લગન હોય સાચી તો રસ્તા મળે છે

17 November, 2024 04:23 PM IST  |  Mumbai | Hiten Anandpara

યાદ જ્યારે પણ તમે આવ્યાં, દુવા માગી છે મેં, જે મારી કિસ્મતમાં છે એ પણ ખુશી તમને મળે

પ્રતીકાત્મક તસવીર

મળવું-ન મળવું એ અંજળની વાત હોય છે. કેટલીયે વાર એવું બને કે અચાનક બે-ત્રણ દાયકા પહેલાંનો કોઈ મિત્ર યાદ આવી જાય અને બે-ત્રણ કલાકમાં તે અચાનક મળી પણ જાય. સંકેતનું આખું વિજ્ઞાન તલસ્પર્શી અભ્યાસ માગી લે છે. કેટલીયે વાર ઘટના અગાઉ કુદરત કોઈ નિર્દેશ આપી દે છે. સમયની બાબતમાં એકદમ ચોક્કસ વ્યક્તિ ફ્લાઇટ ચૂકી જાય અને બીજા જ દિવસે એ ફ્લાઇટના ક્રૅશ થવાના સમાચાર મળે. ટૂર છેલ્લી ઘડીએ કૅન્સલ થાય ને ખબર પડે કે જે બસમાં જવાના હતા એ બસ ખાઈમાં પડી ગઈ છે. આપણે ઇચ્છીએ કે કોઈનો ગમખ્વાર અકસ્માત ન થાય અને બધા સાજાનરવા રહે. ખલીલ ધનતેજવી આવી જ કામના કરે છે...

યાદ જ્યારે પણ તમે આવ્યાં, દુવા માગી છે મેં

જે મારી કિસ્મતમાં છે પણ ખુશી તમને મળે

રીતે મોસમ તમારું ધ્યાન રાખે દર વખત

ક્યાંય પણ કૂંપળ ફૂટે ને તાજગી તમને મળે

અન્યનું શુભ ઇચ્છવું એ પ્રાર્થનાનો જ એક પ્રકાર છે. મંદિરમાં કરબદ્ધ હાથ જોડીને થતી પ્રાર્થના જ કંઈ પ્રાર્થના નથી. ઘરે બેઠાં મનોમન કોઈને દુઆ આપીએ, આશીર્વાદ આપીએ, શુભકામના કરીએ એ પણ પ્રાર્થનાનો એક પ્રકાર છે. સમાજ માણસોથી બનતો હોય છે જે રાષ્ટ્રનું ચરિત્ર અને ચિત્ર ઘડે છે. માત્ર અર્થતંત્રની દૃષ્ટિએ નહીં, અનેકતામાં
એકતા સાધી શકીએ તો વિકસિત ભારતનું સ્વપ્નું સાચું પડશે. રાજેશ વ્યાસ મિસ્કીન આ મિજાજને વ્યક્ત કરે છે...

જુદા જુદા ધરમ મળે જુદા ખયાલ મળે

નવાઈ છે કે સૌનું લોહી તોય લાલ મળે

કોણ આવીને બેઠું છે મારી આંખમાં

ભરું હું મુઠ્ઠી ધૂળની અને ગુલાલ મળે

ભારતમાં અનેક ધર્મોના લોકો રહે છે. પણ છેલ્લાં થોડાંક વર્ષોમાં રાજકારણને લીધે ઉશ્કેરણીઓ અને ભંભેરણીઓ વધતી જાય છે. આગઝરતાં ભાષણોથી પલીતો ચાંપવાનો પ્રયત્ન થયા કરે છે. જે શક્તિ હકારાત્મક કાર્યોમાં વપરાવી જોઈએ એ હુમલાઓમાં ખર્ચાઈ જાય છે. ધાર્મિક વૈમનસ્ય રાષ્ટ્રની પ્રગતિને બ્રેક મારે છે. પૂજા અને ઇબાદતનું લક્ષ્ય આખરે તો પરમ તત્ત્વની પ્રાપ્તિનું જ હોય છે. આ માર્ગમાં અનેક અવરોધો ઊભા કરવામાં આવે છે ને વિઘ્નો સર્જવામાં આવે છે. શૂન્ય પાલનપુરી પરમને આરાધે છે...

હરદમ તને યાદ કરું, દશા મળે

એવું દરદ આપ કે જેની દવા મળે

રાખો નિગાહ શૂન્યના પ્રત્યેક ધામ પર

સંભવ છે ત્યાં કોઈપણ રૂપે ખુદા મળે

ઈશ્વર સજીધજીને મળવા નથી આવતો. ઈશ્વરત્વ કોઈ પણ સ્વરૂપે આવી શકે. આપણે એને ઓળખવામાં કાચા અને ટૂંકા પડીએ છીએ. માતા ઈશ્વરનું સાક્ષાત સ્વરૂપ છે. વૃક્ષ ઈશ્વરનું સૌથી પવિત્ર સ્વરૂપ છે. ફૂલો ઈશ્વરનું નાજુક સ્વરૂપ છે. પર્વત ઈશ્વરનું અડીખમ સ્વરૂપ છે. નદી ઈશ્વરનું વહેતું સ્વરૂપ છે. પતંગિયું ઈશ્વરનું ઊડતું સ્વરૂપ છે. વાવાઝોડું ઈશ્વરનું રૌદ્ર સ્વરૂપ છે. સર્જન અને વિસર્જન કુદરતની પ્રક્રિયામાં સામેલ છે. એનું વિસ્મય સમજણની બહાર વિસ્તરે છે. રવીન્દ્ર પારેખ આ વિસ્મયને આવરી લે છે...

કોઈ પણ રીતે એની ગડ મળે

બીજમાંથી કઈ રીતે એક વડ મળે?

બંધ ઘરમાં જેમ કોઈ તડ મળે

રીતે મારા મને વાવડ મળે

બંધ ઘર ઉદાસીન લાગે છે. સવારે કામકાજે નીકળીને સાંજે ઘરે પાછા ફરીએ એ ઘરને બંધ ન કહેવાય. પણ દસ-પંદર દિવસ દેશમાં કે ટૂર પર ગયા હોઈએ ત્યારે બંધ ઘરમાં શાંતિ કરતાં સન્નાટાનો ભાવ વધારે ઘોળાતો જાય. ઘરથી દૂર રહીએ ત્યારે ઘરની કિંમત સમજાય. સ્વજનથી દૂર રહીએ ત્યારે સંબંધનું મૂલ્ય સમજાય. મનહર મોદી વીતેલા સમયની કામના
કરે છે...

તારો વિશેષ સ્પર્શ ફરી માણવા મળે

આકાશ હોય આંખમાં ને ચાલવા મળે

ટુકડો સુંવાળું સુખ મને ના કામનું જરા

આખું મળે તો થાય, તને આપવા મળે

લાસ્ટ લાઇન

મળ્યું જે નથી તે સ્મરણમાં મળે છે

હવે આંખને રોજ સપનાં મળે છે

                પગેરું નથી તોય પગલાં મળે છે

                લગન હોય સાચી તો રસ્તા મળે છે

દીવાલો બધી મૌન મરક્યા કરે છે

વીતેલી ક્ષણોનાય પડઘા મળે છે

                ઉદાસી લઈ સૂર્ય ડૂબી ગયો પણ

                મને કેમ રંગીન તડકા મળે છે

મળી જિંદગી એક એવી નજાકત

મળે કોઈ જાણે દિલાસા મળે છે

                પ્રયત્નો છતાં કોઈ માનવ બન્યું ક્યાં?

                મને રોજ એના પરચા મળે છે

- મહેશ દેસાઈ

columnists hiten anandpara mumbai gujarati mid-day culture news