અનન્ય અહિલ્યા…એક હતી અહિલ્યા

17 March, 2024 11:00 AM IST  |  Mumbai | Aashutosh Desai

મહારાષ્ટ્ર સરકારે અહમદનગરનું નામ અહિલ્યાનગર કર્યું છે ત્યારે દેવીતુલ્ય વીરાંગના અહિલ્યાબાઈ હોળકરને નતમસ્તક થઈએ

અહિલ્યાદેવી

સનાતન ધર્મમાં મહિલા સશક્તીકરણનાં જે ઉદાહરણો છે એમાં મોખરાનું સ્થાન પામે એવાં વીરાંગના એટલે અહિલ્યાબાઈ હોળકર. એક સરપંચની દીકરી પરણીને રજવાડાની વહુ બની. પતિ, સસરા અને પુત્ર ત્રણેયનાં અકાળ અવસાન થયાં એ પછી તેમણે રજવાડાની બાગડોર સંભાળી એટલું જ નહીં, ખરા અર્થમાં સુશાસન સ્થાપ્યું. લૂંટારાઓને રક્ષકની કામગીરી સોંપવાની કુનેહ પણ તેમણે બતાવી અને રાજ્યના સીમાડાઓની પાર જઈને હિન્દુ ધર્મના પાયા મજબૂત કરવા અનેક મંદિરોનો જીર્ણોદ્વાર કરીને ‘દેવી’ બન્યાં. તેમના મૃત્યુનાં ૨૨૯ વર્ષ પછી અહમદનગરનું અહિલ્યાનગર કરીને ખરા અર્થમાં અહિલ્યાદેવીનો ઋણસ્વીકાર થઈ રહ્યો છે એવું લાગશે

ગયા વર્ષના મે મહિનામાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિધાનસભ્યો સામે એક પ્રસ્તાવ મૂક્યો હતો. એ પ્રસ્તાવ એક શહેરનું નામ બદલીને એને ભારતીય ઇતિહાસમાં અમર થઈ ગયેલી એક વીરાંગનાનું નામ આપવાનો હતો. એક એવી સ્ત્રી જે સાક્ષાત્ જાણે મા સરસ્વતી, મા લક્ષ્મી અને મા પાર્વતીનો ત્રિવેણી સંગમ હતી. એક એવી સ્ત્રી જે બાહોશ, દૂરંદેશી, સુરાજ્ય અને સ્વરાજ્યની પ્રતિનિધિ હતી. કુશળ રાજકર્તા, શ્રદ્ધાળુ ધર્મનિષ્ઠ અને સામાન્ય પ્રજાના સુખમયી જીવનનું સપનું સાકાર કરનારી ભારતની એક એવી વીરાંગના જેને જેટલું શ્રેય આપીએ એટલું ઓછું કહેવાય. તેમને શ્રદ્ધાંજ​લિરૂપે આખેઆખું જીવન સમર્પી દઈએ તો પણ તુચ્છ ભેટ સમાન લાગે.

શું જાણીએ છીએ આપણે?

ક્યારેક આ વીરાંગનાનાં પરાક્રમો અને તેમના જીવન ​વિશે વિચારીએ ત્યારે થાય કે ખરેખર ભારતની ધરતી પર જ આવા વીરલાઓ પાકી શકે. પરાક્રમ અને પ્રતિભાઓને જન્મ આપવામાં ભારતની ધરતી ખરેખર ખૂબ ફળદ્રુપ છે. તે વીરાંગના એટલે અહિલ્યાબાઈ હોળકર અને એકનાથ શિંદેએ જે પ્રસ્તાવ ૨૦૨૩ના મે મહિનામાં મૂક્યો હતો એ મહારાષ્ટ્રના અહમદનગરનું નામ બદલીને અહિલ્યાનગર કરવાનો હતો. આખરે મહારાષ્ટ્રની કૅબિનેટ દ્વારા મુખ્ય પ્રધાનનો એ પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો અને સરકાર દ્વારા ૨૦૨૪ની ૧૩ માર્ચે એની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. હવે જ્યારે આ જાહેર થયું ત્યારે વિચાર આવ્યો કે ખરેખર તો જે વ્યક્તિના ઋણનો સ્વીકાર આપણે રોજેરોજ કરવો જોઈએ, જેમને નતમસ્તક થવામાં ગૌરવ અનુભવવું જોઈએ તે વ્યક્તિ ​વિશે ખરેખર તો આપણે ખાસ કશું જાણતા પણ નથી. થોડીઘણી આછી-પાતળી માહિતી બધાને ખરી, પણ એથી વિશેષ શું? તો થયું કે આજે રવિવારની સવાર અહિલ્યાબાઈના નામે કરીએ.

અઢારમી સદીની શરૂઆતનો એ સમય જ્યારે મહાલૂંટારુ અને બર્બર જુલમી, શેતાનને શરમાવે એવો ઔરંગઝેબ જહન્નમનશીન થયો એ પછી મોગલિયા શાસન ભારતમાં ધીરે-ધીરે નબળું પડી રહ્યું હતું. બીજી તરફ મરાઠાઓનો દબદબો વધી રહ્યો હતો અને રાજ્યો વિસ્તરી રહ્યાં હતાં. એ સમય દરમિયાન પેશ્વા બાજીરાવે તેમના સેનાપતિઓને કેટલાંક નાનાં-નાનાં રાજ્યોનો સ્વતંત્ર કાર્યભાર સોંપ્યો. એમાંના એક હતા મલ્હારરાવ હોળકર જેમને જાગીરદાર તરીકે માળવા રાજ્યનો કારભાર સોંપવામાં આવ્યો. મલ્હારરાવે આજના મધ્ય પ્રદેશના જાણીતા શહેર ઇન્દોરને પોતાની રાજધાની બનાવી અને રાજ્ય કરવાનું શરૂ કર્યું. તેમનો એક પુત્ર હતો ખંડેરાવ હોળકર. ‘બાપ તેવો બેટો’ની ઉક્તિ ખંડેરાવ માટે સાચી નહોતી પડી. ખંડેરાવ ન તો તેમના પિતા જેવા પરાક્રમી હતા કે ન તેમને રાજ્ય, રાજગાદી અને રજવાડું વગેરેમાં ઝાઝો રસ હતો. આથી મલ્હારરાવની ઇચ્છા હતી કે કોઈક એવી છોકરી મળે જે ખંડેરાવ અને તેમના રાજ્ય બન્નેને સંભાળી લે.

ચોંધી ગામની મીઠડી કન્યા

મલ્હારરાવને ક્યાં ખબર હતી કે તેમણે જે ઇચ્છા કરી છે એ માટે ઈશ્વરે તો વર્ષો પહેલાં ૧૭૨૫ની સાલમાં જ ગોઠવણ કરી નાખી હતી. વિસ્તાર જામખેડનું નાનકડું ગામડું ‘ચોંધી’ એ ઈશ્વરની આ ગોઠવણનું માલિક હતું. બન્યું કંઈક એવું કે એક સમયે મલ્હારરાવ ઇન્દોરથી પેશ્વા બાજીરાવને પોતાના સૈન્યના રસાલા સાથે મળવા જઈ રહ્યા હતા. માર્ગમાં સાંજ થતાં તેમણે રાતવાસો કરવા ચોંધી ગામના સીમાડે પડાવ નાખ્યો. સાંજનો સમય હતો. મલ્હારરાવ પહોંચ્યા ત્યારે ગ્રામજનો સાંજની આરતી માટે એક શિવમંદિર તરફ જઈ રહ્યા હતા. ત્યાં કોઈ અત્યંત સુરીલા અવાજમાં આરતીગાન કરી રહ્યું હતું. જાગીરદાર મલ્હારરાવના કાને એ અવાજ સંભળાયો અને રાવ અવાજની પાછળ-પાછળ ખેંચાતા મંદિર સુધી ચાલવા માંડ્યા. રસ્તામાં તેમણે ગ્રામવાસીઓને પૂછ્યું ત્યારે જાણવા મળ્યું કે આટલું સુરીલું આરતીગાન તો આઠ વર્ષની એક નાનકી કરી રહી છે. મલ્હારરાવ મંદિરના પ્રાંગણમાં પહોંચ્યા અને તેમણે જોયું કે અત્યંત તેજસ્વી ચહેરો અને મુખ પર નિર્દોષ, નિર્મળ હાસ્ય સાથે ગાઈ રહેલી તે છોકરી અકારણ વહાલી લાગે એવી દેખાતી હતી. પૂછપરછ કરતાં ખબર પડી કે મધમીઠા અવાજની માલિકણ તે છોકરી ચોંધી ગામના પાટીલ એટલે કે સરપંચ માનકોજી શિંદેની દીકરી છે.

આવ્યો લગ્નનો પ્રસ્તાવ

પેશ્વાના પ્રતિનિધિ મલ્હારરાવની કીર્તિ ચોંધી ગામ સુધી ન ફેલાઈ હોય તો જ નવાઈ. માનકોજીએ મલ્હારરાવને પોતાના ગામડે આવેલા જોઈને સહર્ષ પ્રણામ કર્યા અને દીકરીને પણ સામે ઊભેલા મહેમાનને નમન કરવા જણાવ્યું. મલ્હારરાવ બાળકીને હજી તો હેતાળ આશીર્વાદ જ આપી રહ્યા હતા ત્યાં માનકોજી શિંદેએ રા​ત્રિભોજન માટે ઘરે પધારીને અતિથિ-સત્કાર સ્વીકારવા આમંત્રણ આપ્યું. ભોજન પૂરું થતાં જ મલ્હારરાવે પોતાના મનની વાત માનકોજી સામે મૂકી. સંધ્યાઆરતીથી લઈને ભોજન સમય સુધીમાં નાનકડી અહિલ્યાના રૂપ, સંસ્કાર અને કાર્યકુશળતા રાવસાહેબ જોઈ ચૂક્યા હતા. એ સમય એવો હતો જ્યારે દીકરીઓને ભણાવવા-ગણાવવાનું હજી એટલું ચલણ નહોતું, પણ માનકોજી શિંદેએ એવા સમયમાં પણ દીકરીને ઘરમાં જ ભણાવી-ગણાવી અને ધર્મની સાથે-સાથે ધર્મશાસ્ત્ર અને ગ્રંથો-પુરાણોના પણ સંસ્કાર આપ્યા હતા. સાથે જ ઘરકામમાં પણ કેળવાયેલી અહિલ્યા મલ્હારરાવની આંખમાં વસી ગઈ હતી. તેમની અનુભવી નજર જોઈ શકતી હતી કે જો આ દીકરી તેમના ઘરે ખંડેરાવની પરણેતર થઈને આવે તો ભવ સુધારી જાય. તેમણે માનકોજી સામે ખંડેરાવ સાથે અહિલ્યાનાં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો.

૮ વર્ષની ઉંમરે વહુ

પ્રતાપી બાજીરાવ પેશ્વાના પરાક્રમી જાગીરદાર મલ્હારરાવ સ્વયં જ્યારે પ્રસ્તાવ લઈને આવ્યા હોય ત્યારે ના કહેવાનું તો કોઈ કારણ જ નહોતું. માનકોજી શિંદેએ સહર્ષ એ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને માત્ર આઠ વર્ષની વયે ચોંધી ગામની તે દીકરી મલ્હારરાવ હોળકરના ઘરની વહુ બની ગઈ. સંસ્કાર, પ્રતિભા, દક્ષતા, હોશિયારી જેવા અનેક ગુણો તો અહિલ્યામાં પહેલેથી હતા જ. હવે સાસરે આવીને તેણે ઝડપથી સાસુજી સાથે ઘર અને સસરાજી સાથે રાજ્યનું કામ પણ શીખવા અને સંભાળવા માંડ્યું.

સસરાએ સતી ન થવા દીધી

૧૭૩૩ની એ સાલ જ્યારે માળવા રાજ્યને તેમની ભાવિ રાણીસાહિબા મળી હતી. પત્નીનો પ્રેમ અને વ્યવહારકુશળતા એટલાં ગજબનાક કે રાજગાદી અને રાજનીતિમાં રસ ન ધરાવતા ખંડેરાવ પણ અહિલ્યાને કારણે રાજ્ય-કારભારમાં સક્રિય ભાગ લેતા થઈ ગયા. ૨૧ વર્ષના તેમના લગ્નજીવન દરમિયાન અહિલ્યાએ બે સંતાનોને જન્મ આપ્યો. દીકરો માલેરાવ અને દીકરી મુક્તાબાઈ. ૧૭૫૪ની એ સાલ જ્યારે ભરતપુરના મહારાજા સૂરજમલ જાટ સાથે કુમ્હેરનું યુદ્ધ થયું અને યુવાન અહિલ્યાના પતિ ખંડેરાવ એ યુદ્ધમાં વીરગતિ પામ્યા. માત્ર ૨૯ વર્ષની નાની વયે જીવનસાથીનો સધિયારો ખોઈ ચૂકેલી અહિલ્યા સતી થવા માટે તૈયાર થઈ ઊઠી, પણ જુવાનજોધ દીકરો ગુમાવી ચૂકેલો પિતા હવે દીકરી સમાન વહુને પણ ખોવા તૈયાર નહોતો. વળી તે અહિલ્યાની પ્રતિભા અને દક્ષતા પણ જાણતા હતા. તેમણે અહિલ્યાને સમજાવી કે તેણે સતી થવા વિશે નહીં પરંતુ આ રાજ્ય કઈ રીતે યશસ્વી રહે એ વિશે વિચાર કરવો જોઈએ. નાની વયે આવી પડેલા દુઃખને ભુલાવીને અહિલ્યા માળવા રાજ્યના નિર્વાહ અને વિકાસ માટે સસરાની કરોડરજ્જુ બનીને રાજ્ય-કારભારમાં સક્રિય થઈ ગઈ.

પણ કુદરતે લખેલું ભાગ્ય જ્યારે પોતાનાં ચોકઠાં ગોઠવે છે ત્યારે મનુષ્ય પાસે એ સ્વીકારવા સિવાય બીજો કોઈ માર્ગ નથી હોતો. ૧૭૫૪માં પતિ ગુમાવ્યાનાં ૧૨ વર્ષ પછી ૧૭૬૬ની સાલમાં સસરા મલ્હારરાવ પણ મૃત્યુ પામ્યા. રાજવી પ્રણાલી પ્રમાણે અહિલ્યાએ દીકરા માલેરાવને રાજગાદીએ બેસાડ્યો, પણ એ સમયે અહિલ્યાને ક્યાં ખબર હતી કે તેણે હજી એક વજ્રાઘાત પોતાના ખભે ઝીલવાનો છે. સસરાના મૃત્યુનો આઘાત હજી તો ભુલાયો પણ નહોતો ત્યાં દીકરા માલેરાવને ગંભીર બીમારીએ જકડી લીધો. મલ્હારરાવના મૃત્યુના એક જ વર્ષ બાદ માત્ર બાવીસ વર્ષની વયે માલેરાવનું પણ મૃત્યુ થઈ ગયું.

અહિલ્યાબાઈ બનવાની સફર

વાઘણના ​ડિલે બે-બે ઘા હજી તો તાજા હતા છતાં તે જાણતી હતી કે તે માત્ર એક વહુ કે એક પત્ની નથી, તે માત્ર એક દીકરાની મા પણ નથી; એક આખેઆખા રાજ્યનાં હજારો બાળકો તેના ભરોસે છે, તે આખા રાજ્યની મા છે; જો તે પોતાનાં આ સંતાનોની કાળજી નહીં લે તો નિઃસંદેહ પતન નિશ્ચિત છે; રાજવી હોળકરની શાખ, આન, બાન અને શાન બધું જ જાળવી રાખવા માટે માથે આવેલાં તમામ દુઃખોને પી જવા અને આંસુઓની ખારાશ ભુલાવી દેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

બીજી તરફ રાજકુળમાં હવે કોઈ પુરુષ જીવિત નથી બચ્યો એ જાણતાં બીજાં રજવાડાંઓ રાજ્ય હડપી લેવાની મુરાદ રાખે અને એ માટે ષડયંત્રો શરૂ થઈ જાય એ પણ સ્વાભાવિક હતું. અહિલ્યાએ નક્કી કર્યું કે હવે તે સ્વયં રાજગાદી પર બિરાજીને રાજ્યનો કારભાર સંભાળશે. સેનાપતિ તુકોજીરાવને સિંહણના આ નિર્ણય પર પૂરેપૂરો વિશ્વાસ હતો. તેમણે અહિલ્યાને પૂરો સહયોગ આપ્યો અને પેશ્વા બાજીરાવને પણ આ ​વિશે ખબર મોકલવામાં આવ્યા. પેશ્વા આવા બાહોશ નિર્ણયથી અત્યંત ખુશ થયા અને તેમણે પણ પૂરા સહયોગનો સધિયારો આપ્યો.

એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નહીં ગણાય કે સનાતન ધર્મમાં મહિલા સશક્તીકરણનાં જે ઉદાહરણો છે એમાં અહિલ્યાએ આદરેલો પ્રયાસ મોખરાનું સ્થાન પામે એવો હતો. તેમણે પોતાના રાજ્યની મહિલાઓને શસ્ત્ર અને શાસ્ત્ર બન્નેનું ભણતર અને ગણતર આપ્યું અને પોતાના વડપણ હેઠળ આખી એક મહિલા સશસ્ત્ર સેના ઊભી કરી. મોગલ આક્રમણકારીઓ સામે સતત યુદ્ધ અને રાજનીતિ લડતા રહેવું પડશે અને પોતાના રાજ્યની રક્ષા કરતા રહેવું એ સૌથી મોટી કસોટી હશે એ અહિલ્યા જાણતી હતી. આથી જ કોઈ બાહોશ શસ્ત્રધારી સૈનિકની જેમ જ્યારે-જ્યારે યુદ્ધ ખેલાયું ત્યારે મહિલા સેના સાથે તેણે પોતે પણ યુદ્ધભૂમિમાં ઝંપલાવવામાં કસર ન રાખી.

આવી તો આ વીરાંગનાની રાજનૈતિક કુશળતાના અનેક કિસ્સા કહી શકાય. એક સ્ત્રીને હરાવવી અને રાજ્ય હડપી લેવું સહેલું હશે એમ વિચારીને હુમલાની તૈયારી કરતા રઘુનાથ રાવને ડારી પાડવાથી લઈને રાજ્યના ડાકુઓને જ જંગલના સંરક્ષક બનાવવા સુધીની કુશળતાના અનેક કિસ્સા અહિલ્યા નામની રાજવીના નામે લખાયેલા છે. તે હવે લોકો માટે અહિલ્યા નહોતી રહી પણ ‘અહિલ્યાબાઈ’ના સન્માનનીય પદે પહોંચી ચૂકી હતી. અહિલ્યાબાઈ એક સૂબેદારને મળેલી જાગીરના જાગીરદાર તરીકે રાજગાદી પર આરૂઢ થયાં, જ્યાંથી તેમણે આપબળે અને મક્કમ ધર્મનિષ્ઠા સાથે આગળ વધતા રહીને બધું મેળવ્યું અને જેટલું મેળવ્યું એથીયે વધુ પ્રજાને, પ્રજા માટે આપતાં ગયાં.

વિકાસ કોને કહેવાય?

એક કુશળ રાજવી એ નથી જે અનેકાનેક યુદ્ધ કરીને રાજ્યનો વિસ્તાર કરતો જાય. કુશળ રાજવી એ છે જે પ્રજાની સુખાકારી માટે, લોકોના જીવનને બહેતર બનાવવા માટે, સાચા અર્થમાં રાજ્યના વિકાસ માટે કામ કરે. અહિલ્યાબાઈમાં આ બધા જ ગુણો અને આ બધી જ સમજ બખૂબી હતાં. પોતાના રાજ્યની સીમમાં જે ડાકુઓ જંગલમાંથી પસાર થતા રાહગીરોને લૂંટવાનું કામ કરતા હતા તે જ ડાકુઓને તેમણે પથદર્શી, જંગલના સંરક્ષક અને રાહગીરોના સંરક્ષક તરીકેનું કામ સોંપ્યું અને અહીંથી જાણે પરિવર્તનનો આખો એક વણથંભ્યો દોર શરૂ થયો. પોતાના રાજ્યમાં જ નહીં, એની આસપાસના પણ દૂર-દૂરના વિસ્તારો સુધી તેમણે રસ્તા બનાવડાવવાના કામની શરૂઆત કરી. હવે માર્ગમાં પ્રવાસ કરી રહેલા લોકો તરસ્યા થાય, ભૂખ્યા થાય તો શું? વળી માત્ર વરસાદના ભરોસે ખેતી કરતા પોતાના રાજ્યના ખેડૂતોનું શું? અન્ન અને પાણીની જરૂરિયાત તો આ તમામને રહે જ. આથી તેમણે અનેક જગ્યાએ કૂવાઓ ખોદાવ્યા. રાજ્યમાંથી વહેતી નદીઓ ગાંડીતૂર બને તો આખેઆખાં ફળિયાંઓને ભરખી જાય. એ કુદરતી હોનારતો સામે રક્ષણ મેળવવા અહિલ્યાબાઈએ નદીઓ પર ઘાટ બંધાવવાનું કામ પણ શરૂ કરાવ્યું.

આ સાથે બાળપણમાં મળેલા ધર્મ-સંસ્કારોને પણ ઊજળા કરવાનું કામ અહિલ્યાબાઈએ શરૂ કર્યું. બર્બર જુલમી મોગલો દ્વારા અનેક મંદિરો તોડી પડાયાં અને બળજબરીએ ધર્મપરિવર્તન કરાયું હોવાના એ દોરમાં સનાતન હિન્દુ ધર્મની રક્ષા કરવાની પણ તાતી જરૂરિયાત હતી; કારણ કે સતત થતા રહેલા ધાર્મિક હુમલાઓ, બળાત્કાર અને ઉત્પીડન જેવી ઘટનાઓને કારણે હિન્દુઓમાં એક નિરાશા ઘર કરતી જઈ રહી હતી; ધર્મ-જાળવણી પ્રત્યે અસમર્થતા અને નિર્બળતા સ્થાન જમાવતી જઈ રહી હતી. એવા સમયમાં અહિલ્યાબાઈએ શરૂ કર્યું ધર્મ-સ્થાપનાનું એક સાવ અનોખું મિશન.

સનાતન હિન્દુ ધર્મમાં યોગદાન    

હવે કદાચ આટલું જાણ્યા પછી આપણામાંથી કોઈકને લાગશે કે આવાં સુધાર અને વિકાસકાર્યો કરવાં એ તો કોઈ પણ શાસકનો રાજધર્મ છે, એમાં અહિલ્યાબાઈએ કંઈક અસામાન્ય કર્યું એવું કઈ રીતે કહી શકો? તો આ બધી વિગતો જાણતી વેળા આપણે એ વાત ધ્યાનમાં રાખવી પડે કે અહિલ્યાબાઈ કોઈ બહુ મોટા રાજ્યનાં મહારાણી નહોતાં જેમના માટે કોઈ પણ સુધાર કે વિકાસકાર્યો કરવાં ડાબા હાથના ખેલ જેવાં સરળ હોય.

ગરીબ પ્રજા અને મોગલોની લૂંટમારી બાદ રાજ્યો માટે સંપત્તિ ખર્ચવા કરતાં સાચવવી વધુ મહત્ત્વનું થઈ પડ્યું હતું. એવા સમયમાં અહિલ્યાબાઈએ હિન્દુઓમાં ફરી શ્રદ્ધા અને આસ્થાનું જોમ પૂરવાનું અત્યંત કઠણ કામ કોઈ મહાયજ્ઞ કરવા જેટલી શ્રદ્ધાથી ઉપાડી લીધું હતું. અહિલ્યાબાઈ એક એવાં રાજવી હતાં જેમણે પોતાનું યોગદાન માત્ર તેમના રાજ્યની સીમા સુધી જ સીમિત રાખ્યું હતું એવું નહોતું. તેમણે ભારતભરમાં પોતાનું યોગદાન નોંધાવ્યું હતું, જેમાં કેટલાંક યોગદાન તો આપણે પ્રથમ હરોળમાં જ ગણાવી શકીએ એવાં છે. ભારતીય ઇતિહાસમાં જ્યારે-જ્યારે મંદિરોના પુનરુત્થાન અને ​જીર્ણોદ્ધારની વાત થશે ત્યારે-ત્યારે અહિલ્યાબાઈનો વિશેષ ઉલ્લેખ અને ઋણસ્વીકાર આપણે કરવો પડશે. તેમણે પોતાના રાજ્ય ઇન્દોર અને મહેશ્વર સાથે આખા માળવામાં તો અનેક મંદિરો બંધાવ્યાં જ, સાથે સનાતન હિન્દુ ધર્મનાં મુખ્ય ધર્મસ્થાનો ગણાતા સૌરાષ્ટ્રના સોમનાથ અને કાશીના વિશ્વનાથ મંદિરમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું. મોગલ આક્રમણકારીઓએ સોમનાથ મહાદેવનું મંદિર ભૂતકાળમાં અનેક વાર લૂંટ્યું અને તોડી પાડ્યું હતું જેને કારણે હિન્દુઓમાં નિરાશા અને નિર્માલ્યપણું વ્યાપી ગયું હતું. અહિલ્યાબાઈએ એ સોમનાથના આખા મંદિરનો ફરી જીર્ણોદ્ધાર કરાવ્યો, સોમનાથની પૂર્વવત્ જાહોજલાલી પાછી સ્થાપી એટલું જ નહીં, ત્યાં ધર્મશાળાઓ પણ બંધાવી જેથી હિન્દુ શ્રદ્ધાળુઓને રહેવાની વ્યવસ્થા મળી શકે. આ સિવાય કૃષ્ણનું ધામ એવા દ્વારિકામાં પણ તેમણે ધર્મશાળાઓનું બાંધકામ કરાવ્યું. એ જ રીતે મોગલો દ્વારા તોડી પડાયેલા અને અતિક્રમણ કરાયેલા કાશીના વિશ્વનાથ મંદિરનો પણ તેમણે જીર્ણોદ્ધાર કરાવ્યો અને ત્યાં પોતાના રાજ્યમાં બનાવ્યા હતા એવા ઘાટ ગંગા નદીના ​કિનારે બનાવડાવ્યા. આ સિવાય ઉજ્જૈનમાં, નાશિકમાં બનાવડાવેલાં મંદિરો અને વિષ્ણુપદ મંદિર અને બૈજનાથના મંદિરમાં તેમનું યોગદાન અતુલનીય છે.

મહેશ્વરને નવી રાજધાની બનાવી

કુશળ રાજનીતિ સાથે પ્રજાના ઉત્થાન માટે રાજ કરતાં અહિલ્યાબાઈ પોતાના રાજ્યની રાજધાની ઇન્દોરથી હવે મહેશ્વર લઈ ગયાં અને ત્યાં તેમણે ૧૮મી સદીનો ભવ્યાતિભવ્ય કહી શકાય એવો આલીશાન ‘અહિલ્યા મહેલ’ બંધાવ્યો. હવે જ્યારે મહેશ્વર નવી રાજધાની બની ચૂકી હતી ત્યારે અહિલ્યાબાઈ પર જવાબદારી હતી કે તેઓ રોજગારીની તકો પણ એ રીતે ઊભી કરે જેથી પ્રજાને લાંબા ગાળાનો રોજગાર મળી શકે. તેમણે નર્મદા નદીના કિનારે આખી એક વિશાળ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરી. મહેશ્વર તેમના શાસનકાળ દરમિયાન સાહિત્ય, મૂર્તિકલા, સંગીત અને કલાના ક્ષેત્રનું જાણે ગઢ બની ચૂક્યું હતું. એના બેનમૂન ઉદાહરણ તરીકે જાણીતા મહાન મરાઠી કવિ મોરપંતજી, શાહીર અનંત ફન્દી અને સંસ્કૃત સાહિત્યના વિદ્વાન એવા ખુલાસી રામને ગણાવી શકાય. આ બધા જ દિગ્ગજો તેમના જ કાળખંડનાં વ્યક્તિત્વો હતાં.

પ્રજા સાથે રોજિંદો સંવાદ

એક બુદ્ધિમાન, દૂરંદેશી અને સ્વયંસ્ફુરણાથી કામ કરનાર રાજવી તરીકે અહિલ્યાબાઈ લગભગ દરરોજ પોતાની પ્રજા સાથે સંવાદ સાધતાં. માત્ર રાજ્યની સમૃદ્ધિ વધારવી એ જ ઉદ્દેશ ન રાખતાં રાજકોષનો એક-એક રૂપિયો યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે વપરાય એ રીતે તેમણે અનેક કિલ્લાઓ, વિશ્રામગૃહો, કૂવાઓ અને રસ્તાઓ બનાવવા પાછળ ખર્ચ કર્યો. પ્રજા સાથે દરેક તહેવાર મનાવવાથી લઈને મંદિરોમાં દાન આપવા સુધીની પ્રવૃત્તિ તેમના માટે જાણે સહજ વ્યવહાર હતો. તરસ્યાઓ માટે પરબ બંધાવવી અને ભૂખ્યાઓ માટે અન્નક્ષેત્ર, જ્ઞાનભૂખ્યાઓ માટે સાહિત્ય અને પ્રજા માટે રોજગાર એ અહિલ્યાબાઈના રાજ્યના જાણે વણલખ્યા નિયમો હતા.

તેમનું માનવું હતું કે ધન-સંપત્તિ એ પ્રજા અને ઈશ્વર દ્વારા આપવામાં આવેલી એવી ધરોહર છે જેના તેઓ માલિક નહીં બલ્કે પ્રજાહિતમાં ઉપયોગ કરનાર એક જિમ્મેદાર સંરક્ષક માત્ર છે. દરેક બાબતમાં નિષ્પક્ષ વિચાર અને નિર્ણય કરનારાં આ રાજવીએ હંમેશાં પ્રજાસુખ અને સનાતન હિન્દુ ધર્મના ઉત્થાનને જ પોતાનું જીવન-લક્ષ્ય ગણ્યું હતું.

આટલું જાણ્યા પછી પણ જો અહિલ્યાબાઈ કોણ હતાં એ ​વિશે કોઈ વિદેશીના મોઢે જાણવું હોય તો જુઓ પ્રખ્યાત બ્રિટિશ કવિ જુઆના બૈલીએ ૧૮૪૯ની સાલમાં તેમને માટે શું લખ્યું હતું : In later days from Brahma came to rule our land, a noble dame, kind was her heart and bright her fame, Ahilya was her honoured name. ભારતની આ પરાક્રમી અને પરોપકારી સિંહણ જેને બ્રિટિશર્સ એક ‘ઇન્ડિયન ફિલોસૉફર ક્વીન’ તરીકે ઓળખાવતા હતા તેમની જીવનલીલાનો અંત ૧૭૯૫ની ૧૩ ઑગસ્ટે આવ્યો.

આજે ૨૨૯ વર્ષ બાદ આપણે એક શહેરને તેમનું નામ આપીને એક નાનું શ્રદ્ધાંજલિ-પુષ્પ અર્પણ કરી રહ્યા છીએ.

columnists eknath shinde maharashtra news maharashtra