અદૃશ્યમ... હર ઝૂઠ કુછ કહતા હૈ (પ્રકરણ ૪)

06 June, 2024 07:35 AM IST  |  Mumbai | Rashmin Shah

સાચું કહું તો બલરાજના મર્ડરમાં કોણ છે એ જાણવામાં મને દૂર-દૂર સુધી ઇન્ટરેસ્ટ નથી

ઇલસ્ટ્રેશન

અદૃશ્યમ... હર ઝૂઠ કુછ કહતા હૈ (પ્રકરણ ૧)

‘મૅમ, સૅમસંગમાંથી આવું છું...’

‘હા, બોલો...’ મીરાએ સહજ રીતે પૂછ્યું, ‘મારી કોઈ ફરિયાદ નથી...’

‘હા, પણ સોસાયટીએ પ્રોડક્ટ ચેક-અપ માટે ટાઇઅપ કર્યું છે... આઇ થિન્ક...’ છોકરીએ હાથમાં રહેલા લિસ્ટ પર નજર કરતાં કહ્યું, ‘તમારે ત્યાંથી કોઈએ લખાવ્યું છે કે અમારે ત્યાં ફ્રિજ અને ટીવી સૅમસંગનાં છે... જો તમે કહેતાં હો તો હું ચેક કરી લઉં?’

‘મારે બહાર જવાનું છે...’

‘બે મિનિટ લાગશે... માત્ર પાવર ફ્લક્ચ્યુએશન જ ચેક કરવાનું છે.’

‘ના, પણ એવો કોઈ ઇશ્યુ અમારે ત્યાં નથી...’

છોકરીનું કામ આમ પણ પૂરું થઈ ગયું હતું. તેણે જે જોવાનું હતું, જે ઑબ્ઝર્વ કરવાનું હતું એ સહજ રીતે કરી લીધું હતું.

‘તમે સાઇન કરી આપશો, હું વિઝિટ માટે આવી એ માટે... પ્લીઝ.’

મીરાએ કોઈ દલીલ વિના તરત પેપર હાથમાં લઈને સાઇન કરી આપી અને ફ્લૅટનો દરવાજો બંધ કરી દીધો.

છોકરીએ બાજુમાં રહેલી તેની પાર્ટનર સામે સ્માઇલ કર્યું અને દબાયેલા અવાજે જવાબ આપી દીધો, ‘૩૪... કપ-સાઇઝ બી.’

સિવિલ ડ્રેસમાં રહેલી લેડી કૉન્સ્ટેબલે જવાબ તો મનમાં સ્ટોર કરી લીધો, પણ તેના મનમાં હજી પણ એક આશંકા હતી.

lll

‘સર, મને એવું લાગ્યું કે મીરાના ફ્લૅટમાં કોઈ છે... જે બહાર ન આવે કે બહારનું કોઈ જુએ નહીં એની તે બહુ કૅર કરતી હોય એવું લાગતું હતું.’

‘તે ભલે કૅર કરે... જો તેણે ક્રાઇમ કર્યો હશે તો હન્ડ્રેડ પર્સન્ટ ફ્લૅટમાં જે હશે તે પણ ખુલ્લો પડશે...’ ઇન્સ્પેક્ટર પરાશરે અન્ડરગાર્મેન્ટ્સ સ્ટોરની મૅનેજર સામે જોયું, ‘બલરાજ જે કંઈ તમારે ત્યાંથી લઈ જતો હતો એ પ્રોડક્ટની સાઇઝ કઈ હતી?’

‘સેમ સર...’

‘હં...’ પરાશરે કૉન્સ્ટેબલ પાટકર સામે જોયું, ‘ડૉ. કમલ દોશીને બોલાવો, તેની સાથે આજે

સત્સંગ કરીએ.’

lll

‘તમારા જમાઈનાં જે કારનામાં છે એનાથી કંટાળ્યા પછી તમને થતું નહોતું કે તમે એક વખત દીકરીને ડિવૉર્સની દિશામાં સમજાવો, બન્નેના ​રિલેશનને એન્ડ આપો.’

‘મેં તમને કહ્યું હતુંને, હું તો તૈયાર હતો; પણ સાહેબ, તે જ માનતી નહોતી.’ ડૉક્ટર દોશીની આંખો સહેજ ભીની થઈ, ‘કહેતી કે હવે તો બાળક થઈ ગયું, હવે જુદા પડીને શું કરવાનું... બસ, તમે લોકો સાથ આપશો તો મારો સમય

કપાતો રહેશે...’

‘તમે કઈ રીતે સાથ આપતા?’ ઇન્સ્પેક્ટર પરાશરે ચોખવટ પણ કરી, ‘કઈ રીતે દીકરી સાથે તમે જોડાયેલા રહેતા?’

‘આમ તો હું શું કરી શકવાનો, પણ... શક્ય હોય તો વીકમાં બે-ત્રણ દિવસ તેને અમારે ત્યાં બોલાવી લઈએ, બહુ લાગે તો એકાદ-બે દિવસ હું અને મારી વાઇફ તેને ત્યાં રહેવા જતાં રહીએ... બસ, આમ સમય ખેંચ્યા કરીએ.’

‘બલરાજને છેલ્લે કોઈની સાથે લફરું થયું હોય એવું...’

‘દોઢેક વર્ષથી હતું... બાઈની તો ખબર નથી, પણ તે બાંદરામાં ક્યાંક રહે છે. છેલ્લા ચારેક મહિનાથી તો મોટા ભાગે ત્યાં જ પડ્યો રહેતો...’

‘ડૉક્ટરસાહેબ, થૅન્ક્સ નવી વાત શૅર કરવા માટે; પણ મારું પૂછવું એમ હતું કે તે જે ગુંડાગીરી કરતો એમાં કોઈની સાથે તેનું છેલ્લે ક્યાંય લફરું થયું હોય તો...’

‘ઓહ... એમ... એમ તો તેનાં બધાં સાથે લફરાં થતાં જ રહેતાં; પણ હા, મને યાદ છે ત્યાં સુધી છેલ્લા થોડા મહિનાથી તેણે ગુજરાતમાં ડબ્બા ટ્રેડિંગ શરૂ કર્યું એમાં કંઈક સવાત્રણ કરોડનો ઇશ્યુ થયો હતો.’

‘એ શું હતું?’

‘કોઈ તેની પાસે સવાત્રણ કરોડ માગતું હતું અને બલરાજ તેને પૈસા નહોતો આપતો... જેને લીધે તેને ફોન પણ બહુ આવતા. ફોનમાં ગંદી ગાળો પેલો પણ આપે અને આ બાજુથી બલરાજ પણ આપે. બલરાજ તો તેને મારવા સુધી તૈયાર થઈ ગયો હતો.’

‘ઓહ...’

‘તમે બલરાજને છેલ્લે ક્યારે મળ્યા હતા?’

‘હં...’ ડૉ. કમલ દોશીએ કહ્યું, ‘લગભગ પાંચેક મહિના પહેલાં અને એ પણ ઍરપોર્ટ પર. હું અમદાવાદ જતો હતો અને તેને રાજકોટ જવાનું હતું... ત્યારે બે-ચાર મિનિટ પૂરતા મળ્યા. બાકી હું તેના ઘરે જઉં તો તે હોય નહીં ને મીરા ઘરે આવી હોય તો તે સાથે આવ્યો ન હોય...’

‘રાઇટ... સમજી ગયો.’ ઇન્સ્પેક્ટર પરાશરે હવે વાત પહેલાંવાળા લફરા પર ફેરવી, ‘તમે છોકરીના લફરાની કંઈક વાત કરતા હતા... એ શું હતું?’

‘નામ તો મને નથી ખબર, પણ બાંદરામાં તેને કોઈની સાથે સંબંધો હતા.’

‘બલરાજે જ તમને વાત કરી હતી?’

‘શું સાહેબ, એવું બને કોઈ દિવસ?!’ ડૉ. કમલ દોશીએ કહ્યું, ‘મને મારા એક ડૉક્ટર-ફ્રેન્ડ પાસેથી ખબર પડી... અત્યારે મને તેનું નામ નહીં પૂછતા, યાદ નથી એ નામ; પણ મેડિકલ અસોસિએશનની મીટિંગમાં મને તે ડૉક્ટરે કહ્યું હતું કે તમારા જમાઈ હમણાં અમારા પાડોશની સોસાયટીમાં બહુ જોવા મળે છે.’

‘પાડોશની સોસાયટીમાં? તો-તો આપણે એ સોસાયટી વિશે આરામથી જાણી શકીએને કે તે છોકરી...’

‘બાઈ...’

‘વૉટેવર... પણ તે જ્યાં રહે છે ત્યાં સુધી આપણે આરામથી પહોંચી શકીએ.’

‘તમને કહ્યુંને, તે ડૉક્ટરનું નામ પણ મને તો અત્યારે યાદ નથી.’

‘તમને જ નહીં, તમારા જમાઈને સુધ્ધાંને ઓળખે છે અને તમને તે ડૉક્ટરનું નામ યાદ નથી... સ્ટ્રેન્જ.’ ઇન્સ્પેક્ટર પરાશરે આંખો પહોળી કરી, ‘હશે, અત્યારે તો આપણા માટે એ સાઇડ ઇમ્પોર્ટન્ટ હોય એવું લાગતું નથી એટલે લેટ્સ ફોકસ ઑન બલરાજ ઓન્લી. બલરાજના મર્ડરમાં મને એક ચાન્સ એ દેખાય છે કે...’

પરાશરે પોઝ લીધો અને કમલ દોશીની આંખોમાં અચરજ આવ્યું.

‘પેલો જે માણસ હતો, સાડાત્રણ કરોડ લેવાના હતા તે.’ ઇન્સ્પેક્ટર પરાશરે કહ્યું, ‘બને કે પૈસાની બોલાચાલી વધારે પડતી થઈ ગઈ હોય અને પેલા માણસે બલરાજનું મર્ડર કર્યું હોય. ચાન્સ છે, આપણે શ્યૉર નથી...’

‘ઓકે... મને પણ એવું જ લાગે છે કે આ કામ પૈસાને કારણે જ થયું હશે.’

‘હં... પણ એક પ્રશ્ન છે ડૉક્ટરસાહેબ. બલરાજને મારવા માગતા માણસે તમારી હૉસ્પિટલવાળું બિલ્ડિંગ જ કેમ પસંદ કર્યું? તેને કેમ ખબર પડી કે બલરાજ એ સમયે આ જ બિલ્ડિંગ પાસે હશે?’

‘એ તો કેમ ખબર પડે?’ કમલ દોશીએ અનુમાન લગાવ્યું, ‘બને કે કદાચ બલરાજે જ તે માણસને અમારા બિલ્ડિંગ પાસે બોલાવ્યો હોય.’

‘છેક રાતે બાર વાગ્યા પછી?’ પરાશરે શંકા વ્યક્ત કરી, ‘જો તેણે બાર વાગ્યા પછી જ પેલાને મળવું હતું તો મુંબઈમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં અવરજવર નથી હોતી કે પછી શાંતિ હોય છે. સી-પ્રિન્સેસ સામે જ મળવા બોલાવવાનું કારણ...’

‘એ તો એવું પણ બનેને કે તે બન્ને સી-પ્રિન્સેસમાં જ બેઠા હોય અને પછી વાતો કરતાં મારા બિલ્ડિંગ પાસે આવી ગયા હોય...’

‘તમારી વાત સાથે સહમત થયો હોત જો સી-પ્રિન્સેસના CCTV કૅમેરામાં બલરાજ દેખાયો હોત... અને અનફૉર્ચ્યુનેટલી ગોલ્ડન પોર્ટિકો એટલે કે તમારા બિલ્ડિંગના કૅમેરા તો એ જ દિવસે રિપ્લેસમેન્ટ માટે ગયા એટલે એમાં કશું રેકૉર્ડ થયું નહીં.’

‘યસ, અનફૉર્ચ્યુનેટલી...’

ઇન્સ્પેક્ટર પરાશરે ગૂગલી ફેંકી.

‘ગોલ્ડન પોર્ટિકો બિલ્ડિંગના પ્રેસિડન્ટ તમે જ છોને?’

‘ના, એ તો ગઈ ટર્મમાં... આ ટર્મમાં તો થર્ડ ફ્લોર પર જે ડૉક્ટર છે એ મિશ્રાજી આવી ગયા છે.’

‘ઓહ, એવું છે...’

‘હા... હવે તે પ્રેસિડન્ટ છે.’

‘હં...’ ઇન્સ્પેક્ટર પરાશરે હાથ લંબાવ્યો, ‘થૅન્ક્સ ફૉર ધ કો-ઑપરેશન ડૉક્ટરસાહેબ. તમે તમારા કામમાંથી સમય કાઢીને આવો છો, બધી ઇન્ક્વાયરીમાં સહકાર આપો છો એ બદલ આપનો ખૂબ-ખૂબ આભાર...’

‘અરે, એમાં શું છે, આ તો મારી ડ્યુટી છે...’ ડૉક્ટર દોશી ઊભા થયા અને બીજી જ સેકન્ડે તેમણે નરમાશ સાથે કહ્યું, ‘જો ઑફ ધ રેકૉર્ડ વાત કરવાની છૂટ હોય તો હું તમને એક વાત કહું?’

‘અરે, શ્યૉર...’ પરાશરે નિખાલસતા સાથે કહ્યું, ‘આપણી વાત આપણી વચ્ચે જ રહેશે અને જો ઑફર આપો તો એ પણ...’

ડૉ. કમલ દોશી ખડખડાટ

હસી પડ્યા.

‘અરે, ઑફર શું આપવાની સાહેબ... જે છે તે એક જ દીકરી છે. બાકી બધું આ દેશનું જ છે. કહેતા હો તો અત્યારે માગો એ લખી આપું. તમે છો એટલે તો અમે સુરક્ષિત છીએ, બહાર ફરી શકીએ છીએ...’

‘સો કાઇન્ડ ઑફ યુ... બધા ક્યાં આવું વિચારે છે સર...’ પરાશરે મૂળ વાતનું અનુસંધાન બાંધ્યું, ‘તમે કંઈક કહેવા માગતા હતા?’

‘હા...’ પરાશરની સહેજ નજીક આવીને કમલ દોશીએ કહ્યું, ‘આ કેસમાં તમે કોઈ તપાસ ન કરો કે પછી આ કેસને તમે એમ જ બંધ કરી દો તો પણ અમારા તરફથી તમે નિષ્ફિકર રહેજો. સાચું કહું તો બલરાજના મર્ડરમાં કોણ છે એ જાણવામાં મને દૂર-દૂર સુધી કોઈ ઇન્ટરેસ્ટ નથી. તેનું એ જ થયું છે જેવાં તેનાં કર્મ હતાં.’

પરાશરે હકારમાં મસ્તક

નમાવ્યું કે તરત કમલ દોશીએ ચોખવટ કરી લીધી.

‘મેં મારા મનની વાત કરી છે. આ વાતને ક્યાંય બીજી કે ત્રીજી રીતે લેવા કે જોવાની જરૂર નથી. તમે કહેશો એટલી વાર હું ઇન્ક્વાયરી માટે આવી જઈશ, કહેશો તો અહીં પોલીસ-સ્ટેશનની બહાર પણ બેસી રહીશ; પણ સાહેબ, એક વાત છે. ન્યાય પણ તેને મળવો જોઈએ જે ન્યાયને લાયક હોય. બલરાજમાં એ લાયકાત પણ નહોતી.’

‘જો તમારા જેવું બધા વિચારવા માંડે તો ખરેખર આ દેશમાં કાયદાનો સમય બચે અને બચેલો એ સમય યોગ્ય સત્ય શોધવામાં ઇન્વેસ્ટ થાય; પણ યુ બેટર નો, બધા

આવું વિચારતા નથી અને એ બધામાં અમારા પોલીસ-કમિશનર પણ સામેલ છે.’ ઇન્સ્પેક્ટર પરાશરે

ટેબલ પર પડેલી એક ફાઇલ હાથમાં લઈને કમલ દોશીને દેખાડી, ‘દર બે દિવસે ત્યાંથી લેટર આવી જાય કે પેન્ડિંગ કેસમાં ઇન્ક્વાયરી ક્યાં પહોંચી અને અમારે એનો

જવાબ પણ ચોવીસ કલાકમાં આપવાનો હોય...’

‘ઓહ, ટફ જૉબ...’

‘હા, પણ એટલી નહીં જેટલી ટફ જૉબ તમે અત્યારે નિભાવો છો...’

ઇન્સ્પેક્ટર પરાશરે આપેલા જવાબમાં રહેલા કટાક્ષને ઓળખવાની ક્ષમતા એ સમયે ડૉ. કમલ દોશીમાં નહોતી. તેમણે સહજ રીતે હાથ લંબાવ્યો.

‘નીકળું, ક્લિનિક પર પહોંચવાનું છે...’

‘પ્લીઝ...’

lll

‘સર, પણ આવું શું કામ?’

કૉન્સ્ટેબલ પાટકરને હજી પણ સમજાતું નહોતું કે ઇન્સ્પેક્ટર પરાશરે સવારથી ડૉ. કમલ દોશી અને મીરા બલરાજ પટેલને કેમ કસ્ટડીમાં લઈ લીધાં છે. બન્નેમાંથી એક પણ વ્યક્તિ ગુનો કબૂલ કરવા તૈયાર નથી એ પછી પણ પરાશર કેમ તેમની કોઈ વાત સાંભળવા તૈયાર નથી થતા.

‘પાટકર, બાપ-દીકરી બેઉ આપણને રમાડે છે...’ ઇન્સ્પેક્ટર પરાશરે કહ્યું, ‘બેઉને એમ હોય કે પોતે ‘દૃશ્યમ’ જેવી રમત કરશે ને પોલીસ ઊંધા રવાડે ચડી જશે તો એ તેમની ભૂલ છે. બીજી વાત, જો હેતુ સારો હોય તો પણ ક્રાઇમ એ ક્રાઇમ છે. કોઈના હિત માટે તમે મર્ડર કરવા નીકળી પડો તો એ ગેરવાજબી વાત છે...’

‘તો સાહેબ, મર્ડરમાં છે કોણ ઇન્વૉલ્વ?’ પાટકરે જિજ્ઞાસા સાથે પૂછ્યું, ‘બાપ કે દીકરી...’

‘બાપ અને નહીં તો દીકરી અને કાં તો...’ પાટકર સામે જોતાં ઇન્સ્પેક્ટર પરાશરે કહ્યું, ‘એ લોકોનો થનારો જમાઈ...’

‘હેં...’

‘હા... તું જોતો જા, આજ રાત આપણે અહીં જ રહેવાનું છે. સવારે તને બધી ખબર પડી જશે...’

(ક્રમશ:)

columnists Rashmin Shah