સરિતા ઍક્ટિંગ કરે ત્યારે તેને જોવામાં મારી આંખો ઠરી જાય, હું મારું પાત્ર ભૂલી જાઉં...

06 December, 2022 04:42 PM IST  |  Mumbai | Sarita Joshi

આ શબ્દો કાન્તિ મડિયાના છે અને આ જ શબ્દો આજે જીવન જીવવાનું, અત્યારે પણ બેસ્ટ કામ કરવા માટે ઈંધણ બને છે

કાન્તિ મડિયાને કનૈયાલાલ મુનશી વઢે એટલે મડિયા મારી સામે મોઢું ચડાવીને મને કહે, ‘તું સારું કામ કરે છે એટલે મારે આ બધું સાંભળવું પડે છે...’

કનૈયાલાલ મુનશી મારા કામનાં વખાણ કરે એટલે કાન્તિ મડિયાને પોરસ ચડે અને જેવો તેમને પોરસ ચડે કે તરત મુનશીસાહેબ તેમની સામે જોઈ આંખો કાઢીને વઢી લે, ‘કાન્તિ, તું બાપનો રોલ કરે છે, પણ એને બદલે કોઈ-કોઈ વાર તું મને તેનો પ્રેમી વધારે લાગતો હતો.’

ગયા વખતે તમે ગુજરાતી ફિલ્મોની વાતો વાંચીને મને જે રીતે બિરદાવી, જે રીતે ફોન અને મેસેજ કરીને પ્રૉમિસ આપ્યું કે હવેથી અમે સારી ગુજરાતી ફિલ્મો જોવા અચૂક જઈશું, એ સાંભળીને, એ વાંચીને ખરેખર મને આનંદ થયો. મને થયું કે જો અત્યારે પ્રવીણ (જોષી) હયાત હોત તો તે કેટલો ખુશ થયો હોત, પણ હશે, જેવી ઈશ્વરની ઇચ્છા.
ફરી આપણે આવી જઈએ મારા જીવનની વાતો પર.
lll

મારે બે બાળકો હતાં અને એ બાળકો પ્રત્યે મારી પોતાની જવાબદારી હતી. મારો દીકરો વડોદરા આઈ પાસે હતો, જેનું કારણ તમને ખબર છે તો અહીં, મુંબઈમાં કેતકી મારી સાથે હતી. કેતકીની ઉંમર ત્યારે અંદાજે દોઢેક વર્ષની. તમને અગાઉ કહ્યું એમ, રાજકુમારના ઘરે નોકરચાકરો હતા એટલે કેતકી માટે મને બહુ ચિંતા નહોતી. આયા બધું સંભાળી લેશે એની મને ખબર હતી, પણ મારા માટે બે પ્રશ્નો ઊભા હતા.
હું ન હોઉં અને કેતકીને મારી જરૂર પડી તો મારે શું કરવું, અને પ્રશ્ન બીજો, નવી રંગભૂમિ પર મહામહેનતે હું જેકાંઈ શીખી છું એ બધું છોડીને ફરી મારે એ દિશામાં જવાનું, જે દિશાને હું પાછળ છોડી આવી છું? 

મારે હવે નવી રંગભૂમિ પર રહેવું હતું. પડદાવાળાં નાટકોને બદલે સેટવાળાં નાટકોએ મને જબરદસ્ત પ્રભાવિત કરી હતી, તો સાથોસાથ નવી રંગભૂમિ પર રહેલી ટૅલન્ટે પણ મને ખૂબ અટ્રૅક્ટ કરી હતી. એકેક રાઇટર, એકેક ડિરેક્ટર. તમે જુઓ સાહેબ, ધાર્યું ન હોય, કલ્પના સુધ્ધાં ન કરી હોય એવી ટૅલન્ટ. વાર્તાનો ક્રાફ્ટ અને એમાં રહેલા ઉતાર-ચડાવ તમને મોઢામાંથી આફરીન પોકારાવી દે. એ વાર્તા ડિરેક્ટરના હાથમાં ગયા પછી એ જે રીતે સીન સેટ કરે, ફરીથી વન-અપ. કાગળના સીનથી પ્રભાવિત થઈને તમને એવું લાગતું હોય કે હવે આની ઉપર કંઈ થઈ જ ન શકે, પણ એ કાગળ પરના સીનને ડિરેક્ટર નવી જ ઊંચાઈએ લઈ જાય.
વાત અહીં પૂરી નથી થતી. એ પછી વારો ઍક્ટરનો આવે. ડિરેક્ટરે જે સીન કોરિયોગ્રાફ કર્યો હોય એને નવી હાઇટ આપવાનું કામ કલાકાર કરે અને એવો તે સીન બનાવે કે જોનારને સીનમાં રહેલો રસ સીધેસીધો દિલમાં જઈને ઊતરે.
કેવી રીતે હું આ નવી ટૅલન્ટ પાસેથી શીખવાનું પડતું મૂકીને ફરી એ દુનિયામાં પાછી જાઉં? મારા મનમાં આ વાત સતત ચાલતી હતી અને સતત ચાલતી એ વાતે જ મને નાનકડો રસ્તો દેખાડ્યો. 

lll આ પણ વાંચો : આજના સમયમાં પ્રામાણિક ફિલ્મો બહુ ઓછી આવે છે

બહુ વિચાર્યા પછી મને થયું કે મારે સંબંધો પણ સાચવવા જોઈએ અને શિક્ષણને પણ ક્યાંય કોરાણે મૂકવું ન જોઈએ. મારે એવો કોઈ રસ્તો કાઢવો જોઈએ જેમાં હું આ બન્ને દિશામાં અકબંધ રહું અને આગળ વધું.
મેં હિંમત કરીને ઈરાની શેઠ સાથે વાત કરી અને તેમને કહ્યું કે હું તમારું નાટક કરું, પણ તમે મને એક નાનકડી ફેવર કરો.
‘બોલ, શું કરવાનું છે?’
‘તમારું નાટક તો શનિ-રવિ જ હોય છેને?’ ઈરાની શેઠે હા પાડી કે તરત જ મેં તેમને કહ્યું, ‘તો બાકીના દિવસોમાં હું આ જે નવા થિયેટરમાં કામ કરું છું તો મને જરા સાચવી લોને... મને બહુ બધું શીખવા મળી રહ્યું છે.’
કોણ જાણે તેમને શું થયું, પણ તેમણે તરત જ નિર્ણય લઈ લીધો.
‘પાક્કું... હું શનિ-રવિ નાટક કરીશ, પણ પછી એમાં તારે મારી પાસે બીજી કોઈ છૂટ નહીં માગવાની.’
‘સિવાય ઘરનો પ્રશ્ન...’
‘એ તો વિચારવું ન જ ન હોય મારે...’ ઈરાની શેઠે લાડથી કહ્યું, ‘આ મારું પણ ઘર છે ઇન્દુ, મારે એ તો જોવાનું જ હોયને, પણ... નવા થિયેટર માટે તારે મારી પાસે શનિ-રવિ નહીં માગવાના.’
‘હા, આપણું નાટક હોય ત્યાં સુધી બધા શનિ-રવિ તમારા...’
મેં કહી દીધું અને સાહેબ, મારું ટેન્શન હળવું થઈ ગયું. હા, એમાં મારે ખેંચાવું પડ્યું. મારો શારીરિક શ્રમ વધી ગયો, પણ એની સામે મારું શિક્ષણ અને મારા સંબંધો બધું અકબંધ રહ્યું અને આમ મારું નવી રંગભૂમિનું ત્રીજું નાટક ‘બળવંતની બેબી’ પણ ચાલુ જ રહ્યું, તો સાથોસાથ ઈરાની શેઠના નવા નાટકનું કામ પણ મેં શરૂ કરી દીધું.
lll

‘સાચાબોલા જુઠ્ઠાલાલ’ અને ‘પાટણની પ્રભુતા’ એમ બે નાટક કર્યા પછી મેં આ નાટક શરૂ કર્યું અને એ પછી આવ્યું, ‘બળવંતની બેબી’.
એ દિવસોમાં અમને નાટક કરવાની એક ચોક્કસ રકમ મળે, પણ એ રકમ ખાસ મોટી ન હોય. નાટકની રકમ આપવા ઉપરાંત અમને ભથ્થું આપવામાં આવે. મુંબઈમાં હોઈએ તો પણ આવવા-જવાનું ભથ્થું મળે અને બહારગામ ગયા હોઈએ તો ટિકિટ અને ઉતારા ઉપરાંત ખાવાપીવા માટેનું ભથ્થું. આ ઉપરાંત નાટક જો સારું ચાલે તો એના નફામાં પણ કલાકારોનો ભાગ હોય, જે સિનિયૉરિટી પર આધારિત હોય. જે સૌથી જૂનો કે પછી મેઇન કલાકાર હોય તેને એ મુજબ વધારાના પૈસા મળે તો નાના કલાકારોને એ મુજબ વધારાના પૈસા આપવામાં આવે. 
આ નાના કલાકારોમાં બૅકસ્ટેજ આર્ટિસ્ટ પણ આવી ગયા. પૈસા મળે બધાને, પણ એ રકમમાં થોડાઘણા અંશે ફેરફાર હોય અને એ સ્વાભાવિક છે. આ ઉપરાંતનો બીજો પણ એક નિયમ બહુ સરસ હતો. 
બધાએ સાથે ટ્રાવેલ કરવાનું. ફર્સ્ટ ક્લાસ હોય તો બધા ફર્સ્ટ ક્લાસમાં જ હોય. આ જે નિયમ હતો એ ખરેખર પુરવાર કરે કે નાટક માટે નાનામાં નાનીથી મોટામાં મોટી વ્યક્તિ એકસમાન છે. કલાકાર વિના પણ નાટક ન ચાલે અને એવી જ રીતે બૅકસ્ટેજ સંભાળનારા વિના પણ નાટક આગળ ન વધે. 
આ સમયે મને યાદ આવે છે કનૈયાલાલ મુનશી, તેમનો ચહેરો અને એ ચહેરા પર હંમેશાં અકબંધ રહેતું સ્માઇલ. ધોતિયું, ટોપી, બૂટ અને સફેદ ડગલા સાથે આવે અને બાજુમાં બેસીને કહે, 
‘વાહ સરિતા, તેં ખરેખર સરસ કામ કર્યું... મજા આવી ગઈ.’

આટલું કહે એટલે કાન્તિ મડિયાને પોરસ ચડે કે તરત જ મુનશીસાહેબ તેમની સામે જોઈ આંખો કાઢીને વઢી લે.
‘કાન્તિ, તું બાપનો રોલ કરે છે, પણ એને બદલે કોઈ-કોઈ વાર તું મને એનો પ્રેમી વધારે લાગતો હતો...’
મડિયા તરત જ એનો જવાબ આપે કે ‘તમને ખબર નથી, એ છોકરી કેવું અદ્ભુત કામ કરે છે’, પણ મુનશીજી તરત તેમને ચૂપ કરતાં કહી દે, ‘એ સારું કામ કરે છે એટલે તો આપણી સાથે છે... જરાક નાટક પર, તારા રોલને આંખ સામે રાખીને રહે. નહીં તો ઑડિયન્સ પણ તને જોવાને બદલે તેને જોયા કરશે...’
મડિયાએ આપેલો એ જવાબ હું ક્યારેય નહીં ભૂલી શકું, ક્યારેય નહીં.
‘સરિતા જ્યારે ઍક્ટિંગ કરે ત્યારે તેને જોવામાં મારી આંખો ઠરી જાય છે. હું ભૂલી જાઉં છું મારું પાત્ર...’
મડિયા પાસેથી આ લાઇન સાંભળી અને આ લાઇન મેં એ પછી બીજી પણ એક વ્યક્તિ પાસેથી સાંભળી. એ વ્યક્તિનું નામ અને તેની વાતો પર આપણે બહુ ઝડપથી આવીશું, પણ અત્યારે વિરામ લઈએ, મળીએ આવતા મંગળવારે...

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists sarita joshi