ભિન્નતાનું વિશ્વ એટલે મારું ભારત, વિભિન્નતાનું સ્વર્ગ એટલે મારું ભારત

24 February, 2024 11:35 AM IST  |  Mumbai | Rashmin Shah

જીવનના સાડાઆઠ દશકા પસાર કરી ચૂકેલાં ગુજરાતી, મરાઠી અને હિન્દી એમ ત્રણેય ભાષામાં રંગભૂમિ, ટીવી અને ફિલ્મો કરી ચૂકેલાં લેજન્ડરી ઍક્ટ્રેસ સરિતા જોષી ભારતની મહાનતા પર ઓવારી જાય છે.

સરિતા જોષી, પીઢ અભિનેત્રી- પદ્‍મશ્રી ૨૦૨૦

‘વાત જ્યારે ભારતની હોય ત્યારે એટલું તો તમારે કહેવું જ પડે કે આપણું ભારત એ આપણું ભારત. તમે જુઓ તો ખરા કે કેટકેટલું વૈવિધ્ય અને એ પણ કેટકેટલાં ક્ષેત્રોમાં અને પાછું બધું એકબીજાથી સાવ ભિન્ન...’

ભારતની વાત કરવાની આવે ત્યાં જીવનના સાડાઆઠ દશકા પસાર કરી ચૂકેલાં અને પદ્‍મશ્રી સહિત ૧૦૦થી વધારે દેશના પ્રતિષ્ઠિત અવૉર્ડથી સન્માનિત થઈ ચૂકેલાં સરિતા જોષીના આરોહ-અવરોહમાં ઉત્સાહનો ઘૂઘવાતો દરિયો ઉમેરાઈ જાય છે, ‘ભોજનમાં ભિન્નતા અને નૃત્યમાં વિભિન્નતા, સંગીતમાં પણ ભિન્નતા અને શાસ્ત્રોમાં પણ વૈવિધ્ય, પોશાકની બાબતમાં પણ દરેક રાજ્યની એક અલગ ઓળખ અને આચારની બાબતમાં પણ એવું જ. આવું તમને ક્યાં જોવા મળે? ક્યારેય જોવા મળે? હું તો હંમેશાં કહેતી પણ હોઉં છું કે એક વખત આ દેશ, દેશનો એકેએક ખૂણો જોવા જાઓ. જોશો પછી તમને સમજાશે કે હું મારા ભારતને શું કામ મહાન કહું છું!’

મહેનત છોડો નહીં
રંગભૂમિ, ટીવી અને ફિલ્મ. મનોરંજનનાં ત્રણેત્રણ માધ્યમો અને એ પણ ગુજરાતી, મરાઠી અને હિન્દી એમ ત્રણેત્રણ ભાષામાં સર કરી ચૂકેલાં સરિતા જોષી હવે તો ઓટીટી પ્લૅટફૉર્મ પર પણ જોવા મળે છે. સરિતાબહેન કહે છે, ‘હવે તો ઉંમર પણ યાદ નથી; પરંતુ હા, એટલું કહીશ કે જ્યારે પણ નાનપણ યાદ કરું છું ત્યારે મારી આંખ સામે સીધું સ્ટેજ આવે અને એ સ્ટેજ પર ઍક્ટિંગ કરતી બે ચોટલાવાળી ઇન્દુ દેખાય. મારું નાનપણ પણ અભિનય સાથે પસાર થયું અને જીવનના અન્ય તમામ તબક્કા પણ મેં અભિનય સાથે જ પસાર કર્યા. જીવનમાં અનેક ઉતાર-ચડાવ જોયા, અનેક તડકો-છાયો જોયા; પણ એ બધા પછી મને એક વાત સમજાઈ કે જો તમે હિંમત ન હારો તો વિધાતા તમારી આંગળી છોડતી નથી. એ તો તમારા લલાટ પર નવું-નવું લખવા માટે તૈયાર જ હોય છે. બસ, તમારે એટલું ધ્યાન રાખવાનું કે મહેનતમાં ક્યાંય ઓછા ઊતરવું નહીં. મારો જાતઅનુભવ છે કે જો એક વખત તમે મહેનત છોડો તો વિધાતા પોતાની કલમ છોડી દે અને તમારું નસીબ સ્થિર થઈ જાય. આ જ કારણ છે કે મારો જીવનમંત્ર બની ગયો છે : કદા​​પિ હિંમત હારો નહીં અને ક્યારેય મહેનત છોડો નહીં. દેશનું ભાગ્ય પણ એ જ રીતે ઘડાતું હોય છે.’

ભારતની ભૂમિ ખાસ
સરિતા જોષીએ પોતાની અભિનયની કરીઅર જૂની રંગભૂમિથી શરૂ કરી. નાનપણમાં અનાયાસ શરૂ થયેલી એ કરીઅરની શરૂઆત તો શોખ હતો, પણ એ પછી જીવન ફિલ્મી સ્ટાઇલથી એક નવી જ દિશામાં પહોંચ્યું અને એ દિશાએ પરિવારની અનેક જવાબદારીઓ આપી દીધી. ભાગ્યે જ કોઈને ખબર હશે કે જન્મ સમયે જે છોકરીનું નામ ઇન્દુ ખટાઉ હતું તે છોકરી દસ વર્ષની ઉંમરે તો પોતાના આખા પરિવારનો નિભાવખર્ચ ઉપાડતી થઈ ગઈ હતી. આંખોમાં સહેજ માયૂસી આવે એવી વાત સમયે પણ સરિતાબહેનની આંખોમાં ખુશી છે. સરિતા જોષી કહે છે, ‘જવાબદારીઓનું એવું છે કે જો તમે એને પસંદ ન કરો તો એ ભારરૂપ બને, પણ જો તમે એનો સ્વીકાર કરો તો એ સુખરૂપ બને. હું શોખથી કામ કરતી હતી અને એ દિવસોમાં જ મારા ફાધરનું અવસાન થયું. ફાધર એકમાત્ર કમાઉ વ્યક્તિ એટલે મને એવું લાગવા માંડ્યું કે હવે એ જવાબદારી મારી છે અને મેં એ જવાબદારીને હોંશભેર અપનાવી. જોકે તમને કહું કે આ બધું જ આપણી માટીની દેન છે. ભારતની ભૂમિમાં કંઈક એવું છે જે વ્યક્તિને હારવા-થાકવા નથી દેતું.’

જૂની રંગભૂમિથી ગુજરાતી ફિલ્મો, ફિલ્મોમાંથી નવી રંગભૂમિ અને એ પછી ફરીથી ફિલ્મો, મરાઠી ફિલ્મો અને પછી હિન્દી ફિલ્મો એમ યાત્રા આગળ વધતી ગઈ. જોકે એ આખી યાત્રામાં પોતાની લાઇફનો એક તબક્કો સરિતાબહેનના હૃદયના એક ખૂણામાં આજે પણ જહેમતથી સચવાયેલો પડ્યો છે, જે છે નાટ્ય-દિગ્દર્શક, લેખક અને અભિનેતા પ્રવીણ જોષી સાથે તેમણે કરેલાં કામોનો ​પિરિયડ. એ દિવસોની વાતો કરતાં આજે પણ સરિતાબહેનના અવાજમાં બાવીસ-ત્રેવીસ વર્ષની છોકરી જેવો ઉત્સાહ ઉમેરાઈ જાય છે. સરિતાબહેન કહે છે, ‘પ્રવીણ સાથે કરેલાં નાટકોએ મને પીએચડી જેવું નૉલેજ આપવાનું કામ કર્યું તો પ્રવીણ સાથે વિતાવેલી પ્રત્યેક ક્ષણે મને વધુ સભર બનાવવાનું કામ કર્યું. પ્રવીણે મને વૈશ્વિક રંગભૂમિથી વાકેફ કરી તો પ્રવીણે જ મને વિશ્વસાહિત્ય સાથે પણ પરિચય કરાવ્યો. ભારતીયતાનું ગૌરવ વધારવામાં અને દુનિયામાં મારા દેશની શાખ વધારવામાં પણ મારા દૃષ્ટિકોણને વિકસાવવાનું મહામૂલું કામ પ્રવીણે અનાયાસ કર્યું.’

ત્રીજા તબક્કા વિશે સરિતાબહેન વાત કરવા રાજી નથી, જે છે પાસ્ટ-પ્રવીણ લાઇફ. જોકે એમ છતાં પણ એ તબક્કા માટે સરિતાબહેન વધારે ગમગીન નથી. સરિતા જોષી કહે છે, ‘૨૦૨૦માં મને જ્યારે પદ્‍મશ્રી મળ્યો ત્યારે મેં પહેલું કામ આંખ બંધ કરીને પ્રવીણને કહેવાનું કર્યું હતું : લ્યો પ્રવીણ, હવે આ અવૉર્ડ પણ આવી ગયો. બીજું કંઈ બાકી છે કે પછી તમે શીખવેલા કામની જવાબદારી પૂરી?’

નક્કર આશાવાદ 
સરિતાબહેન દેશ માટે બહુ આશાવાદી છે અને તેમનો આશાવાદ નક્કર છે. સરિતાબહેન સમજાવે છે, ‘તમે જુઓ, છેલ્લાં દસ વર્ષમાં આપણો દેશ કઈ રીતે ગર્વિષ્ઠ બન્યો છે. આ જે ગર્વ છે એ મળ્યું છે એક વ્યક્તિના કારણે, આપણા વડા પ્રધાનના કારણે. જોકે મારે કહેવું છે કે એ પણ ભૂલવું ન જોઈએ કે તેમણે લોકોમાં રહેલી ક્ષમતાને પારખી અને એ ક્ષમતાનો સાચો ઉપયોગ કર્યો અને એટલે આપણો દેશ આજે લોકોની સામે મજબૂતીથી ઊભો રહેતો થયો છે. પહેલાં તો આપણે માયકાંગલા બની ગયા હતા; પણ ના, હવે આપણા પગમાં મક્કમતા છે. એવી મક્કમતા જે આપણને અડીખમ ઊભા રાખી શકે છે અને આપણે ઊભા રહીએ છીએ. હું કહીશ કે એ દિવસ હવે બહુ દૂર નથી કે આપણું નામ વિશ્વની મહાસત્તાઓના લિસ્ટમાં ન હોય.’

ખોટું થતું હોય તો એનો દેશના નાગરિક તરીકે વિરોધ કરવાનો અધિકાર છે તમને, પણ યાદ રહે કે એ વિરોધ કરતી વખતે માત્ર વિરોધ કરવો છે એવો ભાવ ન હોવો જોઈએ. સાચી વાત અને સારી વાતનો વિરોધ કર્યા પછી મૂર્ખ સાબિત થતા હોઈએ છીએ એ ક્યારેય ભૂલવું ન જોઈએ.

columnists sarita joshi gujarati mid-day