હનુમાન વાનર હોઈ શકે?

25 April, 2021 02:59 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

દેવ, મનુષ્ય, રાક્ષસ, યક્ષ આ બધાથી વાનર યોનિ ઊતરતી છે. એમ છતાં હિન્દુઓનાં કરોડો દેવ-દેવીઓમાં સૌથી વધારે મંદિરો કે મૂર્તિઓ હનુમાનની જ છે. શિવમંદિરમાં હનુમાનનું સ્થાન હોય જ, શ્રી રામમંદિરમાં હનુમાનજી ન હોય તો રામ અધૂરા કહેવાય

પ્રતીકાત્મક તસવીર

રામકથામાં રામ અને રાવણ પછી જો સૌથી પ્રબળ પાત્ર કોઈ હોય તો એ હનુમાન છે. રામકથાની અધવચ્ચે હનુમાનનો પ્રવેશ થાય છે. મહાભારતમાં પણ શ્રીકૃષ્ણનો પ્રવેશ કથાની અધવચ્ચે જ થયો છે. આમ આ બન્ને પાત્રો મોડાં પ્રવેશ્યાં હોવા છતાં તેમના પ્રવેશ પછી કથાની ડોર લગભગ તેમની પાસે જ રાખે છે. જે કંઈ બન્યું છે એ બધું જ આ કથામાં પોતાની રીતે જ બન્યું છે. આમ બન્ને કથાઓમાં સ્વયં ભગવાનથી માંડીને અનેક જાતિનાં પાત્રો છે. રામાયણમાં વાનરની જે ભૂમિકા છે એ ઘણા પ્રશ્નો પેદા કરે એવી છે. આ વાનર એટલે વૃક્ષની ડાળીઓ પર હૂપાહૂપ કરતા જે વાનરો આપણે જોઈએ છીએ એ હોવાની કોઈ શક્યતા નથી. એમાંય કિષ્કિંધાવાસી વાનરો એમના બૌધિક સ્તરને કારણે ઘણા ઊંચા લાગે છે.

વાયુપુત્ર હનુમાન

હનુમાન રામાયણનું એક અદ્ભુત પાત્ર છે. એ વાનર છે, પણ એમાં એનું સ્થાન આજે આ દેશમાં કરોડો ધાર્મિક જનો માટે ભગવાન જેવું જ છે. કથાનક પ્રમાણે હનુમાન કિષ્કિંધાના રાજા વાલીના નાના ભાઈ સુગ્રીવના સેવક છે. રામ સાથેની મુલાકાત પછી એ સુગ્રીવની જેમ જ રામના સેવક બન્યા છે. કથાનક પ્રમાણે હનુમાનના પિતા કેસરી પણ  કિષ્કિંધાના સેવક છે. કેસરી શ્રી હનુમાનના પિતા ગણાયા છે અને અંજની તેમની માતા છે. આમ છતાં હનુમાન કેસરીનંદન ઉપરાંત વાયુપુત્ર પણ ગણાય છે. અંજની જેવી રૂપવતી અને યુવતી સ્ત્રીને જોઈને એક વાર વાયુદેવ કામવશ થયા અને હનુમાન એટલે એ ક્ષણનું પરિણામ. આમ હનુમાન કેસરીનંદન હોવા છતાં વાયુપુત્ર તરીકે કથાનકોમાં સ્થાન પામ્યા.

હિન્દુ પરંપરાએ હનુમાનને આજીવન બ્રહ્મચારી દર્શાવ્યા છે. હનુમાન અપરિણીત છે  અને છતાં તેમને એક પુત્ર હોવાનો ઉલ્લેખ પણ કથાનકમાં છે. આ પુત્ર હનુમાનના વીર્યમાંથી નહીં પણ પ્રસ્વેદ બિંદુમાંથી થયો છે એવો ખુલાસો પણ આ કથાનકમાં છે. જૈન રામાયણે હનુમાનને એક કરતાં વધુ પત્ની ધરાવતા સંસારી જીવ તરીકે આલેખ્યા છે.

હનુમાન : ભક્ત કે ભગવાન?

થોડા સમય પહેલાં હનુમાનને ભગવાન કહેવાય કે નહીં એ વિશે કેટલાક અતિ અકલમંદો વચ્ચે હુંસાતુંસી થઈ હતી. ભગવાન અજન્મમાં હોય, હનુમાન અજન્મ નથી એટલું જ નહીં, હનુમાન રામના સેવક છે. રામનું સ્થાન ભલે ભગવાનનું મનાતું હોય, પણ હનુમાન તો રામના સેવક  છે. રામના ભક્ત છે. તેમને ભગવાન શી રીતે કહેવાય એવી નવરાશવેડાની બુદ્ધિહીન ચર્ચા વચ્ચે કોઈકે ચલાવી હતી. સદ્ભાગ્યે એ ચર્ચા વિવાદનું રૂપ લે એ પહેલાં શમી ગઈ.

હનુમાન વાનર યોનિમાં પેદા થયા છે. વાનર યોનિ પશુયોનિ છે. દેવ, મનુષ્ય, રાક્ષસ, યક્ષ આ બધાથી વાનર યોનિ ઊતરતી છે. અને આમ છતાં હિન્દુઓનાં કરોડો દેવ-દેવીઓમાં સૌથી વધારે મંદિરો કે મૂર્તિઓ હનુમાનની જ છે. શિવમંદિરમાં હનુમાનનું સ્થાન હોય જ, શ્રી રામમંદિરમાં હનુમાનજી ન હોય તો રામ અધૂરા કહેવાય. હનુમાનજીનાં સ્વતંત્ર મંદિરો પણ દર બે-ચાર ગલીએ નજરે પડશે. જો હનુમાન હિન્દુ પરંપરામાં છેક રામાયણકાળમાં પ્રવેશ્યા હોય અને તેમનું સ્થાન સેવકનું હોય તો સેંકડો વરસો પછી પણ તેમનું આ પ્રભુત્વ શાથી પ્રસ્થાપિત થયું હશે? એનું એક કારણ કદાચ એક હોઈ શકે કે બીજા તમામ દેવો સાથે કોઈ ને કોઈ ઉપકથા આવી રીતે સંકળાયેલી હોય છે કે એ દેવની તેજસ્વિતાને ક્યાંક ડાઘ લાગે. હનુમાન સાથે  આવો એક અક્ષર પણ સંકળાયો નથી. નૈષ્ઠિક બ્રહ્મચર્ય, તદ્દન નિઃસ્વાર્થ સેવા અને વળતું કશું પ્રાપ્ત કરવાની અનિચ્છા આ બધું હનુમાનને માનવ પરંપરામાં ઊંચા સ્થાને મૂકી દે છે.

રામાયણમાં યુદ્ધ કોણ જીત્યું?

આમ તો ભગવાન શ્રીરામચંદ્ર યુદ્ધ જીત્યા છે. તેમણે રાવણનો વધ કર્યો છે અને સીતાને મુક્ત કર્યાં છે, પણ સીતાને અશોક વાટિકામાંથી શોધી કોણ લાવ્યું? હનુમાનને લંકાદહન કર્યું, સીતાની શોધ કરી અને પછી વિભીષણને રામ સાથે સુલેહ-સંપથી મેળવી દેવાની બૌદ્ધિક સલાહ તેમણે જ રામને આપી છે. રામ-લક્ષ્મણ સીતાને શોધતા હતા ત્યારે બ્રાહ્મણ વેશે આ બન્ને સાથે પરિચય તો હનુમાને જ કેળવ્યો હતો. સીતાની શોધ માટે સમુદ્રનું ઉલ્લંઘન કરવાની શક્તિ હનુમાન સિવાય બીજા કોઈ પાસે નહોતી. યુદ્ધ ચાલતું હતું એ દરમ્યાન બે વાર હિમાલયમાંથી સંજીવની ઔષધ લાવવાનું અતિદુષ્કર કામ કોઈ કરી શકે એમ હતું? આખું રામનું સૈન્ય ઇન્દ્રજિતનાં બાણોથી બેહોશ થઈ ગયું છે ત્યારે નલે કહ્યું છે કે ‘જો એક હનુમાન બચ્યા હશે તો આખું સૈન્ય પુનર્જીવિત કરી શકશે.’

હનુમાન : ક્યાંથી ક્યાં?

રામાયણનાં બીજાં તમામ પાત્રો રામાયણના કથાનક પછી ક્યાંય દેખાતાં નથી. હનુમાન આજ સુધી સર્વત્ર દેખાય છે. મહાભારતમાં પાંડુ પુત્ર ભીમ પણ વાયુપુત્ર ગણાયા છે. માતા કુંતીને જે છ દેવોએ પુત્રપ્રાપ્ત‌િનાં વરદાન આપ્યાં હતાં એમાં વાયુદેવતાથી પ્રાપ્ત થયેલો પુત્ર ભીમ હતો. મહાભારતમાં શ્રીકૃષ્ણ અને રામાયણમાં હનુમાન આ બે પાત્રો સમગ્ર કથાનો દોર તેમના હાથમાં જ રાખે છે. રામ રાવણનો વધ કરે પણ એ વધ કરવાની ઘટના હનુમાનજીની ઉપસ્થિતિ વિના ક્યાંય થઈ  ન હોય. એ જ રીતે મહાભારતમાં પાંડવો યુદ્ધ જીતે પણ એ યુદ્ધ કૃષ્ણની દોરવણી વિના જિતાયું ન હોત. આ બે પાત્રો આ યુદ્ધમાં કશું જ મેળવતાં નથી. તેમનો કોઈ સ્વાર્થ પણ નથી. ધર્મનું રક્ષણ એ જ તેમનો હેતુ.

હનુમાન મન્કી ગૉડ છે?

અંગ્રેજી કેળવણીએ નવી પેઢીને હનુમાનની ઓળખ આપી છે મન્કી ગૉડ તરીકે એ જ રીતે ગણપતિ એલિફન્ટ ગૉડ બન્યા. પોતાનાં સંતાનોને આ ઓળખાણ આપતાં માતા-પિતાઓ એ જાણે છે કે તેઓ ક્યાંથી ક્યાં ઊતરી આવ્યાં છે? આ મન્કી ગૉડ અને આ એલિફન્ટ ગૉડ પાસેથી શીખવાનું છે એનો અંશ સુધ્ધાં સમજશે તો કેટલીયે સાંપ્રત સમસ્યા હળવીફૂલ થઈ જશે.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)

columnists dinkar joshi