આધિપત્ય મેળવવા જાતને શું કામ ભૂલવાની?

30 March, 2024 01:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હા, હું આજની દરેક ફીમેલને આ જ મેસેજ આપવા માગું છે. પુરુષોનું આધિપત્ય હોય એવા પ્રોફેશનમાં આવ્યા પછી મારી સાથે કામ કરતા પુરુષો મારા કામને ગંભીરતાથી લે એ માટે ક્યાંક ને ક્યાંક હું તેમના જેવી થવા માંડી હતી.

ફિલ્મ ‘વિરુદ્ધ’ના સેટ પર અમિતાભ બચ્ચન અને શર્મિલા ટાગોર સાથે અનુરાધા તિવારી: અમિતાભ બચ્ચન પ્યૉરલી રાઇટર-ડિરેક્ટરના ઍક્ટર છે.

ત્રીસેક વર્ષ પહેલાં જ્યારે હું ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે એક ફીમેલ તરીકે મારે અમુક બાબતોમાં જાતને બદલવી પડી છે. ‘બદલવી પડી છે’ને બદલે સુધારો કરીને કહું તો મારે કહેવું પડે કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી અનાયાસ ‘હું બદલાઈ છું’. સ્ત્રીઓને સામાન્ય રીતે પણ પુરુષો કરતાં થોડા વધુ પડકારો, થોડા વધુ સંઘર્ષ રહેતા હોય છે અને પુરુષપ્રધાન સમાજની આ જ વાસ્તવિકતા છે. આ હકીકત વચ્ચે મારા જેવી વ્યક્તિ, જેનો ઉછેર જ સ્વતંત્ર વિચારસરણી ધરાવતા વાતાવરણમાં થયો હોય એ પણ બાકાત નથી રહી એ મારે મન મજબૂરીથી ઓછું કાંઈ નથી અને એમ છતાં હું કહીશ કે કોઈ પણ ફીમેલે કપરા સંજોગોમાં પણ પોતાના સ્ત્રીત્વને પડતું મૂકીને આગળ વધવા માટે બદલાવું જરૂરી નથી. આ હું મારા અનુભવ પરથી કહું છું અને આ જ વાત હું શીખી છું. તમે જેવા છો એવા રહીને પણ તમારું ધાર્યું કરી શકો, કરાવી શકો. પુરુષો સાથે કામ કરવું હોય તો પુરુષો જેવા બનવાનું કામ સ્ત્રીઓ અનાયાસ કરી બેસતી હોય છે, પણ ના એ ખોટું છે.

વાતને આગળ વધારું એ પહેલાં થોડી મારી વાત કરું. હું વેલ્હમ ગર્લ્સ સ્કૂલમાં ભણી અને મારી કૉલેજ લેડી શ્રીરામ કૉલેજ હતી. સ્કૂલ અને કૉલેજ બન્ને ગર્લ્સ મીડિયમ. આ એ ગાળો હતો જ્યારે મહિલાઓના અધિકાર માટે એ સમયે અમે લડ્યાં છીએ, ધરણાં કર્યાં અને જેલમાં પણ ગયાં. સ્ત્રીઓને ભણતર મળવું જોઈએ અને મહિલાઓ જીવનમાં આગળ આવવી જ જોઈએ એ વિચાર નાનપણથી મારામાં અને શિક્ષણ આગળ વધતું ગયું એમ એ વિચાર વધારે દૃઢ થતો ગયો. ફૉર્મલ એજ્યુકેશન પૂરું કર્યા પછી ફિલ્મ-ડિરેક્શન શીખવા મેં ફિલ્મ સ્કૂલ ઑફ જામિયા જૉઇન કરી અને ગોલ્ડ મેડલ સાથે ફિલ્મ-ડિરેક્શનમાં માસ્ટર્સ કર્યું. એ સમયે પણ મારામાં ભરપૂર આત્મવિશ્વાસ હતો. આવા ઘડતર અને આ પ્રકારની મનઃસ્થિતિ સાથે મેં મારી કરીઅરની શરૂઆત કરી.
મારામાં ટૅલન્ટ હતી અને એ પછી પણ જ્યારે ડિરેક્શનની શરૂઆત કરી ત્યારે સમજાયું કે પુરુષોના આધિપત્યવાળા કૂંડાળામાં પગ મૂકવાનું કામ આસાન નથી. ૧૯૯૫-’૯૬ના સમયગાળામાં ડિરેક્ટર તરીકે મેં શરૂઆત કરી ત્યારે આખા યુનિટમાં એકમાત્ર હું છોકરી અને બાકી બધા પુરુષો. મેકઅપ-આર્ટિસ્ટ કે કૉસ્ચ્યુમ-ડિઝાઇનર જેવા બે-ત્રણ ડિપાર્ટમેન્ટમાં મહિલાઓ ખરી, પણ તેમનો વર્ક-પ્રોફાઇલ એવો કે સેટ પર મારી જેમ એ લોકોએ બીજા સાથે લમણાઝીંક ન કરવાની હોય. મારી કરીઅરના પહેલા ૯ મહિનામાં જ હું ડિરેક્શનનું બધું કામ સંભાળતી થઈ ગઈ હતી. મારી હાલત એવી કે ઉંમરમાં સૌથી નાની અને એકમાત્ર છોકરી અને એ પણ આઉટસાઇડર. મને શરૂઆતમાં ખરેખર તકલીફ પડતી. મારા ક્રૂ મેમ્બર મારી વાતને ગંભીરતાથી લે નહીં અને કામમાં સ્મૂધનેસ આવે નહીં. જ્યારે કરીઅર શરૂ કરી ત્યારે જુદો જ આત્મવિશ્વાસ હતો, હિંમત હતી, પણ પછી ધીમે-ધીમે રિયલિટી સમજાવા માંડી. આ એ સમય હતો જ્યારે તમારી ડિગ્રીની કોઈ કિંમત નહોતી. ડિરેક્શનમાં તમે ગોલ્ડ મેડલિસ્ટ છો એનાથી કોઈને ફરક પડતો નહોતો. આજે એ ફૉર્મલ ટ્રેઇનિંગનું મહત્ત્વ છે. તમે જો પ્રૉપર ભણીને આવ્યાં હો તો એને તમારા પ્રોફાઇલમાં વૅલ્યુએબલ અચીવમેન્ટ તરીકે જોવાય છે, પણ ત્યારે એવું નહોતું. શરૂઆતનો એ ગાળો ૧૦૦ ટકા મારા માટે પડકારજનક હતો, પણ પછી ધીમે-ધીમે હું બદલાવા માંડી.

જાણીજોઈને નહીં, પણ સહજ રીતે. મારું ડ્રેસિંગ, હેરસ્ટાઇલ ચેન્જ થયાં. પાવર ડ્રેસિંગ પછી બીજો મહત્ત્વનો બદલાવ આવ્યો કે હું માઇક પર થોડી અબ્યુસિવ ભાષામાં કામ સોંપવા માંડી અને ધીમે-ધીમે ક્રૂ મેમ્બરનો મારા પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાયો. હવે તેઓ મને તેમનામાંની એક વ્યક્તિ તરીકે જોવા માંડ્યા. એક મહિલામાંથી ડિરેક્ટર બનવામાં મારા દેખાવ અને વ્યવહારમાં અનાયાસ આવેલો આ ચેન્જ મને કામ લાગ્યો. લોકો મારી કામ કરવાની રીતને સમજવા માંડ્યા, મારા ઑર્ડરને ફૉલો કરવા માંડ્યા અને પછી તો ધીમે-ધીમે કામ વધતું ગયું, નામ બનતુ ગયું. એ સમયે તો જેન્ડર ડિફરન્સ હટતો ગયો, પણ વર્ષો પછી જ્યારે મેં મારી જર્નીને પાછળ ફરીને જોઈ ત્યારે મને રિયલાઇઝ થયું કે ક્યાંક ને ક્યાંક આ પ્રોસેસમાં હું મારી ઓરિજિનલિટીથી દૂર નીકળી ગઈ છું. મારું ડિફેન્સ મેકૅનિઝમ જ હતું, એ જેણે પુરુષોની વચ્ચે રહીને કામ કરવા માટે અનાયાસ જ પુરુષોની જેમ વ્યવહાર કરતાં, પુરુષોની જેમ વાત કરતાં અને દેખાવમાં પણ પુરુષોની જેમ જીવતી કરી દીધી. મારી અંદરનું સ્ત્રીત્વ આ બદલાયેલા રૂપ વચ્ચે ક્યાંક ખોવાઈ ગયું. આજે જ્યારે એ વિશે વિચારું છું ત્યારે લાગે છે કે ખરેખર મારે આ બદલાવ તરફ જવાની જરૂર જ નહોતી. હું મહિલા બનીને પણ વધુ મક્કમતા સાથે વર્તી હોત તો મારી વાત સંભળાઈ જ હોત.

બૉય્‍સ ક્લબનો હિસ્સો બનવા માટે સ્ત્રીઓ અજાણતાં જ તેમના જેવો વ્યવહાર કરતી થઈ જાય છે. ઍટ લીસ્ટ એ સમયગાળામાં કૅમેરાની પાછળ કામ કરતી જે છોકરીઓ હતી તેમને માટે તો સાવ જ કૉમન અનુભવ રહ્યો હશે એવું મારું માનવું છે. બૉય્‍સ ક્લબમાં પોતાની ગણતરી થાય એ માટે પુરુષો જેવી રફનેસ દેખાડવા માટે છોકરીઓ ગાળ બોલતી થઈ જાય કે સ્મોક કરતી થઈ જાય એવું બનતું હોય છે. એવું બને પછી જ તેમને એ ગૅન્ગ કે ક્લબમાં એક્સેપ્ટન્સ મળે છે. જોકે વર્ષો પછી મને સમજાયું કે એ જરૂરી નથી. તમે તમારા સ્ત્રીત્વને તેના મૂળ એસેન્સમાં રાખીને પણ કામ કરી શકો અને કરાવી શકો. પુરુષો સાથે કામ કરવા માટે પુરુષ જેવા બનવાની જરાય જરૂર નથી એ સમજણ આજની મહિલાઓમાં આવે એ જરૂરી છે. તમને તમારા કામ માટેનો આત્મવિશ્વાસ હોય, તમારી વાતોમાં મક્કમતા અને જીદ હોય અને તમે તમારા આગ્રહને લઈને સ્પષ્ટ હો તો તમારી વાત સંભળાય અને સામેવાળી વ્યક્તિ પાસે જરૂરી કામ કરાવી પણ શકાય. 
બીજી વાત, તમે તમારી જાતને ડેવલપ કરવા પર ફોકસ કરો. પુરુષોને વખોડીને કે આજે પણ મહિલા સશક્તીકરણની આડમાં પુરુષો પર હાવી થવાની નીતિ રાખીને કોઈ પરિણામ નહીં મળે. જરૂર છે સ્ત્રીઓેએ પોતાની યુનિકનેસને ઓળખીને એનો સ્વીકાર કરવાની, પોતાનામાં રહેલી વિશેષતાઓ પર ભરોસો મૂકીને કોઈ પણ કામમાં એ કઈ રીતે બહેતર પરિણામ લાવી શકે છે એ પ્રૂવ કરવાની. જુઓ, આ ઇન્ડસ્ટ્રી એ અલ્ટિમેટ એક બિઝનેસ છે અને એમાં આજે પણ મહિલા ડિરેક્ટર હોય તો પ્રોડ્યુસર પૈસા રોકતાં ગભરાય છે એ નક્કર વાસ્તવિકતા છે. કારણ કે બિઝનેસમૅન તો કોણ તેને નફો કરાવી આપે છે એ જ વિચારશે. મહિલા જો પ્રોજેક્ટ પૂરો ન કરી શકી, કામ કરાવવામાં પાછી પડે કે કામના ભારણથી ડરીને રડવા બેસે તો તેના પૈસા રખડી પડે. આ જે ડર છે એ આજે પણ પ્રોડ્યુસરના મનમાં છે, જેને દૂર કરવા મહિલાઓએ જ કામ કરીને દેખાડવું પડશે. પહેલાં કરતાં આજે બૅકસ્ટેજમાં મહિલાઓનું પ્રમાણ વધ્યું છે અને મહિલાઓ પોતાની ફેમિનાઇન ક્વૉલિટીના આધારે પણ કામને કયા લેવલ પર પહોંચાડી શકે છે એ વાત જો સતત સાબિત કરતી રહી તો જેન્ડરને કારણે થતા ભેદ સાવ ખતમ થઈ જશે.

columnists gujarati mid-day