વાત મારી માન, ક્ષણને સાચવી લે

12 May, 2024 01:54 PM IST  |  Mumbai | Hiten Anandpara

તું મને લયની પાર લઈ જાજે, હું તને સૂર-તાલ આપું છું; હાથ ફેલાવ સામટું લઈ લે, ફાંટ બાંધીને વ્હાલ આપું છું

પ્રતીકાત્મક તસવીર

સાચવણ માત્ર ચીજવસ્તુઓ પૂરતી સીમિત નથી હોતી એનું મહત્ત્વ સંબંધોમાં પણ હોય છે. આખા વર્ષનું અથાણું સાચવી રાખવા આપણે દરકાર લઈએ છીએ. વૉશિંગ મશીનમાં ભૂલથી સિક્કો ન જતો રહે એની કાળજી રાખીએ છીએ. ક્રેડિટ કાર્ડ, પૅન કાર્ડ, આધાર કાર્ડ, મેટ્રો કાર્ડ વગેરે જીવની જેમ વૉલેટમાં સાચવીએ છીએ. વીઝાના સ્ટૅમ્પ પર એક પ્રેમાળ નજર ફેરવી પાસપોર્ટ તિજોરીમાં મૂકીએ છીએ. કમનસીબે વસ્તુ જેટલી દરકાર સંબંધમાં નથી થતી. કોણ કોને કેટલું કામ લાગે એના આધારે સંબંધ ઘડાય કે વિખરાય છે. પારુલ ખખ્ખર કહે છે એવી નિઃસ્વાર્થ શુભકામના કળિયુગનો માર ઝેલી રહી છે...

તું મને લયની પાર લઈ જાજે
હું તને સૂર-તાલ આપું છું
હાથ ફેલાવ સામટું લઈ લે
ફાંટ બાંધીને વ્હાલ આપું છું

વહાલ વિસ્તારવાનું હોય. કમનસીબે આપણને પડોશીઓ સારા નથી મળ્યા અન્યથા વહાલ તો સરહદ પાર પણ વિસ્તરવું જોઈએ. અત્યારે ઇઝરાયલ અને આતંકી સંગઠન હમાસ વચ્ચેના યુદ્ધને કારણે ગાઝા શહેરના લોકો તબાહ થઈ ગયા છે. કામધંધાની વાત તો જવા દો રોજરોજના રોટલા માટે આબાલવૃદ્ધો ટળવળી રહ્યા છે. ભીખના ટુકડાઓ પર જીવવાની લાચારી કરપીણ હોય છે. ગની દહીંવાલા માનવીય જવાબદારીનો અહેસાસ કરાવે છે...    

ચાહું છું કોઈમાં વિશ્વાસ મૂકી દઉં આજે
જિંદગી કોઈનો એ રીતે સહારો લઈ લે
જે રીતે આવીને ઠલવાય હજારો મોજાં
જેમ સાગરનો બધો ભાર કિનારો લઈ લે

પાણીનાં મોજાંનો માર રેતીને લાગતો નથી. એને તો પોતાના સૂકાપણાને ભીંજવવા કોઈ આ રીતે સતત પ્રયાસ કરતું રહે એનો જ હર્ષ હોય છે. છોગામાં શંખ, છીપલાંની ભેટ રેતીની એકલતાને સહ્ય બનાવે છે. નાનાં બાળકો કિલ્લા બનાવી રેતીને નક્કરતાનો અહેસાસ કરાવે છે. યુગલને સાથે ચાલતાં જોઈ રોમાંચ અનુભવતી રેતી એ પગલાંને પ્રેમથી સાચવવા ચાહે છે. ખુલ્લા ડીલે તાપ સહન કરતી રેતી માટે આ બધાં નાનાં લાગતાં મોટાં આશ્વાસનો છે. ડૉ. મનોજ જોશી મન જિંદગીની અમૂલ્ય ભેટને સાર્થક કરવાની શીખ આપે છે...

સમય બાથમાં લઈ ક્ષણેક્ષણ જીવી લે
જીવી લે! કહું છું હજુ પણ જીવી લે
દલીલો ને તર્કોને પડતાં મૂકીને
નથી જીવવા જેવું તો પણ જીવી લે

અહીં હજુ શબ્દ મહત્ત્વનો છે. આમ જોઈએ તો સિત્તેર-એંસી વર્ષનું આયુષ્ય નાનું ન કહેવાય. છતાં જિંદગી એવી ફટાફટ વીતે કે દાયકાઓ પળવારમાં સરી જતા હોય એવું લાગે. ગુલઝારસાહેબે એક મુલાકાતમાં કહ્યું હતું, ‘ઝિંદગી લમ્હોં કો જોડ કર બનાઈ જા સકતી હૈ, બરસોં કી નહીં હોતી.’ ઘરની દીવાલ પર કોતરી રાખવા જેવી આ ફિલસૂફી છે. દક્ષા બી. સંઘવીની વાત આના અનુસંધાનમાં જોવા જેવી છે...

મળી ક્ષણ, તે ક્ષણને નિચોવીને પી લે
પછી છોને થાતું દટંતર-પટંતર
શમે ભેદ સઘળા, પછી શેષ ક્યાં કૈં?
ન લે-દે, ન હું-તું, ન સુંદર-અસુંદર

કોઈ આપત્તિને કારણે નગર ભંગારમાં દટાઈ ગયું હોય એના માટે દટંતર શબ્દ વપરાય છે. પટંતર એટલે અલગપણું, ભેદ. પંચતત્ત્વ વિલીન થઈ એકાકાર બની જાય. સઘળા રાગ-દ્વેષ ઓગળી જાય. જિંદગીભર સરવાળા-બાદબાકી કર્યા પછી શેષ શું બચે છે એ વિશે વિચારવાનું સૂઝતું નથી. સંચિત છે એ શેષ નથી. કલાનાં વિવિધ સ્વરૂપો આમ જોઈએ તો પોતાની અને પરમની ઓળખ તરફ લઈ જતી સાધનાના પ્રકારો છે. જેને જે ફાવે એને આત્મસાત કરે. શૈલેન રાવલ ગઝલના સ્વરૂપની આરાધના કરે છે...

ઓળખી લે સ્વરૂપ ઝાકળનું 
એ અગમ તત્ત્વની નિશાની છે
જામતી રાતે મહેકવાની છે
આ ગઝલ દોસ્ત, રાતરાણી છે

વડોદરામાં થોડો સમય વિનોભા ભાવે આશ્રમમાં રહેવાનું થયેલું. નિસર્ગોપચાર માટે ગાળેલા દસેક દિવસનો એ ગાળો માત્ર તન નહીં, મનને પણ માંજવાનો અવસર હતો. સાંજના સમયે ઉદ્યાનમાં લટાર મારતી વખતે રાતરાણીની સુગંધ માણીને દિલ ખરા અર્થમાં બાગ-બાગ થઈ ગયેલું. ફૂલોને જોઈને થાય કે જેટલું પણ જીવન પ્રકૃતિએ આપ્યું છે એમાં આપણું શ્રેષ્ઠ આપીને ખરી જવાનું છે.

લાસ્ટ લાઇન
વાત મારી માન, ક્ષણને સાચવી લે
સ્નેહભીના આ સ્મરણને સાચવી લે

રાત વીતે તો ભલે વીતી જવા દે
તું ઊઠી પ્રાતઃસ્મરણને સાચવી લે

કાળ કેરા તાપથી સુકાય પહેલાં
આંખના વહેતા ઝરણને સાચવી લે

ઝાકળ દેખીને રણમાં દોડતા
શ્વાસ કેરા આ હરણને સાચવી લે

છોડ ચિંતાઓ બીજાના મૃત્યુની
તું પ્રથમ તારા મરણને સાચવી લે

- જિતુ પુરોહિત

columnists hiten anandpara gujarati mid-day