12 February, 2023 04:35 PM IST | Mumbai | Shailesh Nayak
અંબાજી ગબ્બરની ફરતે આવેલી ૫૧ શક્તિપીઠ જવા માટે હવે સરસ માર્ગ બની ગયો છે. તમામ શક્તિપીઠનાં દર્શન કરતાં-કરતાં આખી પરિક્રમા પૂરી કરવામાં લગભગ ચારેક કલાક લાગે છે.
યાત્રાધામ અંબાજીમાં શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ આજથી શરૂ થઈ રહ્યો છે ત્યારે આધ્યાત્મિકતાની અલખ જગાવવા અને ઍડ્વેન્ચરનો રોમાંચ કરાવવા સાથે આદ્યશક્તિની શરણમાં શક્તિની ભક્તિમાં એકાકાર થઈ જવાશે. આ ઉપરાંત સનસેટ પૉઇન્ટ, ગાર્ડન, હાવડા બ્રિજ, ભૈરવ ગુફા જેવાં આકર્ષણો પણ માતાજીના ભક્તોની આસ્થામાં ઓટ નહીં આવવા દે
૫૧ શક્તિપીઠનું પુણ્ય ગબ્બરની ૧ પરિક્રમામાં
આપણા દેશ અને પાકિસ્તાન, શ્રીલંકા, બંગલાદેશ તથા નેપાલ જેવા પરદેશોમાં આદ્યશક્તિની ૫૧-૫૧ શક્તિપીઠ આવી છે. હવે આ બધાનાં દર્શને જવાનું શક્ય નથી ત્યારે ઉત્તર ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલા આરાસુરના ગબ્બરની પરિક્રમા કરી લો એટલે ૫૧ શક્તિપીઠનાં દર્શનનું પુણ્ય મળી જાય. યાત્રાધામ અંબાજીમાં શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ આજથી શરૂ થઈ રહ્યો છે. ‘મિડ-ડે’ના વાચકોને શબ્દરૂપે એની યાત્રા કરાવે છે શૈલેષ નાયક.
વિઘ્નહર્તા શ્રી ગણપતિદાદાએ દેવાધિદેવ એવા પિતા શંકરજી અને માતા પાર્વતીની ફરતે આંટા મારીને કહ્યું કે ‘માતા-પિતા જ ચાર ધામ સમાન છે.’ આમ કહીને માતા-પિતાની ચારેકોર પરિક્રમા કરીને દેવાધિદેવની અને શક્તિની ભક્તિ કરી. એ ઘડી અને આજનો દિવસ. એ સમયથી પરિક્રમા શરૂ થઈ હોવાની લોકવાયકા છે ત્યારે ઉત્તર ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલો આરાસુરનો ગબ્બર જ્યાં મા ભગવતી સતીનું હૃદય ધબકતું હોય એ ધબકારા આખા બ્રહ્માંડમાં ગુંજતા હોય એવા સતના સ્થાનક ગબ્બરગોખની નીચે પરિક્રમા કરવાનો લહાવો મનુષ્યજીવનમાં પ્રાપ્ત થાય એથી વિશેષ ઉત્તમ બીજું શું હોઈ શકે? દેશમાં તેમ જ પરદેશમાં પાકિસ્તાન, બંગલા દેશ, શ્રીલંકા કે નેપાલમાં આવેલી આદ્યશક્તિની શક્તિપીઠોમાં જઈ શકીએ કે ન જઈ શકીએ, પરંતુ અંબાજીમાં ગબ્બર ફરતે એકસાથે આબેહૂબ ૫૧ શક્તિપીઠોનાં મંદિરોમાં શક્તિનાં દર્શનનો લહાવો કરીને જીવન ધન્ય બની શકે છે. સવારનો પહોર હોય, પંખીઓનો મીઠો કલરવ થતો હોય, મંદ-મંદ પવન વાતો હોય અને ગબ્બર ફરતે ૫૧ શક્તિપીઠોમાં એકસાથે ઘંટનાદ થતો હોય, ઝાલર વાગતી હોય, આરતી ગવાતી હોય ત્યારે એક અલૌકિક દિવ્ય માહોલનો સાક્ષાત્કાર થાય અને એ પવિત્ર જગ્યા પરથી ઊઠતાં સ્પંદનો જાણે કે આપણને ઊર્જાથી ભરી દે છે, નવી ચેતનાનો સંચાર કરી દે એવો અહેસાસ થયા વગર રહે નહીં, કેમ કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શી જરૂર છે.
સવારનો કૂણો તડકો હોય અને તમે ફૅમિલી કે ફ્રેન્ડ્સ સાથે ગબ્બરની ફરતે અઢી કિલોમીટર લાંબા પરિક્રમા માર્ગ પર આવતાં અનેક ચડાવ-ઉતારવાળાં પગથિયાં કે પછી સપાટ જમીન પરથી ચાલીને આગળ વધતા હો, નાના-નાના બ્રિજ ઓળંગો, ડુંગરાળ વિસ્તારમાં ફરતા જાઓ અને માતાજીનાં દર્શન કરીને આગળ વધતા જાઓ. અંબાજી ગબ્બર ફરતે પરિક્રમા પથ પર ૫૧ શક્તિપીઠ તો છે જ; એની સાથે-સાથે સનસેટ પૉઇન્ટ, ગાર્ડન, હાવડા બ્રિજ, ભૈરવ ગુફા, ૫૧ શક્તિપીઠની ગૅલરી સહિતનાં આકર્ષણો પણ આસ્થામાં ઓટ નહીં આવવા દે. આદ્યશક્તિની શરણમાં શક્તિની ભક્તિમાં એકાકાર થવાનો અવસર એટલે યાત્રાધામ અંબાજીમાં શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ, જ્યાં ૫૧ શક્તિના સાક્ષાત્કારનો સમન્વય થયો છે.
અંબાજી ગબ્બર ફરતે પરિક્રમાના રૂટ પર નેપાલમાં આવેલા શક્તિપીઠની પ્રતિકૃતિ.
પોતાની ફૅમિલી સાથે ૫૧ શક્તિપીઠની પરિક્રમા કરીને ધન્યતા અનુભવતા પ્રદીપ ભોજક કહે છે, ‘અંબાજી ગબ્બરની નીચે ૫૧ શક્તિપીઠનાં દર્શન કરીને પરિક્રમા પૂરી કર્યા બાદ મને એવી અનુભૂતિ થઈ કે હું જાણે સાક્ષાત્ ૫૧ શક્તિપીઠનાં દર્શન કરી આવ્યો હોઉં એવો અહેસાસ થયો. પરિક્રમા કર્યા પછી હૃદય તૃપ્ત થયું. દુનિયામાં ૫૧ શક્તિપીઠ છે જ્યાં જઈ શકવાના નથી, પણ અહીં વ્યવસ્થા થઈ છે તો એનો લાભ કેમ ન લઈ શકીએ. પરિવાર સાથે દરેક મંદિરમાં જઈને અગરબત્તી કરીને દર્શન કર્યાં અને મન પ્રફુલ્લિત થઈ ગયું. પરિક્રમા કરતાં-કરતાં સમય લાગ્યો, પણ અનુભવ અદભુત રહ્યો. અંબાજી ગબ્બર પર જવાનો રસ્તો અલગ છે અને પરિક્રમા માટેનો રસ્તો અલગ છે. પરિક્રમાના માર્ગ પર ચડાવ-ઉતાર આવે છે. પગથિયાં બનાવ્યાં છે. નાના પુલ પણ વચ્ચે આવે છે. સમથળ જગ્યા નથી. ડુંગરની ફરતે પરિક્રમા કરવાની હોય એટલે ચડાવ-ઉતાર તો રહે, પણ એની મજા કંઈક ઑર જ છે. રસ્તામાં ગાર્ડન પણ આવે છે. બેસવા માટે વિસામો પણ છે. પીવાના પાણીની સગવડ પણ છે. માતાજીનું નામ લેતાં-લેતાં આગળ વધતા જવાનું એટલે રસ્તો ક્યાં કપાઈ જાય એ ખબર જ ન પડે.’
પરિક્રમાના રૂટ પર આવેલો હાવડા બ્રિજ.
એક સમયે ગબ્બર ફરતે પરિક્રમા માર્ગ નહોતો ત્યારે પણ સ્થાનિક લોકોએ કાચા રસ્તા પરથી પરિક્રમા કરી છે એ સમયે અને હવે ૫૧ શક્તિપીઠ સાથે પરિક્રમા માર્ગ તૈયાર થઈ ગયો છે ત્યારે હવે ફરક શું છે એ વિશે વાત કરતાં અંબાજીના જિગર ભોજક કહે છે, ‘અંબાજી ગબ્બર પર હવે તો પરિક્રમાનો એક પ્રૉપર રસ્તો બની ગયો છે, પણ પહેલાં જંગલના કાચા રસ્તા પરથી લોકો પરિક્રમા કરતા હતા. ૨૦૦૯–’૧૦માં હું સોળેક વર્ષનો હતો ત્યારે અંબાજીના આનંદના ગરબા મંડળે પરિક્રમા કરી હતી. એ સમયે ૬૦થી ૭૦ જણનું ગ્રુપ હતું અને જંગલના કાચા રસ્તા પરથી અમે ગબ્બર ફરતે પરિક્રમા કરી હતી. એ સમયે પરિક્રમા કરતાં સમય લાગ્યો હતો. હવે તો પરિક્રમા સરળ બની છે. રસ્તા બની ગયા છે, સીડી છે, પગથિયાં બની ગયાં છે, બેસવા માટે બેન્ચો છે, પરબ છે, સ્ટ્રીટલાઇટ છે. ૫૧ શક્તિપીઠમાં જવાની જરૂર ન પડે એવાં શક્તિપીઠ મંદિરો અહીં બનાવ્યાં છે. મંદિરો પર એમનો ઇતિહાસ પણ લખ્યો છે એટલે જે-તે શક્તિપીઠો વિશે જાણકારી મળી રહે છે અને એની વિશેષતા જાણવા મળે છે.’
અંબાજી ગબ્બર ફરતે આવેલી ૫૧ શક્તિપીઠમાં જે-તે શક્તિપીઠની જેમ જ માતાજીની પૂજા-અર્ચના થાય છે અને એના માટે ક્વૉલિફાઇડ પૂજારીઓ પણ છે જેઓ માતાજીની સેવા-પૂજા કરી રહ્યા છે અને ભાવિકોને શક્તિપીઠ વિશે માહિતી આપી રહ્યા છે. એમ.એ. વિથ સંસ્કૃત અને જ્યોતિષમાં વિશારદ કરનાર અને પરિક્રમાના માર્ગ પર પશ્ચિમ બંગાળમાં આવેલા નલહટી કાલિકા માતાજીની શક્તિપીઠની પ્રતિકૃતિ સમાન મંદિરમાં સેવા-પૂજા કરતા જયંતી જોષી મંદિરમાં થતા પૂજાપાઠના નિત્યક્રમ વિશે અને પરિક્રમાના મહત્ત્વ વિશે આસ્થા સાથે કહે છે, ‘૫૧ શક્તિપીઠની પરિક્રમા કરવાથી અશ્વમેધ યજ્ઞ જેટલું ફળ મળે છે. અહીં મંદિરમાં સવારે સાત વાગ્યે આવી જઈને મંદિર ખોલીને પ્રાતઃ પૂજા-અર્ચના થાય છે. ૫૧ શક્તિપીઠમાં જે રીતે પૂજા-અર્ચના થાય છે એ રીતે અહીં પણ થાય છે. આ નલહટી કાલિકા માતાજીના મંદિરમાં સવારે શંખનાદ કરીને માતાજીને જગાડીએ છીએ. એ પછી ધ્યાન પ્રક્રિયા અને સાધના પ્રક્રિયા કરીએ છીએ. સાધના પ્રક્રિયામાં સાત મિનિટ મૌન રહીને માતાજીને સાત વાર નમન કરવાનું હોય છે. વિશ્વ કલ્યાણ હેતુ ધ્યાન પ્રક્રિયા કરવાની. માતાજીને સ્નાનાદિ ષોડ્સોપચાર પૂજા થાય. જળ પ્રક્રિયા અને નયન પ્રક્રિયા થાય. હાથમાં ફૂલ અને ચોખા લઈને ધ્યાન પ્રક્રિયા કરવાની. સવારની આરતી કરવાની. પાંચ દીવાના અજવાળાથી માતાજી શણગાર જોઈ શકે, ભાવિકો પણ શણગાર જોઈ શકે. આરતી એમાં ભગવતીનું, આદ્યશક્તિનું દર્પણ છે. ઝળહળતી જ્યોત, તેજોમય-દીપોમય જ્યોત શણગારનાં દર્શન કરાવે છે. બપોરે ૧૨ વાગ્યા સુધી ચંડીપાઠ કરું છું. માતાજીને ભોગ ધરાવવાનો, બપોરની આરતી કરીને આરામ કરવાનો. પાછી ત્રણ વાગ્યાથી નિત્યક્રિયા શરૂ કરવાની. અત્યારે સાંજે સાડાછ વાગ્યે આરતી કરવાની. ઋતુ પ્રમાણે આરતીના ટાઇમમાં ફેર થાય છે, પણ અહીં ૫૧ શક્તિપીઠોમાં એકસાથે આરતી થાય છે. ઘંટારવ થાય છે ત્યારે જીવનને ધન્ય બનાવતો અવસર જોવા મળે છે. મૂળ પ્રણાલી પ્રમાણે સેવા-પૂજા અહીં થાય છે.’
પશ્ચિમ બંગાળમાં આવેલી અટ્ટહાસ શક્તિપીઠ, જેની અંબાજી ગબ્બરના પરિક્રમા રૂટ પર બનાવેલી પ્રતિકૃતિ. અહીં ફુલ્લરા માતાજી બિરાજમાન છે.
પરિક્રમાના રૂટ પરની વિશેષતાઓ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘અંબાજી ગબ્બરનાં ૯૯૯ પગથિયાં છે, પણ ગબ્બર ફરતે પરિક્રમાનાં માર્ગ પર ૧,૮૭૩ પગથિયાં છે. અહીં જુદાં-જુદાં સંકુલો છે અને ત્યાં એક પછી એક ગબ્બર ફરતે શક્તિપીઠો આવેલી છે. યજ્ઞશાળા છે. અહીં સનસેટ પૉઇન્ટ પણ છે, બગીચા છે, શક્તિપીઠની ફોટો ગૅલરી પણ છે. અમારા મંદિર પાસે એક બ્રિજ છે જેને અમે સૌ હાવડા બ્રિજ કહીએ છીએ. અહીં ત્રણ ગુફા છે. એમાં ભૈરવ ગુફા
આ પણ વાંચો: સાડાત્રણ મહિનાનું રિસર્ચ અને લેહ સુધીની જર્ની કરી અંબાજી મંદિર માટે બનાવાઈ ચામર
ઉપરાંત કાશ્મીરમાં આવેલી શક્તિપીઠની સાથે અમરનાથ મહાદેવના શિવલિંગનાં દર્શન પણ અહીં થાય છે. પાકિસ્તાનમાં આવેલાં હિંગળાજ માતાજીની શક્તિપીઠ પણ અહીં છે અને એ પણ ગુફામાં છે. અહીં એક જ સ્થળે એકસાથે ૫૧ શક્તિપીઠનાં દર્શન કરવાનો અનેરો લહાવો છે.’
પરિક્રમાના રૂટ પર આવેલી નલહટી શક્તિપીઠ જ્યાં મા કાલી સ્વરૂપે નલહટીમાં બિરાજમાન છે.
ઉત્તર ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલા આરાસુરના ગબ્બર પર આદિકાળથી આદ્યશક્તિની જ્યોત પ્રજ્વલિત છે. આરાસુરનો ડુંગર અરવલ્લીના ડુંગરાઓની વચ્ચે આવેલો એકમાત્ર ડુંગર છે એની વાત કરતાં ગબ્બર પર આવેલા માતાજીના મંદિરના પૂજારી ગિરીશ લોઢા કહે છે, ‘સામાન્ય રીતે એક પછી એક ગબ્બરની હારમાળા જોવા મળે છે, પણ અંબાજી ગબ્બરની વિશેષતા એ છે કે એ એકમાત્ર ગબ્બર છે. એક જ પથ્થર પર આખો ગબ્બર ઊભો છે. અહીંની જ્યોતનું પણ મહત્ત્વ છે. આટલી ઊંચાઈએ હોવા છતાં પણ ગમે એટલી આંધી આવે, પવન વાય તો પણ જ્યોત પ્રજ્વલિત રહે છે. આદિઅનાદિ કાળથી જ્યોત પ્રજ્વલે છે. ભગવાન શ્રીકૃષ્ણએ અહીં મુંડન સંસ્કાર કરાવ્યા હોવાની લોકવાયકા છે. આ એક પવિત્ર જગ્યા છે. મા જગદંબા અહીં બિરાજમાન છે ત્યારે આવી પવિત્ર ભૂમિ પર અંબે માતાજીના ખોળે એક જ સમયે ૫૧ શક્તિપીઠની પરિક્રમા કરવાથી પુણ્ય મળે છે.’
૧૨થી ૧૬ ફેબ્રુઆરી દરમ્યાન ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી ગબ્બર ફરતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન થયું છે ત્યારે માઈભક્તો માટે સેવા, સુરક્ષા તેમ જ મેડિકલની સગવડ કરાઈ છે. ગંગા આરતીની જેમ મા અંબાજીની ભવ્ય આરતી, લાઇટ ઍન્ડ સાઉન્ડ શો, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞ, ચામરયાત્રા, આનંદનો ગરબો, પાલખીયાત્રા, ભજન-સત્સંગના કાર્યક્રમોનું આયોજન હાથ ધરાતાં ભક્તિમય માહોલ ઊભો થશે.
શક્તિપીઠની પરિક્રમા કરનાર પ્રદીપ ભોજક અને સંજના ભોજક.
૧૨થી ૧૬ ફેબ્રુઆરી દરમ્યાન ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી ગબ્બર ફરતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ થશે. આ દરમ્યાન ભવ્ય આરતી, લાઇટ ઍન્ડ સાઉન્ડ શો, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞ, ચામરયાત્રા, આનંદનો ગરબો, પાલખીયાત્રા જેવા કાર્યક્રમો થશે.
એક સમયે ગબ્બર ફરતે પરિક્રમા માર્ગ નહોતો ત્યારે પણ સ્થાનિક લોકોએ કાચા રસ્તા પરથી પરિક્રમા કરી છે એ સમયે અને હવે ૫૧ શક્તિપીઠ સાથે પરિક્રમા માર્ગ તૈયાર થઈ ગયો છે. ૫૧ શક્તિપીઠમાં જવાની જરૂર ન પડે એવાં શક્તિપીઠ મંદિરો અહીં બનાવ્યાં છે.
કઈ ૫૧ શક્તિપીઠનો લહાવો ગબ્બરની પરિક્રમામાં મળશે એ જાણી લો
ગુજરાત સહિત દેશનાં ૧૭ રાજ્યોમાં અને ભારત ઉપરાંત નેપાલ, તિબેટ, શ્રીલંકા, બંગલાદેશ અને પાકિસ્તાનમાં કુલ મળીને ૫૧ શક્તિપીઠ છે.
અંબાજી ગબ્બર ફરતે આવેલી જુદી-જુદી શક્તિપીઠ.
૧ મિથિલા શક્તિપીઠ : ઉમા મહાદેવી માતાજી – ઉચ્ચેટનગર, બિહાર
૨ શ્રી વૈદ્યનાથ શક્તિપીઠ : જયદુર્ગાદેવી – ગિરિડીહ, બિહાર
૩ મગધ શક્તિપીઠ : સર્વાનંદકરી માતાજી – પટના, બિહાર
૪ કરવીર શક્તિપીઠ : મહાલક્ષ્મી - અંબામાઈ – કોલ્હાપુર, મહારાષ્ટ્ર
૫ જનસ્થાન શક્તિપીઠ : ભ્રામરીદેવી – પંચવટી, મહારાષ્ટ્ર
૬ શોણ શક્તિપીઠ : શોણાક્ષી (નર્મદા) દેવી – અમરકંટક, મધ્ય પ્રદેશ
૭ ઉજ્જૈન શક્તિપીઠ : મંગલ ચંડીકાદેવી એટલે હરસિદ્ધિ દેવી – ઉજ્જૈન, મધ્ય પ્રદેશ
૮ રામગિરિ શક્તિપીઠ : આદ્યશક્તિ શિવાની (મા શારદા) – મધ્ય પ્રદેશ
૯ ગોદાવરી તટ શક્તિપીઠ : વિશ્વેશી શક્તિ (રુક્મિણી) – કુલ્લુર, આંધ્ર પ્રદેશ
૧૦ શ્રીશૈલ શક્તિપીઠ : ભગવતી મહાલક્ષ્મીજી (ભ્રામરામ્બાદેવી) – શૈલ પર્વત, આંધ્ર પ્રદેશ
૧૧ વૃંદાવન શક્તિપીઠ : ભગવતી ઉમા – મથુરા અને વૃંદાવનની વચ્ચે, ઉત્તર પ્રદેશ
(આ સ્થાન ચામુંડાદેવી તરીકે પણ ઓળખાય છે)
૧૨ વારાણસી શક્તિપીઠ : વિશાલાક્ષી ગૌરી – કાશી, ઉત્તર પ્રદેશ
૧૩ પ્રયાગ શક્તિપીઠ : લલિતાદેવી – પ્રયાગ, ઉત્તર પ્રદેશ
૧૪ જ્વાલામુખી શક્તિપીઠ – જ્વાલાદેવી – પઠાણકોટથી આગળ કાલીધર પર્વત, કાંગડા જિલ્લો
૧૫ ભૈરવ પર્વત શક્તિપીઠ : અવંતીદેવી – ભૈરવ પર્વત, મધ્ય પ્રદેશ
૧૬ સુગંધા શક્તિપીઠ : ભગવતી સુનંદા – શિકારપુર ગામ, બંગલાદેશ
૧૭ કિરીટ શક્તિપીઠ : મા વિમલા (ભુવનેશ્વરી માતાજી) – કિરીટકોના ગામ, પશ્ચિમ બંગાળ
૧૮ નલહટી શક્તિપીઠ : મા નલહટી (મા કાલી સ્વરૂપે) – રામપુરા હાર્ટ પાસે, પશ્ચિમ બંગાળ
૧૯ નંદીપુર શક્તિપીઠ : ભગવતી નંદિની – નંદીપુર ગામ, પશ્ચિમ બંગાળ
૨૦ અટ્ટહાસ શક્તિપીઠ : શક્તિ ફુલ્લરા – અટ્ટોહાસ ગામ, પશ્ચિમ બંગાળ
૨૧ વકત્રેશ્વર શક્તિપીઠ : મહિષમર્દિનીદેવી – ઓડાલ જંક્શન, પશ્ચિમ બંગાળ
૨૨ યુગાધા શક્તિપીઠ : ભૂતધાત્રી શક્તિ – ક્ષીરગામ, પશ્ચિમ બંગાળ
૨૩ કરતોયાતટ શક્તિપીઠ : દેવી અપર્ણા – ભવાનીપુર ગામ, બંગલાદેશ
૨૪ ચટ્ટલ શક્તિપીઠ : ભવાની માતા ચંદ્રશેખર પર્વત, બંગલાદેશ
૨૫ યશોર શક્તિપીઠ : યશોરેશ્વરી માતાજી – જેસોર, બંગલાદેશ
૨૬ બહુલા શક્તિપીઠ : શક્તિ બહુલા – કેત્રુ ગામ, પશ્ચિમ બંગાળ
૨૭ ત્રિસ્ત્રોતા શક્તિપીઠ : શક્તિ ભ્રામરી – બોદાગંજ પાસે, પશ્ચિમ બંગાળ
૨૮ કાલિકા શક્તિપીઠ : મા કાલી – કલકત્તા, પશ્ચિમ બંગાળ
૨૯ વિભાષ શક્તિપીઠ : શક્તિ કપાલીની તેમ જ ભીમરૂપા – તામલુક ગામ, પશ્ચિમ બંગાળ
૩૦ રત્નાવલિ શક્તિપીઠ : શક્તિ કુમારી – એક માન્યતા પ્રમાણે આ મંદિર ચેન્નઈ, તામિલનાડુમાં તેમ જ અન્ય માન્યતા પ્રમાણે રત્નાકર નગર, પશ્ચિમ બંગાળમાં આવેલું છે.
૩૧ કન્યાકાશ્રમ શક્તિપીઠ : સર્વાણીદેવી – કન્યાકુમારી, તામિલનાડુ
૩૨ કાંચી શક્તિપીઠ : ભગવતી દેવગર્ભા – કાંચી, તામિલનાડુ
૩૩ શુચિ શક્તિપીઠ : નારાયણી શક્તિ – સુચિન્દ્રમ, તામિલનાડુ
૩૪ શક્તિપીઠ : કાલી શક્તિ – આ શક્તિપીઠ ચોક્કસ ક્યાં આવેલું છે એની પુરતી માહિતી મળતી નથી, પણ એક માન્યતા પ્રમાણે એ મધ્ય પ્રદેશમાં હોઈ શકે છે.
૩૫ શક્તિપીઠ : ભગવતી સાવિત્રી – કુરુક્ષેત્ર, હરિયાણા
૩૬ શ્રી પર્વત શક્તિપીઠ : શ્રીસુંદરી શક્તિ – કેટલાક વિદ્વાનોના મતે આ શક્તિપીઠ લદાખમાં અને કેટલાકના મતે આસામ જૈનપુર સ્થળે આવેલું છે.
૩૭ માનસ શક્તિપીઠ : દાક્ષાયણી શક્તિ – માનસરોવર પાસે, તિબેટ
૩૮ પંચસાગર શક્તિપીઠ : વારાહી શક્તિ – વારાણીના પંચસાગર મંદિરને શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે.
૩૯ ઉત્કલ શક્તિપીઠ : મા વિમલાદેવી – ઉત્કલ પ્રદેશ, ઓડિશા
૪૦ જાલંધર શક્તિપીઠ : ત્રિપુરામાલિનીદેવી – જલંધર, પંજાબ
૪૧ ગંડકી શક્તિપીઠ : શક્તિ ગંડકી – નેપાલ
૪૨ નેપાલ શક્તિપીઠ : ગુહ્યેશ્વરી માતાજી – બાગમતી નદીના કિનારે, નેપાલ
૪૩ મણિવેદિક શક્તિપીઠ : સાવિત્રીદેવી – પુષ્કર સરોવર પાસેના પર્વત પર, રાજસ્થાન
૪૪ વિરાટ શક્તિપીઠ : અંબિકા માતાજી – વિરાટ ગામ, રાજસ્થાન
૪૫ કાશ્મીર શક્તિપીઠ : મહામાયા શક્તિ – અમરનાથની ગુફા પાસે, કાશ્મીર
૪૬ હિંગુલા શક્તિપીઠ : હિંગલાજ માતાજી – બલૂચિસ્તાન, પાકિસ્તાન
૪૭ જયંતી શક્તિપીઠ : જયંતીદેવી – શિલૉન્ગથી આગળ, જયંતીયા પર્વત, મેઘાલય
૪૮ શ્રીલંકા શક્તિપીઠ : ભગવતી ઇન્દ્રાક્ષી – ત્રિકોણમાલી, શ્રીલંકા
૪૯ કામાખ્યા શક્તિપીઠ : કામાખ્યાદેવી – આસામ
૫૦ ત્રિપુરાસુંદરી શક્તિપીઠ : ત્રિપુરાસુંદરીદેવી – રાધા કિશોરપુર ગામ પાસે, ત્રિપુરા
૫૧ ગબ્બર અંબાજી શક્તિપીઠ : જગદંબા અંબે માતાજી – અંબાજી, ગુજરાત