પઢાર રાસ એકમાત્ર એવો રાસ છે જેમાં દાંડિયાનો ઉપયોગ નથી થતો

14 April, 2024 12:07 PM IST  |  Mumbai | Samir & Arsh Tanna

આદિવાસીઓની પેટા જ્ઞાતિ એવી પઢાર કમ્યુનિટીનો આ રાસ બેઠો રાસ છે. રાસની કોરિયોગ્રાફીમાં પાણીમાં ચાલતી હોડી જેવાં સ્ટેપ્સ હોય છે તો સાથોસાથ દરિયાઈ લહેરને પણ કોરિયોગ્રાફીમાં સામેલ કરવામાં આવી છે

પઢાર રાસ

મણિયારો રાસ પછી હવે આપણે વાત કરવી છે પઢાર રાસની. આ બધા રાસની વાત આપણે એટલા માટે કરીએ છીએ કે મોટા ભાગના લોકોનું માનવું એવું જ છે કે ગરબા અને રાસ એકસમાન હોય અને એ જ માનસિકતા વચ્ચે એ લોકો નવરાત્ર‌િમાં ગરબા અને રાસ કરીને જાણે કે જંગ જીતી ગયા હોય એવું માનતા રહે છે. પણ ના, એવું નથી. આપણા ગરબા અને રાસમાં પણ એટલું વૈવિધ્ય છે કે તમે કલ્પના પણ ન કરી હોય. અલગ-અલગ કમ્યુનિટીના પોતાના પણ રાસ અને ગરબા છે તો અલગ-અલગ કામધંધા સાથે જોડાયેલા લોકોએ પણ પોતાના રાસગરબાનું સર્જન કર્યું હતું. પઢાર રાસ પણ એ જ પ્રકારનો એક રાસ છે જે સામાન્ય રીતે આદિવાસી કમ્યુનિટી દ્વારા કરવામાં આવે છે. કહે છે કે ગુજરાતમાં પાંચ પ્રકારની પેટા જ્ઞાતિના આદિવાસીઓ રહે છે, જેમાં પઢાર આદિવાસીનો આ રાસ છે. આ જે પઢાર કમ્યુનિટીના આદિવાસીઓ છે તે મોટા ભાગે સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત અમદાવાદ જિલ્લાનાં ૧૪ જેટલાં ગામોમાં પથરાયેલા છે.

પઢાર આદિવાસીઓ દ્વારા થતો આ રાસ રાજમહારાજાઓના મનોરંજન માટે થતો. ગુજરાતમાં આવેલા નળ સરોવરે જઈને બેચાર દિવસનું રોકાણ કરનારા રાજામહારાજાઓ અને એ પછી અંગ્રેજોના મનોરંજન માટે પઢાર આદિવાસીઓને બોલાવવામાં આવતા અને પઢાર આદિવાસીઓ પોતાની કમ્યુનિટીનો પઢાર રાસ રજૂ કરતા. કહે છે કે એ સમયે તો આ પઢાર રાસ વીસથી બાવીસ મિનિટ લાંબો હતો, પણ સમય જતાં એ રાસ ટૂંકો થતો ગયો અને અત્યારે ચારથી પાંચ મિનિટનો આ રાસ રહ્યો છે.

ઇતિહાસકારો એવું કહે છે કે પઢાર કમ્યુનિટીના આદિવાસી હકીકતમાં આપણી પ્રજા નથી, પણ સિંધથી હિજરત કરીને આવેલી પ્રજા છે જે પછી કાયમી આ વિસ્તારમાં સ્થાયી થઈ. પઢાર રાસમાં એ સિંધની હરકતો પણ જોવા મળે છે. એ સમયે સિંધની આબોહવા એવી હતી કે એમાં વધારે લાંબો સમય શારીરિક શ્રમ થઈ શકતો નહીં એટલે પઢાર કમ્યુનિટીએ રસ્તો કાઢ્યો હતો અને તેમણે ઊભા-ઊભા થતા પઢાર રાસનું રૂપ બદલીને એને બેઠા-બેઠા કરવાનું શરૂ કર્યું. એક લોકવાયકા એવી પણ છે કે રાજામહારાજાઓ અને એ પછી અંગ્રેજોના સમયમાં અમુક કમ્યુનિટી સાથે બહુ ખરાબ વર્તન કરવામાં આવતું હતું, જેમાં આદિવાસીઓનો સમાવેશ થતો. રાજામહારાજાઓ સામે આદિવાસીઓને ઊભા રહેવાની પરવાનગી નહોતી એટલે ઊભા રહીને થતા પઢાર રાસને બેઠા રાસમાં પરિવર્ત‌િત કરવામાં આવ્યો.

હા, પઢાર રાસ બેઠા-બેઠા થાય છે. બીજી વાત, કદાચ આ એકમાત્ર એવો રાસ છે જે રાસ છે અને એમ છતાં એમાં દાંડિયાનો ઉપયોગ નથી થતો. આ રાસમાં ખેલૈયાઓના હાથમાં મંજીરા હોય છે, જે મં‌જીરા ખેલૈયાઓ સતત વગાડતા જાય અને રાસ કરતા જાય. મંજીરા માત્ર દેખાવના નથી હોતા. આ જે મંજીરા છે એ મંજીરા મ્યુઝિકના તાલમાં પણ ગણવામાં આવે છે. આ બેઠા રાસમાં શરીરના ઉપરના હિસ્સાનું હલનચલન સૌથી વધારે થાય છે, કોરિયોગ્રાફી પણ એ પ્રકારની જ તૈયાર થઈ છે જેમાં બે હાથ, ખભા અને શરીરની કમરને સૌથી વધારે લચક આપવામાં આવે છે તો જે હિપ્સનો ભાગ છે એનો પણ રાસ દરમ્યાન ઉપયોગ કરવામાં આવે છે. આ બેઠા રાસમાં પણ સર્કલ ફરતું રહે છે. અફકોર્સ, રાબેતા મુજબના રાસની જેમ એ સર્કલ એટલી ઝડપથી ફરતું નથી પણ પઢાર રાસના ખેલૈયાઓ રાસ રમતાં-રમતાં પૂંઠના ભાગેથી આગળ વધતા જાય છે અને એ રીતે સર્કલ પૂરું કરે છે. પઢાર રાસ વિશે વધારે વાત કરતાં પહેલાં કહેવાનું કે આ એવો રાસ છે જેમાં ખેલૈયાઓ તરીકે માત્ર પુરુષો જ હોય છે.

પાકિસ્તાનમાં આવેલાં હિંગળાજ માતાજીમાં માનનારા પઢાર લોકો આજે પણ સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાનાં અમુક ગામોમાં છે અને આજે પણ તે પઢાર રાસ કરે છે. પહેલાં એ લોકો પાસે જમીન હતી, ખેતી પર તેમનું ગુજરાન ચાલતું. પણ સમય જતાં હવે એ જમીનના માલિકો રહ્યા નહીં એટલે હવે પઢારો ખેતમજૂર તરીકે કામ કરે છે તો સાથોસાથ નળ સરોવરમાં જે બોટમેન છે એ પણ પઢાર જ્ઞાતિના લોકો હોય છે. આ જે નળ સરોવર છે એ ખંભાતના અખાતનું વિસ્તરણ હોવાનું કહેવાય છે તો એવું પણ માનવામાં આવે છે કે સિંધુ નદી અહીં સમુદ્રમાં ભળી ગઈ છે,

જેને કારણે પઢારોના પારંપરિક નવા વર્ષનો પ્રારંભ થતો હોય એ સમયે પઢાર રાસ નળ સરોવર સામે કરવામાં આવે છે. આ રાસમાં મંજીરા ઉપરાંત ઝાંઝ અને તબલાનો ઉપયોગ કરવામાં આવે છે. રાસનું જે ગીત છે એ સમૂહગાનમાં લઈ આવવામાં આવે છે, જે ગાન સમયે ગીતમાં સમુદ્રના ઘૂઘવાટાનો અવાજ પણ ગળામાંથી કાઢીને સામેલ કરવામાં આવે છે તો પઢાર રાસની કોરિયોગ્રાફી પણ એવી જ હોય જે જોતાં તમને એવું જ લાગે કે પઢારો સામે બેસીને નાવ ચલાવી રહ્યા છે અને પાણીમાં નાવ આગળ વધે છે. પઢાર રાસની કોરિયોગ્રાફીમાં દરિયાઈ લહેરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે લહેરને રાસ દરમ્યાન દર્શાવવાનું કામ ખરેખર અઘરું છે. એ માટે મજબૂત ખભા જોઈએ અને કદાચ એટલે જ આ રાસમાં ખેલૈયાઓ પુરુષ રહેતા હશે.

columnists gujarati mid-day