31 March, 2024 02:53 PM IST | Mumbai | Hiten Anandpara
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
૨૭ માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાતી મિડ-ડેમાં સરસ સ્ટોરી વાચકોએ વાંચી જ હશે. એમાં વ્યાવસાયિક રંગભૂમિનો ચહેરો ઊપસી આવ્યો. કવિ હોવા છતાં સતત એ લાગ્યું છે કે સાહિત્ય અને ભાષાના સંવર્ધન માટેનું ઉત્તમ માધ્યમ નાટક જ છે. આ સ્વરૂપમાં લાખો લોકો સુધી પહોંચવાની પ્રત્યક્ષ ક્ષમતા છે. જેમણે જિંદગી રંગભૂમિને સમર્પિત કરી છે તેઓ મીતા ગોર મેવાડાના વિચાર સાથે સંમત થશે...
છે કલ્પનાની દુનિયા, સપનાનો અંશ છે
જેના છે સૌ દીવાના, એ રંગમંચ છે
લીધો નથી અનુભવ જેણે આ મંચનો
સમ્રાટ હો જગતનો તો પણ એ રંક છે
બૉલીવુડમાં દામ-માન મેળવ્યા પછી પણ ઘણા કલાકારો રંગભૂમિ સાથેનો નાતો જાળવી રાખે છે. થિયેટર એક નશો છે એ વાત કલાકાર અને કસબી સિવાય વધારે કોણ અનુભવી શકે? પૈસા અને પ્રસિદ્ધિ પછી પણ સંતુષ્ટિની ઝંખના કલાકારોના જીવને ધબકતો રાખે છે. વિવિધ પ્રકારની પડકારજનક ભૂમિકા ભજવીને એ આંતરસમૃદ્ધ થતો હોય છે. રશ્મિ જાગીરદાર લખે છે...
પાત્ર જે ફાળે તમારે આવતું હો
એ નિભાવો જ્યાં તમે તે રંગમંચ
નાટ્ય, નાટિકા, પ્રહસન, એક અંકી
સૌ સ્વરૂપો સાચવે છે રંગમંચ
વિવિધ ઘટકો નાટકને ઘડે છે. કથાબીજને લેખક-દિગ્દર્શક વિસ્તારે છે. નાના પિંડમાંથી એક આકાર બનાવે છે. મંચસજ્જા, વેશભૂષા, પ્રકાશ, પાર્શ્વસંગીત, અભિનય, નેપથ્યના કસબીઓ આ આકારને ચહેરો આપે છે. નિર્માતા, નાટ્યનિયામક, પ્રચારક આ ચહેરાને લોકો સુધી લઈ જાય છે. આ આખી પ્રક્રિયામાં કેટલા બધા લોકોનો ફાળો હોય છે. પરદેશમાં પ્રયોગો સમયે ભલભલા કલાકારોએ નેપથ્ય પણ સંભાળવું પડે છે. શ્વેતલ શાહ ‘સંકેત’ જે નિષ્ઠાની વાત કરે છે એ કોઈ પણ કલાક્ષેત્ર કે કાર્યક્ષેત્રને લાગુ પડે છે...
કોઈ હસી રડે છે ને કોઈ રડી હસે છે
કિરદાર બસ ઘડીનો કેવી અસર કરે છે
થોડા સમયમાં ખુદને પુરવાર જે કરી દે
પડદો પડ્યા પછી પણ એની કલા જીવે છે
રંગભૂમિને સમર્પિત કલાકારો રંગભૂમિને પોતાની જિંદગી બનાવે છે. આ ક્ષણે પ્રવીણ જોશી, કાંતિ મડિયા, શૈલેષ દવે જેવાં અનેક નામો યાદ કરીએ તો વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીમાં સાર્થકતા ઉમેરાય. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સેંકડો લોકોએ રંગભૂમિ પર પોતાનું યોગદાન આપ્યું છે. નાટક એક વ્યવસાય હોવા છતાં આવી તક મળવી એ નાની વાત નથી. ભારતી ગડા ઋણ અદા કરવામાં માને છે...
હર યુગે ઈશ્વર જગતનો, દિગ્દર્શક હોય છે
જિંદગીની રંગભૂમિનો એ નાયક હોય છે
એ જ શ્રદ્ધા માનવીને, સહીસલામત લઈ જશે
જ્યાં ભૂલું છું માર્ગ ત્યાં એ, માર્ગદર્શક હોય છે
મુંબઈની રંગભૂમિ પર સમયાંતરે નવાં નાટકો આવતાં જ રહે છે. કોરોના પછી સામાજિક મંડળો તૂટવાને કારણે પ્રયોગોની સંખ્યા ખાસ્સીએવી ઓછી થઈ છે. બૉક્સ-ઑફિસ છલકાઈ જશે એવા ખયાલોમાં હવે કોઈ નિર્માતા રાચતો નથી. આર્થિક રીતે ટકવા કથારસને ઈજા પહોંચાડી રમૂજરસ ઉમેરવો પડે છે. પ્રેક્ષકોની તાળી ઝીલવા થતી કેટલીક ચેષ્ટાઓ રંગમંચને અનુરૂપ નથી હોતી છતાં ભભરાવવી પડે છે. પ્રયોગાત્મક રંગભૂમિની કુંડળીમાં તો પહેલેથી કપરાં ચડાણ લખાયેલાં છે. જૂની રંગભૂમિનાં ગીતો પ્રેક્ષકોને ગમે છે, પણ એ છૂટકમૂટક કાર્યક્રમો પૂરતાં જ સીમિત રહી ગયાં છે. વિવિધ કારણોસર હર્ષ અને રોષ મિશ્રિત અનુભૂતિ જન્મે એ સ્વાભાવિક છે. રશ્મિ અગ્નિહોત્રી ઉદાસી અને આક્રોશ મિશ્રિત અભિવ્યક્તિ કરે છે...
બંધ કરો આ હેલોજનનાં ઝળહળ થાતાં અજવાળાં
મેં રડતા જોયા છે પડદા પાછળ એ હસવાવાળા
ભીતર પીડા, ભભકે લાવા, તોય ધબકે તખ્તો આ
છેવટ જીવન જાણે ઍક્શન, કટ, ઓકેના સરવાળા
લાસ્ટ લાઇન
તમાશો જુએ છે આ દુનિયાના લોકો
અને હું ઊભો છું જીવનના તખત પર
દબાવીને દુઃખો હું દેખાઉં હસતો
ને લોકો હસે છે જો મારા વખત પર
અશોક પટેલ
હસે છે, રડે છે, જીવે છે, મરે છે
બધા બસ કરાવાય એવું કરે છે
ખરો કર્તા-હર્તા છે પડદાની પાછળ
એ ચાવી ભરે ને રમકડાં ફરે છે
અમિત ટેલર
કલમમાં કશો પણ ચમત્કાર ન્હોતો
હજુ ઘાવ પૂરો અસરદાર ન્હોતો
મને સાવ સીધો આ દુનિયાએ માન્યો
કહ્યું કોણે કે હું અદાકાર ન્હોતો?
સૂરજ કુરિયા
થાક્યો છું અભિનય ખૂબ કરી
આ દુનિયાના રંગમંચ મહીં
પડદો પાડીને જાવ હવે
કિરતાર પળેપળ બોલાવે
શાંતિલાલ કાશિયાની