અદૃશ્યમ... હર ઝૂઠ કુછ કહતા હૈ (પ્રકરણ ૫)

07 June, 2024 07:22 AM IST  |  Mumbai | Rashmin Shah

મિસિસ બલરાજ, તમે કેમ એ ભૂલો છો કે ફિલ્મ જોવા માટે ઘરમાં લાઇટ પણ હોવી જોઈએ!

ઇલસ્ટ્રેશન

‘શું કરે છે બાપ-દીકરી...’ કૉન્સ્ટેબલ પાટકરના ખભા પર હાથ રાખીને કસ્ટડીમાં દાખલ થતાંની સાથે ઇન્સ્પેક્ટર પરાશરે મીરા અને કમલની સામે જોયું, ‘તમે લોકોએ ‘દૃશ્યમ’ ‘દૃશ્યમ’ રમી લીધું હોય તો હવે ટૉપિક પર આવીએ...’

‘સર, જુઓ... તમારી કોઈ ભૂલ થતી હશે... અમે... અમે ક્યાંય ઇન્વૉલ્વ નથી.’ કમલ દોશી ઊભા થઈને તરત પરાશર પાસે આવ્યા, ‘તમે જેટલી ઇન્ક્વાયરી કરવી હોય એટલી કરી લો, અમને કોઈ વાંધો નથી; પણ અમને...’

‘મિસ્ટર દોશી, ઇન્ક્વાયરી થઈ ગઈ. હવે જજમેન્ટની વાત છે. નક્કી કરવાનું છે કે તમે બલરાજના મર્ડરમાં ઇન્વૉલ્વ છો કે પછી તમારી

ડૉટર... મીરા.’

‘બેમાંથી કોઈ નહીં...’

સટાક...

ડૉ. કમલ દોશીના ગાલ પર પરાશરનાં આંગળાંઓની છાપ પડી ગઈ.

‘ખોટું નહીં, ખોટું નહીં... સાચું બોલશો તો થર્ડ ડિગ્રીમાંથી રાહત મળશે, પણ જો ખોટું બોલશો તો આ માર પણ સહન કરવો પડશે અને પછી તમારે બધું સાચું પણ બોલવું પડશે...’ પરાશરે બન્ને હથેળી ઘસતાં ડૉક્ટરની સામે જોયું, ‘જો તમને સાચું બોલવામાં તકલીફ પડતી હોય તો હું લાઇનસર કહેતો જઉં...’

‘હા, તમે તમારી સ્ટોરી કરો... મને... મને કોઈ વાંધો નથી.’

‘તો સાંભળો સ્ટોરી મિસ્ટર દોશી...’ પરાશરે દાંત ભીંસીને કહ્યું, ‘તમે ઘણુંબધું સાચું બોલ્યા તો થોડું ખોટું પણ બોલ્યા અને સાથોસાથ તમે બધું છાવરવાની કોશિશ પણ કરી... ગણાવતો જઉં લાઇનસર...’

‘હા ગણાવો...’

‘તમે જે બિલ્ડિંગના પ્રેસિડન્ટ નથી રહ્યા એ બિલ્ડિંગનો ચાર્જ આજે પણ તમારી પાસે છે. ડૉક્ટર મિશ્રા પ્રેસિડન્ટ બન્યા, પણ એ જ રાતે તે અમેરિકા જવા માટે નીકળી ગયા અને તમે ઓનરરી પ્રેસિડન્ટ તરીકે જવાબદારી નિભાવતા રહ્યા. આ પહેલો પુરાવો કે તમે મર્ડર પહેલાં CCTV કૅમેરા બંધ થઈ જાય એવી અરેન્જમેન્ટ કરી...’ પરાશરે આંગળીના વેઢા પર વાત ગણાવવાની ચાલુ કરી, ‘બલરાજ ડબ્બા ટ્રેડિંગ કરતો અને એમાં તે સવાત્રણ કરોડ રૂપિયા ખાઈ ગયો. સવાત્રણ કરોડ! એક્ઝૅક્ટ આંકડો કેવી રીતે તમારી પાસે આવ્યો... નંબર ત્રણ... જે જગ્યાએ બલરાજનું મર્ડર થયું એ મેડિકલ સ્ટોર તમારો જ છે, પણ તમે હજી સુધી ક્યાંય એ વાત કહી નથી. અફકોર્સ, મેં પણ પૂછી નથી, પણ તમે પણ એ વાત બોલ્યા નથી... તમારા એ મેડિકલ સ્ટોરમાંથી તમારા ક્લિનિકમાં સરળતા સાથે અવરજવર થઈ શકે એ માટે સીડીની પણ અરેન્જમેન્ટ છે જે તમે વર્ષોથી રાખી છે.’

‘પણ એ બધાથી...’

‘સાંભળોને સાહેબ... પ્રેમથી કહું ત્યારે સાંભળી લેશો તો વધારે મજા આવશે. બાકી...’ પરાશરે ફરી બન્ને હાથની હથેળી ઘસી, ‘બલરાજનું મર્ડર થયું એ જે પિસ્ટલ હતી એને તમે આખી ઘટનામાં ભૂલી જ ગયા. બલરાજ ઑફિશ્યલ લાઇસન્સવાળી પિસ્ટલ રાખતો હતો, જેનું રજિસ્ટ્રેશન પોલીસ-રેકૉર્ડમાં છે. બલરાજની જ પિસ્ટલથી તેનું મર્ડર થાય એ સરળતાથી ગળે ઊતરે એવી વાત નથી... પણ થયું અને એ પણ બલરાજનું જ મર્ડર થયું; જેનો સીધો હિસાબ એવો નીકળે કે એ પિસ્ટલ તમને તમારી દીકરીએ જ આપી હોય, જે ચારેક મહિના પહેલાં મીરાએ બલરાજ પાસેથી લઈ લીધી હતી.’

પરાશર મીરા તરફ ફર્યા.

‘રાઇટ મીરા...’

‘એનો અર્થ તો એવો પણ થાય કે મર્ડર મેં કર્યું છે, પપ્પાએ નહીં...’

‘એક્ઝૅક્ટ્લી... એવો અર્થ થઈ શકે, પણ પહેલાં પપ્પાનું કોર્ટ માર્શલ પૂરું કરીએ?’ પરાશર ફરીથી કમલ દોશી સામે ફર્યા, ‘તમે બલરાજના અફેરની વાત કરો છો, પણ પછી એમ પણ કહો છો કે કયા ડૉક્ટરે તમને વાત કરી એ અત્યારે તમને યાદ નથી. તમે જ એ વ્યક્તિ છો જે એવું કહે છે કે બલરાજ તમારા જ બિલ્ડિંગમાંથી છોકરીઓનાં આંતરવસ્ત્રો લઈ જતો અને એનું પેમેન્ટ તમે કરી દેતા જે હળાહળ ખોટું છે અને બીજી વાત... એ આખી વાત તમે ઊભી પણ એ જ કારણે કરી કે તમે પોલીસમાં એવું એસ્ટૅબ્લિશ્ડ કરી શકો કે બલરાજ એ ગાર્મેન્ટ્સ તેની ગર્લફ્રેન્ડ માટે લઈ જતો હતો; પણ તમે એ ભૂલી ગયા કે ઘરમાં જ, વાઇફને જ અપાયેલાં એ કપડાંઓ પણ ચાડી ખાઈ શકે...’

પરાશરે મીરા સામે જોયું.

‘મિસિસ મીરા, મેં તમારા બાથરૂમનો બે વખત ઉપયોગ કર્યો. સૉરી, બન્નેમાંથી એક પણ વાર મેં કમોડ ખરાબ નથી કર્યું. હકીકતમાં મારે એ જોવું હતું કે અંદર રહેલાં તમારાં અન્ડરગાર્મેન્ટ્સ બ્રૅન્ડેડ છે કે નહીં અને એ જ કંપનીનાં છે કે નહીં જેનું બુટિક તમારા ફાધરના ક્લિનિકવાળા બિલ્ડિંગમાં જ આવ્યું છે. એ બધામાં મને ખબર નથી પડતી તો સાથોસાથ સાઇઝ પણ મૅટર કરે છે. તમે એવી દલીલ કરી શકો કે હું જે સાઇઝ પહેરું છું એ સાઇઝ અને બલરાજ ખરીદતો એ સાઇઝ એક હતી જ નહીં... અહીં અમને હેલ્પ કરી એ જ બુટિકની મૅનેજરે અને તેણે કન્ફર્મ કર્યું કે બન્ને એટલે કે તમારી પાસે છે એ અને

બિલમાં દેખાડે છે એ બન્ને સાઇઝ એક જ છે...’

‘ડૉક્ટર દોશી...’ પછી અચાનક જ પરાશર મીરા તરફ પાછા વળ્યા, ‘તમે પણ મર્ડરમાં તો ક્યાંક ઇન્વૉલ્વ છો જ, કારણ કે તમે એવું મોટું એક બ્લન્ડર માર્યું જેણે મને તમને મળ્યાના પહેલા જ દિવસે વિશ્વાસ અપાવી દીધો કે તમે ક્યાંક તો ઇન્વૉલ્વ છો. શું કહ્યું હતું તમે, ઘટનાની રાતે તમે શું કરતાં હતાં?’

‘હું... હું... ઘરે જ હતી, ફિલ્મ જોતી હતી.’

‘રાઇટ... ફિલ્મ ‘તમાશા’ હતી, બરાબર...’

‘હા... ને એ સાચું છે.’

પરાશરના ચહેરા પર સ્માઇલ આવી ગયું.

‘મિસિસ બલરાજ, તમે કેમ એ ભૂલો છો કે ફિલ્મ જોવા માટે ઘરમાં લાઇટ પણ હોવી જોઈએ! સોમવારે જ્યારે ઘટના બની એ રાતે સાડાદસ વાગ્યે આપણી કમલેશ્વર સોસાયટીમાં ઇલેક્ટ્રિસિટીના ફૉલ્ટને કારણે સોસાયટીની ત્રણ વિંગમાં લાઇટ જ નહોતી. ક્યાં, આપણી કમલેશ્વર સોસાયટીમાં...’ પરાશરે ફરીથી કૉન્સ્ટેબલ પાટકરના ખભા પર હાથ મૂક્યો, ‘પાટકર, તને પણ કહેવાનું રહી ગયું કે મને હજી ક્વૉર્ટર નથી મળ્યું એટલે હું કમલેશ્વર સોસાયટીમાં રેન્ટ પર રહું છું અને ઘટનાની રાતે હું પણ ગરમીમાં બરાબરનો બફાયો હતો...’

‘ઓહ સર...’

‘ઓહ નહીં...’ કૉન્સ્ટેબલ પાટકરના પેટમાં મુક્કો મારતાં પરાશરે કહ્યું, ‘તારે તો આહ કરવાનું હોય...’

બેવડ વળી ગયેલા પાટકરને સવાલ પૂછ્યા વિના જ પરાશરે જવાબ આપી દીધો.

‘જે દિવસે બુટિકની મૅનેજર અને લેડી કૉન્સ્ટેબલ મીરાના ઘરે તપાસ માટે ગઈ ત્યારે તું મીરા સાથે ઘરમાં હતો અને લેડી કૉન્સ્ટેબલ તારા બાવડા પર કરેલા કોબ્રાના ટૅટૂને ઓળખી ગઈ એમાં મને આ નવી કડી મળી કે આ મર્ડરકેસમાં ક્યાંક ને ક્યાંક મીરાના બૉયફ્રેન્ડનો એટલે કે તારો હાથ છે અને તારો હાથ હોવાનો સૌથી મોટો પુરાવો તને વેપન રિપોર્ટ મગાવવાનો કહ્યો એ પછી તેં આજ સુધી એ ​રિપોર્ટ સબમિટ કર્યો નહીં, કારણ કે તારે પિસ્ટલ પહેલાં સગેવગે કરવાની હતી.’

પાટકરને મીરા અને કમલ દોશી તરફ ધક્કો મારતાં પરાશરે હાથ ખંખેર્યા.

‘અડધો કલાક, ત્રીસ મિનિટ... ફરીથી આવું છું. આખી ઘટના ક્રમબદ્ધ કહી દેશો તો એક લાભ થશે, ગાલ લાલ નહીં થાય...’

lll

‘બલરાજથી હું બહુ થાકી ગઈ હતી... બલરાજ ખરેખર બહુ હરામી માણસ હતો. બલરાજ અને કૌશિક પાટકર બન્ને ફ્રેન્ડ બની ગયા અને એ ફ્રેન્ડશિપને કારણે મારે પણ તેને મળવાનું થવા માંડ્યું.’ મીરાએ વાતની શરૂઆત કરી, ‘બલરાજથી છૂટા પડી જવું જોઈએ એવું પહેલું સજેશન પણ પાટકરે જ મને આપ્યું, પણ મેં એને સિરિયસ્લી લીધું નહીં. એક વખત તેની હાજરીમાં જ બલરાજે મારા પર હાથ ઉપાડી લીધો એ પાટકરથી જોવાયું નહીં એટલે તેણે નક્કી કર્યું કે તે બલરાજને મારી નાખશે... પણ અમે તેને રોક્યો.’

‘અમે એટલે ખાસ તો મેં...’ વાત કમલ દોશીએ ઉપાડી, ‘બલરાજ મોટા ભાગે પોતાના પૈસા મારે ત્યાં મૂકતો અને પછી જરૂર પડે ત્યારે એ લઈ જતો. બલરાજના બ્લૅકના બધા પૈસા અમારા મેડિકલ સ્ટોરમાં રહેતા. મેં આ બન્નેને કહ્યું કે જો બલરાજને દૂર જ કરવાનો હોય તો એક વખત બલરાજ મોટી રકમ લઈને આવે એ પછી આ કામ કરવું જોઈએ અને એ બન્ને પણ સહમત થયાં. એકાદ મહિનો થયો હશે ત્યાં બલરાજ પાસે ગુજરાતથી સવાત્રણ કરોડ આવ્યા અને બલરાજ એ પૈસા મારે ત્યાં મૂકી ગયો. હવે મેં નક્કી કર્યું કે અમારે કામને આગળ વધારી દેવું એટલે ઘટનાની રાતે મેં પાટકરને કહીને બલરાજની જ પિસ્ટલ મગાવી લીધી. પાટકર અને બલરાજ તો આમને-સામને આવી શકે નહીં, એ લોકોને વ્યવહાર જ નહોતો એટલે આખી ઘટનામાં મારે આગળ રહેવાનું હતું. એ રાતે મેં બલરાજને બોલાવ્યો. બલરાજ પહેલાં તો આવવા તૈયાર નહોતો એટલે મેં તેને વૉટ્સઍપ કૉલમાં કહ્યું કે ઇન્કમ ટૅક્સ ચેકિંગ મારે ત્યાં આવે એવા ચાન્સિસ છે, તું મારે ત્યાંથી પૈસા ઉપાડી લે. નૅચરલી, બલરાજ આવવા તૈયાર થઈ ગયો.’

‘બલરાજ તો રાતે દસ વાગ્યે આવી ગયો હતો; પણ દસ વાગ્યે તો એ એરિયામાં બધા જાગતા હોય, અવરજવર હોય એટલે અમારે તેને સાચવી રાખવો પડે એમ હતું.’ વાત મીરાએ આગળ ધપાવી, ‘હું પપ્પાના ક્લિનિક પર પહેલાં પહોંચી ગઈ અને બલરાજને લઈને શિવસાગર પહોંચી ગઈ. પછી અમે ત્યાં જ જમ્યા અને ફર્યા પણ એ જ એરિયામાં. બલરાજને બીજા દિવસે દિલ્હી જવું હતું એટલે તે ઉતાવળ કરતો હતો, પણ વાતો-વાતોમાં મેં તેને વધારે ડ્રિન્ક્સ લેવડાવી લીધું. મનમાં બે વાત હતી. એક ડ્રિન્ક્સ લીધેલો હશે તો સચવાયેલો રહેશે અને બીજું, ડ્રિન્ક્સ લીધું હશે તો પપ્પાની સામે નહીં થાય. બલરાજ સાથે મહામહેનતે સાડાબાર વગાડ્યા અને પછી હું તેને લઈને ગોલ્ડન પોર્ટિકો બિલ્ડિંગ પહોંચી. ઉપર પપ્પા પહેલેથી આવી ગયા હતા, જે ક્લિનિકમાં હતા. હું નીચે જ ઊભી રહી અને પપ્પા ક્લિનિકમાંથી આવ્યા. બલરાજે વધારે પડતું ડ્રિન્ક્સ લીધું હોવા છતાં રોજ પીવાની આદતને કારણે તેનામાં એનર્જી સારી હતી. તેની જીભ થોથવાતી હતી, પણ તે સ્વસ્થ રીતે ઊભો રહી શકતો હતો.’

‘શૉપનું શટર ખોલવા માટે હું નીચે બેસતો હોઉં એવી રીતે નીચે બેઠો, પણ મારું ધ્યાન બલરાજ પર હતું...’ ડૉ. કમલ દોશીએ કડી જોડી, ‘હું શટર ખોલવાની ઍક્ટિંગ કરતો હતો એ દરમ્યાન બલરાજે મોબાઇલ ફોનમાં કંઈ કરવાનું શરૂ કર્યું. તે ગાફેલ હોય એવું મને લાગ્યું એટલે મેં ધીમેકથી સાઇલેન્સર લગાડી પિસ્ટલ કાઢીને તેના પેટમાં ગોળી મારી દીધી. મને એમ કે એક ગોળીથી તે મરશે નહીં, પણ ખબર નહીં... કદાચ તેના શ્વાસ આટલા જ લખાયા હશે અને તે...’

‘પાટકરનો રોલ શું હતો?’

‘પોલીસ-સ્ટેશનમાં શું ચાલે છે એના પર ધ્યાન રાખવાનો અને અમને અવેર કરવાનો...’

‘બસ, આટલો જ?’

‘જો બધું પાર પડે તો એકાદ વર્ષ પછી હું તેની સાથે મૅરેજ કરવાની હતી અને બલરાજના જે પૈસા પડ્યા છે એનાથી અમે લોકો બિઝનેસ શરૂ કરવાના હતા...’

‘બિઝનેસ તો દૂર રહી ગયો પાટકર... તારી તો અત્યારની આ દુકાન પણ બંધ થઈ ગઈ... હવે?’

પાટકર પાસે જઈને ઇન્સ્પેક્ટર પરાશરે તેના ગાલ પર હાથ ફેરવ્યો. પાટકરની આંખમાં આંસુ આવ્યાં અને જેવાં એ આંસુ ગાલ પર આવ્યાં કે પરાશરનાં પાંચ આંગળાં એ ગાલ પર ઊપસી આવ્યાં.

સટાક...

(સમાપ્ત)

columnists Rashmin Shah