અદૃશ્યમ... હર ઝૂઠ કુછ કહતા હૈ (પ્રકરણ 3)

05 June, 2024 07:13 AM IST  |  Mumbai | Rashmin Shah

આખી વાર્તા વાંચો અહીં

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

‘સર... દર વખતે બલરાજ પોતે જ પૈસા આપતો... જુઓ, તમને 
એમાં બલરાજના નામની જ એન્ટ્રી જોવા મળશે...’
ઇન્સ્પેક્ટર પરાશર માટે આ નવી વાત હતી. તેણે આંકડાઓ પર નજર કરતાં-કરતાં જ વાઇન શૉપના મૅનેજરને સવાલ કર્યો...
‘બીજા કોની પાસેથી બલરાજ માલ લેતો?’
સવાલ તો પરાશરે મૅનેજરને પૂછ્યો હતો, પણ તેમના મનમાં પ્રશ્ન તો જુદો જ ઘૂમરાતો હતો : ડૉ. કમલ દોશી આવું ખોટું શું કામ બોલ્યા?
એ પછી મૅનેજરે શું જવાબ આપ્યો એ વાત પર ઇન્સ્પેક્ટર પરાશરનું ધ્યાન નહોતું. તે તો બિલકુલ પોતાના વિચારોમાં વ્યસ્ત હતા. આ વ્યસ્તતા વચ્ચે જ કૉન્સ્ટેબલ પાટકરે આવીને કહ્યું કે સુપરસ્ટોરના માલિક પણ આવી ગયા છે.
‘તુમ જાઓ...’ મૅનેજર ઊભો થયો એટલે તરત પરાશરે કહ્યું, ‘અહીં પાછળના દરવાજેથી નીકળી જા...’
મૅનેજર ગયો અને તેની ચૅર પર હવે સુપરસ્ટોરના માલિકે બેઠક લીધી.
‘બલરાજ તમારે ત્યાંથી 
માલ ખરીદતો?’
‘ક્યારેક-ક્યારેક... પણ તે અકાઉન્ટ જેવું નહોતો રાખતો. બધું કૅશમાં જ લેતો...’
સરપ્રાઇઝ.
પરાશરે મોટી થયેલી આંખોને ફરી નૉર્મલ કરી અને માલિકની 
સામે જોયું.
‘બધા પેપર્સ અહીં જમા કરાવી દો... હું ડીટેલ ચેક કરી લઉં છું.’
‘જી સર...’

‘હવે તો કોઈ નથી આવવાનુંને?’
‘ના સર...’ પાટકરે દેશી ભાષામાં કહ્યું, ‘પેલા ગંજી-જાંગિયાવાળા સ્ટોરમાંથી પણ મૅનેજરને બોલાવી છે. તે રસ્તામાં છે, આવે છે.’
‘તેની પાસેથી શું મળવાનું?’ પાટકર પર અકળામણ કાઢતાં પરાશરે કહ્યું, ‘પૂછવું તો જોઈએ એક વાર કે તેને બોલાવવાની છે કે નહીં?’
પાટકર નીચું જોઈ ગયો એટલે પરાશર ફરી ચૅર પર બેઠા.
‘આવે એટલે તરત મોકલ તેને...’

‘બલરાજ તમારે ત્યાં આવતો?’
‘હા સર... અને શૉપિંગ 
પણ કરતો.’
ઇન્સ્પેક્ટર પરાશરની આંખો પહોળી થઈ.
‘કોના માટે?’
‘એ તો કેમ ખબર પડે સર... પણ તે જ્યારે આવતો ત્યારે અમારે ત્યાં એક છોકરી હતી તેની સાથે સહેજ ખરાબ રીતે વાત કરતો... પણ યુ નો, તે જેવો હતો એ જોતાં અમે વધારે કંઈ બોલતા નહીં.’
‘શું કરતો તે?’

‘એય ચંપા... ઇધર આ...’
બલરાજે કાઉન્ટરથી થોડે દૂર ઊભી રહેલી છોકરીને પાસે બોલાવીને તેની સામે આંતરવસ્ત્રો ધર્યાં.
‘જા જઈને આ પહેરી આવ... સાઇઝ ચેક કરવી છે.’
‘સર, એમ કેવી રીતે સાઇઝ...’ છોકરીએ શાલીનતા સાથે જવાબ આપ્યો, ‘બધાની સાઇઝ ડિફરન્ટ હોય...’
‘અમને પુરુષોને આંખોથી સાઇઝની ખબર પડી જાય, જા... ટ્રાય કર. તને આવશે તો તેને પણ આ સાઇઝ આવી જશે.’
પેલી સેલ્સગર્લે લેડી મૅનેજરની સામે જોયું કે તરત જ બલરાજે 
ત્રાડ પાડી...
‘તે ડોબીની સામે શું જુએ છે, કામ કરને જઈને... જા.’ બલરાજે પૈસાની તાકાત પણ દેખાડી, ‘જો સાઇઝ પર્ફેક્ટ આવે તો તું તારા માટે પણ લઈ લેજે, પેમેન્ટ હું કરી દઈશ... જા હવે.’
ટ્રાયલ-રૂમમાં જવાને બદલે પેલી છોકરી કાઉન્ટર પર ફરી ગઈ અને ત્યાંથી સાઇઝ ચેન્જ કરીને પછી તે ટ્રાયલ-રૂમમાં ગઈ.
‘સ્માર્ટ ગર્લ...’

‘આવું કેટલી વાર બન્યું હતું...’
‘ત્રણથી ચાર વખત...’
‘હં... બાય ધ વે, મને તમારી એક હેલ્પ જોઈતી હોય તો?’
‘શ્યૉર...’
‘તમારું નામ?’
‘રોશની...’ રોશનીએ કહ્યું, ‘નામમાં શાની હેલ્પ સર...’
‘અરે ના, હેલ્પની વાત તો હું હવે કરવા માગું છું...’ ઇન્સ્પેક્ટર પરાશરને બોલવા માટે શબ્દો શોધવાની જરૂર પડતી હતી, ‘હું તમને કેવી રીતે સમજાવું...’
‘સર, ડોન્ટ હેઝિટેટ... હું પૉઝિટિવલી જ વાત લઈશ અને જવાબ આપીશ.’
‘બેન...’ પરાશરે સેફલી પૂછ્યું, ‘તમે કોઈને જુઓ તો ખબર પડી જાય ખરી કે જે-તે ગર્લ કે લેડીની સાઇઝ કઈ હોઈ શકે?’
‘મોસ્ટ્લી, પણ દર વખતે એવું શક્ય ન પણ બને. હવે એવી લૉન્જરી પણ આવે છે જે તમને બહારથી ડિફરન્ટ લુક આપે. જો હેવી પાર્ટ હોય અને તમે એ દેખાડવા ન માગતા હો તો તમને એવાં પણ ગાર્મેન્ટ્સ મળે અને ધારો કે લો-ડેવલપ્ડ પાર્ટ હોય અને તમે સાઇઝ વધારવા માગતા હો તો 
તમને એવાં પૅડ સાથેનાં ગાર્મેન્ટ્સ પણ મળે.’
‘મારે આમાં કંઈ PhD નથી કરવું... જુઓ...’ પરાશરે સવાલ કર્યો, ‘હું તમને કોઈ વ્યક્તિ દેખાડું અને પછી પૂછું કે તે વ્યક્તિ અને બલરાજ જે સાઇઝ લઈ જતો હતો એ એક જ હોઈ શકે કે નહીં તો... તમે જાણી શકો ખરાં.’
‘મોસ્ટ્લી હા...’
‘થૅન્ક યુ સો મચ બેન...’ પરાશરે હાથ જોડ્યા, ‘મને એમાં તમારી કદાચ હેલ્પ જોઈશે, જે અલ્ટિમેટલી આ કેસ માટે જ હેલ્પફુલ બની શકે.’
‘શ્યૉર સર, હું પૂરતું ધ્યાન આપીને તમને જવાબ આપીશ...’
‘જરૂર પડશે તો તમને હું ફોન કરીને બોલાવી લઈશ અને કાં તો...’ ઇન્સ્પેક્ટર પરાશરે બીજા વિચારને અધ્યાહાર રાખ્યો, ‘બીજું કંઈ હશે તો એ પણ હું તમને પહેલેથી વાત કરી દઈશ, પણ તમે રેડી રહેજો... તમારી આ હેલ્પ બહુ કામ લાગશે.’

‘મીરા, જે દિવસે ઘટના ઘટી એ દિવસે તમે ક્યાં હતાં?’
‘મારા ઘરે...’
‘તમારા ઘરે એટલે ક્યાં?’ પરાશરે સહેજ કડકાઈ સાથે કહ્યું, ‘બીજું એ કે દરેક સવાલના જવાબ અપટુડેટ આપશો તો મને ગમશે; કારણ કે અહીં વાતો નથી ચાલતી, આપણે ઇન્ક્વાયરી પર કામ કરીએ છીએ અને તમારે એના જવાબ આપવાના છે.’
‘સૉરી... હવે ધ્યાન રાખીશ.’
‘ધૅટ્સ ગુડ... ક્યાં હતાં તમે?’
‘હું મારા ઘરે હતી... મારું ઘર તમને ખ્યાલ છે. પાર્લા સ્ટેશન પાસે આવેલા નેહરુનગરમાં કમલેશ્વર સોસાયટીમાં છે.’
‘ઓકે, એમાં તમે કઈ વિંગમાં રહો છો?’
‘સર, આ બધા જવાબ તમારા FIRમાં છે...’
‘હું અત્યારે FIR ખોલીને વાંચવા બેસું એના કરતાં તમે જ કહી દોને...’ પરાશરે સ્ટ્રોક માર્યો, ‘ક્યાંક એવું નહોતુંને કે તમે એ દિવસે ત્યાં હાજર ન હો...’
‘ના, હું એ દિવસે અને રાતે મારા ઘરે જ હતી.’ મીરાએ જવાબ આપ્યો, ‘મારો ફ્લૅટ ‘એ’ વિંગમાં નાઇન્થ ફ્લોર પર છે. નાઇન ઝીરો ટુ...’
‘ઓકે... એ રાતે શું બન્યું એ બધું કહોને, સહેજ ડીટેલમાં...’
‘આ પણ મેં કદાચ કહી દીધું છે, પણ તમે કહો છો તો રિપીટ કરું...’ મીરાએ વાત શરૂ કરી, ‘બલરાજનો આવવાનો કોઈ ટાઇમિંગ હોય નહીં એટલે મોટા ભાગે તો રાતે ડિનર મારે એકલીએ જ કરવાનું હોય. નવેક વાગ્યે મેં ડિનર લીધું અને એ પછી હું ફિલ્મ જોવા લાગી. ટીવી પર તો કંઈ આવતું નહોતું એટલે મેં ઍમેઝૉન પ્રાઇમ પર ‘તમાશા’ ફિલ્મ જોઈ, જે મારી ફેવરિટ છે...’
‘બરાબર, પછી...’
‘ફિલ્મ પૂરી થઈ પછી હું ગૅલરીમાં આવીને બેઠી. ઊંઘ આવતી નહોતી એટલે ગૅલરીમાં થોડી વાર બેસીને હું ફરી રૂમમાં આવી અને રૂમમાં આવીને મેં ‘મની હાઇસ્ટ’ નામની બહુ પૉપ્યુલર વેબસિરીઝ છે એની નવી સીઝન ‘બર્લિન’ જોવાનું શરૂ કર્યું.’
‘ટીવીમાં?’ પરાશરે ચોખવટ કરી, ‘હા, ટીવીમાં. મને ફિલ્મો કે વેબસિરીઝ મોબાઇલમાં જોવાં 
નથી ગમતાં.’
‘ઓહ, ઓકે...’ પરાશરે વાત આગળ વધારતાં પૂછ્યું, ‘ત્યાર પછી શું કર્યું તમે?’
‘કંઈ નહીં, લગભગ ત્રણેક વાગ્યે હું સૂઈ ગઈ અને સવારે પપ્પાના ફોન સાથે જાગી. પહેલાં તો મેં પપ્પાનો ફોન રિસીવ નહોતો કર્યો. ફ્રેશ થઈને મેં પપ્પાને ફોન કર્યો અને સીધું જ કહી દીધું કે બલરાજ આજે પણ ઘરે નથી આવ્યો... એટલે પપ્પાએ કહ્યું કે હવે તે ક્યારેય ઘરે નહીં આવે...’ મીરાનો અવાજ ભારે થયો, ‘પછી તમને બધી ખબર છે.’
‘રાઇટ...’
ઊભા થતાં પરાશરે પહેલાંની જેમ જ પરમિશન માગી...
‘જો તમને વાંધો ન હોય 
તો હું વૉશરૂમ...’
‘યા... શ્યૉર...’
પરાશર વૉશરૂમમાં દાખલ 
થયા, પણ આ વખતે વૉશરૂમમાં 
જતી વખતે તે મોબાઇલ લેવાનું ભૂલ્યા નહોતા.
વૉશરૂમમાં મોબાઇલનો ઉપયોગ કરતાં પહેલાં તેણે કૅમેરાનો 
શટર-સાઉન્ડ ઑફ કર્યો અને પછી જરૂરી ફોટોગ્રાફ્સ લેવાનું ફટાફટ શરૂ કરી દીધું. ફોટોગ્રાફ્સ લેતી વખતે તેને પણ સંકોચ થતો હતો, પણ એમ છતાં પ્રોફેશનલી એ જરૂરી હતું એટલે તેણે કામ સિફતપૂર્વક ચાલુ રાખ્યું અને જેવું કામ પૂરું થયું કે તરત ફ્લશની કળ દબાવી દીધી, જેથી બહાર બેઠેલી મીરાને એવું લાગે કે વૉશરૂમનો સાચે જ ઉપયોગ થયો છે.

‘રોશની, આ જે ફોટોગ્રાફ્સ છે એના પરથી સાઇઝની ખબર 
પડી શકે?’
રોશનીએ સામે ધરાયેલા મોબાઇલની સ્ક્રીન પર ફોટો ઝૂમ કર્યો. પહેલાં તો તેણે એ અન્ડરગાર્મેન્ટની બ્રૅન્ડ-ટૅગ શોધવાની કોશિશ કરી. સામાન્ય રીતે એ ટૅગની આસપાસ જ સાઇઝ લખવામાં આવતી હોય છે, પણ બ્રૅન્ડ-ટૅગ મળી નહીં એટલે તેણે ફોટોગ્રાફને નૉર્મલ સાઇઝમાં ફેરવીને બધી તરફથી જોવાની કોશિશ કરી અને પછી પરાશરની સામે જોયું.
‘નો સર... એમ ખ્યાલ 
નહીં આવે.’
‘ઓકે... વાંધો નહીં. હવે તું 
એક કામ કરી શકે. એક ઘરે હું 
તને મોકલું. તું સેલ્સગર્લ બનીને 
એ ઘરની માલિકને મળે અને 
પછી મને સાઇઝ કહી શકે?’ પરાશરે તરત ચોખવટ પણ કરી, ‘સાઇઝ કરતાં પણ મને એ જાણવામાં વધારે ઇન્ટરેસ્ટ છે કે બલરાજ જે સાઇઝ લઈ જતો હતો એ જ સાઇઝ તે લેડીની હશે કે નહીં...’
‘હા કરી શકું, પણ ઍક્ચ્યુઅલી પર્ફેક્ટ સાઇઝની ખબર પડે કે નહીં એ મને નથી ખબર... જો તેણે એવાં કોઈ કપડાં પહેર્યાં હોય તો કદાચ ખબર ન પણ પડે.’
‘વાંધો નહીં...’ પરાશરે નજર ફેરવતાં કહ્યું, ‘આપણે ધારીએ તો તેમને બોલાવીને પણ સાઇઝ લઈ શકીએ છીએ, પણ આપણે સભ્યતા છોડવી નથી એટલે આ રસ્તો વાપરીએ છીએ...’

‘સર, આવું બધું કરવાનું 
કારણ શું?’
‘પાટકર, તું બધું અત્યારે જ જાણવાની લાયમાં રહેશે કે પછી કેસ પૂરો થાય ત્યાં સુધી રાહ જોશે?’
‘સાચું કહું તો સર, આવું પહેલી વાર હું જોઉં છું એટલે મને થયું કે કદાચ કંઈ પહેલાં ખબર પડે તો...’
‘હં... બહુ લાંબી સ્ટોરી છે પણ તને ટૂંકમાં સમજાવું છું. સાંભળ...’ પરાશરે કહ્યું, ‘આ કામ બીજા કોઈનું હોય એવું મને નથી લાગતું. બલરાજનું મર્ડર કદાચ ડૉક્ટરે કે પછી તેની વાઇફે કર્યું છે. એ માટેનાં કારણો પણ છે, પણ એ કારણ અત્યારે આપણે છોડી દઈએ. મને ડાઉટ છે કે એ લોકો એક સ્ટોરી ઊભી કરે છે. એવી સ્ટોરી જેમાં તું જે કહેતો હોય છેને, ગંજી-જાંગિયા... એ મહત્ત્વનાં બની રહે એમ છે અને એટલે આપણે ટ્રાય કરીએ છીએ કે સાચી દિશા મળે...’
પરાશરે પાટકર સામે જોયું.
‘સમજાયું?’
પાટકરે રસ્તા પર જ નજર રાખી અને હોઠ બહાર કાઢીને મૂંડી હલાવતાં ના પાડી. 
(ક્રમશ:)

columnists gujarati mid-day