રોકાણ કરતી વખતે KYC, નામ, અકાઉન્ટ, કૉન્ટૅક્ટ જેવી ચોકસાઈ જરૂરી છે

24 November, 2024 04:55 PM IST  |  Mumbai | Foram Shah

તાજેતરમાં એક રોકાણકારના નિધન પછી તેમના વારસદારોને હકના પૈસા પાછા અપાવવામાં નાકે દમ આવી ગયો.  એનું કારણ સાવ નાનકડું હતું:

પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં એક રોકાણકારના નિધન પછી તેમના વારસદારોને હકના પૈસા પાછા અપાવવામાં નાકે દમ આવી ગયો. એનું કારણ સાવ નાનકડું હતું: રોકાણ કરતી વખતે લખાયેલા તેમના નામ અને મૃત્યુ પ્રમાણપત્ર પર લખાયેલા નામ વચ્ચે એક મૂળાક્ષરનો ફરક હતો. ચાલો, નાણાકીય બાબતોમાં જરૂરી કેટલીક ચોકસાઈ વિશે આજે વાત કરીએ.

રોકાણ કરતી વખતની તકેદારી
હાલના ડિજિટાઇઝેશનના જમાનામાં હવે KYC ઇલેક્ટ્રૉનિકલી (ઈ-કેવાયસી) શક્ય બન્યું છે અને ઑનલાઇન પદ્ધતિથી રોકાણ કરવાનું આસાન બની ગયું છે. જોકે આવા સમયે સંયુક્ત ખાતાધારકનું નામ લખવા બાબતે નિર્ણય લેવો ઘટે. જો સંયુક્ત ધારકનું નામ ન હોય તો સમસ્યા સર્જાઈ શકે છે. નૉમિનેશન કરાવવાની તકેદારી પણ સામેલ છે.

બૅન્ક ખાતાંની ચોકસાઈ
ઘણી વાર એવું બનતું હોય છે કે પગારદાર વ્યક્તિ નોકરી બદલે ત્યારે તેનું સૅલેરી-અકાઉન્ટ પણ બદલાઈ જતું હોય છે. આવામાં તેમનાં અનેક બૅન્ક ખાતાં બની ગયાં હોય છે. રોકાણ કરતી વખતે જે બૅન્ક ખાતામાં પૈસા હોય એનો જ ઉપયોગ થતો હોવાથી અલગ-અલગ નોકરી વખતે કરેલાં રોકાણો સાથે અલગ-અલગ બૅન્ક ખાતાં સંકળાયેલાં હોય છે. આ સ્થિતિ પાછળથી સમસ્યા સર્જતી હોય છે. આથી તમામ રોકાણો એક જ બૅન્ક ખાતામાંથી કરવામાં આવે એવો પ્રયાસ કરવો. આમ કરવાથી બૅન્કમાં લખાયેલું નામ અને રોકાણો સાથે સંકળાયેલું નામ બન્ને સમાન રહી શકે છે. વળી જે બૅન્ક ખાતાં સંયુક્ત નામે હોય એની સાથે સંકળાયેલાં રોકાણો પણ સંયુક્ત નામે હોય એ સારું.

નામમાં તફાવત રાખવો નહીં
છેલ્લાં બે-ત્રણ વર્ષમાં KYCની બાબતે ઘણી રામાયણ થવા લાગી છે. નામમાં ફેર હોવાને લીધે રોકાણો માટેનાં KYCનો અસ્વીકાર થયો હોવાના અનેક કિસ્સાઓ બન્યા છે. ઘણા લોકો ક્યારેક નામની સાથે ‘ભાઈ’, ક્યારેક ‘લાલ’, તો ક્યારેક ‘કુમાર’ જેવા શબ્દો જોડતા હોય છે. આમ એક નામની સાથે લગાડાયેલાં અલગ-અલગ પ્રત્યય સમસ્યા સર્જે છે. પૅન કાર્ડ પરનું નામ અને આવકવેરા ખાતાના ડેટાબેઝમાં તફાવત હોવાના પણ કિસ્સા છે. આથી નામમાં તફાવત રહી ન જાય એની તકેદારી લેવી.

સંપર્ક માટેની વિગતો
ઘણા લોકો એક કરતાં વધુ ઈ-મેઇલ ID અને ફોન-નંબર વાપરતા હોય છે. આમ અલગ-અલગ ઈ-મેઇલ અને ફોન-નંબર સાથે સંકળાયેલાં રોકાણોનો તાગ સાધવાનું મુશ્કેલ બનતું હોય છે. ઘણી વાર લોકો ઘર બદલ્યા પછી જરૂરી હોય એવી અનેક જગ્યાએ સરનામું પણ બદલતા નથી. આવામાં જૂની જગ્યા સાથે સંકળાયેલાં રોકાણો ભુલાઈ જવાનું જોખમ રહે છે. આ રીતે નાણાં ગેરવલ્લે જતાં રહે છે અને મોટું નુકસાન થાય છે. આ રીતે નાણાકીય બાબતોમાં ચોકસાઈ ખૂબ જ જરૂરી હોય છે, જે રોકાણ કરનારાઓ અને તેમના વારસદારો બધા માટે ઉપયોગી ઠરે છે.

mutual fund investment columnists gujarati mid-day business news share market