07 November, 2024 02:09 PM IST | Mumbai | Pallavi Acharya
સૌનિલ દરુ
સ્વજન ગમે એટલું વહાલું હોય પણ તે ગુજરી જાય ત્યારે ઘરના લોકો તેનાં અસ્થિ જ નહીં, તેની બધી જ વસ્તુઓ ઘરમાંથી બહાર કાઢી મૂકે છે.
રંગભૂમિના ઍક્ટર સૌનિલ દરુને તેમના પિતાના અવસાન વખતે સ્મશાનમાં કામ કરી રહેલી વ્યક્તિની આ વાત અત્યંત સ્પર્શી ગઈ અને શરૂ થયું એક સુંદર ‘હરિત અભિયાન’ જેને દરેક વ્યક્તિએ અપનાવવા જેવું છે.
સૌનિલ દરુના પિતા કમલેશ દરુ ઍક્ટર અને પ્રોડક્શન-મૅનેજર હતા. પપ્પા, મમ્મી નલિની દરુ અને કાકા પરેશ દરુના અવસાન પછી સૌનિલભાઈએ તેમનાં અસ્થિનું વિસર્જન કરવાને બદલે એને વૃક્ષ સાથે વાવ્યાં અને એ રીતે પોતાના સ્વજનોને વૃક્ષદેહે સજીવન કર્યાં.
સૌનિલભાઈએ દાહોદમાં નાટક ‘બે અઢી ખીચડી કઢી’ના શો દરમ્યાન અવસાન પામેલા સાથી-મિત્ર ભાસ્કર ભોજકના નામે ભાઇંદરના રાધિકા વૃદ્ધાશ્રમમાં વૃક્ષ વાવ્યું છે. તેમનાં અસ્થિ વિસર્જિત કરી નાખ્યાં હોવાથી વૃક્ષની સાથે તેમનું ડેન્ચર વાવવામાં આવ્યું છે.
સૌનિલ દરુનાં મમ્મી-પપ્પાનું તેમની સોસાયટીમાં પાસે-પાસે વૃક્ષ, પપ્પાનું લીમડાનું અને મમ્મીનું ગુલમહોરનું.
સર્વાઇકલ ઇશ્યુને કારણે સૌનિલના પપ્પા કમલેશ દરુ ૭ વર્ષ પથારીમાં રહ્યા અને ૨૦૨૧ની ૨૬ સપ્ટેમ્બરે હાર્ટ-અટૅકથી મૃત્યુ પામ્યા. પથારીવશ થવા છતાં કમલેશભાઈની જિજીવિષા બહુ સ્ટ્રૉન્ગ હતી, તેમને જીવવું હતું, એને લઈને જ તેમનાં અસ્થિ સાથે ઝાડ વાવવાનો વિચાર પોષાયો એની વાત કરતાં સૌનિલભાઈ કહે છે, ‘જીવન માટેની મારા પપ્પાની આશાઓ એટલી સ્ટ્રૉન્ગ કે કોઈએ તેમને કહેલું કે ઈંડાં ખાશો તો સ્નાયુઓને તાકાત મળશે, પગ ચાલશે; એથી ૭૫ વર્ષ સુધી ઈંડાને હાથ પણ નહોતો અડાડ્યો તો પણ એ ખાધાં. પપ્પાને અમે સ્મશાન લઈ ગયા ત્યારે ત્યાં કામ કરતી એક વ્યક્તિ કહે કે માણસ જીવે તો ઘરમાં જગ્યા છે; પણ મરે પછી બધી વસ્તુઓ આપણે કાઢી નાખીએ છીએ, અસ્થિ પણ વિસર્જિત કરી દઈએ છીએ. મારી એક રાઇટર-મિત્રના પિતાએ તેનાં દાદા-દાદીનાં અસ્થિ ઘરમાં તેમના ફોટો સાથે રાખ્યાં હતાં. પેલી વ્યક્તિએ કહ્યું કે ઘરના પ્લાન્ટ્સમાં અસ્થિ નાખો, પણ મારી મમ્મીનું કહેવું હતું કે આપણામાં અસ્થિને ઘરમાં ન રખાય, એના કરતાં એની સાથે કોઈ ઝાડ વાવવું હોય તો વાવ. બસ અહીંથી પપ્પાનાં અસ્થિ સાથે વૃક્ષ વાવવાનો વિચાર દૃઢ જ નહીં, અમલી થયો.’
કમલેશ દરુ અને પરેશ દરુનાં ભવન્સ ખાતે રોપેલાં વૃક્ષ.
કમલેશભાઈને ઇલાજ માટે સુરતના એક ફિઝિયોથેરપિસ્ટ પાસે લઈ ગયા હતા ત્યારે ત્યાંથી આવતાં તેમની વાઇફ નલિનીબહેનનો કારમાં ઍક્સિડન્ટ થયો, હાથ-પગમાં પ્લેટ આવી. તેમને ડાયાબિટીઝ હતું અને ડૉક્ટરે એટલી બધી પેઇનકિલર આપી કે તેમની કિડની ખરાબ થઈ ગઈ, ડાયાલિસિસ પર જતાં રહ્યાં અને ૨૦૨૨ની બીજી માર્ચે તેઓ પણ સ્વર્ગવાસી થયાં. સૌનિલના રંગભૂમિ અને સિરિયલોના કલા-નિર્દેશક કાકા પરેશ દરુનું ૨૦૨૧ની ૧૧ નવેમ્બરે ૮૫ વર્ષની ઉંમરે અવસાન થયું એ પછી તેમનાં અસ્થિ બે પાત્રમાં રાખવામાં આવ્યાં એમ જણાવતાં સૌનિલ કહે છે, ‘કાકાની ઇચ્છા મુજબ એક પાત્રનાં અસ્થિ હૃષીકેશમાં વિસર્જિત કરવા હું હૃષીકેશ ગયો ત્યારે ત્યાંના હિલ પરના એક ઑર્ગેનિક ફાર્મમાં મેં અવાકાડોનું ઝાડ વાવ્યું એટલું જ નહીં, કાકા ફોટોગ્રાફી માટે હિમાલય પર ખૂબ જતા હતા એટલે મારા એક ટ્રેકર મિત્રની મદદથી મેં ત્યાં તેમના નામ સાથેનો એક ફ્લૅગ રોપાવ્યો છે અને એક સુગંધી ફૂલનું ઝાડ ભવન્સ-અંધેરીના કમ્પાઉન્ડમાં લલિત શાહ અને પ્રવીણ સોલંકીની પરમિશનથી વાવ્યું. ઉપરાંત મારા પપ્પાની પણ કર્મભૂમિ અંધેરીનું ભારતીય વિદ્યા ભવન હોવાથી એક ઝાડ ભવન્સમાં અને લીમડાનું એક ઝાડ મારી સોસાયટીમાં વાવ્યું.’
સૌનિલે પોતાની સોસાયટીમાં મમ્મીનાં અસ્થિ સાથે તેમની પસંદગીનો ગુલમોહર રોપ્યો છે. તે કહે છે, ‘અહીં મમ્મી-પપ્પાનાં ઝાડ પાસે-પાસે છે જેથી રોજ વાતો કરી શકે અને હું પણ આવતાં-જતાં રોજ ‘કેમ છો...’ કરતો રહું છું. પપ્પા અને કાકાનાં ઝાડ પણ ભવન્સમાં પાસે-પાસે છે જેથી બન્ને ભાઈઓ વાતો કરી શકે.’