12 July, 2024 10:29 AM IST | Mumbai | Rashmin Shah
એક એક્ઝિબિશનમાં પોતાની પ્રોડક્ટ્સ સાથે ખુશ્બૂ અને તેની મમ્મી તેજલ દોશી.
ઘાટકોપરની સ્પેશ્યલ ચાઇલ્ડ ખુશ્બૂ દોશીએ હિંમત હાર્યા વિના જીવનની અનેક તકલીફોને પાર કરીને ફૂડ-ઇન્ડસ્ટ્રીમાં આવવાનું પોતાનું સપનું K’s કુકીઝના નામે સાકાર કર્યું છે. મમ્મી-પપ્પાના સપોર્ટથી શરૂ થયેલું ખુશ્બૂનું આ નાનકડું સ્ટાર્ટઅપ સ્પેશ્યલ ચાઇલ્ડની એક્સ્ટ્રા સ્પેશ્યલ આવડતની શાખ પૂરે છે
દુખી થઈને બાળક રડે નહીં એ માટે જીવનભર પેરન્ટ્સ તમામ તકલીફો લેવા તૈયાર હોય છે પણ એ જ બાળક જન્મ સમયે ન રડે ત્યારે કેવો અંદેશો મળતો હોય છે એની જો કોઈ અસરકારક વાત કરી શકે તો એ ૨૩ વર્ષની ખુશ્બૂ દોશીનાં મમ્મી અને પપ્પા. ઘાટકોપરની કામા ગલીમાં ઘનશ્યામ બાગ પાસે રહેતી ખુશ્બૂ K’s કુકીઝની ફાઉન્ડર છે. હોમમેડ કુકીઝ, ચૉકલેટ, બ્રાઉની, મફિન્સ જેવી બીજી અનેક બેકરી-આઇટમ બનાવતી ખુશ્બૂ સ્લો લર્નર છે અને એ પછી પણ આજે તેણે ઊભા કરેલા K’s કુકીઝે મુંબઈમાં એવું સ્થાન બનાવ્યું છે કે એનું ક્લાયન્ટ-લિસ્ટ હજારોએ પહોંચી ગયું છે. ખુશ્બૂ વિશે વાત કરતાં તેનાં મમ્મી તેજલ દોશી કહે છે, ‘આ પ્રકારનાં બાળકો ડિસલેક્સિક કૅટેગરીમાં આવે. તેને જેમાં ઇન્ટરેસ્ટ હોય એ બધું તેના મનમાં સ્ટોર થાય, પણ એ સિવાયનું બીજું કંઈ પણ તેને પલ્લે ન પડે. ખુશ્બૂને પણ એવું જ હતું. તે જન્મી ત્યારે રડી નહીં. મેડિકલ નોટ મુજબ ખુશ્બૂનો નહીં રડવાનો સમય એકાદ મિનિટનો માંડ હતો. રડી નહીં તો તરત તેને ઑક્સિજન આપવામાં આવ્યો અને પછી તે રડી અને વાતાવરણ નૉર્મલ થઈ ગયું. પણ હકીકતમાં એવું નહોતું, ખુશ્બૂએ અહીં સુધી પહોંચવા એટલા હેરાન થવું પડ્યું છે કે બીજા કોઈ હોય તો એ ચોક્કસપણે મનથી પડી ભાંગે.’
તેજલબહેન અને કાર્તિકભાઈનું સિંગલ ચાઇલ્ડ એવી ખુશ્બૂની તકલીફો પર પેરન્ટ્સનું ધ્યાન ત્યારે વધારે ખેંચાયું જ્યારે તે આઠેક મહિનાની થઈ.
નો હોલ્ડિંગ કૅપેસિટી...
આજે પણ વાત કરતાં તેજલબહેનનો અવાજ ભારે થઈ જાય છે. તેજલ દોશી કહે છે, ‘ઘરમાં કોઈ બાળક નહીં અને અગાઉનો કોઈ અનુભવ નહીં એટલે મારા અને મારા હસબન્ડ માટે પણ એ આખો અનુભવ પહેલી વારનો હતો. આડોશીપાડોશી અને ડૉક્ટરના કહેવા પર અમને ખબર પડી કે ખુશ્બૂમાં હોલ્ડિંગ કૅપેસિટી નથી, જે સામાન્ય બાળકમાં ત્રણથી ચાર મહિને આસાનીથી જોવા મળતી હોય છે. અમે ડૉક્ટરને વાત કરી અને એ પછી ખુશ્બૂની ફિઝિયોથેરપી શરૂ થઈ જેનો ફરક પડ્યો, પણ સાવ મામૂલી કહેવાય એવો.’
સ્લો લર્નર એવી ખુશ્બૂની બધી પ્રોસેસ મોડી જ ચાલી. તે સાડાત્રણ વર્ષે સહેજ ચાલતાં શીખી. એ પછી તે બોલતાં શીખી. મોડું તો મોડું, પણ સંતાન પ્રોગ્રેસના રસ્તે તો આવી ગયું. દરેક પેરન્ટ આમ વિચારીને રાજી થાય. તેજલબહેન અને કાર્તિકભાઈની પણ એ જ પરિસ્થિતિ હતી, પણ રાજી થયેલાં એ માબાપ માટે ઈશ્વરે વધુ એક પરીક્ષા પ્લાન કરી લીધી હતી.
નૉર્મલ સ્કૂલની ઍબ્નૉર્મલિટી
ટાઇની ટૂન્સ નર્સરી સ્કૂલમાં ખુશ્બૂનું ઍડ્મિશન લેવામાં આવ્યું અને ખુશ્બૂ માટે નવી તકલીફોનો આરંભ થયો. પેન તે પકડી ન શકે, લખવા-વાંચવામાં બીજાં બાળકોની સરખામણીએ ધીમી પડે; જેને લીધે તેને ભણવામાં તકલીફ પડવા માંડી. પરિણામે બિહેવિયર-ઇશ્યુ પણ ઊભા થવા માંડ્યા. તેજલબહેન કહે છે, ‘થોડા જ સમયમાં હું અને કાર્તિક સમજી ગયાં કે જો ખુશ્બૂ એ વાતાવરણમાં રહેશે તો નાહકની પીડા સહન કરશે અને સ્ટડીના કારણે તેનો સ્વભાવ ડિસ્ટર્બ થશે એટલે અમે મેડિકલ ઍડ્વાઇઝ લઈને નક્કી કર્યું કે સ્કૂલ ચેન્જ કરવી. એ પછી અમે ખુશ્બૂનું ઍડ્મિશન દાદરમાં આવેલી મોના રેમેડિયલ એજ્યુકેશન સેન્ટરમાં લીધું, જ્યાં સ્પેશ્યલ ચાઇલ્ડને એજ્યુકેશન આપે છે.’
મોના રેમેડિયલમાં ૨૦૧૩ સુધી બેઝિક એજ્યુકેશન લેનારી ખુશ્બૂએ ત્યાર પછી એસપીજે સાધના સ્કૂલમાં ઍડ્મિશન લીધું અને ત્યાર પછી અહીં જ તેણે હૉસ્પિટાલિટી ઍન્ડ કેટરિંગ ડિપાર્ટમેન્ટ વિશે એજ્યુકેશન લેવાનું ચાલુ કર્યું. તેજલબહેન કહે છે, ‘એ દરમ્યાન કોવિડ આવ્યો અને ઘરેથી ભણવાનું શરૂ થયું. આ દિવસોમાં મારું ધ્યાન ગયું કે કેટરિંગના સબ્જેક્ટ સમયે ખુશ્બૂ શાકભાજીનું ચૉપિંગ કરી શકે નહીં. તે ચાકુ હાથમાં પકડે પણ તેના હાથમાં પકડ હોય નહીં એટલે બરાબર ચૉપિંગ થાય નહીં.’
મનમાં આવેલી આ વાતને તેજલબહેને કાર્તિકભાઈના ધ્યાનમાં મૂકી અને પછી પેરન્ટ્સે ખુશ્બૂની સાથોસાથ બીજા છોકરાઓને ઑબ્ઝર્વ કરવાનું શરૂ કર્યું, જેમાં તેમના ધ્યાન પર આવ્યું કે ચૉપિંગની પ્રોસેસમાં બીજા છોકરાઓ ગ્રૅજ્યુઅલી આગળ વધતા હતા પણ ખુશ્બૂ હજી પણ એ જ જગ્યાએ હતી જ્યાંથી તેણે શરૂ કર્યું હતું. કાર્તિકભાઈ કહે છે, ‘અમને લાગ્યું કે અમારે મેડિકલ ઍડ્વાઇઝ લેવી જોઈએ. એમાં અમને ખબર પડી કે ખુશ્બૂને જન્મ સમયે જ સ્પાઇનના C-2 નંબરના મણકામાં ક્રૅક છે, જેને લીધે તેની હાથની પકડમાં તકલીફ પડે છે અને એટલે તે ચૉપિંગ જેવા નાના કહેવાય એવા કામમાં પણ હાથની તાકાત વાપરી નથી શકતી.’
સહજ રીતે એવું લાગે કે આ બહુ મોટી વાત નથી પણ ના, એવું નહોતું. આ ઘટના બહુ મોટી હતી. માબાપ માટે એ વાત ઝાટકો આપનારી હતી કે દીકરી જન્મથી સ્પાઇનમાં તકલીફ ધરાવે છે તો ખુશ્બૂ માટે આ ઘટના સપનું તૂટવા સમાન હતી.
સર્જરી અને નવું સર્જન
૨૦૨૧ના અંત ભાગમાં ખુશ્બૂની સર્જરી થઈ અને સર્જરીના કારણે ખુશ્બૂનું એજ્યુકેશન પણ અટકી ગયું. તેજલબહેન કહે છે, ‘અમને ખુશ્બૂનું ટેન્શન હતું કે હવે તે શું કરશે પણ ખુશ્બૂએ ટ્રીટમેન્ટના આ સમય દરમ્યાન જ નક્કી કરી લીધું હતું કે તે હવે એવું કામ કરશે જેમાં ચૉપિંગ જેવું કામ ન આવે અને એ પછી પણ ફૂડ-ઇન્ડસ્ટ્રીમાં અકબંધ રહે. જ્યારે તેણે મને આ વાત કરી ત્યારે મને એમાં કોઈ વજૂદ નહોતું લાગ્યું, પણ જેવો તેણે ફોડ પાડ્યો કે તે બેકરી કરશે કે તરત મને ખુશ્બૂ પર માન થઈ ગયું કે વાહ, શું આઇડિયા કાઢ્યો છે.’
બેકરી-પ્રોડક્ટની નેવું ટકાથી વધારે વરાઇટી એવી છે જેમાં ચૉપિંગ આવતું નથી. બૅટર તૈયાર કરો અને એ પછી તમે તમારી સ્પેશ્યલિટીનો ઉપયોગ કરીને બેકિંગ કરો. ખુશ્બૂએ એ જ કર્યું. અફકોર્સ એવું કરતાં પહેલાં તેણે બેકિંગનો કોર્સ કર્યો અને એમાં તેની સાથે મમ્મી તેજલબહેન પણ જોડાયાં. કાર્તિકભાઈ કહે છે, ‘ખુશ્બૂને હેલ્પ મળી રહે એવા હેતુથી તેજલ જોડાઈ તો ખરી પણ આજે મોટા ભાગનું કામ ખુશ્બૂ જ સંભાળે છે. હા, ડેકોરેટિવ કેક કે એવી કોઈ આઇટમ અમે નથી બનાવતાં, કારણ કે એમાં ખુશ્બૂએ વધારે ઝીણવટભેર કામ કરવું પડે જે તેના લિમિટેશન વચ્ચે શક્ય નથી.’
તેજલબહેન કહે છે, ‘ઈશ્વરની મહેરબાનીથી અમારી આર્થિક સંપન્નતા એટલી છે કે દીકરી આખી જિંદગી ઘરમાં બેસી રહે તો પણ ખૂટે નહીં પણ પોતે કંઈ કરે છે એ વાતની જે ખુશી હોય એ ખુશી ખુશ્બૂ પણ લઈ શકે એ હેતુથી અમે બન્ને તેને સપોર્ટ કરીએ છીએ. જરૂર પડ્યે કાર્તિક પોતાના હજારોનાં કામ પણ પડતાં મૂકીને ખુશ્બૂના મન ખાતર ડિલિવરી કરી આવે. ખુશ્બૂની ઇચ્છા છે કે તે જે કરે એ બધામાં હું તેની હેલ્પર બનીને રહું. ડેકોરેટિવ કેકના ઑર્ડર લેવા માટે મેં તેને સમજાવી તો તેણે તરત કહ્યું કે જે કામ મારાથી નેવું ટકા થઈ શકે એવું જ કામ હું કરવાની છું.’
ખુશ્બૂ બધાને મળતી રહે, તેનું સર્કલ વધે અને તે એકલી ન પડી જાય એવા હેતુથી તેજલ દોશી અને કાર્તિક દોશી સમયાંતરે K’s કુકીઝના અલગ-અલગ મૉલ અને ફેરમાં સ્ટૉલ પણ લે છે. તેજલબહેન કહે છે, ‘અમારી એક જ ઇચ્છા છે કે K’s કુકીઝનું નામ એટલું મોટું થાય કે સ્પેશ્યલ ચાઇલ્ડના પેરન્ટ્સ ખુશ્બૂ પાસેથી પ્રેરણા લઈ પોતાનાં સંતાનોને ઓછાં ઊતરતાં જોવાને બદલે તેનામાં રહેલી હિડન ટૅલન્ટને ઓળખે અને તેમને ઊડવા માટે પ્લૅટફૉર્મ પૂરું પાડે.’