હરિયાણા આલા, પણ કાશ્મીર ગેલા BJP હવે મિશન મહારાષ્ટ્રના મોડમાં

13 October, 2024 02:38 PM IST  |  Mumbai | Raj Goswami

કોરોના પછી ગુજરાતમાં આખી કૅબિનેટને બદલી નાખવામાં આવી હતી. આવો જ પ્રયોગ ઉત્તરાખંડ અને ત્રિપુરામાં પણ કરવામાં આવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

BJP હંમેશાં માને છે કે ચૂંટણીઓ વખતે લોકોનો ગુસ્સો પાર્ટી માટે નથી હોતો, સ્થાનિક નેતાગીરી (મુખ્ય પ્રધાન) સામે હોય છે એટલે મુખ્ય પ્રધાનોને બદલી નાખવા એ સૌથી અસરકારક રસ્તો છે. કોરોના પછી ગુજરાતમાં આખી કૅબિનેટને બદલી નાખવામાં આવી હતી. આવો જ પ્રયોગ ઉત્તરાખંડ અને ત્રિપુરામાં પણ કરવામાં આવ્યો હતો

લોકસભાની ચૂંટણી પછી તરત જ બે રાજ્યો, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આશ્ચર્યજનક સાબિત થયાં છે. હરિયાણામાં એવું મનાતું હતું કે ભારતીય જનતા પાર્ટી (BJP)નો પરાજય થશે, પરંતુ પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે. પાર્ટીએ હરિયાણામાં ૯૦ સભ્યોની વિધાનસભામાં ૪૮ બેઠકો જીતીને ઐતિહાસિક ત્રીજો જનાદેશ મેળવ્યો છે. રાજ્યમાં સત્તાવિરોધી આકરી લહેર હતી છતાં પાર્ટીએ સત્તા જાળવી રાખી છે એ મોટી સિદ્ધિ છે. લોકસભામાં BJPના મનોબળમાં કંઈક અંશે ગોબો પડ્યો હતો એ હવે હરિયાણામાં ભરાઈ ગયો છે. સ્પષ્ટ છે કે પાર્ટી હવે વધુ આત્મવિશ્વાસ સાથે મહારાષ્ટ્રના મેદાનમાં જશે, જ્યાં એની અત્યારે પરિસ્થિતિ એટલી અનુકૂળ નથી.

જમ્મુ અને કાશ્મીરમાં, જ્યાં ૨૦૧૮ની ૨૦ જૂને PDP-BJP શાસનના પતન પછી અને કલમ ૩૭૦ની નાબૂદી પછી પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યાં નૅશનલ કૉન્ફરન્સ અને કૉન્ગ્રેસના ગઠબંધને ૪૮ બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતી મેળવી હતી. BJP ત્યાં જમ્મુમાં જ સમેટાઈ ગઈ છે.

બન્ને રાજ્યોનો સંકેત એ છે કે કૉન્ગ્રેસે અને અન્ય વિરોધ પક્ષોએ તેમના ગઠબંધનને વધુ મજબૂત બનાવવું પડશે. એનો બીજો પુરાવો એ છે કે હરિયાણામાં આમ આદમી પાર્ટી (AAP-આપ)નાં સૂપડાં સાફ થઈ ગયાં છે. પાર્ટીએ કૉન્ગ્રેસ સાથે ગઠબંધન કરવાની ના પાડી હતી, એનું નુકસાન બન્ને પાર્ટીને થયું છે અને ફાયદો BJPને થયો છે. શું આપ કૉન્ગ્રેસનો ખેલ બગાડવા માટે જ મેદાનમાં હતી? શું BJPને એના છૂપા આશીર્વાદ હતા? શું એટલા માટે જ અરવિંદ કેજરીવાલને ચૂંટણી પહેલાં જામીન આપવામાં આવ્યા હતા? શું આપ દિલ્હીમાં પણ કૉન્ગ્રેસનો ખેલ બગાડશે? આ અને આવા અનેક પ્રશ્નો હવે થવાના છે.

હરિયાણા વિધાનસભાની ચૂંટણીના ૭ મહિના પહેલાં BJPએ અચાનક તત્કાલીન મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરને પદ પરથી હટાવી દીધા હતા. હકીકતમાં ખટ્ટરના નેતૃત્વમાં BJP ૨૦૧૯ની ચૂંટણી પણ લડી હતી. BJP પાસે બહુમતી નહોતી. જોકે JJPના સમર્થનથી BJP સરકાર બનાવવામાં સફળ રહી હતી.

BJP ૨૦૨૪માં કોઈ જોખમ લેવા માગતી નહોતી એથી ચૂંટણીના ૭ મહિના પહેલાં ખટ્ટરને દૂર કરવામાં આવ્યા હતા અને નાયબ સિંહ સૈનીને રાજ્યની કમાન સોંપવામાં આવી હતી. BJPએ સૈનીના નેતૃત્વમાં હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડી હતી અને જનતા સામે એક નવો ચહેરો લઈને બહાર આવી હતી. એનો ફાયદો એ થયો હતો કે સત્તાવિરોધી લહેર નબળી પડી ગઈ હતી.

BJP હંમેશાં (સાચું-ખોટું) માને છે કે ચૂંટણીઓ વખતે લોકોનો ગુસ્સો પાર્ટી માટે નથી હોતો, સ્થાનિક નેતાગીરી (મુખ્ય પ્રધાન) સામે હોય છે એટલે મુખ્ય પ્રધાનોને બદલી નાખવા એ સૌથી અસરકારક રસ્તો છે. કોરોના પછી ગુજરાતમાં આખી કૅબિનેટને બદલી નાખવામાં આવી હતી. આવો જ પ્રયોગ ઉત્તરાખંડ અને ત્રિપુરામાં પણ કરવામાં આવ્યો હતો.

પાર્ટીએ હરિયાણામાં લોકોના ગુસ્સાને પહોંચી વળવા માટે ૪ પ્રધાનો સહિત તેના એક તૃતીયાંશ ધારાસભ્યોને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો હતો, જે ૨૩ ચહેરાઓ ૨૦૧૯માં જીતી શક્યા નહોતા. આ વખતે તેમની જગ્યાએ નવા લોકોને તક આપવામાં આવી હતી અને એમાંથી ૧૨ને જીત મળી હતી. પરિણામ પરથી સ્પષ્ટ છે કે લોકોએ નાયબ સિંહ સૈનીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

નાયબ સિંહ સૈનીની છબિ એકદમ સ્વચ્છ છે અને તેઓ અધર બૅકવર્ડ ક્લાસ (OBC) છે. મનોહરલાલ ખટ્ટર પંજાબી છે. કૉન્ગ્રેસ જાટ મતો પર આધાર રાખતી હતી (તેના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હૂડાનો જાટ સમુદાય પર દબદબો છે) ત્યારે BJPએ OBC પર ફોકસ કર્યું હતું.

BJPના ઉમેદવારોની પસંદગી પણ બિન-જાટ મતદારો મુજબ કરવામાં આવી હતી અને મુદ્દાઓ પણ નક્કી કરવામાં આવ્યા હતા. BJPએ દલિતોને પોતાની સાથે જોડવા માટે એક ખાસ રણનીતિ અપનાવી હતી. દલિત મતદારો હંમેશાં ચૂપ રહે છે. BJPના ચાર પ્રભારીઓને દલિત મતદારોને રીઝવવાનું કામ સોંપ્યું હતું.

લોકસભાની ચૂંટણી પછી પ્રથમ વખત કોઈ પણ રાજ્યની ચૂંટણીમાં BJP અને કૉન્ગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થયો હતો. એમાં BJPના વિજયથી એક વાત સાબિત થઈ છે કે સીધી સ્પર્ધામાં BJP હજી પણ કૉન્ગ્રેસથી ઘણી આગળ છે.

હરિયાણાની ચૂંટણીમાં કૉન્ગ્રેસ માટે બે બાબત સ્પષ્ટ થઈ ગઈ છે. એક તો વધુ પડતો આત્મવિશ્વાસ અને બીજું, સ્થાનિક નેતાગીરીમાં જૂથવાદ. હરિયાણામાં કૉન્ગ્રેસે બન્નેની કિંમત ચૂકવવી પડી છે. આ ચૂંટણીમાં રાજ્યમાં કૉન્ગ્રેસનું નેતૃત્વ વિભાજિત થઈ ગયું હતું છતાં કૉન્ગ્રેસના નેતાઓને વિશ્વાસ હતો કે તેઓ ચૂંટણી જીતી રહ્યા છે, પરંતુ આ અતિશય આત્મવિશ્વાસ કૉન્ગ્રેસ માટે મોંઘો સાબિત થયો છે. કુમારી શૈલજા અને ભૂપિન્દર સિંહ હૂડાની છાવણીઓ વચ્ચે તિરાડ હતી. ચૂંટણી પહેલાંથી જ એ માથાકૂટ ચાલતી હતી કે કુમારી શૈલજાના જૂથમાંથી કયો ઉમેદવાર આવે છે અને ભૂપિન્દર સિંહ હૂડાના જૂથમાંથી કયો ઉમેદવાર કપાય છે.

ભૂપિન્દર હૂડાને કારણે બિન-જાટ મતો BJP તરફ ખસી ગયા અને હરિયાણામાં દલિત મત પણ કૉન્ગ્રેસથી દૂર જતા રહ્યા. એને કારણે કૉન્ગ્રેસને સૌથી વધુ નુકસાન થયું હતું. એવી ઘણી બેઠકો છે જ્યાં પાતળા અંતરથી હાર-જીત થઈ છે. એનો અર્થ એ છે કે BJPએ બહુ બારીકાઈથી ચૂંટણી જીતવાનું આયોજન કર્યું હતું.

કૉન્ગ્રેસને આવાં પરિણામની અપેક્ષા નહોતી. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે આ વખતે હરિયાણામાં સત્તાવિરોધી લહેર છે. ખેડૂતો, યુવાનો અને બધા જ BJPથી નારાજ છે અને કૉન્ગ્રેસને એનો ફાયદો થશે, પરંતુ વિપરીત થયું. સરવાળે કૉન્ગ્રેસે એની ભાવિ વ્યૂહરચના બદલવી પડશે.

બેઠક-વહેંચણીમાં મહારાષ્ટ્ર કૉન્ગ્રેસ નબળી પડશે

હરિયાણા અને જમ્મુ-કાશ્મીરનાં પરિણામોની અસર મહારાષ્ટ્રમાં કેવી પડે છે એ જોવાનું રસપ્રદ રહેશે. સામાન્ય રીતે જમ્મુ-કાશ્મીર બાકી દેશના પ્રવાહોથી અલગ ચાલતું હોય છે, પરંતુ NC તેમ જ કૉન્ગ્રેસનું ચૂંટણીજોડાણ સફળ રહ્યું છે એ કૉન્ગ્રેસ માટે આશ્વાસનરૂપ છે અને હરિયાણામાં પણ એણે BJPને સારી ટક્કર આપી છે એટલે મહારાષ્ટ્રમાં એ વધુ જોર મારશે.
હરિયાણા વિધાનસભા કબજે કર્યા પછી BJP માટે મહારાષ્ટ્ર અને ઝારખંડને અંકે કરવાનો પડકાર છે. ઝારખંડમાં એને JMM ગઠબંધન પાસેથી સત્તા છીનવી લેવાની છે અને મહારાષ્ટ્રમાં એણે સત્તા જાળવી રાખવાની છે. આ બન્ને રાજ્યોમાં પહેલી વાર BJP નવા ગઠબંધન સાથે ચૂંટણીમેદાનમાં ઊતરશે.

હરિયાણામાં સતત ત્રીજી વખત સત્તામાં પાછા ફર્યા બાદ BJPને આશા છે કે એની અસર મહારાષ્ટ્રમાં પણ પડશે. જોકે વિપક્ષી ગઠબંધન મહા વિકાસ આઘાડીએ માત્ર ચાર મહિના પહેલાં જ લોકસભાની કુલ ૪૮ બેઠકોમાંથી ૩૦ બેઠકો જીતીને મોટો આત્મવિશ્વાસ અંકે કર્યો છે. કૉન્ગ્રેસ હરિયાણામાં એકલી હતી. મહારાષ્ટ્રમાં એ ઠાકરેસેના અને પવાર કૉન્ગ્રેસ સાથે છે એ એક મોટો ફરક છે.

હરિયાણામાં પરાજય પછી કૉન્ગ્રેસ મહારાષ્ટ્રમાં મોટી દાવેદારી નહીં કરે અને બેઠકોની વહેંચણીમાં ઘણું જતું કરશે, પરિણામે BJPએ તાકાતવર પવાર અને ઠાકરેનો સામનો કરવો પડશે. 
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારના અડધા સમય માટે મુખ્ય પ્રધાન હતા એટલે હરિયાણાની જેમ મહારાષ્ટ્રમાં સત્તાવિરોધી લહેર મોટો મુદ્દો નહીં બને. હરિયાણામાં BJP અને કૉન્ગ્રેસ વચ્ચે સીધો મુકાબલો હતો. મહારાષ્ટ્રમાં સ્થિતિ વધુ ખરાબ છે. ૬ પક્ષોનાં બે ગઠબંધન વચ્ચે સ્પર્ધા છે. બેઠક-વહેંચણીને લઈને બન્ને ગઠબંધનો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.

૨૦૨૪ની લોકસભાની ચૂંટણીની પૅટર્ન જો યથાવત્ રહે તો BJP ૬૦થી વધુ બેઠકો જીતશે. વિપક્ષી ગઠબંધન દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં MVAને રાજ્યની ૨૮૮ બેઠકોમાંથી ૧૬૦ બેઠકો જીતશે એવી આગાહી કરવામાં આવી છે. BJP માટે મરાઠા આંદોલન સૌથી મોટો પડકાર છે. શિવસેના અને NCPના ભંગાણ બાદ લોકોને ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પ્રત્યે સહાનુભૂતિ છે.

BJPનો સવાલ છે ત્યાં સુધી હરિયાણામાં પાર્ટીએ જે રીતે હૅટ-ટ્રિક કરી છે એનાથી કૅડરમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પક્ષ આ જ ઉત્સાહ સાથે ઝારખંડ અને મહારાષ્ટ્રની ચૂંટણીઓમાં પ્રવેશ કરશે. એટલું જ નહીં, દિલ્હીની ચૂંટણી પણ આવી રહી છે, જ્યાં પાર્ટી લાંબા સમયથી મજબૂત પુનરાગમનની રાહ જોઈ રહી છે. હરિયાણાની જીત ઝારખંડ-મહારાષ્ટ્રમાં BJP માટે બૂસ્ટર ડોઝ તરીકે કામ કરશે કે નહીં એ જોવાનું રસપ્રદ રહેશે.  

કાશ્મીરમાં નૅશનલ કૉન્ફરન્સની ધમાકેદાર વાપસી

કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરમાં ફારુક અબદુલ્લાની નૅશનલ કૉન્ફરન્સ પાર્ટીએ ધમાકેદાર વાપસી કરી છે. મેહબૂબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ને મતદારોએ ફગાવી દીધી છે. અગાઉ BJP સાથે ગઠબંધન કરીને તેમણે સરકાર બનાવી હતી, પરંતુ અણબનાવ બનતાં BJP સરકારમાંથી નીકળી ગયાં હતાં અને રાષ્ટ્રપતિશાસન લગાવ્યું હતું. એ પછી ૩૭૦ની કલમ નાબૂદ કરી હતી. એ તમામ પ્રયાસો છતાં BJP જમ્મુ વિસ્તારની બહાર પોતાની પહોંચ વધારવામાં નિષ્ફળ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી ચૂંટણી ૨૦૧૪માં થઈ હતી.

પરિણામો એ પણ સૂચવે છે કે જમ્મુના હિન્દુ બહુમતીવાળા વિસ્તારોમાં BJP આગળ છે, જ્યારે કાશ્મીર ખીણના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં નૅશનલ કૉન્ફરન્સ ગઠબંધન આગળ છે. જમ્મુ-કાશ્મીરનાં ચૂંટણી પરિણામોમાં મતોનું પ્રાદેશિક અને ધાર્મિક આધાર પર વિભાજન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

જમ્મુમાં BJPને કાયમ સરસાઈ મળતી રહી છે. ૩૭૦ની કલમ નાબૂદ કર્યા પછી આ વખતે BJPને જમ્મુ ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરવાની આશા હતી, પણ BJP જમ્મુની બે હિન્દુ બહુમતીવાળી બેઠકો-બાની અને રામબનમાં ચૂંટણી હારી ગઈ હતી.

આ ચૂંટણીમાં BJPએ એક નવા કાશ્મીરનું ચિત્ર રજૂ કર્યું હતું જે દાયકાઓ સુધી આતંકવાદનો ભોગ બન્યા બાદ આઝાદ થયું હતું. લાંબા સમય સુધી જમ્મુ-કાશ્મીરનો વહીવટ કેન્દ્ર સરકાર હેઠળ હતો. આવી સ્થિતિમાં BJPએ ખીણની સુરક્ષા, રોજગારીની તકો અને પ્રવાસનને ધ્યાનમાં રાખીને ચૂંટણીના મેદાનમાં પ્રવેશ કર્યો હતો. નવું કાશ્મીર બનાવવાનું વચન પણ આપવામાં આવ્યું હતું, પરંતુ ખીણમાં BJPની વ્યૂહરચના સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ છે.

૯૦ સભ્યોની વિધાનસભામાં નૅશનલ કૉન્ફરન્સ (NC)એ ૪૨ બેઠકો મેળવી છે, જ્યારે BJPએ જમ્મુ વિસ્તારમાં ૨૯ બેઠકો જીતી છે. આ ચૂંટણીમાં BJPને સારું પ્રદર્શન કરવાની આશા હતી. પક્ષના નેતાઓ જમ્મુમાં ૩૦થી ૩૫ બેઠકો જીતવાનો દાવો કરી રહ્યા હતા. જોકે BJP કાશ્મીર ખીણમાં ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહી હતી. ગઈ વિધાનસભા ચૂંટણીમાં BJP જમ્મુ-કાશ્મીરમાં ૨૫ બેઠક જીતી હતી. જો સીમાંકન પછી જમ્મુમાં ૬ નવી બેઠકો વધારવામાં આવી ન હોત તો BJPની સંખ્યા થોડી ઓછી થઈ ગઈ હોત.

NCની સહયોગી કૉન્ગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. એ માત્ર ૬ બેઠકો જીત્યું છે, કાશ્મીર ખીણમાં પાંચ અને જમ્મુ પ્રાંતમાંથી માત્ર એક. એણે NC સાથે બેઠક-વહેંચણીની વ્યવસ્થાના ભાગરૂપે ૩૨ બેઠકો પરથી ઉમેદવારો ઊભા રાખ્યા હતા.

૧૯૯૬માં ૫૭ બેઠકો જીત્યા બાદ પ્રથમ વખત NCએ કાશ્મીર ખીણની શ્રીનગર જિલ્લા (આઠ બેઠકો), બડગામ જિલ્લા (પાંચ બેઠકો) અને ગંદરબાલ જિલ્લાની તમામ બે બેઠકો પર જીત મેળવી હતી. એક સમયે PDPનો ગઢ ગણાતા દક્ષિણ કાશ્મીરમાં NC ૧૬માંથી ૧૦ બેઠકો જીતવામાં સફળ રહ્યું હતતું. NCએ જમ્મુ પ્રાંતની પીર પંજાલ ખીણ અને ચિનાબ ખીણમાં એના પ્રદર્શનમાં સુધારો કર્યો, જ્યાં એ ૧૬માંથી ૬ બેઠકો જીત્યું હતું.

columnists haryana jammu and kashmir political news maharashtra maharashtra news assembly elections maharashtra assembly election 2024