24 March, 2023 09:40 PM IST | Mumbai | Bhavini Lodaya
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
આપણે જેમ-જેમ સફળતા મેળવીએ એમ-એમ આપણી અંદર કમ્ફર્ટ ઝોન આવી જાય છે. જેમ હાથ પંખાથી સીલિંગ ફૅન, સીલિંગ ફૅનથી કૂલ૨ અને કૂલરથી એસી આમ જિંદગીમાં કમ્ફર્ટ વધતી ગઈ. આપણી લાઇફમાં પણ આપણે જેમ આગળ વધીએ એમ એક સ્ટેપ આગળ વધતા જઈએ. જેમ-જેમ સુવિધાઓ આવતી જાય એટલે આળસ પણ સાથે-સાથે શરૂ થઈ જાય અને આ સફળતાના નવા ટ્રૅપમાં આપણે ફસાઈ જઈ ચૅલેન્જ લેવાનું છોડી સાવ નિરાંતનું જીવન જીવવાનું વિચાર કરવા લાગીએ છીએ. આવું કરવાથી આપણે આળસને નિમત્રંણ આપીએ છીએ. આપણે આપણી રોજબરોજની લાઇફમાં કમ્ફર્ટ શોધતા રહેવાને બદલે ચૅલેન્જિંગ સિચુએશનનો સ્વીકાર કરતાં શીખવું જોઈએ.
એક્ઝામમાં જ્યારે આપણે પેપર આપતા હોઈએ અને પરીક્ષાનાં બે પેપર વચ્ચે ૧૦થી ૧૫ દિવસની રજા આવી જાય તો સ્ટુડન્ટ્સ વાંચતા નથી. તેમને એવું લાગે છે કે આજે હું મૂવી જોઈ લઉં, કાલે ભણવા બેસીસ. એમ કરીને દિવસો વીતતા જાય છે. છેલ્લે વાંચવાનું છૂટી જાય છે અને પૂરતો સમય મળ્યો હોવા છતાં સ્ટુડન્ટ્સ ઓછા માર્ક મેળવે છે. નાની ઉંમરે વિદ્યાર્થીઓને સમયના મહત્ત્વની સમજણ જ નથી. આજે જો આપણે સમયનો સદુપયોગ કરી લાઇફમાં ચૅલેન્જને ઍક્સેપ્ટ કરી આગળ વધતા રહીશું તો ક્યારે પણ નિરાશા નહીં મળે અને આપણે આપણી લાઇફમાં સફળ થઈ શકીશું.
કોઈ પણ વ્યક્તિ તમારી જિંદગીને નહીં બદલી શકે, તમારે પરીક્ષામાં પાસ થવું છે તો જાતે જ મહેનત કરીને પરીક્ષામાં માર્ક સ્કોર કરવા પડે. સફળ થવા માટે ઝુનૂન હોવું જરૂરી છે. આપણો દૃઢ નિશ્ચય અને તનતોડ મહેનત કરીએ તો દુનિયાની કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ. જિંદગીમાં સફળ થવું હોય તો સિંહની જેમ એકલા લડતા શીખવું પડે.
કુદરતનો પણ નિયમ છે ‘જે પાનખર ઋતુને ઝીલે, એને જ વસંત આવે’. જ્યાં સુધી આપણે ચૅલેન્જને ઍક્સેપ્ટ ન કરીએ ત્યાં સુધી સફળતા ન મળે. નસીબ હોતું નથી, એને બનાવવું પડે છે, એના માટે મહેનત કરવી પડે છે. માટે જિંદગીમાં આગળ વધવા ચૅલેન્જનો સામનો કરી એને સ્વીકારતા શીખો. સફળ થવું હોય તો ક્યારે પણ કોઈ પણ કામને પોસ્ટપોન ન કરો. સમયસર કામ કરી લેવાની ટેવ હશે તો સમય ક્યારેય ખૂટશે નહીં, પૂરતી તૈયારી સાથે તમે કોઈ પણ પડકાર ઝીલવા તૈયાર રહી શકશો.
શબ્દાંકન : ભાવિની લોડાયા