20 May, 2023 04:28 PM IST | Mumbai | Swati Shah
સિરિયલનો એક સીન
સ્ત્રીઓને આગળ વધવામાં પરિવારનો સપોર્ટ મળે અને સ્ત્રી પણ સેલ્ફ-સેન્ટર્ડ રહેવાને બદલે વ્યક્તિ તરીકે પરિવાર માટે અવેલેબલ હોય ત્યારે ઉત્સાહ અને હકારાત્મકતાભર્યું વાતાવરણ પરિવારમાં સર્જાતું હોય છે
કરીઅર-વુમન બન્યા પછી તમારે સારા હ્યુમન બીઇંગ રહેવાનું છે, પણ અફસોસની વાત એ છે કે ઘણી સ્ત્રીઓ સેલ્ફ-સેન્ટર્ડ થઈને એ વાત ભૂલી જતી હોય છે, તો ઘણી સ્ત્રીઓ પરિવાર અને બાળકો માટે પોતાની કારકિર્દીનો ભોગ આપી દે છે અને પછી સમય જતાં ભારોભાર પસ્તાવો કરે છે. હું ફરી-ફરીને કહું છું કે તમારે ભોગ નથી આપવાનો, તમારે બૅલૅન્સ શોધવાનું છે.
જીવન આપણી ધારણા પ્રમાણે નથી ચાલતું, છતાં આપણે એ આશા સાથે પ્લાન કરીએ છીએ કે આપણા પ્રમાણે જો જીવનની યાત્રા આગળ વધી તો અમુક રીતે આપણે સુરક્ષિત થઈ જઈશું. સ્ત્રીની આર્થિક, માનસિક અને ભાવનાત્મક આત્મનિર્ભરતા એ દૃષ્ટિએ મને જરૂરી લાગે છે. યસ, અહીં હું માત્ર આર્થિક રીતે પગભર થવાની વાત નથી કરતી, પણ ઇમોશનલ અને સાઇકોલૉજિકલી પણ દરેક સ્ત્રી સધ્ધર બને, સ્ટેબલ થાય એ રીતે તેનું ઘડતર થવું જોઈએ એવું હું કહેવા માગું છું. એ પ્રકારનું વાતાવરણ તેને મળતું રહેવું જોઈએ, જો એ વાતાવરણ તેને મળશે તો ચોક્કસ મહિલાઓ પણ ત્રણેત્રણ મુદ્દે સધ્ધરતા પ્રાપ્ત કરશે.
મારી વાત કરું તો જીવનમાં ઍક્ટિંગ કરવાનું સપનામાં પણ મેં નહોતું વિચાર્યું. અનાયાસ જ મારા જીવનમાં ઍક્ટિંગ આવી અને એ જ ક્ષેત્રમાં મને મારા હસબન્ડ પણ મળી ગયા. હકીકતમાં મારે તો સિંગર બનવું હતું. બાળપણનો તબક્કો એવો હોય કે તમારે ઘણું કરવું હોય અને દર ૬ મહિને તમારું ડ્રીમ બદલાતું રહે. સ્કૂલમાં હતી ત્યારથી હું ગાતી. ઇન્ટરસ્કૂલ કૉમ્પિટિશનમાં ભાગ લેતી અને લોકો ખૂબ અપ્રિશિએટ કરતા. સારું ગાઈ શકું છું એટલે વિચારેલું કે એ જ ફીલ્ડમાં આગળ વધીશ. હું કથક ડાન્સર રહી છું, પણ આપણે વાત સિન્ગિંગની કરીએ. નવરાત્રિમાં જ્યારે પોતાના બૅન્ડમાં ગાવાનું શરૂ કર્યું ત્યારે તો ઑલમોસ્ટ નક્કી જ હતું કે આખી જિંદગી હવે મ્યુઝિક સાથે જ વીતવાની છે, પણ આગળ કહ્યું એમ, મારે માટે કંઈક જુદું જ પ્લાન થયું હતું. નવરાત્રિમાં ગાવા જતી ત્યારે કોઈકે નાટક માટે ઑફર કરી. એ સમયે મુલુંડમાં રહેતી એટલે નાટકના શો સાથે નવરાત્રિ ચાલુ રાખી. બન્ને એકસાથે ચાલ્યા કરતાં. રાતે ૧૦ વાગ્યે શો પતાવીને પછી ગાવા માટે સ્ટેજ પર પહોંચવાનું. એ સમયે નવરાત્રિ માટે આખી રાતની પરમિશન મળતી. પછી ધીમે-ધીમે ઍક્ટિંગનું કામ વધતું ગયું અને મ્યુઝિક ક્યાં પાછળ છૂટી ગયું એનું મને ધ્યાન પણ ન રહ્યું. અમુક બાબતમાં ભગવાનની ખરેખર મારા પર ખૂબ કૃપા રહી છે. ઍક્ટિંગમાં પણ મેં ભરપૂર એન્જૉય કર્યું છે, તો આ ફીલ્ડના ઑડ-વર્કિંગ અવર્સ વચ્ચે મને ફૅમિલી સપોર્ટ પણ ખૂબ મળ્યો છે. મારી પોતાની લાઇફ પરથી જ મને સમજાયું કે તમારામાં ગમે એટલી ટૅલન્ટ હોય, ગમે એટલા આગળ વધવાનું પૉટેન્શિયલ ધરાવતાં હો, પણ જો તમને પરિવારનો સપોર્ટ ન મળે તો તમારી આવડત મુરઝાઈ જવાની પૂરી શક્યતા રહે છે.
ખભેખભો મિલાવીને સાથે ચાલવાનો અર્થ શું થાય?
અર્થ છે કે ઍડ્જસ્ટમેન્ટ માટે તૈયાર રહેવું. જ્યારે તમે ડેઇલી સોપમાં કામ કરતા હો ત્યારે તમારા વર્કિંગ-અવર્સ બહુ લાંબા હોય. એવા સમયે આજ સુધી સાથ આપવાનું કામ મારા હસબન્ડે કર્યું છે. એ પણ કોઈ ઉપકાર-ભાવથી નહીં, પણ ઇક્વલ રિસ્પેક્ટ સાથે; હા, આ તારું કામ છે અને તારે પણ સવારે વહેલું નીકળવું પડે અને તું પણ રાતે મોડે સુધી કામ કરી શકે. એ રીતે જ્યારે તમારા કામ સાથે રિસ્પેક્ટફુલી તમને સપોર્ટ આપવામાં આવે ત્યારે ભાર બહુ હળવો થઈ જાય છે. અફકોર્સ, મારા હસબન્ડ પણ આ જ ક્ષેત્રના છે એટલે તે આ ઇન્ડસ્ટ્રીની રીતભાતને બહુ સારી રીતે ઓળખે છે, પણ અહીં વાત પૂરી નથી થઈ જતી. વાત વ્યક્તિના ઍટિટ્યુડની પણ છે.
મારે માટે તો હું મારા મિત્ર સાથે જ લગ્ન કરતી હોઉં એ રીતે અમે બન્ને પરણ્યાં છીએ. મહિલાઓ કામ કરતી હોય એ પછી પણ તેના પર અમુક કમિટમેન્ટ હોય છે. તમે પરિવારનો હિસ્સો છો એટલે સાવ કરીઅરને સાઇડલાઇન ન કરી શકો અને એ જ રીતે તમે કરીઅર માટે ફૅમિલીને પણ સાઇડલાઇન ન કરી શકો. મારી દૃષ્ટિએ આ બન્ને એક્સ્ટ્રીમ ખોટાં છે. ક્યાંક ને ક્યાંક તમારે સંતુલન શોધવાનું છે અને સંતુલન શોધવા માટે પરિવારની પણ મદદ લેવાની છે.
કરીઅર-વુમન બન્યા પછી તમારે સારા હ્યુમન બીઇંગ રહેવાનું છે, પણ અફસોસની વાત એ છે કે ઘણી સ્ત્રીઓ સેલ્ફ-સેન્ટર્ડ થઈને એ વાત ભૂલી જાય છે, તો ઘણી સ્ત્રીઓ પરિવાર અને બાળકો માટે પોતાની કારકિર્દીનો ભોગ આપી દે છે અને પછી સમય જતાં ભરપૂર પસ્તાય છે. હું ફરી-ફરીને કહું છું કે તમારે બૅલૅન્સ શોધવાનું છે, તમારે ફાઇનૅન્શિયલી એમ્પાવર થવાનું છે એમાં તમને તમારી કરીઅર મદદ કરશે, પરંતુ સાથે તમારે સાઇકોલૉજિકલી અને ઇમોશનલી પણ એમ્પાવર થવાનું છે, જેમાં તમને તમારો પરિવાર, તમારા પ્રિયજનો, તમારો પાર્ટનર, સંતાનો મદદ કરશે. આ જે પ્રકારની લાઇફ છે, લાઇફસ્ટાઇલ જે પ્રકારની ઘડાઈ ગઈ છે અને જરૂરિયાતો જે પ્રકારે ઊભી થવા માંડી છે એ જોતાં હું કહીશ કે હસબન્ડ અને વાઇફ બન્ને જણ અર્ન કરે એ બહુ મહત્ત્વનું છે, પણ એ માટે હાઉસહોલ્ડ જવાબદારી પણ બન્ને પક્ષ વચ્ચે સરખી જ આવતી હોય છે.
ત્રીસ વર્ષની મારી કારકિર્દીમાં મેં મારા બે યંગ ભાઈઓ ગુમાવ્યા. મારાં મમ્મી, સસરા એમ નજીકનાં ઘણાં સ્વજનને જતાં જોયાં. ઍક્ટર તરીકે જે રફ્તારમાં કામ કરવાનું હોય એમાં ઘણી વાર પોતાના આ દુઃખને પ્રોસેસ થવા દેવાનો, દુઃખને જીરવવા માટે જાતને તૈયાર કરવાનો સમય પણ નથી મળ્યો. એ સમયે બહુ મોટો આધાર બનીને મારા હસબન્ડ મારા પડખે રહ્યા. આને કહેવાય ઇમોશનલ સપોર્ટ અને કદાચ આમ જ ઇમોશનલી સ્ટ્રૉન્ગ થવાતું હશે. ઍક્ટર તરીકે જ્યારે તમારી પાસે સતત કામ હોય ત્યારે તમારાં રોજબરોજનાં કમિટમેન્ટ્સ પૂરાં કરવાનાં હોય ત્યારે લાગણીઓને ભાવ આપવાનો તમને અવકાશ નથી મળતો.
શો મસ્ટ ગો ઑન.
આ લાઇન સાંભળવામાં સારી લાગે, પણ પ્રૅક્ટિકલ લાઇફમાં એ અમલ કરવી કે પછી એને જીરવવી બહુ અઘરી છે. દરેક ઍક્ટર પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક શો મસ્ટ ગો ઑનના દબાણમાં સપડાયો હશે અને મહામહેનતે એ સમયે તેણે પોતાની જાતને સાચવી હશે. મારા જીવનમાં કહું તો આ તમામ સંજોગોમાં મારા ડ્રાઇવિંગ ફોર્સ બનવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ મારા હસબન્ડ અને દીકરો છે. એ વાત આપણે માનીએ કે ન માનીએ, પણ આજેય આપણે પુરુષપ્રધાન સમાજમાં જીવીએ છીએ ત્યારે દરેક પરિવારના સભ્યો એ વાત સમજતા થઈ જાય કે દરેક સ્ત્રીને પગભર થવાનો અધિકાર છે અને એ માટેની મોકળાશ આપવાનું શરૂ કરે, એ બાબતનું સેલિબ્રેશન કરતા થઈ જાય તો મહિલાઓ અડધો જંગ તો પોતાના ઘરમાં જ જીતી જશે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)
(ત્રણ દસકાથી ગુજરાતી નાટક, સિરિયલ, ફિલ્મો અને હિન્દી સિરિયલોમાં પણ એટલાં જ જાણીતાં ઍક્ટ્રેસ સ્વાતિ શાહે ‘સાથ નિભાના સાથિયા’, ‘તીન બહુરાનિયાં’, ‘તેરે મેરે સપને’, ‘બા બહૂ ઔર બેબી’, ‘સાત ફેરોં કી હેરાફેરી’ જેવી અનેક સિરિયલો કરી છે. ફેવરિટ સાસનો તેમને ઝી રિશ્તે અવૉર્ડ મળ્યો છે તો સ્ટાર પરિવાર અવૉર્ડમાં ફેવરિટ જેઠાણીનો ખિતાબ જીતનારાં સ્વાતિ શાહ અત્યારે ‘ઝી’ ટીવીની ‘પ્યાર કા પહલા નામ : રાધા-મોહન’માં છે.)