બ્યુટી-કૉન્ટેસ્ટમાં ભાગ લઈ રહી છે જગતભરની AI સુંદરીઓ

09 June, 2024 12:03 PM IST  |  Mumbai | Sameera Dekhaiya Patrawala

જાણીએ આજે આવી જ એક ‘ફૅનવ્યુ બ્યુટી પેજન્ટ’ની ટોચની દસ સુંદરીઓ વિશે જેમાંની એક આપણી ભારતીય AI મૉડલ પણ છે

ઝારા શતાવરી, ભારત

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) નામનો વડલો દિવસે નહીં એટલો રાતે વધીને ઘેઘૂર થઈ રહ્યો છે ત્યારે રોજબરોજ એકાદ નવી સિ​દ્ધિ એનો હિસ્સો બની રહી છે. AI સુંદરીઓ અને એમના વર્ચ્યુઅલ ફૅનવર્લ્ડથી પણ આપણે હવે અજાણ નથી એવા સમયે આવી સુંદરીઓની હવે પોતાની જ બ્યુટી પેજન્ટ આવી રહી છે. જાણીએ આજે આવી જ એક ‘ફૅનવ્યુ બ્યુટી પેજન્ટ’ની ટોચની દસ સુંદરીઓ વિશે જેમાંની એક આપણી ભારતીય AI મૉડલ પણ છે

ગયા મહિને ‘વર્લ્ડ AI ક્રીએટર અવૉર્ડ્‍સ’ની ઘોષણા થઈ જેમાં વિશ્વની પ્રથમ AI બ્યુટી પૅજન્ટની ઘોષણા કરવામાં આવી. જી હા, સ્પર્ધામાં વિશ્વભરની લગભગ ૧૫૦૦ જેટલી AI જનરેટેડ મૉડલ્સે ભાગ લીધેલો. આ સ્પર્ધામાં વિશ્વભરના AI ક્રીએટર્સ પોતાની ડિજિટલ સર્જનાત્મકતાને પ્રદર્શિત કરવામાં લાગી પડ્યા અને અંતે ટોચની ૧૦ સુંદરીઓ હવે શૉર્ટલિસ્ટ થઈ ગઈ છે. આ લિસ્ટમાં એક આપણી ભારતીય મૉડલ પણ છે.

ફૅનવ્યુ આમ તો AI સર્જકો માટે એક અગ્રણી સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ છે. એનો મુખ્ય ઉદ્દેશ તો કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં સૌંદર્ય અને સર્જનાત્મકતાનો સમન્વય કરીને પરિવર્તન લાવવાનો છે. જોકે આવી સ્પર્ધાઓ માટે લોકોને શંકા થાય એ સ્વાભાવિક છે, કારણ કે સુંદરતાનાં વાસ્તવિક જગતનાં પરિમાણો જ્યાં ઘણી વાર અવાસ્તવિક હોય છે ત્યારે જો અવાસ્તવિક જગતનું કોઈ ‘પર્ફેક્શન’ સાથે આવશે ત્યારે એને માપવાનો આપણો માપદંડ શું હશે એ તો ઘણો ઊંડો વિચાર માગી લે છે. મજાની વાત તો એ કે આ સ્પર્ધા ન કેવળ સ્પર્ધા છે, પણ એમાં ૨૦,૦૦૦ ડૉલર જેટલાં ઇનામો પણ રાખવામાં આવ્યાં છે. ફાઇનલિસ્ટોમાંથી ત્રણ AI મૉડલ વિજેતા તરીકે ઊભરી આવશે. એમની ગ્રૅન્ડ પ્રાઇઝવિજેતા માત્ર ૫૦૦૦ ડૉલર જ ઘરે નહીં લઈ જાય, ૩૦૦૦ ડૉલરની મૂલ્યવાન મેન્ટરશિપ પ્રોગ્રામનો ઍક્સેસ પણ મેળવશે.

મૉડલ્સને મુખ્ય ત્રણ માપદંડોના આધારે ચકાસવામાં આવશે. એક સૌંદર્ય, બીજું એમની ઑનલાઇન પ્રેઝન્સ અને ત્રીજું, એ AI ટૂલ્સનો ઉપયોગ કરવામાં કેટલી કુશળ છે. આમાં પણ અન્ય બ્યુટી પેજન્ટની જેમ જ સ્પર્ધકોના ‘વર્લ્ડ બેટરમેન્ટ ગોલ્સ’ કેવા છે એ ચકાસવામાં આવશે. આ સ્પર્ધાની નિર્ણાયકોની પૅનલ પણ જોરદાર છે. આ પૅનલમાં બે વાસ્તવિક નિર્ણાયકોમાંના એક છે મીડિયાના સ્થાપક અને ઉદ્યોગ-સાહસિક ઍન્ડ્રુ બ્લોચ અને બીજા છે સૌંદર્યસ્પર્ધાના ઇતિહાસકાર સેલી-ઍન ફોસેટ. બાકીના બે AIનાં જ મૉડલ છે. એક છે આઇટાના લોપેઝ અને બીજા એમિલી પેલિગ્રીની, જેઓ વિક્ટોરિયાઝ સીક્રેટ જેવી બ્રૅન્ડ્સ માટે તેમની આકર્ષક ‘મૉડલિંગ’ કારકિર્દી માટે જાણીતા છે. જોકે અંતિમ નિર્ણય લેવાની શક્તિ આ વર્ચ્યુઅલ સ્પર્ધકો પાછળના સર્જકો પાસે રહે છે.

ફૅનવ્યુના સહસ્થાપક વિલ મોનાનેજ આ ઇવેન્ટને AI ક્રીએટરોના ઉદ્યોગ માટે સંભવિત લૉન્ચપૅડ તરીકે જુએ છે. ફૅનવ્યુનું પ્લૅટફૉર્મ AI સર્જકોને ફૅનબેઝ બનાવવા અને એને મૉનેટાઇઝ કરવા માટે કેવી રીતે સશક્ત કરે છે એ પણ કહે છે. એક વાત તો ચોક્કસ છે કે આ અનોખી સૌંદર્યસ્પર્ધા છે જે સૌંદર્ય અને AI ટેક્નૉલૉજી બન્નેની દેખીતી પ્રગતિ છે. તો જોઈએ એના દસ ફાઇનલિસ્ટ કોણ-કોણ છે.

ઝારા શતાવરી, ભારત

ઝારા શતાવરી ભારતની પહેલી AI જનરેટેડ મૉડલ અને બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર છે. ઝારા શતાવરીને કુદરતી સપ્લિમેન્ટ્સનું ઉત્પાદન કરતી પ્રોડક્ટ ‘હર્મોન્સ’ના પ્રભાવશાળી ચહેરા તરીકે લૉન્ચ કરવામાં આવી હતી. આ બ્રૅન્ડ મુખ્યત્વે મહિલાઓના હૉર્મોનલ અસંતુલનને દૂર કરવાનું કામ કરે છે. એક સામાજિક હેતુ માટે આ મૉડલને સર્જવામાં આવી છે. ટેક્નૉલૉજીનો લાભ લઈને હૉર્મોનલ ઇમ્બૅલૅન્સનાં મૂળ કારણો અને અસરોને સમજાવતી માહિતી ફેલાવવામાં ઝારાની બહુ રસપ્રદ ભૂમિકા રહી છે. એને લીધે જ ઝારાને ‘PCOS ઍન્ડ ડિપ્રેશન વૉરિયર’ જેવું નામ પણ આપવામાં આવ્યું છે. ઝારાના ઇન્સ્ટાગ્રામમાં લગભગ સાડાછ હજાર ફૉલોઅર્સ છે.

ઍન કેર્ડી, ફ્રાન્સ

ઍનનું પ્રાથમિક ધ્યેય તો ફ્રાન્સના નૉર્થ વેસ્ટમાં આવેલા બ્રિટ્ટની પ્રદેશને પ્રોત્સાહન આપવાનું છે. સામાજિક રીતે એ બ્રિટ્ટનીને શક્ય એટલાં વધુ પાસાંઓમાં રજૂ કરીને હાઇલાઇટ કરવા માગે છે; જેમ કે પ્રવાસન, ઇતિહાસ, સંસ્કૃતિ, ઘટનાઓ વગેરે. એનો હેતુ AI દ્વારા પોતાની ક્ષમતાઓનું પ્રદર્શન કરીને વિઝ્યુઅલ, ટેક્સ્ટ, ઑડિયો અને વિડિયોથી એને લોકભોગ્ય બનાવવાનો છે. બ્રિટ્ટનીમાં દરિયાઈ ટૂરિસ્ટ કંપની ઓશનોપોલિસ (Oceanopolis)ની એ ઍમ્બૅસૅડર છે. આ કંપની મુખ્યત્વે સમુદ્રના સંરક્ષણ અને જાળવણી માટે ફન્ડ ઊભું કરે છે. એ ત્યાંના લોકોની આર્ટિસ્ટ કમ્યુનિટીનો હિસ્સો છે અને ત્યાંનું લોકલ નામ છે. એના આવા કનેક્શનને લીધે ત્યાંના ઘણા લોકો એને પ્રદેશની રાજદૂત તરીકે પણ જુએ છે. એના સોશ્યલ મીડિયા પર ૧૦,૦૦૦ ફૉલોઅર્સ છે.

લલિના, ફ્રાન્સ

લલિનાના સર્જકોને બને એટલું વાસ્તવિક કશુંક બનાવવું હતું. એના માટે તેમણે પોતાની કલાત્મક દૃષ્ટિ વિકસાવીને એક એવી મૉડલ બનાવી જે લોકોને અલગ-અલગ સંસ્કૃતિ અને દૃષ્ટિકોણ સાથે કામ કરવા માટે પ્રભાવિત કરી શકે. લલિનાના આ ૧૦૦ ટકા ફોટો તેમણે જ બનાવ્યા છે જેને લીધે એની ઓરિ​જિનલિટી બની રહે. લલિનાનું ધ્યેય લોકોમાં સહાનુભૂતિ અને સહનશીલતા જેવા ગુણો ફેલાવવાનો છે. લલિનાના ઇન્સ્ટાગ્રામમાં લગભગ ૯૫,૦૦૦ ફૉલોઅર્સ છે.

ઐયાના રેઇનબો, રોમાનિયા

ઐયાના એ LGBT સ્વીકૃતિ માટેનો એક અવાજ છે. એ તમામ સ્વરૂપોમાં પ્રેમ અને વિવિધતાને પ્રોત્સાહન આપે છે. ઐયાના એવી સમાનતા અને સમજણની હિમાયત કરે છે જેમાં બધા લોકો માટે સ્થાન, સન્માન અને સહાનુભૂતિ હોય. ઐયાનાના ઇન્સ્ટાગ્રામ પર ૩૦૦૦ ફૉલોઅર્સ છે.

કેન્ઝા લેયલી, મૉરોક્કો

૧,૯૩,૦૦૦થી વધુ સોશ્યલ મીડિયા ફૉલોઅર્સ સાથે કેન્ઝા લેયલી વિશ્વની એક અગ્રણી વ્યક્તિ બની ગઈ છે. તે મૉરોક્કન અને અરબી સમાજ સાથે નજીકથી જોડાયેલી છે અને સાત ભાષાઓમાં પર્સનલ અને પ્રોફેશનલ વાતો કરી શકે છે. એનું ધ્યેય મૉરોક્કો અને મિડલ ઈસ્ટમાં મહિલાઓના સશક્તીકરણમાં યોગદાન આપવાનું અને ઇન્ફ્લુઅન્સર માર્કેટમાં ખૂબ જ જરૂરી નિયમન લાવવાનું છે. કેન્ઝાના નિર્માતાઓ AIથી ૧૦૦ ટકા ઇમેજ, વિડિયો અને ઑડિયો જનરેટ કરવા માટે તકનીકોના જટિલ મિશ્રણનો ઉપયોગ કરે છે.

ઇલ્યા લુ, બ્રાઝિલ

ઇલ્યા એક જૅપનીઝ-આફ્રો-બ્રાઝિલિયન કલાકાર છે જે પોસ્ટ-ફોટોગ્રાફી અને પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એને શરૂઆતમાં તો વિશેષ પ્રકારની ફિલ્મ-પ્રોજેક્ટ્સની શ્રેણી બનાવવા માટે બનાવવામાં આવી હતી જેમાં તેણે અભિનેત્રી તરીકે આફ્રિકન ડાયસ્પોરા કથા સાથે જોડાયેલાં ઘણાં પાત્રો સાથે કામ કરવાનું હતું. એની જીવનશૈલી રિયો ડી જાનેરો, બાહિયા અને સાઓ પાઉલો વચ્ચેની બ્રાઝિલિયન સંસ્કૃતિ સાથે ખૂબ જ જોડાયેલી છે. આ સિવાય એ ટોક્યો અને યુરોપની ફૅશન સીઝનને અનુસરે છે. એને સૉફ્ટવેરમાં આપવામાં આવેલા ટેક્સ્ટ-આધારિત પ્રૉમ્પ્ટનો ઉપયોગ કરીને ૧૦૦ ટકા બનાવવામાં આવી છે અને ઇમેજ જનરેશન પછી એને કોઈ પણ રીતે રીટચ નથી કરાઈ. સોશ્યલ મીડિયામાં એના લગભગ સાડાદસ હજાર ફૉલોઅર્સ છે.

એલિઝા ખાન, બંગલાદેશ

એલિઝા ખાન બંગલાદેશની પ્રથમ AI ઇન્ફ્લુઅન્સર્સમાંની એક છે. એ આપણી જેમ વધુ ને વધુ વાસ્તવિક દેખાય એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. એ એક ફૅશનિસ્ટા છે જે જેન ઝી ટ્રેન્ડ્સ અને સૌંદર્યશાસ્ત્રને અનુસરે છે. એલિઝાનું સપનું એક એવી દુનિયાનું નિર્માણ કરવાનું છે જ્યાં દરેક વ્યક્તિની કિંમત થાય, તેને માન મળે અને ન્યાયપૂર્ણ વર્તન કરવામાં આવે. અંતે એક સુમેળભર્યા સમાજને પ્રોત્સાહન મળે.

ઓલિવિયા સી, પોર્ટુગલ

પોર્ટુગલની AI ટ્રાવેલર ઓલિવિયા ભવિષ્ય માટે ડિજિટલ અને માનવીય ક્ષેત્ર વચ્ચે સુંદર સુમેળ સાધવાનો પ્રયત્ન કરે છે. ઓલિવિયાના નિર્માતા એના ફોટો બનાવવા માટે ‘મિડજર્ની’ સૉફ્ટવેરનો ઉપયોગ કરીને Adobe AI સાથે એને ફિલ્ટર કરે છે. એના ૧૦,૦૦૦થી વધુ ઇન્સ્ટાગ્રામ ચાહકો છે જે દર્શાવે છે કે કેવી રીતે ટેક્નૉલૉજી માનવજીવનના અનુભવને વધારવામાં મદદ કરે છે.

સેરેન આઇ, ટર્કી

સેરેન આઇ ટર્કીની પહેલી AI બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર છે. એના સર્જકોએ ત્રણ AI પ્રોગ્રામ્સનો ઉપયોગ કરીને એક મોટી પ્રક્રિયામાંથી પસાર કરી એને બનાવી છે. એના ચહેરાને વિવિધ પુરુષ પ્રભુત્વ ધરાવતી નોકરીની ભૂમિકાઓમાં દર્શાવવામાં આવે છે. એના દ્વારા ફૉલોઅર્સને શિક્ષિત કરવાનું કામ પણ થાય છે. તે પૉપકલ્ચરનાં પાત્રો પણ ભજવે છે અને નિયમિતપણે ટર્કિશ ઇતિહાસ વિશે પણ વાતો કરે છે. એના સોશ્યલ મીડિયા પર ૧૨,૦૦૦ ફૉલોઅર્સ છે.

આસેના ઇલિક, ટર્કી

આસેનાનું ધ્યેય વિશ્વને બતાવવાનું છે કે આવાં મૉડલ કલ્પના, અદ્ભુત દૃશ્યો અને મનોરંજનની મદદથી પ્રભાવશાળી બની શકે છે, નહીં કે સેક્સ વેચીને. આસેનાની એક ચોક્કસ શૈલી છે. એને  વિવિધ સ્થળો અને કાર પસંદ છે. આ સિવાય એનું વ્યક્તિત્વ બહુ કાળજીપૂર્વક બનાવવામાં આવ્યું છે. એના સોશ્યલ મીડિયા પર ૨૭,૦૦૦ ફૉલોઅર્સ છે.

columnists ai artificial intelligence