12 January, 2025 08:28 AM IST | Mumbai | Dr. Dinkar Joshi
છેવાડે ઊભેલો માણસ
ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે તેમના એક મિત્ર મિ. પોલાકે તેમને વાંચવા માટે જૉન રસ્કિન નામના લેખકનું એક પુસ્તક ‘અન્ટુ ધિસ લાસ્ટ’ આપ્યું હતું. ગાંધીજીએ એક રાતમાં જ રેલવેની મુસાફરી દરમિયાન આ પુસ્તક વાંચ્યું અને તેમના વિચારો સાવ ફરી ગયા. રસ્કિને આ પુસ્તકમાં છેવાડેના માણસની વાત કરી હતી. સમાજના કોઈ પણ ક્ષેત્રમાં સુધારાવધારા થયા જ કરે છે. આ સુધારાવધારા માણસના હિત અને કલ્યાણ માટે હોય છે. આ કલ્યાણનો લાભ પ્રત્યેક સુધારા વખતે દરેકને નથી મળતો. બળૂકા જણો એમનો વધુ લાભ લઈ લેતા હોય છે અને જે નબળો છે એ માણસ સુધી એ લાભ પહોંચતો નથી. ઔદ્યોગિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, તબીબી ક્ષેત્રે કે પછી અન્ય કોઈ પણ સામાજિક ક્ષેત્રે આવા સુધારાનો લાભ જો છેવાડાના માણસને ન મળે તો એનો કોઈ અર્થ નથી. એવું ગાંધીજીને લાગ્યું અને તેમણે પોતાની ભાવિ યોજનાઓમાં આ છેવાડેના માણસને જ કેન્દ્રમાં રાખ્યા. શૈક્ષણિક ક્ષેત્રે અનામતોની વ્યવસ્થા કરવામાં આવે અને જો એ અનામતોનો લાભ પેલા નબળા માણસો સુધી પહોંચે નહીં તો વ્યર્થ છે. આ આપણે સહુએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં જોયું છે. ખરેખર તો કોઈ માણસ સમાજમાં ક્યારેય છેવાડેનો રહેવો ન જોઈએ.
છેવાડેનો માણસ એટલે કોઈ પણ પ્રકારના લાભ મેળવ્યા વિનાનો કંગાળ માણસ. જે લાભો સહુ કોઈ લોંટોઝોંટો કરીને મેળવી લે એવા લાભો જો છેવાડાના માણસ સુધી પહોંચે નહીં તો એ માણસ કાયમ માટે છેવાડેનો જ રહી જાય. ગાંધીજીએ પેલું પુસ્તક વાંચ્યા પછી રસ્કિનનો આ વિચાર મમળાવ્યો અને અમલમાં મૂક્યો.
માણસ છેવાડે કેમ રહી જાય છે?
હમણાં એક બુદ્ધિજીવી મિત્ર આ છેવાડાના માણસ વિશે ભારે વિચારપ્રેરક વાત કરી. તેમણે કહ્યું કે આપણે કર્મો અને પાપ-પુણ્યમાં માનીએ છીએ. માણસને તેનાં કર્મો પ્રમાણે ફળ મળે છે. તેનાં પુણ્યકર્મો તેને સારાં ફળો આપે છે અને પાપકર્મોને કારણે તે દુખી થાય છે. આ દુઃખને કારણે તે છેવાડે રહી જાય છે પણ આ છેવાડાનું કારણ અંતે તો તેનાં પાપકર્મોનું પરિણામ જ છે. આ મિત્રે એમ પણ કહ્યું કે જો તેનાં દુષ્કૃત્યો કે પાપકર્મોને કારણે તે છેવાડે રહી જતો હોય તો ઈશ્વરે તેને કરેલી સજા જ કહેવાય. પાપકર્મોની સજા તેમણે ભોગવવી જ પડે. હવે જો કોઈ ઉદાર દિલ માણસ તે જે દુઃખો ભોગવી રહ્યો હોય એમાંથી તેને મુક્ત કરાવવા સહાયભૂત થાય તો તેણે એ કામ ઈશ્વર ઇચ્છા વિરુદ્ધ કર્યું ગણાય.
દેખીતી રીતે પહેલી નજરે આપણે આ વિચાર સાથે સહમત ન થઈએ પણ વિચારમાં કર્મનો સિદ્ધાંત સમાયેલો છે એનો ઇનકાર તો થઈ શકશે નહીં. માણસ છેવાડાનો હોવાનું બૌદ્ધિક કારણ આપણી સામાજિક વ્યવસ્થા જ કહેવાય. કર્મના સિદ્ધાંતનું વિજ્ઞાન કોઈ ન સ્વીકારે, પણ સામાજિક અવ્યવસ્થાનું પરિણામ તો સ્વીકારવું જ પડે. ઇતિહાસના કોઈ પણ તબક્કે સમાજવ્યવસ્થામાં છેવાડેના માણસ વિનાનો કોઈ સમય રહ્યો નથી. ગાંધીજી જેવા સમર્થ વિચારક પુરુષો આ સામજિક અવ્યવસ્થા સામે મહેનત કરતા રહ્યા છે અને કેટલાક ઉદારદિલ માણસો એમાં સહાય પણ કરતા રહ્યા છે અને આમ છતાં ક્યારેય કોઈ સામાજિક ક્ષેત્રે કોઈ છેવાડેના માણસો રહ્યા જ ન હોય એવું બન્યું નથી. એવું બનવાની શક્યતા પણ નથી. વ્યવહારમાં એવું પણ બને છે કે આ છેવાડે રહેલા માણસોને છેવાડેથી બે આંગળ આગળ લાવવા આજીવન પ્રયત્ન કરનારાઓ પોતે અને પોતાનો પરિવાર સુધ્ધાં છેવાડે રહી જતા હોય છે. આમ છેવાડે રહેનારાઓની સંખ્યા વધે છે. તેમની પ્રવૃત્તિમાં ઉદાત્ત ભાવના છે પણ એ ભાવના તેમના પૂરતી જ રહેતી નથી અને તેમના પરિવારજનો તથા ભાવિ પેઢીઓમાં પણ ફેલાતી રહે છે. આ વાત દરેક નેકદિલ અને સાચા સમાજસેવકે સમજી લેવા જેવી હોય છે.
ત્યારે કરીશું શું?
આ સંદર્ભમાં રશિયન સાહિત્યકાર ટોલ્સ્ટોયે એક પ્રશ્ન પેદા કર્યો છે એ સમજવા જેવો છે. ટોલ્સ્ટોય ખૂબ ધનિક હતો અને છેવાડે ઊભેલા માણસોને સહાય કરવા હંમેશાં તૈયાર રહેતો. પોતાના ડગલામાં બન્ને ખિસ્સામાં નાણું ભરીને ટોલ્સ્ટોય બહાર નીકળતા અને ખિસ્સામાંના બધા જ પૈસા ગરીબગુરબાને વહેંચીને ઘરે પાછા ફરતા. તેમના આ કામમાં તેમણે પોતાની જેવા જ ધનિક મિત્રો પાસે સહાય માગી હતી. મિત્રોએ કેટલોક સમય સહાય પણ કરી હતી અને ટોલ્સ્ટોયને દાનરૂપે નાણાં પૂરાં પણ પાડ્યાં હતાં પણ આ રીતે કેટલા દિવસ ચાલે. ગમે તેટલું નાણું હોય, અંતે તો અપૂરતું જ રહેવાનું. એક વાર નાણાંની સહાય કરનાર મિત્રો પણ બીજી કે ત્રીજી વાર તો ના જ કહેવાના. ટોલ્સ્ટોયે આ રીતે લાંબું નહીં જ ચાલે એ સમજી લીધું હતું અને ત્યારે એ પ્રશ્ન તેમણે પુસ્તકરૂપે આલેખ્યો છે. ‘સમાજમાં છેવાડે ઊભેલા માણસોને આ રીતે મદદ તો નહીં જ કરી શકાય અને છેવાડે ઊભેલા માણસોને અપાતી મદદ અપૂરતી જ થશે ત્યારે કરીશું શું?’
આ ‘ત્યારે કરીશું શું?’ એવો પ્રશ્ન ભૂતકાળમાં હતો. આજે છે અને આવતી કાલે પણ એવો ને એવો જ રહેવાનો. છેવાડે ઊભેલો માણસ પણ ખરેખર તો પરિઘ પર જ છે. એને પરિઘ પર ઊભા રહેતાં શીખવવું એ સૌથી અગત્યનો સવાલ છે. ખિસ્સાં ભરીને નાણાં તેમને સહાયરૂપે આપવાં એનાથી આ વિરાટ પ્રશ્નનું નિરાકરણ થવાનું નથી.
જે માણસ છેવાડે રહ્યો છે એ એના ભૂતકાળનાં દુષ્કર્મો કે પાપ કર્મોને કારણે રહ્યો છે એનો જો સ્વીકાર કરીએ તો સમાજનો બળુકો વિભાગ વધુ બળુકો બનશે. દેખીતી રીતે જ માણસની પ્રકૃતિ પોતાને માટે વધુ ને વધુ મેળવવાની હોય છે. આ વધુમાંથી ક્યારેક થોડુંક કોઈ બીજાને આપે છે પણ ખરા, પણ આ ‘થોડુંક’થી તેની પાસે જે વધુ જમા થયું છે એનો ભાર ઓછો નહીં થાય. એ માટે માણસની પ્રકૃતિ ક્યારેય બદલી પણ નહીં શકાય. સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન એ જ એકમાત્ર ઉકેલ છે અને આ ઉકેલ સહજ સાધ્ય નથી.