26 December, 2021 06:29 PM IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર
એક સર્વે પ્રમાણે ૨૦૨૧માં સૌથી વધુ વપરાયેલાં ઇમોજીમાં ‘ફેસ વિથ ટિયર્સ ઑફ જૉય’ પહેલા નંબરે આવ્યું છે. લોકો સોશ્યલ મીડિયા પર ખડખડાટ હસવાનાં ઇમોજિસ જેટલી ઝડપથી મોકલે છે એટલી ઝડપથી પોતે રિયલ લાઇફમાં હસે છે ખરા? આજે એવા કેટલાક લોકોને મળીએ જેઓ પોતે પણ ખૂબ હસે છે અને બીજાઓને પણ ખૂબ હસાવે છે
હસવું કોને ન ગમે? એમાંય આજના આ ટેન્શનવાળા યુગમાં તો હસીએ એટલું ઓછું છે. હસવાથી બીમારી કોસો દૂર રહે છે એવું વૈજ્ઞાનિકો કહે છે અને સાવ એવું પણ નથી કે લોકો હસતા નથી. જોકે હવે લોકો સોશ્યલ મીડિયા પર વધારે હસતા હોય છે એવું યુનિકોડ કન્સોર્ટિયમ નામની સામાજિક સંસ્થાએ કરેલો સર્વે કહે છે. વિવિધ ડિજિટલ પ્લૅટફૉર્મ પર કમ્યુનિકેશન દરમ્યાન સૌથી વધુ વપરાતું ઇમોજી છે ‘ફેસ વિથ ટિયર્સ ઑફ જૉય’ એટલે કે એવું ખડખડાટ હાસ્ય જેમાં હસવાને કારણે આંખમાંથી પાણી આવી ગયું હોય. ઇમોજિસ ડિઝાઇન કરતી આ સંસ્થાના ડેટા પ્રમાણે નહીં નહીં તો ૨૦૧૭થી ખડખડાટ હાસ્યવાળું આ ઇમોટિકન પહેલા નંબરે છે. બીજા નંબરે હાર્ટનું સિમ્બૉલ છે, ત્રીજા નંબરે હસીને બેવડ વળી ગયાનું ઇમોજી છે. જોકે ડિજિટલ પ્લૅટફૉર્મ પર આ રીતે ખડખડાટ હસતા લોકો વાસ્તવિકતામાં કેટલું દિલ ખોલીને હસી શકે છે? હસવા અને હસાવવાની નિતનવી વાતો સાથે કેટલાક એવા ગુજરાતીઓ સાથે વાત કરીએ જેઓ તેમના વર્તુળના લાફિંગ બુદ્ધા છે. પોતે તો ખુશમિજાજી છે જ અને તેમની સાથે રહેનારા તમામને તેઓ હાસ્યથી તરબોળ કરી મૂકે છે. એક મિનિટ, આમાંથી એકેય પાછા કૉમેડિયન કે મિમિક્રી આર્ટિસ્ટ નથી હોં.
રમતા જોગી
હસવાની બાબતમાં કોઈની શેહશરમ ન જ રાખવાની હોય એવું માને છે માટુંગામાં રહેતાં પ્રિયા ત્રિવેદી. તેમને હસતાં જોઈને ભલભલાને હસવું આવી જાય એવું ચેપી રીતે તેઓ હસતાં હોય છે. ખુશ રહેવાનું અને દુઃખને લાંબો સમય મનમાં વેંઢારીને નહીં ફરવાનું એ તેમના જીવનનો નિયમ તેમણે લાંબા સમય સુધી પાળ્યો છે. તેમના મિત્રવર્તુળમાં પણ તેઓ તેમના ખડખડાટ હાસ્ય અને ખેલદિલી માટે જાણીતાં છે. પ્રિયાબહેન કહે છે, ‘તમે ચાહો તો જીવનના દરેક સંજોગોમાંથી હાસ્ય શોધી શકો છો. સૌથી મોટું સુખ એ છે કે મને બહુ જૂની વાતો યાદ નથી રહેતી. મારો ભૂલક્કડ સ્વભાવ જ મારા માટે વરદાન છે. મારા હસબન્ડ ગયા ત્યારે બે વર્ષ હું ખૂબ ટ્રૉમામાં હતી, પણ મારા મિત્રોએ જ મને એમાંથી બહાર કાઢી, જેમાં પણ આ હાસ્યએ ખૂબ મદદ કરી છે. મારા દીકરાઓ સાથે પણ ખડખડાટ હસી પડીએ એવા પ્રસંગોને યાદ કરીને અમે હસતા હોઈએ છીએ. મને યાદ છે કે હું જ્યારે ટીચર તરીકે સક્રિય હતી ત્યારે નાનાં બાળકો મને શેંડી લગાવી જતાં. હોમવર્ક કેમ નથી કર્યું એવું પૂછું તો મમ્મીને કામ હતું કે મમ્મી બીમાર હતી એવું બહાનું આપે અને હું માની જાઉં. પછી જ્યારે તેની મમ્મી મને ફોન કરીને પૂછે કે તમે હોમવર્ક ન કર્યું હોય તો કેમ વઢતાં નથી ત્યારે મને ખબર પડે કે આ નાનકડું બાળક મને શેંડી લગાવી ગયું અને પછી હું એકલી-એકલી હસું. આવું તો અઢળક વાર બન્યું છે કે હું હસી પડી છું. મારા સ્કૂલના અને કૉલેજના ફ્રેન્ડ્સ મને મારા આ મસ્તમૌજી સ્વભાવને કારણે જ રમતા જોગી કહે છે. મારી દૃષ્ટિએ દરેક બાબતોને જેટલી લાઇટલી લઈ શકાય એટલી લાઇટલી લેવાના પ્રયાસ કરવા એ જિંદગી જીવવાનો બેસ્ટ તરીકો છે.’
હાસ્ય અને અટ્ટહાસ્ય
ફાઇનૅન્સ કંપનીમાં મૅનેજરિયલ લેવલ પર કામ કરતી પાયલ કંથારિયાના હાસ્યને લોકો જોતા રહી જાય, સાંભળતા રહી જાય અને પછી કૉપી કરતા પણ રહી જાય. પાયલ કહે છે, ‘નાનપણથી મારી આદત છે કે હું જ્યારે પણ હસું ત્યારે ખૂલીને અને જોરથી હસું. નાનપણમાં મને લોકો વઢતા પણ ખરા કે આટલા જોરથી હસવાની શું જરૂર છે, પણ કોને ખબર મારાથી હસવાનું રોકાય જ નહીં. હું મારા હસવાને દબાવી ન શકું. મને યાદ છે કે હું મારા ફ્રેન્ડના ઘરે ગયેલી અને હું પોતે જ પડી ગઈ. મારા પર કોઈ બીજું હસે એ પહેલાં હું જ હસવા માંડી. એવી ખડખડાટ હસી કે વાત ન પૂછો. મને શું વાગ્યું, ક્યાં વાગ્યું એની ચર્ચા પણ ન કરી શકું એટલું હસવું આવે. એવી જ રીતે એક વાર ફરવા ગયાં ત્યારે મારા એક ફ્રેન્ડની વાઇફ બરફમાં સ્લીપ થઈને પડી ગઈ. એ જોઈને મને હસવું છૂટી ગયું. મારા હસબન્ડ અને મારો ફ્રેન્ડ મને વઢે કે આટલું શું હસે છે. ક્યારેક સંકોચજનક સ્થિતિ થતી શરૂઆતમાં. જોકે હવે મારી સાથે રહેનારા લોકોને મારા નેચર વિશે ખ્યાલ આવી ગયો છે કે હું હસું ત્યારે દિલ ખોલીને હસું છું. હું ઇમોશનલ પણ એટલી જ છું. જોકે એક વાત નક્કી છે કે ક્યારેય લાંબા સમય માટે દુખી થઈને નહીં રહેવાનું. આટલા સ્ટ્રેસ અને ટેન્શન વચ્ચે બે ઘડીનું હાસ્ય મળે તો એને એન્જૉય કરી લેવાનું. કોવિડ પછી હું અને મારા હસબન્ડ બન્ને વર્ક ફ્રૉમ હોમ કરી રહ્યાં છીએ. આખો દિવસ એકબીજા સાથે આટલા કલાક રહેતા હો તો તમે એકબીજાની ઉડાડ્યા વિના જીવી કેમ શકો? અમે ભરપૂર એકબીજાની ખિલ્લી ઉડાડીએ છીએ અને ઘણી વાર તેને મારું મોઢું જોઈને પણ હસવું છૂટી જાય છે.’
નાચી-નાચીને હસાવ્યા
થાણેમાં રહેતા પ્રદીપ ટેલર માહોલના માણસ છે એમ કહીએ તો ચાલે. બને એટલા ખુશ રહેવું અને લોકોને ખુશ રાખવા એ તેમના જીવનનો સિદ્ધાંત છે. એક વાર દુબઈમાં ડેઝર્ટ સફારીમાં પ્રદીપભાઈ તેમના મિત્રો સાથે ફરવા ગયા ત્યારે ત્યાં પર્ફોર્મન્સ આપી રહેલી ડાન્સર એક પછી ઑડિયન્સમાં રહેલા તમામ લોકોને ફ્લોર પર નાચવા માટે બોલાવી રહી હતી. હવે ત્યાં જે પણ ડાન્સ ચાલતો હોય, પણ પ્રદીપભાઈ ફ્લોર પર ગયા ત્યારે તેમણે અસ્સલ બૉલીવુડ-સ્ટાઇલનો ડાન્સ શરૂ કર્યો અને સામે બેસેલું ઑડિયન્સ જે હસે જે હસે. આજે પણ એ કિસ્સો યાદ કરીને તેમના મિત્રો હસતાં-હસતાં બેવડ વળી જાય છે. જે કરીએ એમાં મન ભરીને કરવાનું એમ જણાવીને પ્રદીપભાઈ કહે છે, ‘મારા એક કઝિન ભાઈ છે, તેમને તમે જ્યારે જુઓ ત્યારે હસતા જ હોય. અરે, તેમના ચહેરા પરથી તમે અંદાજ પણ ન લગાવી શકો કે તે ખુશ છે કે દુખી છે. તેમનો સદાકાળ હસમુખો ચહેરો અને દરેક વાતને હાસ્ય સાથે લેવાની તેમની આદત અમને તાજ્જુબ પમાડતી હોય છે.’
આંખ મીંચીને ઝઘડો
મલાડમાં રહેતા ઇન્ટીરિયર ડિઝાઇનર નિકુંજ શાહના હાસ્યનાં કારનામાં એવાં ફેમસ છે કે તેમની હાજરી હોય એટલે તેમના ગ્રુપને એ હાશકારો હોય કે હવે મજા આવશે. એટલે સુધી કે તેમના ઘરમાં તેમની વાઇફ ક્યારેક તેમના પર અકળાય તો તે તેનો ગુસ્સો આંખ બંધ કરીને પ્રગટ કરે. એનું કારણ આપતાં નિકુંજભાઈ કહે છે, ‘એવું સેંકડો વાર બન્યું છે કે મારી ભૂલ હોય અને ખરેખર તેનું મારા પર ગુસ્સે થવાનું વાજબી હોય તો પણ તે મને જુએ અને તેનાથી હસી પડાય. એવું નથી કે કંઈ હું કાર્ટૂનની જેમ તૈયાર થયેલો હોઉં, પણ અમારી વચ્ચે ફની કહી શકાય એવી મેમરીઝ એટલી બધી છે કે મારી હરકતો જોઈને તેને એ યાદ આવે અને તે ગુસ્સો કરતાં-કરતાં હસી પડે.’