વિધાતાની સામે જંગ છેડી દે! અહો આશ્ચર્યમ્!
મા, તારા જીવનનાં પહેલાં પચીસ વરસ તું તારા પપ્પાથી ડરીને જીવી, પછીનાં પચીસ વરસ મારા પપ્પાથી અને છેલ્લાં પચીસ પૌત્રના પપ્પાથી ડરી રહી છો! ડર તારી અંદર નથી પેઠો, તું ડરની અંદર ઓગળી ગઈ છો. બસ, એ ડરના કૂવામાંથી તારી જાતને બહાર કાઢ. મા, તું અદ્ભુત છો! ભલે અમારા અસ્તિત્વનું કારણ તું છો પણ મા, તારું પણ અસ્તિત્વ છે હોં! તું તને પણ પ્રાયોરિટીમાં ક્યારેક મૂકજે!

મમ્મી! આ હું તને લખું છું, પરંતુ હું એ પણ જાણું છું કે તું કાંઈ સૉફ્ટવેર નથી કે અપડેટ થઈને ફરી રીસ્ટાર્ટ થઈ શકે; કારણ કે તું સ્વયં સૉફ્ટ છો. સૌની ખુશી તારા થકી છે પણ તારી ખુશી? તું વિચારજે! મા, જેના માટે તેં તારી આખી જાત બદલાવી તેણે તારા માટે સ્વભાવ સુધ્ધાં નથી બદલાવ્યો. ખેર! તને પાછો એ વાતનો અફસોસ પણ નથી. સંતાનો જેવો મોંઘોદાટ ફોન ભલે ન ખરીદે, પણ એના ફોનમાંથી એકાદબે તારી જૂની બહેનપણીઓને વિડિયો કૉલ તો કરજે. તું આજેય અમારા ઊતરેલા ફોનથી ખુશ છો, કારણ કે તારે સંતાનોને ફોન કરવાના હોય છે. તારી અંદર ચિંતાની એવી ફિલ્લમ નૉનસ્ટૉપ ચાલતી હોવાથી તને બૉલીવુડ આકર્ષતું નથી. હજી નાનો દીકરો જમવાનો બાકી છે અને મોટો કેમ આજે ઓછું જમ્યો? અથવા તો કાલે દીકરીની બેનપણીઓ માટે શું બનાવવું? બસ, સતત આવી જ ચર્ચા અને ચિંતન તારી પ્રકૃતિ બની ગયાં છે. પરિણામે ટીવીની એક પણ સિરિયલ તને સોફા પર સ્થિર નથી કરી શકતી.

દીકરાનો ભાવ પણ તેં જોયો ને વહુ આવતાં બદલાતો સ્વભાવ પણ...! મા તને આ ઘરમાં કોઈ ન ઓળખી શકે. સિવાય એક તારું ઓશીકું. તારા બેડરૂમનું એ ઓશીકું જ જાણે છે કે તું કોના માટે, કયા મુદ્દા પર કેટલી વાર રડી છો. સાચું કહું તો આ પત્ર લખવાની પ્રેરણા પણ તારા ઓશીકા પાસેથી જ મને મળી છે.

હું આજનાં સંતાનોને પણ કહું છું કે તમારા ઘરમાં હાલતી-ચાલતી અને બોલતી મા હોય તો તેની સાથે થોડો સમય વિતાવજો. મા પાસે હવે ઝાઝો સમય નહીં હોય! માનું ઓશીકું મારે મન તીર્થસ્થાન છે. મા ફોટો બની જાય એ પહેલાં તેને બાથું ભરીને વહાલ આપજો. એકાદી મૂવી મમ્મી સાથે જોજો. મમ્મી-પપ્પાને સમ દઈને નવાં કપડાં પહેરાવી, નવા ફોન સાથે તેમના બર્થ-ડે ઊજવજો. તેની સાથે જૂનાં ગીતોની અંતાક્ષરી રમજો અને એમાં મમ્મીને જીતવા દેજો. માના બાળપણના પ્રસંગો તેના મોઢે સાંભળજો.

‘ક્યાં પહોંચ્યો બેટા?’ ને દીકરો બહારગામ હોય તો ‘તેં જમી લીધું?’ આ બે સવાલ મા જ્યારે પણ પૂછે ત્યારે સહેજ પણ પિત્તો ગુમાવ્યા વગર તેને સંતોષકારક જવાબ આપજો, કારણ કે મા તિથિ અને ચોઘડિયાં જોઈને મૌન નથી થાતી. માતૃત્વના કવરેજમાં રહેશો તો પરમાત્માના નેટવર્કને અનુભવી શકશો. મા કદી કોઈ દિવસની મોહતાજ નથી, કારણ કે માને યાદ કરો એ પ્રત્યેક દિન ‘મધર્સ ડે’ છે.
બસ એ જ લિખિતંગ,
તમારા બધાયનાં સંતાનોનો અંતરાત્મા બનેલા
સાંઈના રામ...

columnists gujarati mid-day sex and relationships